૫૧ દીકરીઓને ભોજનપ્રસાદ કરાવીને દાંતા રોડ પર થયો નિઃશુલ્ક ભોજનાલયનો શુભારંભ
નવા બનેલા ભોજનાલયમાં મહાનુભાવોએ સૌને ભોજન પીરસ્યું હતું.
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ગઈ કાલે નવરાત્રિના નોમના દિવસે અંબાજીમાં દાંતા રોડ પર આવેલા દિવાળીબા ગુરુભવન ખાતે ડોમ બનાવીને અંબિકા ભોજનાલયનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. એમાં સૌપ્રથમ ૫૧ દીકરીઓને ભોજનપ્રસાદ કરાવીને આ ભોજનાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
મંદિર ટ્રસ્ટ દ્વારા દાતાઓના સહયોગથી અંબિકા ભોજનાલય નિઃશુલ્ક રીતે ચલાવવામાં આવે છે. રોજ અંદાજે આઠ હજારથી વધુ યાત્રાળુઓ વિનામૂલ્ય ભોજનપ્રસાદ લે છે. અંબિકા ભોજનાલયનું હાલનું બિલ્ડિંગ જૂનું થઈ ગયું હોવાથી અને અંબાજી–ગબ્બર કૉરિડોર અંતર્ગત હાલના જૂના ભોજનાલયનું બિલ્ડિંગ ડિમોલિશ કરવામાં આવશે એટલે અંબાજી આવતા માઈભક્તો માટે મંદિર ટ્રસ્ટ દ્વારા દાંતા રોડ પર ભોજનાલયની શરૂઆત કરવામાં આવી છે.


