Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ચારુસેટના વૈજ્ઞાનિક ડૉ. રીતુ વાર્શ્નેયને બાયોમેડિકલ સંશોધન માટે રૂ. 65 લાખથી વધુની રિસર્ચ ગ્રાન્ટ

ચારુસેટના વૈજ્ઞાનિક ડૉ. રીતુ વાર્શ્નેયને બાયોમેડિકલ સંશોધન માટે રૂ. 65 લાખથી વધુની રિસર્ચ ગ્રાન્ટ

Published : 30 June, 2026 09:00 PM | IST | Gandhinagar
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

અલ્ઝાઇમર, પાર્કિન્સન, ડાયાબિટીસ અને વૃદ્ધાવસ્થા સંબંધિત ગંભીર રોગોના સંશોધનને મળશે નવી દિશા, આ ગ્રાન્ટનો ઉપયોગ અલ્ઝાઇમર, પાર્કિન્સન, ડાયાબિટીસ તેમજ વૃદ્ધાવસ્થા સાથે સંકળાયેલા ગંભીર રોગોના અભ્યાસ અને સંભવિત સારવાર વિકસાવવા માટે કરવામાં આવશે.

ડૉ. રીતુ વાર્શ્નેય

ડૉ. રીતુ વાર્શ્નેય


અલ્ઝાઇમર, પાર્કિન્સન, ડાયાબિટીસ અને વૃદ્ધાવસ્થા સંબંધિત ગંભીર રોગોના સંશોધનને મળશે નવી દિશા, ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન પી.ડી. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એપ્લાઇડ સાયન્સિસ (PDPIAS)ના ડિપાર્ટમેન્ટ ઑફ બાયોલૉજિકલ સાયન્સિસમાં આસિસ્ટન્ટ પ્રૉફેસર ડૉ. રીતુ વાર્શ્નેયે બાયોમેડિકલ સંશોધન ક્ષેત્રે મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. તેમને ગુજરાત સરકાર અને ભારત સરકાર તરફથી કુલ રૂ. 65 લાખથી વધુની બે પ્રતિષ્ઠિત રિસર્ચ ગ્રાન્ટ પ્રાપ્ત થઈ છે. આ ગ્રાન્ટનો ઉપયોગ અલ્ઝાઇમર, પાર્કિન્સન, ડાયાબિટીસ તેમજ વૃદ્ધાવસ્થા સાથે સંકળાયેલા ગંભીર રોગોના અભ્યાસ અને સંભવિત સારવાર વિકસાવવા માટે કરવામાં આવશે.

GSBTM તરફથી રૂ. 59.70 લાખની ગ્રાન્ટ



ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલૉજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સ્ટેટ બાયોટેક્નોલૉજી મિશન (GSBTM) દ્વારા ડૉ. રીતુ વાર્શ્નેયને રૂ. 59.70 લાખની રિસર્ચ ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. Development of a Stable Isogenic Cell-Based Platform for Functional and Translational Autophagy Research in Health and Disease શીર્ષક ધરાવતા આ પ્રૉજેક્ટમાં શરીરની કુદરતી કોષીય સફાઈ પ્રક્રિયા ઓટોફેજી (Autophagy) અંગે સંશોધન કરવામાં આવશે.


ઓટોફેજી શરીરમાં નુકસાન પામેલા કોષીય ઘટકોને દૂર કરીને કોષોને સ્વસ્થ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઉપવાસ અને નિયમિત વ્યાયામ દરમિયાન આ પ્રક્રિયા સ્વાભાવિક રીતે સક્રિય થાય છે. જોકે, જ્યારે આ પ્રક્રિયામાં ખામી સર્જાય છે ત્યારે અલ્ઝાઇમર, પાર્કિન્સન, ડાયાબિટીસ અને કેન્સર જેવા ગંભીર રોગો થવાની શક્યતા વધી જાય છે. આ પ્રૉજેક્ટ અંતર્ગત અદ્યતન માનવ કોષીય મોડેલ્સ વિકસાવવામાં આવશે, જેના આધારે વૈજ્ઞાનિકો ઓટોફેજીની પ્રક્રિયાને વધુ સારી રીતે સમજી શકશે તેમજ નવી દવાઓના વિકાસ માટે વધુ અસરકારક સંશોધન કરી શકશે. આ સંશોધન ગુજરાત અને ભારતના બાયોમેડિકલ સંશોધન અને નવીનતા ક્ષેત્રને વધુ મજબૂત બનાવશે.

IIT રૂરકી સાથે સંયુક્ત સંશોધન


આ પ્રૉજેક્ટમાં આઈઆઈટી રૂરકીના પ્રોફેસર પાર્થ રોય કો-ઇન્વેસ્ટિગેટર તરીકે જોડાયેલા છે. ચારુસેટ અને IIT વચ્ચેનો આ સહયોગ આંતરવિષયક સંશોધનને નવી ઊંચાઈએ પહોંચાડશે અને આરોગ્ય ક્ષેત્રના પડકારોનો સામનો કરવામાં મદદરૂપ બનશે.

ANRF તરફથી રૂ. 5.97 લાખની બીજી ગ્રાન્ટ

ડૉ. રીતુ વાર્શ્નેયને અનુસંધાન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન (ANRF), ભારત સરકાર તરફથી પણ રૂ. 5.97 લાખની રિસર્ચ ગ્રાન્ટ પ્રાપ્ત થઈ છે. Mapping Pathogenic Post-Translational Modifications on Tau in Alzheimer`s Disease and Their Selective Clearance via Nanobody–E3 Ligase Chimeras શીર્ષક ધરાવતા આ પ્રૉજેક્ટમાં અલ્ઝાઇમર રોગ સાથે સંકળાયેલા મગજના ટાઉ (Tau) પ્રોટીનમાં થતા હાનિકારક ફેરફારોનો અભ્યાસ કરવામાં આવશે. સંશોધન દરમિયાન એવી નવી ટેક્નોલોજી વિકસાવવામાં આવશે, જેના દ્વારા રોગને પ્રોત્સાહન આપતા પ્રોટીનને શરીરમાંથી પસંદગીપૂર્વક દૂર કરી શકાય. અલ્ઝાઇમર જેવી ગંભીર બીમારીની અસરકારક સારવાર વિકસાવવા માટે આ અભ્યાસ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

IIT ગાંધીનગર સાથે રાષ્ટ્રીય સ્તરનો પ્રૉજેક્ટ

આ રાષ્ટ્રીય સ્તરના પ્રૉજેક્ટનું નેતૃત્વ આઈઆઈટી ગાંધીનગરના ડૉ. શરદ ગુપ્તા પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર તરીકે કરી રહ્યા છે, જ્યારે ડૉ. રીતુ વાર્શ્નેય કો-પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર (Co-PI) તરીકે જોડાયેલા છે.

`આત્મનિર્ભર ભારત`ના વિઝનને મળશે વેગ

ચારુસેટ અને દેશની અગ્રણી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ્સ ઑફ ટેક્નોલોજી (IITs) વચ્ચેનો આ સંશોધન સહયોગ આરોગ્ય ક્ષેત્રના રાષ્ટ્રીય મહત્વના પડકારોના નિરાકરણ માટે આંતરવિષયક સંશોધનની વધતી ભૂમિકાને ઉજાગર કરે છે. આ બંને પ્રૉજેક્ટ `આત્મનિર્ભર ભારત`ના વિઝનને આગળ ધપાવશે. દેશમાં જ અદ્યતન સંશોધન સાધનો અને રોગોના મોડેલ્સ વિકસાવવા, વૈજ્ઞાનિક આત્મનિર્ભરતા મજબૂત બનાવવા, ભાવિ સંશોધકોને તાલીમ આપવા અને ભારતીય પરિસ્થિતિને અનુરૂપ આરોગ્યલક્ષી ઉકેલો વિકસાવવામાં આ સંશોધનો મહત્વપૂર્ણ યોગદાન આપશે.

ડૉ. રીતુ વાર્શ્નેયે શું કહ્યું?

આ સિદ્ધિ અંગે ડૉ. રીતુ વાર્શ્નેયે જણાવ્યું હતું, "અમારો મુખ્ય હેતુ અલ્ઝાઇમર, ડાયાબિટીસ અને વૃદ્ધાવસ્થા સાથે સંકળાયેલા જટિલ રોગોની સારવાર શોધવાની પ્રક્રિયાને ગતિ આપે તેવા ઇનોવેટિવ રિસર્ચ ટૂલ્સ અને થેરાપ્યુટિક સ્ટ્રેટેજી વિકસાવવાનો છે. અમને વિશ્વાસ છે કે આ પ્રૉજેક્ટોના પરિણામો ભવિષ્યમાં દર્દીઓ અને સમાજ માટે વધુ અસરકારક આરોગ્યસેવા ઉકેલો વિકસાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે."

Whatsapp-channel Whatsapp-channel

30 June, 2026 09:00 PM IST | Gandhinagar | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK