હાજીપુર ગામની મંથન અપંગ દિવ્યાંગ સેવા સંકુલની વિદ્યાર્થિનીઓએ ૫૧ શંખ અર્પણ કર્યા તો અમદાવાદના જય ભોલે ગ્રુપે ૫૧ શ્રીયંત્ર અર્પણ કર્યાં
સાંસદ પરબત પટેલે પૂજા-આરતી કરીને પરિક્રમા શરૂ કરાવી હતી.
અમદાવાદઃ ઉત્તર ગુજરાતમાં આવેલા યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં ગઈ કાલે પાલખીયાત્રા, શંખયાત્રા અને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે જય અંબેના જયઘોષ સાથે ગબ્બરને ફરતે ૫૧ શક્તિપીઠ પરિક્રમાનો રંગેચંગે પ્રારંભ થયો હતો અને માઈભક્તોએ હર્ષભેર પરિક્રમા કરીને ધન્યતા અનુભવી હતી. આધ્યાત્મિકતાના વાતાવરણ વચ્ચે અંબાજીમાં ગબ્બર ફરતે બનાવેલી ૫૧ શક્તિપીઠની પરિક્રમા કરવા માટે મોટી સંખ્યામાં માઈભક્તો ઊમટ્યા હતા. બનાસકાંઠાના સાંસદ પરબત પટેલે ગઈ કાલે શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર. આર. રાવલ, બનાસકાંઠાના કલેક્ટર વરુણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારી એમ. જે. દવે, અંબાજી મંદિરના વહીવટદાર સિદ્ધિ વર્મા સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં પરબત પટેલે શ્રીયંત્ર અને માતાજીની આરતી કરીને માઈભક્તોને પરિક્રમાપથ પર પ્રસ્થાન કરાવ્યું હતું.
પાંચ દિવસ સુધી ચાલનારા આ પરિક્રમા-મહોત્સવમાં રોજ પાદુકાયાત્રા, ચામરયાત્રા, ધ્વજાયાત્રા, મશાલયાત્રા, ત્રિશૂળયાત્રા અને જ્યોતયાત્રા સહિતનાં ધાર્મિક કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત દરરોજ સાંજે સાત વાગ્યે ગબ્બર તળેટીમાં આરતીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. પરિક્રમાના પહેલા દિવસે ભજનમંડળીઓ સાથે માઈભક્તોએ ભજનની રમઝટ બોલાવી હતી અને વાતાવરણમાં અંબે માતાજીની ગુંજ ગાજતી કરી હતી. પરિક્રમા પ્રસંગે કલોલ પાસેના હાજીપુર ગામે આવેલી મંથન અપંગ દિવ્યાંગ સેવા સંકુલની વિદ્યાર્થિનીઓ પરિક્રમા માટે આવી હતી અને ૫૧ શક્તિપીઠ ખાતે ૫૧ શંખ અર્પણ કર્યા હતા.