Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતમાં સતત બીજી ચૂંટણીમાં મતદાન ઘટ્યું

ગુજરાતમાં સતત બીજી ચૂંટણીમાં મતદાન ઘટ્યું

07 December, 2022 10:18 AM IST | Ahmedabad
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

રાજ્યમાં ઓવરઑલ ૬૪.૩૩ ટકા મતદાન થયું, ગુજરાતમાં મતદારો ઉદાસીન થતા જઈ રહ્યા છે ઃ સૌથી વધુ ૭૮.૪૨ ટકા મતદાન નર્મદા જિલ્લામાં અને સૌથી ઓછું ૫૭.૫૯ ટકા બોટાદ જિલ્લામાં

ફાઇલ તસવીર

Gujarat Election

ફાઇલ તસવીર


ગુજરાતના મતદારો કોઈ પણ કારણસર ઉદાસીન થતા જઈ રહ્યા હોવાનું ચૂંટણીઓમાં સતત ઘટી રહેલા મતદાનના આંકડાઓ પરથી જણાઈ રહ્યું છે. ગુજરાતમાં સતત બીજી વખત યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં અગાઉની ચૂંટણીની સરખામણીએ મતદાન ઘટ્યું છે. ગુજરાતમાં આ વખતે યોજાયેલી ચૂંટણીમાં બન્ને તબક્કામાં થઈને કુલ ૬૪.૩૩ ટકા મતદાન થયું છે.

જેમાં પુરુષ મતદારોનું ૬૬.૭૪ ટકા અને મહિલા મતદારોનું ૬૧.૭૫ ટકા, જ્યારે થર્ડ જેન્ડરનું ૩૧.૯૯ ટકા મતદાન થયું હતું. ગુજરાતમાં સૌથી વધુ ૭૮.૪૨ ટકા મતદાન નર્મદા જિલ્લામાં અને સૌથી ઓછું ૫૭.૫૯ ટકા બોટાદ જિલ્લામાં થયું હતું. નર્મદા જિલ્લામાં પુરુષો અને મહિલા મતદારોનું સૌથી વધુ મતદાન થયું હતું. આ જિલ્લામાં પુરુષ મતદારોનું સૌથી વધુ ૭૯.૮૧ ટકા અને મહિલા મતદારોનું સૌથી વધુ ૭૭.૦૧ ટકા મતદાન થયું હતું.



ગુજરાતમાં ૨૦૧૭માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કુલ ૬૮.૪૧ ટકા મતદાન થયું હતું, જે ૨૦૧૨માં યોજાયેલી ચૂંટણી કરતાં ૩.૫૯ ટકા ઓછું મતદાન હતું. આ વખતે ૨૦૨૨માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૬૪.૩૩ ટકા મતદાન થયું છે જે ૨૦૧૭માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના મતદાન કરતાં ૪.૦૮ ટકા ઓછું થયું છે. આમ ગુજરાતમાં સતત બીજી વાર એવું બન્યું છે કે અગાઉની વિધાનસભાની ચૂંટણીઓ કરતાં મતદાનમાં ઘટાડો નોંધાતો ગયો છે. બીજેપી, કૉન્ગ્રેસ સહિતના રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં કોઈ કસર છોડતા ન હોવા છતાં પણ મતદાન સતત ઘટી રહ્યું છે એ બાબત અભ્યાસ માગી લે એવી છે.


સતત બીજી વાર મતદાન ઘટતાં રાજકીય પક્ષોમાં ચિંતા પેઠી છે. આ વખતે મતદારોએ પોતાનું મન કળવા દીધું નથી અને ઓછું મતદાન કરતાં પરિણામ શું આવશે એ વિશે અત્યારથી જ રાજકીય પક્ષો અને નેતાઓ ચિંતાતુર બન્યા છે.

ઉલ્લેખનીય બાબત એ છે કે બીજા તબક્કાના મતદાનમાં અમદાવાદ અને વડોદરા શહેરમાં પણ ઓછું મતદાન થવા પામ્યું છે. અમદાવાદ જિલ્લામાં ૫૯.૦૫ ટકા અને વડોદરા જિલ્લામાં ૬૫.૮૩ ટકા મતદાન થયું છે.


Whatsapp-channel Whatsapp-channel

07 December, 2022 10:18 AM IST | Ahmedabad | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK