૧૯૪૮ના ફૅક્ટરીઝ ઍક્ટમાં સુધારો કરતું બિલ વિધાનસભામાં મંજૂર : કૉન્ગ્રેસ અને AAPએ બિલને વખોડી કાઢ્યું
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
કૉન્ગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP)ના વિરોધ વચ્ચે BJPના વિધાનસભ્યોના સમર્થનથી ગુજરાત વિધાનસભાએ બુધવારે ઔદ્યોગિક કાર્ય સમયને હાલના ૯ કલાકથી વધારીને ૧૨ કલાક સુધી કરવાના સુધારા બિલને મંજૂર કર્યું હતું.
આ ફૅક્ટરીઝ (ગુજરાત સુધારો) બિલ, ૨૦૨૫ પાસ થવાને લીધે હવે ૧૯૪૮ના ફૅક્ટરીઝ ઍક્ટમાં સુધારો થયો છે. આ બિલ મહિલાઓને સલામતીનાં પૂરતાં પગલાં સાથે સાંજે ૭થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ શિફ્ટમાં કામ કરવાની પણ મંજૂરી આપે છે.
ADVERTISEMENT
વિધાનસભામાં બહુમતીથી પસાર થયેલું આ બિલ જુલાઈમાં બહાર પાડવામાં આવેલા વટહુકમનું સ્થાન લેશે. વિપક્ષ કૉન્ગ્રેસ અને AAPએ આ બિલનો વિરોધ કર્યો હતો.
બિલ રજૂ કરનારા ઉદ્યોગપ્રધાન બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે ‘આ કાયદાનો હેતુ આર્થિક પ્રવૃત્તિઓ અને રોજગારની તકો ઊભી કરવા માટે રોકાણ અને ઔદ્યોગિક વિકાસને વેગ આપવાનો છે. દૈનિક કાર્યકલાકોની મર્યાદા વધારી હોવા છતાં અઠવાડિયામાં કુલ કાર્ય-કલાકો ૪૮ કલાકથી ઓછા જ રહેશે.’
આ ઉપરાંત વિધાનસભાએ સર્વાનુમતે ગુજરાત મેડિકલ પ્રૅક્ટિશનર્સ (સુધારા) બિલ અને ગુજરાત ક્લિનિકલ એસ્ટૅબ્લિશમેન્ટ્સ (નોંધણી અને નિયમન) (બીજો સુધારો) બિલ પસાર કર્યું હતું જેમાં હાલના કાયદાઓમાં નાના ફેરફારો કરવામાં આવ્યા હતા.


