Bhavnagar Rain Updates: ભાવનગર જિલ્લાં છેલ્લા ચોવીસ કલાકમાં મુશળાધાર વરસાદ, કેટલાક રસ્તા બંધ થતાં વાહન વ્યવહાર પ્રભાવિત, ભાવનગર અને અમરેલી જિલ્લામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ
ભાવનગરમાં ભારે વરસાદને પગલે પૂરગ્રસ્ત વિસ્તારમાંથી લોકો સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરી રહ્યા છે (તસવીર સૌજન્યઃ પીટીઆઇ)
ગુજરાત (Gujarat)માં મેઘરાજાનું આગમન થઈ ગયું છે અને પહેલા જ વરસાદ (Gujarat Rains)માં અનેક જગ્યાએ પૂર જેવી સ્થિતિ નિર્માણ થઈ છે. ગુજરાતના ભાવનગર (Bhavnagar) જિલ્લામાં ભારે વરસાદે લોકો પર વિનાશ વેર્યો છે. ભાવનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં ૯ ઈંચ વરસાદ ખાબક્યો છે. અનેક ગામડાઓમાં પૂર જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે તો કેટલાક રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે.
ભાવનગર જિલ્લાના શિહોર તાલુકામાં ભારે વરસાદને કારણે ગામડાઓમાં પાણી ઘૂસી ગયા હતા. ભારે વરસાદને કારણે અનેક વાહનો પાણીમાં તણખાની જેમ તણાઈ ગયા હતા. જેમાં મોટરસાયકલ, ઓટો અને કારનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ, ભાવનગરના (Bhavnagar Rain Updates) સિહોર અને તેના ઉપરના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે શિહોરના ઘાંચીવાડ વિસ્તારમાં ઓટો રિક્ષા અને અન્ય વાહનો ફસાયા હતા. સિહોર ગામના ઘણા રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સાથે ચોમાસાના વરસાદને કારણે અન્ય ઘણા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા હતા.
પાલીતાણા-સિહોરને જોડતા ૧૨ ગામનો સંપર્ક તૂટ્યો હતો. પાલીતાણામાં ૨૪ કલાકમાં ૧૨ ઈંચ વરસાદ ખાબક્યો હતો.
તેમજ, ભાવનગર વાયા વલ્લભીપુર, ધંધુકા થઈ અમદાવાદ જતો હાઈવે બંધ થયો છે. ચમારડી પાસે કોઝવે પાણીમાં ગરકાવ થતા આ રસ્તો બંધ થયો છે. જેના કારણે વાહન વ્યવહાર બહુ ખરાબ રીતે પ્રભાવિત થયો છે. હાઈવે બંધ થતા અનેક વાહન ચાલકો ફસાયા છે. ભારે વરસાદને લઈ પાલિતાણા-ગારિયાધાર હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાયા હતા. જેને લઈ વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.
ભાવનગરના જેસરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. અહીં ૧૦ ઈંચ વરસાદ વરસતા જેસર નગર જળબંબાકાર થયું છે. જેસર તાલુકાના દેપલા, દેવેન્દ્રનગર, શાંતિનગર, કરલા, રાણપડા સહિતના ગામ જાણે બેટમાં ફેરવાયા હતા.
અનેક વિસ્તારોમાં શાળાના બાળકો વરસાદના પાણીને કારણે ફસાઈ ગયા છે. તેમને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવા માટે પ્રશાસન કાર્યરત છે.
મુશળધાર વરસાદથી ભાવનગર જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ છે. અહીં ચોવીસ કલાકમાં ૧૨ ઈંચ વરસાદથી પાલીતાણા પાણી પાણી થયું છે. જ્યારે સિહોરમાં ૧૧.૬ ઈંચ, જેસરમાં ૧૦.૭ ઈંચ ઉમરાળામાં ૧૦.૪ ઈંચ, વલ્લભીપુરમાં ૬.૩ ઈંચ વરસાદ નોંધાયો છે.
તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાની શરૂઆત સાથે જ ભાવનગર અને અમરેલી (Amreli) જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ઘણા ગામોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જોકે, વહીવટીતંત્રની ટીમ પરિસ્થિતિ અંગે સંપૂર્ણપણે સતર્ક છે.
દક્ષિણ ગુજરાત અને તેની આસપાસના વિસ્તારોમાં એક નીચા દબાણનો વિસ્તાર છે. આગામી ચોવીસ કલાક દરમિયાન તે વધુ સ્પષ્ટ થવાની અને ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની સંભાવના છે. ઉપરાંત, દક્ષિણ પશ્ચિમ બંગાળ અને તેની આસપાસના ગંગાના વિસ્તારોમાં બીજો એક નીચા દબાણનો વિસ્તાર છે. આ બે નીચા દબાણવાળા વિસ્તારોના પ્રભાવ હેઠળ, આગામી ૨૪ કલાક દરમિયાન સૌરાષ્ટ્ર (Saurashtra) અને કચ્છ (Kutch), ગુજરાત પ્રદેશ અને પૂર્વ ભારત (ગંગા કિનારાના પશ્ચિમ બંગાળ, ઓડિશા, બિહાર અને ઝારખંડ)માં ભારેથી અતિ ભારે વરસાદ અને ભારે વાવાઝોડાની શક્યતા છે.

