કોરોનાને કારણે બે વર્ષ ભાવિકો જોડાઈ શક્યા નહોતા, જેથી આજે રંગેચંગે યોજાનારી યાત્રામાં હજારો શ્રદ્ધાળુઓ જોડાશે
ફાઇલ તસવીર
ગુજરાતમાં અમદાવાદના વિશ્વપ્રસિદ્ધ જગન્નાથ મંદિરેથી આજે ભગવાન જગન્નાથજીની રંગેચંગે જળયાત્રા યોજાશે. કોરોનાના કારણે બે વર્ષ દરમ્યાન ભાવિકો આ જળયાત્રામાં જોડાયા નહોતા, પણ આ વખતે હજારો ભાવિકો ઉત્સાહભેર જળયાત્રામાં જોડાશે.
જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મંદિરેથી સવારે આઠ વાગ્યે જળયાત્રા નીકળશે અને સાબરમતી નદીએ જશે. નદીએ પૂજન થશે અને ૧૦૮ કળશમાં જળ ભરીને લાવવામાં આવશે અને આ જળથી મંદિરમાં ભગવાન પર અભિષેક કરાવાશે. મંદિરમાં પૂજા-અર્ચના થશે અને ત્યારબાદ પ્રભુ મોસાળ જશે.’
ADVERTISEMENT
તેઓએ કહ્યું હતું કે ‘દર વર્ષે જળયાત્રા તો યોજાય છે પરંતુ કોરોનાના કારણે છેલ્લાં બે વર્ષથી આ જળયાત્રામાં ભાવિકો જોડાઈ શકતા નહોતા, પરંતુ બે વર્ષ પછી આ વખતે જળયાત્રામાં અંદાજે ચારથી પાંચ હજાર ભાવિકો જોડાશે.’
મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે કહ્યું હતું કે ‘આ વખતે ધામધૂમથી અને પરંપરાગત રીતે જળયાત્રા મહોત્સવ ઊજવાશે. આ જળયાત્રામાં રથ, હાથીઓ ઉપરાંત બળદગાડું પણ જોડાશે. નિશાન ડંકા, ધજા-પતાકા સાથે ભક્તસમુદાય પણ જોડાશે.’

