દિવાળીના પર્વમાં રવિવારે રાતે અમદાવાદમાં ફટાકડા ફોડવા બાબતે થયેલી તકરારમાં વચ્ચે પડેલા પિતા અને પુત્રની હત્યા કરી દેવાતાં ચકચાર મચી ગઈ હતી.
પ્રતીકાત્મક તસવીર
અમદાવાદ ઃ દિવાળીના પર્વમાં રવિવારે રાતે અમદાવાદમાં ફટાકડા ફોડવા બાબતે થયેલી તકરારમાં વચ્ચે પડેલા પિતા અને પુત્રની હત્યા કરી દેવાતાં ચકચાર મચી ગઈ હતી. હત્યા કરી દેવાયેલા વ્યક્તિ સાથે આરોપીઓને બે દિવસ પહેલાં માથાકૂટ થઈ હતી અને ફટાકડા ફોડવાના મુદ્દે અન્ય સાથે થયેલા ઝઘડામાં વચ્ચે પડતાં આરોપીઓએ તેના અને તેના પુત્ર પર છરીના ઘા કરીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. પોલીસે મૃતકની પત્નીની ફરિયાદના આધારે ચાર આરોપીઓ સામે ગુનો નોંધીને તેમને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યાં છે.
અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી સોમનાથ સોસાયટીના રસ્તા પર જાહેરમાં રવિવારે રાતે આરોપીઓ દીપક મરાઠી, દીપક પટેલ, બંટી અને મયૂર મરાઠીએ અગાઉના ઝઘડાની અદાવત રાખીને છરીઓ વડે ધિરેનસિંગ અને વિજયશંકર બંસીલાલના શરીરે જીવલેણ ઈજાઓ કરીને મોત નીપજાવી ભાગી જઈને ગુનો કર્યો હતો. ઈજાગ્રસ્તોને સારવાર માટે એલ.જી. હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરે તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.

