Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જિંદગીની મૅરથૉન માટે કેટલી તૈયારી કરી છે?

જિંદગીની મૅરથૉન માટે કેટલી તૈયારી કરી છે?

22 January, 2019 12:45 PM IST |
તરુ કજારિયા

જિંદગીની મૅરથૉન માટે કેટલી તૈયારી કરી છે?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સોશ્યલ સાયન્સ 

ગયા રવિવારે મુંબઈ મૅરથૉન યોજાઈ ગઈ. એમાં હજારો લોકોએ ભાગ લીધો હતો. કેટલી બધી વિવિધતા હતી એ દોડવીરોના સમૂહમાં! જુદી-જુદી ઉંમરના, કદના, વર્ગના, બૅક્ગ્રાઉન્ડના અને શારીરિક ક્ષમતા ધરાવતા એ લોકો હતા. જુદા-જુદા સમાજ, શહેર કે દેશમાંથી આવેલા લોકોનો એ સમૂહ દેખીતો ભલે અપાર વૈવિધ્ય ધરાવતો હતો, પરંતુ એના મૂળમાં એક વાત સમાન હતી - એ બધા જ દોડવા આવ્યા હતા. એ માટે તેઓ પોતાની શારીરિક-માનસિક ક્ષમતાને સજ્જ કરીને આવ્યા હતા. તૈયારી વગર આવેલાઓ કદાચ એ ઉત્સાહ અને સ્ફૂર્તિથી છલકાતા માહોલનો અનુભવ માણવા આવ્યા હતા, પરંતુ મૅરથૉન દોડવા માટે આવેલા સૌએ પોતાને જેટલા અંતરની મૅરથૉન દોડવી હતી એ માટેની તૈયારી કરીને આવ્યા હતા. એક પરિચિત યુવતી છેલ્લા પાંચ-છ વર્ષથી આ મૅરથૉન માં ભાગ લે છે. દૂબળી-પાતળી અને કદમાં નાનકડી એ યુવતીને જોઈએ તો ખ્યાલ જ ન આવે કે તે મૅરથૉન-રનર છે. રોજ અમુક કલાક દોડવાનું, ખાસ પ્રકારના ગ્રાઉન્ડ પર અને ખાસ પ્રકારનાં જૂતાં પહેરીને દોડવાનું, ખોરાકના પ્રકાર અને માત્રા તેમ જ સમયમાં નિયમો જાળવવાના, પ્રવાહીની માત્રાનું ચોક્કસ ધોરણ રાખવાનું. આવાં ઘણાંબધાં નિયમ અને નિયંત્રણો તેણે જિંદગીમાં દાખલ કયાર઼્ છે. એમાંય મૅરથૉન દોડવાની હોય એના આગલા બે-ત્રણ દિવસમાં તો તેનું પૂરું રૂટીન મૅરથૉનને કેન્દ્રમાં રાખીને એની આસપાસ જ ફરતું હોય. મૅરથૉનમાં ભાગ લેવાના નિયને પરિણામે એ ટચૂકડી છોકરીની શક્તિ અને ક્ષમતામાં ગજબની વૃદ્ધિ થઈ છે.



મૅરથૉન જોતી વખતે મને એ બધી વાતો યાદ આવતી હતી અને સતત વિચારો ચાલતા હતા કે આ એક દિવસની દોડ માટે જો આટલી તૈયારી કરવી પડતી હોય તો આપણી જિંદગીની મૅરથૉન માટે કેટલી તૈયારીની જરૂર પડે? પણ આપણામાંથી કેટલા લોકોએે જિંદગીની આ દોડ માટે કોઈ તૈયારી કે તાલીમ લીધી છે? હા, આપણે અભ્યાસ કે વ્યવસાય માટે, કોઈ કળા કે રમતગમત પ્રત્યે ઝુકાવ હોય તો એ ટૅલન્ટ કે સ્કિલના વિકાસ માટે જરૂરી હોય એ તાલીમ કે તૈયારી કરીએ છીએ; પરંતુ જિંદગીની તાલીમનું શું? જિંદગી તમે નક્કી કરી હશે કે તમે કલ્પનામાં જોઈ હશે એવી જ હોય એ જરૂરી નથી. એમાં અણધાર્યા અને અચાનક એટલા બધા અને એવા પડકારો આવશે, અકલ્પ્ય અનુભવો થશે, જાણીતા કે અજાણ્યા લોકો તરફથી આંચકાજનક અનુભવો થશે. અનિશ્ચિતતા અને આકસ્મિકતાની અપાર શક્યતાનું બીજું નામ છે જિંદગી. આવી બધી પરિસ્થિતિ માટે આપણે જાતને તૈયાર કરી છે? એની કોઈ તાલીમ લીધી છે? ધારો કે તમે આ વરસે ઉનાળાની રજાઓમાં ગરમીથી બચવા અને ઠંડક માણવા કોઈ હિલ-સ્ટેશનમાં જવાનું પ્લાનિંગ કર્યું છે. ઘરમાં બધા સભ્યોની અનુકૂળતા અને રજાઓને ધ્યાનમાં લઈને ટિકિટો, હોટેલ કે ત્યાં માટે વાહનનું બુકિંગ આગોતરું જ કરી લીધું છે. એ પ્રવાસ અને હિલ-સ્ટેશનના રોકાણ માટેની બધી જ તૈયારી એકદમ પર્ફેક્ટ્લી કરી લીધી છે અને જવાના એક દિવસ પહેલાં જ અચાનક ઘરની કોઈ એક વ્યક્તિ બીમાર થઈ જાય છે કે કોઈને જૉબમાં ઇમર્જન્સી ઊભી થાય છે! પ્રવાસની બધી જ તૈયારીઓ છતાં હવે પ્રવાસે જવું શક્ય નથી. એવા સમયે એે અનપેક્ષિત અને અસાધારણ પરિસ્થિતિને તમે કેટલી સ્વસ્થતાથી હૅન્ડલ કરો છો એના પરથી તમે જિંદગીની મૅરથૉન માટે કેટલા તૈયાર છો અને કેવા ઘડાયેલા છો એનો અંદાજ આવી શકે છે. આ તો એક તદ્દન સામાન્ય ઉદાહરણ છે, પરંતુ આપણે ઘણી વાર જોઈએ છીએ કે અચાનક આવી પડેલી આવી કોઈ પણ સ્થિતિમાં કેટલાક માણસો ઘાંઘા થઈ જાય છે તો કેટલાક મૂઢ થઈ જાય છે. તેમને બિલકુલ સમજણ જ નથી પડતી કે હવે શું કરવું અને કેવી રીતે કરવું. ઘરના કે નજીકમાં જે કોઈ હોય તેની સાથે બોલાચાલી કે અફડાતફડી થઈ જાય છે. જિંદગીનો એ અનિશ્ચિત ચહેરો કદાચ અગાઉ ક્યારેય જોયો જ ન હોય એવું તેમનું વર્તન હોય છે.


તો કેટલાક લોકો ઝડપથી આવી સ્થિતિને પણ સ્વસ્થતાથી કન્ટ્રોલ કરી લે છે. નવી ઊભી થયેલી પરિસ્થિતિમાં તેઓ ત્વરિત નિર્ણયો લે છે, પરિવર્તન કરે છે અને પોતાના કે આસપાસના લોકોના મનમાં ભય કે રઘવાટને હવાલે થવા દેતા નથી. આવા લોકોને જિંદગીની મૅરથૉનની તાલીમ પામેલા કહી શકાય. તમે ઘણી વાર એવા લોકોને મYયા હશો જેમણે જિંદગીની કેટલીયે ઊથલપાથલો જોઈ હોય અને થપાટો ખાધી હોય, ઉઝરડાઓ ખમ્યા હોય; પરંતુ તેમના વાણી, વર્તન કે વ્યવહારમાં ક્યાંય એની કોઈ નેગેટિવ અસર દેખાય નહીં. ઊલટું તેઓ જીવન એટલી સ્વસ્થતાથી અને સુંદર રીતે જીવતા હોય કે અન્યો માટે મિસાલરૂપ લાગે. આવી કેટલીક વ્યક્તિઓ સાથે પરિચયમાં આવવાનું બન્યું છે. તેમની પાસેથી જાણ્યું કે તેમનામાંથી ઘણાખરા બાળપણથી જિંદગીના અનિશ્ચિત મિજાજથી વાકેફ હતા. કોઈના પોતાના પરિવારમાં કે અંગત વતુર્ળખમાં મુસીબતો અને અણધારી આફતો આવેલી તો કોઈનાં માતા-પિતાએ તેમને જિંદગીનું અને પ્રસન્નતાનું મૂલ્ય સમજાવ્યું હતું, દરેક સંજોગ માટે તૈયાર રહેવા કેળવ્યા હતા. બીજું એ કે તેઓ દરેક અનુભવમાંથી શીખતા રહ્યા છે. આને આપણે જિંદગીની મૅરથૉનની તાલીમ જરૂર કહી શકીએ. જિંદગીની મૅરથૉનના આ તાલીમબદ્ધ ખેલાડીઓના ચહેરા પરની પ્રસન્નતા અને હોઠો પરની મુસ્કાન સમયે પારખેલી અને પુરષ્કંત કરેલી છે. આ દોડવીરો પાસેથી મૅરથૉનની તાલીમ લેવા જેવી છે.


Whatsapp-channel Whatsapp-channel

22 January, 2019 12:45 PM IST | | તરુ કજારિયા

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK