વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મોભા ગામે બની હૃદયસ્પર્શી ઘટના : પત્નીના મૃત્યુ બાદ કનુભાઈ ભાવસાર હૈયું કઠણ કરીને બે દીકરીઓ સાથે મત આપવા ગયા અને પછી પત્નીને વિદાય આપી
કનુભાઈ ભાવસાર અને તેમનાં પત્ની સરોજબહેનનો ફાઇલ ફોટો.
મધ્ય ગુજરાતમાં વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મોભા ગામે એવી હૃદયસ્પર્શી ઘટના બની છે કે જેમાં એક તરફ સંવેદના થઈ આવે તો બીજી તરફ પરિવારની સરાહના કરાવાનું ચૂકી ન શકીએ. ગઈ કાલે પત્ની સરોજબહેનના મૃત્યુ બાદ કનુભાઈ ભાવસારે હિંમત કરીને જાણે કે છાતી પર પથ્થર મૂકીને બે દીકરીઓ સાથે મતદાન કર્યા પછી પત્નીના અંતિમસંસ્કાર કર્યા હતા. પત્નીના પાર્થિવ દેહને ઘરમાં મૂકીને મૃત્યુ વચ્ચે મતદાન કરીને દેશના ઉદાસીન મતદારોને ગામડાના આ પરિવારે એક મૂક-સંદેશ આપ્યો છે.