૨૪ મેએ લૉ ગાર્ડન પાસેથી કોઈ અજાણી વ્યક્તિ વૈદિકા ઉર્ફે પિયુ મહેશ ભીલને લઈ ગયું છે એવી ફરિયાદ તેના પેરન્ટ્સે નવરંગપુરા પોલીસ-સ્ટેશનમાં નોંધાવી હતી
અપહરણ કરાયેલી બાળકીને શોધીને તેના પેરન્ટ્સને સુપરત કરાઈ હતી.
અમદાવાદના લૉ ગાર્ડનની બહાર નાગરિકોને પાણી પીવડાવવાનું કામ કરતી મહિલાની સાડાચાર વર્ષની દીકરીનું ચાર દિવસ પહેલાં અપહરણ થયા બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની સાત ટીમોએ રાત-દિવસ મહેનત કરીને બાળકીને શોધી કાઢી હતી. નવાઈની વાત એ છે કે આ બાળકીનું અપહરણ કરનારી મહિલાએ બાળકી ઓળખાઈ ન જાય એ માટે તેના વાળ કાપી નાખ્યા હતા.
૨૪ મેએ લૉ ગાર્ડન પાસેથી કોઈ અજાણી વ્યક્તિ વૈદિકા ઉર્ફે પિયુ મહેશ ભીલને લઈ ગયું છે એવી ફરિયાદ તેના પેરન્ટ્સે નવરંગપુરા પોલીસ-સ્ટેશનમાં નોંધાવી હતી. બાળકીનું અપહરણ થતાં આ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ સહિતના કર્મચારીઓ પણ જોડાયા હતા. ક્રાઇમ બ્રાન્ચે સાત ટીમ પાડીને તપાસ હાથ ધરીને આખા વિસ્તારના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ ચેક કર્યાં હતાં જેમાં એક મહિલા અપહરણ થયેલી બાળકીને લઈને જતી જોવા મળી હતી જેના આધારે તપાસ હાથ ધરતાં અમદાવાદના રિવરફ્રન્ટ, રવિવારી બજાર ખાતેથી મહિલા અને બાળકી મળી આવી હતી. પોલીસે આ મહિલા નિખિતા દંતાણીને ઝડપી લીધી હતી. આ મહિલાની પૂછપરછ કરતાં તેને સંતાન ન હોવાથી આ બાળકીનું અપહરણ કર્યું હતું. એને કોઈ ઓળખી ન લે એટલા માટે તેના માથાના વાળ કાપી નાખ્યા હતા. પોલીસે આ બાળકીના પેરન્ટ્સને બોલાવીને તેમની દીકરીને સોંપી હતી.


