બે દિવસ પહેલાં બનેલી આ ઘટનામાં આરોપીને ગઈ કાલે કોર્ટેમાં રજૂ કરીને પોલીસે રિમાન્ડ મેળવ્યા ઃ આરોપી મુંબઈ તરફ નાસી જતો હતો ત્યારે પોલીસે ઝડપી લીધો
ઉમરગામમાં બાળકી પર થયેલા જાતીય અત્યાચારના વિરોધમાં રસ્તા પર ઊતરેલા લોકો
દક્ષિણ ગુજરાતમાં આવેલા ઉમરગામના દેવધામ વિસ્તારમાં રહેતી ત્રણ વર્ષ અને ત્રણ મહિનાની બાળકી સાથે ૨૭ ઑગસ્ટે બપોરે દુષ્કર્મની ઘટના બની હતી. જોકે આ કેસમાં ઉમરગામ પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે તાત્કાલિક ઍક્શનમાં આવીને મહારાષ્ટ્ર તરફ જઈ રહેલા આરોપી ગુલામ મુસ્તફાને ઝડપી લઈને ગઈ કાલે કોર્ટમાં હાજર કરીને બીજી સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મેળવ્યા છે. આરોપી વિરુદ્ધ તમામ પ્રકારના પુરાવા ભેગા કરીને તાત્કાલિક ચાર્જશીટ કરી ફાસ્ટ ટ્રૅક કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે.
બે દિવસ પહેલાં બનેલી આ ઘટનામાં આરોપી બાળકીના પિતાનો મિત્ર હતો અને તેણે બાળકી સાથે અડપલાં કર્યાં હોવાનું કહેવાય છે. ઘટના બાદ તે નાસી જતાં બાળકીના વાલીએ ઉમરગામ પોલીસને બનાવની જાણ કરતાં પોલીસે તાત્કાલિક વલસાડ જિલ્લા પોલીસ કન્ટ્રોલને જાણ કરી હતી. એ પછી વલસાડ જિલ્લા પોલીસની ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશ્યલ ઑપરેશન ગ્રુપ તેમ જ અન્ય અધિકારીઓની અલગ-અલગ ટીમ બનાવીને આરોપીની શોધખોળ હાથ ધરી હતી. આરોપી મહારાષ્ટ્રમાં નાસી જવા માટે સંજાણ રેલવે સ્ટેશનથી સુરત-વિરારની ટ્રેનમાં મુંબઈ થઈને પોતાના વતન ભાગવાની ફિરાકમાં હતો ત્યારે પોલીસે તેને પાલઘરથી ઝડપી લીધો હતો. આરોપીને દાખલારૂપ સજા થાય એ માટે વાપી નાયબ પોલીસ અધીક્ષકની અધ્યક્ષતામાં સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી છે. ઉલ્લેખનીય છે કે આ ઘટનાને લઈને બુધવારે ‘ઉમરગામ બંધ’નું એલાન અપાયું હતું અને લોકો વિરોધ-પ્રદર્શન કરવા રસ્તા પર ઊતર્યા હતા.


