૧૬૦૦ વિદ્યાર્થીઓ રહી શકે એવી ૧૩ માળની આધુનિક હૉસ્ટેલ અમદાવાદમાં ગુરુવારે થશે લોકાર્પણ : એકસાથે ૫૦૦ શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે એવું વિશાળ હશે મંદિરનું ગર્ભગૃહ
અમદાવાદમાં ઉમિયા માતાજીનું બની રહેલું મંદિર.
ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝા દ્વારા ગુજરાતના અમદાવાદમાં સોલા વિસ્તારમાં આવેલા ઉમિયાધામ કૅમ્પસમાં શ્રદ્ધા, શિક્ષણ અને સામાજિક સુવિધાનો ત્રિવેણી સંગમ થવા જઈ રહ્યો છે. પાટીદારો દ્વારા આ સ્થળે લોખંડના ઉપયોગ વગર ઉમિયા માતાજીના બેનમૂન મંદિરનું નિર્માણકાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. બીજી તરફ ૧૬૦૦ વિદ્યાર્થીઓ રહી શકે એવી ૧૩ માળની આધુનિક હૉસ્ટેલ ગુરુવારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં લોકાર્પણ થવાની છે.
ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝાના પ્રમુખ બાબુ પટેલે કહ્યું હતું કે ‘સોલા વિસ્તારમાં આકાર લઈ રહેલું ઉમિયા માતાજીનું મંદિર સ્થાપત્યકલાના અદ્ભુત નમૂના સમાન નાગરશૈલીમાં બની રહ્યું છે. એની વિશેષતા એ છે કે આ મંદિરના નિર્માણમાં લોખંડ તેમ જ સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. એના સ્થાને ચૂનાથી મંદિર બની રહ્યું છે. અંદાજે બે લાખ ઘનફુટ બંસીપહાડપુરના ગુલાબી પથ્થરોનો મંદિરના બાંધકામમાં ઉપયોગ થઈ રહ્યો છે. અંદાજે ૬૭ કરોડ રૂપિયાના ખર્ચે આ મંદિર બની રહ્યું છે જેનું બાંધકામ ૨૦૨૮ સુધીમાં પૂરું થઈ જશે. આ મંદિર એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે રસ્તા પરથી પસાર થતી વ્યક્તિ પણ મંદિરમાં માતાજીનાં દર્શન કરી શકશે.’
ADVERTISEMENT
કેવી છે હૉસ્ટેલ?

સંસ્થાના ટ્રસ્ટી સી. કે. પટેલે કહ્યું હતું કે ‘અમદાવાદમાં અભ્યાસ કરવા આવતાં છોકરાઓ-છોકરીઓને રહેવા માટે ૧૩ માળની આધુનિક બૉય્ઝ ઍન્ડ ગર્લ્સ હૉસ્ટેલ કૅમ્પસમાં બનાવી છે. અલગ-અલગ બે બિલ્ડિંગમાં ૪૦૦ રૂમ હશે જેમાં ૧૬૦૦ વિદ્યાર્થીઓ રહી શકશે. આ હૉસ્ટેલમાં બે રસોડાં તેમ જ અલગ-અલગ ડાઇનિંગ હૉલ, ૩ ઈ-લાઇબ્રેરી, બે આધુનિક જિમ તેમ જ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) અને ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)ની તૈયારીઓ માટે ઉમિયા કરીઅર ડેવલપમેન્ટ કાઉન્સિલ કાર્યરત રહેશે. હૉસ્ટેલમાં તમામ વર્ગના વિદ્યાર્થીઓ રહી શકશે. હૉસ્ટેલમાં ૮ હાઈ-સ્પીડ લિફ્ટ છે. આ ઉપરાંત સામાજિક પ્રસંગ માટે પાર્ટી-પ્લૉટ પણ બનાવ્યો છે.’
