મૃત્યુ પામનાર દરેકના પરિવાર સાથે એક ઑફિસર, પોલીસ અને કાઉન્સેલરની ટીમ ફાળવી : ૧૯૨ ઍમ્બ્યુલન્સની વ્યવસ્થા કરાઈ
સિવિલ હૉસ્પિટલના પોસ્ટમૉર્ટમ રૂમ પાસે સ્વજનોના પાર્થિવ દેહ લેવા આવેલાં સગાંઓ.
પ્લેન-ક્રૅશ દુર્ઘટનાનો ભોગ બનેલા હતભાગીઓ પૈકી ગઈ કાલે સાંજ સુધીમાં મૃત્યુ પામેલા ૧૧ લોકોનાં ડીઑક્સિરિબૉ ન્યુક્લેઇક ઍસિડ (DNA) સૅમ્પલ તેમના સ્વજનો સાથે મૅચ થયાં છે. એ પૈકી નવ લોકોના પાર્થિવ દેહ પોલીસ-એસ્કોર્ટ સાથે તેમના ઘરે લઈ જવાયા હતા. સિવિલ હૉસ્પિટલમાં ૧૯૨ ઍમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યારે અત્યાર સુધીમાં ૨૪૮ સગાંઓનાં બ્લડ-સૅમ્પલ લેવાઈ ચૂક્યાં છે અને ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરી (FSL)ની ત્રણ ટીમ દ્વારા DNA સૅમ્પલ ઍનૅલિસિસની કામગીરી ચાલી રહી છે.
ગુજરાતના રાહત કમિશ્નર આલોક પાંડે અને અમદાવાદ સિવિલ હૉસ્પિટલના ઍડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ રજનીશ પટેલે મીડિયાને માહિતી આપતાં કહ્યું હતું કે ‘સાંજ સુધીમાં મૃત્યુ પામેલા ૧૧ લોકોનાં DNA સૅમ્પલ મૅચ કરી લેવાયાં છે, જેમાંથી પાર્થિવ દેહની ઓળખ કરીને પરિવારજનોને સોંપવામાં આવી રહ્યા છે. ગુજરાતના ૧૮ જિલ્લાના મૃત્યુ પામેલાઓના પરિવારજનોનો સરકાર દ્વારા સંપર્ક કરવામાં આવ્યો છે. મૃત્યુ પામેલા દરેકના પરિવાર માટે એક ઑફિસર, પોલીસ-કર્મચારી અને કાઉન્સેલર સાથેની એક અલાયદી ટીમ ફાળવવામાં આવી છે. આ ટીમ પાર્થિવ દેહને તેમના ઘર સુધી પહોંચાડવા માટે પરિવારની સાથે જશે. પાર્થિવ દેહ વતન પહોંચે ત્યારે ત્યાં પરિવારજનોને કોઈ મુશ્કેલી ન પડે એ માટે સ્થાનિક તલાટી દ્વારા તાત્કાલિક ધોરણે પેઢીનામું કાઢી આપવામાં આવશે. આ દુર્ઘટનામાં માર્યા ગયેલા ૧૧ વિદેશી નાગરિકોના પરિવારજનોનો તેમના દેશની એમ્બેસી મારફત સંપર્ક કરવામાં આવ્યો છે અને DNA સૅમ્પલ મૅચિંગ માટેની આવશ્યક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને બ્રિટિશ નાગરિકોના પાર્થિવ દેહ તેમના પરિવારોને સરળતાથી સોંપી શકાય એ માટે બ્રિટિશ સરકારના પ્રતિનિધિઓ સાથે સંકલન કરવામાં આવી રહ્યું છે.’
ADVERTISEMENT

સિવિલ હૉસ્પિટલના પોસ્ટમૉર્ટમ રૂમ પાસે ઊભી રહેલી ઍમ્બ્યુલન્સ અને એસ્કોર્ટ વાહન.
દુર્ઘટનામાં માર્યા ગયેલાઓના પરિવારને એક કરોડની ઉપર પચીસ લાખ વચગાળાની રાહત તરીકે અપાશે
અમદાવાદ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારને ઍર ઇન્ડિયા અને એની પેરન્ટ કંપની તાતા ગ્રુપ બન્ને મળીને ૧.૨૫ કરોડનું વળતર આપશે જેમાંથી ૧ કરોડ તાતા સન્સ આપશે અને પચીસ લાખની વચગાળાની રાહત ઍરલાઇન આપશે. આ જાહેરાત ઍર ઇન્ડિયાએ તેના ટ્વીટર હૅન્ડલ પર પણ કરી છે. એ ઉપરાંત જે લોકો ઘાયલ થયા છે (એકમાત્ર પૅસેન્જર રમેશ વિશ્વાસકુમાર) અને મેડિકલ કૉલેજના ઘાયલોની સારવારનો ખર્ચ પણ તેઓ ઉપાડશે એમ તાતા ગ્રુપ દ્વારા કહેવાયું છે.
૮ મૃતદેહો મુસાફરોના નહીં પણ સ્થાનિકોના
સિવિલ હૉસ્પિટલમાં શુક્રવારે જે ૮ મૃતદેહોની ઓળખ કરવામાં આવી હતી એ મૃતદેહો વિમાની મુસાફરોના નહોતા, પરંતુ વિમાની દુર્ઘટના સ્થળની આસપાસના રહેવાસીઓના હતા. એની કાર્યવાહી કરીને તેમનાં સગાંઓને સોંપવામાં આવ્યા હતા. જ્યારે ગઈ કાલે સાંજ સુધીમાં કુલ ૧૧ મૃતદેહની ઓળખ કરવામાં આવી હતી, જેમાંથી ૯ મૃતદેહને સ્વજનોને સોંપવામાં આવ્યા હતા. બીજા મૃતદેહો સોંપવાની કાર્યવાહી રાત સુધી ચાલુ રહી હતી.


