૨૪ કલાકમાં ત્રણ વ્યક્તિનાં અંગદાન થયાં : કિડની, લિવર અને હૃદય સહિત ૯ અંગો અને ૪ આંખોનું દાન
અંગદાન કરનાર પરિવારના સભ્યો અને સિવિલ હૉસ્પિટલના સ્ટાફે બ્રેઇન-ડેડ દરદીઓ માટે પ્રાર્થના કરી હતી.
એશિયાની સૌથી મોટી અમદાવાદમાં આવેલી સિવિલ હૉસ્પિટલમાં હોળી-ધુળેટીના પર્વ પર અંગદાનની સરવાણી વહી હતી અને ૨૪ કલાકમાં ત્રણ વ્યક્તિનાં અંગદાન થયાં હતાં જેમાંથી એક ગુપ્ત અંગદાન કરાયું હતું.
પંચાવન વર્ષની વ્યક્તિને માથાના ભાગે ઈજા થઈ હતી અને ૨૦૨૫ની ૧૦ માર્ચે સારવાર માટે સિવિલ હૉસ્પિટલમાં ઍડ્મિટ કરાઈ હતી જ્યાં ૧૪ માર્ચે ડૉક્ટરોની ટીમે દરદીને બ્રેઇન-ડેડ જાહેર કરીને તેમના પરિવારજનોને અંગદાનની વાત કરતાં બીજા કોઈનો જીવ બચાવવા માટે પરિવારજનોએ ગુપ્ત અંગદાન કરવાનો નિર્ણય કર્યો હતો. તેમના અંગદાનથી બે કિડની અને બે આંખોનું દાન મળ્યું હતું.
ADVERTISEMENT
બીજા કિસ્સામાં જૂનાગઢના પંચાવન વર્ષના કરશન બાતાનો અકસ્માત થતાં માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને પહેલાં જૂનાગઢ હૉસ્પિટલમાં અને ત્યાર બાદ પ્રાઇવેટ હૉસ્પિટલમાં અને ત્યાંથી અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં ટ્રાન્સફર કરાયા હતા જ્યાં ૧૪ માર્ચે ડૉક્ટરોએ તેમને બ્રેઇન-ડેડ જાહેર કર્યા હતા અને પરિવારજનોને અંગદાનનું મહત્ત્વ જણાવ્યું હતું જેથી કરશન બાતાનાં પત્ની અને દીકરાએ અંગદાન કરવાનો નિર્ણય કર્યો હતો અને બે કિડની અને એક લિવરનું દાન મળ્યું હતું.
ત્રીજા કિસ્સામાં મહેમદાવાદ ખેડાના રહેવાસી નગીન પરમારને ૯ માર્ચે મગજની નસ ફાટતાં પહેલાં મહેમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં અને ત્યાર બાદ નડિયાદ સિવિલ હૉસ્પિટલમાં અને ત્યાંથી અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં ટ્રાન્સફર કરાયા હતા જ્યાં ૧૪ માર્ચે ડૉક્ટરોની ટીમે તેમને બ્રેઇન-ડેડ જાહેર કરીને પરિવારને અંગદાન વિશે સમજાવતાં પરિવારજનોએ અંગદાનનો નિર્ણય કર્યો હતો જેના પગલે હૃદય, બે કિડની, એક લિવર અને બે આંખોનું દાન મળ્યું હતું.
સિવિલ હૉસ્પિટલમાં થયેલાં ત્રણ વ્યક્તિનાં અંગદાનથી ૬ કિડની, બે લિવર અને એક હૃદયને અમદાવાદમાં સિવિલ મેડિસિટી કૅમ્પસમાં કિડની હૉસ્પિટલમાં તેમ જ સિમ્સ હૉસ્પિટલમાં ઍડ્મિટ દરદીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું. ૪ આંખોનું દાન આંખની હૉસ્પિટલમાં અપાયું હતું.
અમદાવાદ સિવિલ હૉસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ કહ્યું હતું કે ‘આ ત્રણ વ્યક્તિનાં અંગદાન સહિત અત્યાર સુધીમાં ૬૦૦ અંગોનું દાન મળ્યું છે જેના થકી ૫૮૨ વ્યક્તિઓમાં અંગોનું પ્રત્યારોપણ કરાયું છે.’

