Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > વિજય રૂપાણીનો લંડન જવાનો ઓરિજિનલ પ્લાન ૮ જૂનનો હતો

વિજય રૂપાણીનો લંડન જવાનો ઓરિજિનલ પ્લાન ૮ જૂનનો હતો

Published : 13 June, 2025 12:30 PM | Modified : 14 June, 2025 07:12 AM | IST | Ahmedabad
Rashmin Shah | rashmin.shah@mid-day.com

વિજય રૂપાણી અને તેમનાં પત્ની અંજલિ રૂપાણીને ત્રણ સંતાનો છે જેમાંથી સૌથી મોટા પુજિતનું તે અઢી વર્ષનો હતો ત્યારે જ અવસાન થયું હતું

વિજય રૂપાણીને રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજસાહેબે ભાવાંજલિ અર્પણ કરી

વિજય રૂપાણીને રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજસાહેબે ભાવાંજલિ અર્પણ કરી


લાંબા સમયથી વેકેશન લીધું નહોતું એટલે લંડનથી સ્કૉટલૅન્ડ જવાના હતા : વાઇફ અંજલિબહેન ઑલરેડી લંડનમાં હતાં તો મિત્ર-સ્નેહીજન એવા નીતિન ભારદ્વાજ અને ધનસુખ ભંડેરી પણ લંડન પહોંચી ગયા હતા : વિજયભાઈ પહેલાં એ લોકો સાથે જવાના હતા, કામસર ગાંધીનગર રોકાયા અને કિસ્મતે રંગ દેખાડ્યો

અમદાવાદમાં ગઈ કાલે ઍર ઇન્ડિયાની જે ફ્લાઇટ ક્રૅશ થઈ એમાં ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પણ ટ્રાવેલ કરતા હતા. બિઝનેસ-ક્લાસમાં ટ્રાવેલ કરતા વિજયભાઈનો પહેલી જ લાઇનમાં સીટ નંબર 2-D હતો. નિયતિનો ખેલ કેવો હોય છે એનું જો કોઈ વરવું ઉદાહરણ હોય તો એ વિજયભાઈની આ ટૂર છે. વિજયભાઈ ગઈ કાલે લંડન જવા નીકળ્યા હતા, પણ હકીકતમાં તેઓ ત્રણ દિવસ પહેલાં એટલે કે મંગળવારે જ લંડન જવાના હતા. એ પહેલાં તેમણે ૮ જૂને રવિવારે જવાનું નક્કી કર્યું હતું, પણ કિસ્મત દર વખતે કોઈ ને કોઈ કામ એવું લાવીને તેમની સામે મૂકી દેતી કે વિજયભાઈ પોતાની ટ્રિપ ટાળતા રહ્યા.



ગઈ કાલે બપોરે ૧.૩૦નો ઑફિશ્યલ ફ્લાઇટનો ટાઇમ હતો જેને માટે સત્તાવાર રીતે વિજયભાઈએ સવારે મોડામાં મોડા ૧‍૦.૩૦ વાગ્યા સુધીમાં ઍરપોર્ટ પહોંચવું પડે, પણ ગાંધીનગરમાં અગત્યની મીટિંગ અટેન્ડ કરવામાં જ તેમને મોડું થયું અને તેઓ ઍરપોર્ટ પર ૧૧.૩૦ વાગ્યે પહોંચ્યા. ઍરપોર્ટ પર તેમને અનેક ટ્રાવેલર ઓળખી ગયા અને મળવા આવવા માંડ્યા એટલે વિજયભાઈ નાછૂટકે લાઉન્જમાં જતા રહ્યા અને સાડાબાર વાગ્યે તેમણે પ્લેનમાં બેઠક લીધી. જોકે પ્લેનમાં પણ ઘણા લોકો તેમને મળવા જતા હતા. સંવેદનશીલ મુખ્ય પ્રધાન તરીકે ગુજરાતમાં જાણીતા થયેલા વિજયભાઈ એ સમયે મોબાઇલમાં અગત્યના મેસેજના જવાબ આપવામાં બિઝી હોવા છતાં બધાને પ્રેમથી મળતા રહ્યા હતા.


વિજય રૂપાણીનો આ છેલ્લો ફોટો નથી


વિજય રૂપાણી પણ ગઈ કાલે થયેલા પ્લેન-ક્રૅશનો ભોગ બન્યા છે એવા સમાચાર મળતાં સોશ્યલ મીડિયા પર તેમની છેલ્લી તસવીર તરીકે આ ફોટો વાઇરલ થયો હતો. જોકે આ તેમનો છેલ્લો ફોટો નથી. લીમા ગોસ્વામી નામની આ મહિલાએ પછીથી સોશ્યલ મીડિયામાં સ્પષ્ટતા કરી હતી કે આ સેલ્ફી મેં ૨૦૨૧ની ૧૨ ઑક્ટોબરે અમદાવાદથી લંડન જતી ફ્લાઇટમાં લીધો હતો.

ત્રણ વર્ષે પહેલું વેકેશન

લાંબા સમયથી વેકેશન લીધું ન હોવાથી વિજયભાઈ લંડન જવાના હતા. વિજય રૂપાણી અને તેમનાં પત્ની અંજલિ રૂપાણીને ત્રણ સંતાનો છે જેમાંથી સૌથી મોટા પુજિતનું તે અઢી વર્ષનો હતો ત્યારે જ અવસાન થયું હતું. બીજા નંબરે દીકરી રાધિકા છે જેનાં મૅરેજ લંડનમાં થયાં છે અને સૌથી નાનો રુષભ અમેરિકામાં છે.

અંજલિબહેન ઑલરેડી લંડનમાં દીકરીને ત્યાં હતાં તો વિજયભાઈના અંગત સ્નેહીજન અને પાર્ટીમાં જેમનું ઘડતર વિજયભાઈએ કર્યું છે એ નીતિન ભારદ્વાજ તથા ધનસુખ ભંડેરી પણ પોતાની ફૅમિલી સાથે બે દિવસ પહેલાં જ મંગળવારે લંડન પહોંચી ગયા હતા. વિજયભાઈ પણ તેમની સાથે જવાના હતા, પણ કામસર તેઓ બે દિવસ રોકાઈ ગયા અને કિસ્મતે એનો રંગ દેખાડી દીધો.

વિજયભાઈનું આ આખું ગ્રુપ લંડનમાં બે દિવસ રોકાઈને ત્યાંથી સ્કૉટલૅન્ડ જવાનું હતું. એકધારું કામ કરતા અને લોકસભાના ઇલેક્શનના અનાઉન્સમેન્ટ પછી એક પણ રજા ન લેનારા વિજયભાઈને થોડો આરામ મળે એવો તેમની ફૅમિલી અને ફ્રેન્ડ્સનો હેતુ હતો. સ્કૉટલૅન્ડમાં બધા પ્રકારનાં બુકિંગ પણ થઈ ગયાં હતાં.

પહેલાં પહોંચશે દીકરી અને વાઇફ

પ્લેન-ક્રૅશના ન્યુઝ આવ્યા પછી અંજલિબહેન અને રાધિકા રૂપાણી લંડનથી અમદાવાદ આવવા નીકળી ગયાં છે તથા રુષભ પણ નીકળી ગયો છે. જોકે તેઓ મોડી રાતે ભારત પહોંચે એવી સંભાવના છે. તેમના પહેલાં ગૃહપ્રધાન અમિત શાહ અમદાવાદ પહોંચી ગયા હતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ અમદાવાદ આવી ગયા હતા.

વિજય રૂપાણી ભારતીય જનતા પાર્ટી (BJP)નું મોટું નામ છે એ જ રીતે તેમનાં વાઇફ અંજલિ રૂપાણી પણ સંઘ સાથે જોડાયેલાં હોવાથી BJPમાં તેમનું પણ માન અદકેરું છે.

સંઘમાં જન્મી વિજયભાઈ અને અંજલિબહેનની લવ-સ્ટોરી

નવનિર્માણ આંદોલનથી રાજકીય કારકિર્દી શરૂ કરનારા વિજય રૂપાણી ગુજરાતના મુખ્ય પ્રધાનપદ સુધી પહોંચ્યા

૬૭ વર્ષના વિજય રૂપાણી મૂળભૂત રંગૂનના અને એ પછી તેઓ ગુજરાતના રાજકોટ શહેરમાં સ્થાયી થયા. વિજયભાઈએ પોતાની રાજકીય કરીઅરની શરૂઆત વિદ્યાર્થીઓના નવનિર્માણ આંદોલનથી કરી હતી, જેમાં તેઓ જેલમાં પણ ગયા અને એ પછી તેઓ સંઘમાં સક્રિય થયા હતા. સંઘે તેમને જનસંઘમાં મોકલ્યા અને જનસંઘમાં તેમનો સંપર્ક મરાઠી પરિવારનાં અંજલિબહેન સાથે થયો, બન્ને વચ્ચે પ્રેમ થયો જે મૅરેજમાં પરિણમ્યો.

બે ટર્મ વિધાનસભ્ય રહેલા વિજયભાઈ એક વખત રાજ્યસભાના સભ્ય તરીકે દિલ્હી પણ જઈ આવ્યા હતા. રાજકોટ અને સૌરાષ્ટ્રને BJPનો ગઢ બનાવવાનો જેટલો જશ કેશુભાઈ પટેલ અને ચીમનભાઈ શુક્લને મળે એટલો જ જશ વિજયભાઈને પણ આપવો પડે. ૧૦૦ લોકોની વસ્તી ધરાવતા ગામમાં પણ વિજયભાઈ રૂબરૂ ગયા છે અને ગામના લોકોને BJPમાં જૉઇન થવા સમજાવ્યા છે.

પૉલિટિક્સમાં વિજય રૂપાણીની નવી ઇનિંગ્સની શરૂઆત હાથવેંતમાં હતી

ચીફ મિનિસ્ટરપદેથી હસતા મોઢે રાજીનામું આપનાર વિજયભાઈની પાર્ટી પ્રત્યેની નિષ્ઠા જોઈને BJPએ તેમને માટે નવી જવાબદારીઓની તૈયારી કરી લીધી હતી

૨૦૧૬ની ૭ ઑગસ્ટે ગુજરાતના મુખ્ય પ્રધાનપદ પર બેસીને ૨૦૨૧ની ૧૧ સપ્ટેમ્બર સુધી ગુજરાતનો કાર્યભાર સંભાળનાર વિજય રૂપાણીએ લાંબા સમય સુધી વિધાનસભા ઇલેક્શન માટે રાહ જોવી પડી હતી અને પહેલું જ ઇલેક્શન લડ્યાના થોડા જ સમયમાં તેમને મુખ્ય પ્રધાનપદ સોંપવામાં આવ્યું હતું. આનંદીબહેન પટેલના શાસનમાં ગુજરાતમાં શરૂ થયેલા પાટીદાર અનામત આંદોલનને શાંત કરવાનો અને એ ચળવળકારોને પાર્ટીના સભ્યો બનાવવાનો જશ વિજયભાઈને મળ્યો હતો.

મુખ્ય પ્રધાનપદ છોડ્યા પછી થોડો સમય વિજયભાઈએ માત્ર સંગઠનનું કામ સંભાળ્યું હતું અને એ પછી તેમને પંજાબના BJPના પ્રભારી બનાવવામાં આવ્યા હતા, જેને લીધે તેઓ મહિનામાં દસથી ૧૫ દિવસ પંજાબ રહેવા માંડ્યા હતા. પંજાબમાં તેમની કામગીરી જોઈને BJPએ નક્કી કર્યું હતું કે હવે વિજયભાઈ પાસે ઍક્ટિવ પૉલિટિક્સની સેકન્ડ ઇનિંગ્સ શરૂ કરાવવી. એને માટે સૌથી પહેલાં તેમને ગુજરાત BJPનું પ્રમુખપદ ઑફર કરવામાં આવ્યું હતું. ભૂપેન્દ્ર પટેલની મુખ્ય પ્રધાનપદ પરથી ઊતરવાની સતત દર્શાવવામાં આવતી ઇચ્છા વચ્ચે વિજયભાઈને ફરીથી ગુજરાતનું મુખ્ય પ્રધાનપદ પણ ઑફર થયું હોવાનું કહેવાય છે, પણ એને માટે વિજયભાઈએ ના પાડી હતી એટલે તેમને આગામી લોકસભા માટે તૈયારી કરવાનું કહેવામાં આવ્યું હતું.

ગઈ લોકસભા સમયે રાજકોટ બેઠક પરથી પરષોત્તમ રૂપાલાએ કરેલા બફાટ પછી તેમનો વિરોધ શરૂ થયો ત્યારે BJPએ વિજયભાઈનો ઑપ્શન તરીકે વિચાર કર્યો હતો પણ એ સમયે પરષોત્તમ રૂપાલાને જિતાડવાની જવાબદારી વિજયભાઈએ લીધી હતી અને પોતાની પંજાબની જવાબદારી ઉપરાંત તેમણે ગુજરાતમાં પણ અવ્વલ દરજ્જાનું કામ કર્યું હતું.

વિજયભાઈ પાર્ટીલાઇનમાં ચુસ્તપણે માને છે. એક સમયે જ્યારે કેશુભાઈ પટેલની સરકાર હતી ત્યારે વિજયભાઈ તેમના અંગત વિશ્વાસુ હતા તો નરેન્દ્ર મોદી અને અમિત શાહની BJPમાં પણ તેઓ તેમના વિશ્વાસુ હતા.

વિજયભાઈ જીવદયા રત્ન હતા- વિજય રૂપાણીને રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજસાહેબે ભાવાંજલિ અર્પણ કરી

વિદાય હંમેશાં વેદના અને સંવેદનાની સ્પર્શના કરાવતી હોય છે. એમાં પણ અચાનક અને અણધારી આકસ્મિક વિદાય તો અકલ્પનીય અને અકથ્ય હોય છે. વિજયભાઈ રૂપાણી એટલે એક એવું વ્યક્તિત્વ જેમની નિ:સ્વાર્થ સેવા, જીવદયા, પ્રેમ, દેશભક્તિ જેવા શ્રેષ્ઠ સદ્ગુણો તેમને ગુજરાત રાજ્યની દરેક વ્યક્તિ સાથે જોડે છે. તેમણે તેમના જીવનને દેશની સેવા અને સમાજના દરેક વર્ગના લોકો માટે સમર્પિત કર્યું હતું એટલે તેમની વિદાય સૌ માટે આઘાતનું કારણ બની શકે એ સ્વાભાવિકપણે સમજી શકાય છે.

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજસાહેબ પ્રત્યે આત્મીયતા ધરાવતા વિજયભાઈ રૂપાણી તેમના દરેક અવસરે ભક્તિભાવે ઉપસ્થિત રહ્યા છે. ‘આગમન થયું હોય તેની વિદાય નિશ્ચિત હોય છે.’ અત્યારે આ સત્યનો સ્વીકાર કરીને તેમના અનેક શ્રેષ્ઠ સદ્ગુણોને સ્મૃતિમાં લાવી તેમની સાથેની શ્રેષ્ઠ ક્ષણોના સ્મરણ સાથે તેમના પ્રત્યે હૃદયથી ઉપકારભાવ અનુભવવો એ જ સાચી ભાવાંજલિ અર્પણ કરી કહેવાશે. તેમનો આત્મા પરમ શાંતિને પ્રાપ્ત કરે, શાશ્વત સમાધિને પ્રાપ્ત કરે એ જ અંતરથી ભાવાંજલિ.

Whatsapp-channel Whatsapp-channel

14 June, 2025 07:12 AM IST | Ahmedabad | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK