બેફામ બનેલાં અસામાજિક તત્ત્વો પર લગામ કસવા તખ્તો તૈયાર
ગુજરાતના પોલીસવડા વિકાસ સહાયે પોલીસ અધિકારીઓ સાથે વિડિયો-કૉન્ફરન્સથી તાકીદની બેઠક યોજી હતી.
અમદાવાદ અને સુરત સહિત ગુજરાતમાં બેફામ બનેલાં અસામાજિક તત્ત્વો પર લગામ કસવા ગુજરાત પોલીસે તખ્તો તૈયાર કર્યો છે અને ૧૦૦ કલાકમાં ગુજરાતભરનાં અસામાજિક ગુંડાતત્ત્વોની યાદી તૈયાર કરવાનો રાજ્યના પોલીસવડા વિકાસ સહાયે ગઈ કાલે આદેશ આપ્યો હતો.
ગુજરાતમાં અસામાજિક ગુંડાતત્ત્વો પર કડક કાર્યવાહી કરીને તેમના પર અંકુશ મેળવવાના ઉદ્દેશ સાથે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશમાં અને ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગઈ કાલે ગુજરાતના પોલીસવડા વિકાસ સહાયે તમામ પોલીસ-કમિશનર, રેન્જ વડા અને પોલીસ અધીક્ષકોની સાથે વિડિયો-કૉન્ફરન્સથી તાકીદની બેઠક યોજી હતી અને સૂચના આપી હતી. વિકાસ સહાયે કહ્યું હતું કે ‘અત્યારથી ૧૦૦ કલાકમાં ગુજરાતમાં જેટલાં પોલીસ-સ્ટેશન છે એમને સૂચના અપાઈ છે કે તેમના વિસ્તારમાં જે અસામાજિક ગુંડાતત્ત્વો છે તેમનું લિસ્ટ તૈયાર કરવામાં આવે. આ લિસ્ટ તૈયાર થયા પછી આ બધા સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટેની રૂપરેખા તૈયાર કરી છે. શરીરસંબંધી ગુનાઓમાં સંકળાયેલી વ્યક્તિઓ, ખંડણી ઉઘરાવવાના અને ધાકધમકી આપવાના ગુનાઓમાં સંડોવાયેલા, મિલકત સામેના ગુનાઓ આચરનારા, પ્રોહિબિશન અને જુગારનો ગેરકાયદે ધંધો કરતાં તત્ત્વો, ખનિજચોરી જેવા ગુનાઓમાં સંકળાયેલાં તથા અન્ય અસામાજિક કૃત્યો દ્વારા જનતામાં ભય ફેલાવનારાં તત્ત્વોને આ યાદીમાં સામેલ કરવાનો આદેશ આપ્યો છે.’

