કૉલમ: જીવન એ પુસ્તક અને પુસ્તક એ જીવન બની શકે

Published: May 02, 2019, 13:57 IST | સોશ્યલ સાયન્સ - જયેશ ચિતલિયા | મુંબઈ

કહેવાય છે કે દરેક માનવીની એક કથા હોય છે, પ્રત્યેક માનવી એક વાર્તા છે. પ્રત્યેકનું જીવન પોતે એક પુસ્તક છે, જેનાં પાનાં એનાં કર્મો દ્વારા લખાતાં જાય છે : વિશ્વ પુસ્તક દિન વરસમાં એક વાર આવે છે, પણ જીવનનો પુસ્તક દિન રોજ હોય છે, આજે જીવનના પુસ્તક વિશે પણ

જીવન એ પુસ્તક અને પુસ્તક એ જીવન બની શકે
જીવન એ પુસ્તક અને પુસ્તક એ જીવન બની શકે

વિશ્વ પુસ્તક દિન તાજેતરમાં પસાર થયો. આપણામાંથી ઘણા લોકોએ પુસ્તકોની ચર્ચા કરી, તેના વિશે સુંદર વિધાનો લખ્યાં અને વૉટ્સઍપ પર ફૉર્વર્ડ કર્યાં, કોઈ ને કોઈ મહાન હસ્તીઓનાં ક્વૉટેશન્સ પણ ટાંક્યાં, પુસ્તકો વિશે કાવ્યો પણ લખાયાં. જીવનમાં પુસ્તકનું મહત્વ હતું, છે અને રહેશે એ સનાતન સત્ય છે, પરંતુ જીવનનું શું? પુસ્તકો તો આપણને ઘણી સમજ અને જ્ઞાન આપે છે, પણ જીવનમાં એના અમલનું શું? અરે દોસ્તો, આપણા દરેકનું જીવન ખુદ એક ભવ્ય પુસ્તક છે એનું શું? અને એ પણ કેવું અદ્ભુત જીવન અને અનોખું પુસ્તક! કારણ કે જીવન જ એક એવું પુસ્તક છે, જેનું રોજ એક પાનું લખાય છે, લખાઈ ગયા બાદ તેમાં ફેરફાર થઈ શકતો નથી. બાકી બધાં જ પુસ્તકો પૂર્ણ લખાઈ ગયાં હોય છે. તેમ છતાં એમાં ફેરફાર થઈ નવી આવૃત્તિ બહાર આવી શકે છે. જ્યારે કે જીવનનાં પાનાં રોજ નવાં, સતત નવાં, એમાં કંઈ જ ફિક્સ્ડ નથી, એકનાં એક લાગે તોય નવાં હોય છે, એમાં લખાયા બાદ છેકછાક થઈ શકતી નથી, એને ભૂંસી શકાતાં પણ નથી. હા, અગાઉના પાનામાં જો ભૂલ થઈ ગઈ હોય એવું સમજાય તો પછીના પાનામાં સુધારા કરી શકવાની તક જરૂર મળે છે. મજાની વાત એ છે કે જીવનના પુસ્તકમાં સૌથી વધુ રોમાંચ, સસ્પેન્સ, થિþલર, રહસ્ય, અનિશ્રિતતા, ચઢાવ-ઉતાર, હર્ષ-શોક, સુખ-દુ:ખ વગેરે જેવી કેટલીયે ઘટનાઓ સમાતી જાય છે. આ પુસ્તક અબજોપતિના જીવનનું હોય કે સાવ રંક માણસના જીવનનું હોય, પરમાત્મા યા પ્રજાને કોનું પુસ્તક વધુ ગમશે એ કહી શકાય નહીં. પુસ્તકને કોઈ પણ ધર્મ, સંપ્રદાય, જ્ઞાતિ કે જાતિ સાથે પણ ભેદભાવ હોતો નથી. પુસ્તક એ આપણા જીવનના હૃદયરૂપી બારણા ઉપર મારવામાં આવતી દસ્તક કહી શકાય, જેને સંભળાય એ ખોલે અને વાંચે. વાંચીને વિવેકપૂવર્કત જીવનમાં ઉતારે તો જીવન નામનું પુસ્તક પણ સાર્થક થઈ જાય, કારણ કે દરેક સારા પુસ્તકમાં પરિવર્તન લાવવાની શક્તિ હોય છે, સવાલ માત્ર વાચકોના તેને ઝીલવા પર અને જીવવા પર હોય છે.

લેખક અને વાચક પણ આપણે

જીવનના પુસ્તકના લેખક આપણે, સર્જક અને વાચક પણ આપણે, પરંતુ શું આપણે આપણા જ આ પુસ્તક વિશે જાણીએ છીએ ખરા? તેને નિયમિત વાંચીએ છીએ ખરા? જોકે જીવનનું પુસ્તક લખવું એટલે શું? એવો સવાલ આપણને થઈ શકે. વાસ્તવમાં જીવનનું પુસ્તક લખવું એટલે આપણા કર્મનું, આપણા પુરુષાર્થનું લખાણ, જેના આધારે આપણું પ્રારબ્ધ લખાય છે. આપણા જીવનના પુસ્તકમાં પાનાં કેટલાં હશે એ આપણને ખબર હોઈ શકે નહીં અને ખબર ક્યારેય પડશે પણ નહીં, કેમ કે તે અનંત છે. આ જીવન પુસ્તકનું અનુસંધાન બીજા જન્મમાં પણ નીકળે છે (માનો યા ન માનો). આમ તો કહેવાય છે કે મરણ બાદ આપણી સાથે કંઈ જ નથી આવતું, પરંતુ વાસ્તવમાં આપણાં કર્મો જરૂર આપણી સાથે આવે છે, જેનુમ બૅલૅન્સ પૉઝિટીવ છે કે નેગેટિવ, જે પણ હોય એ નવા જીવનમાં કૅરી ફૉર્વર્ડ થાય છે. તો વિચારી લો દોસ્તો, આપણા જીવનના પુસ્તકનું મહત્વ કેટલું જબરદસ્ત છે! અને હા, આ પુસ્તક માત્ર પરમાત્મા વાંચે છે.

લખવું અને જીવવું વચ્ચે ફરક

આમ તો હકીકતમાં પુસ્તક લખવું એક વાત છે, પુસ્તક બહુ સરસ લખાયું હોવાથી, બહુ વેચાયું હોવાથી, બેસ્ટ સેલર્સની યાદીમાં સ્થાન પામ્યું હોવાથી તેનો લેખક પ્રસિદ્ધિ પામી શકે, પણ જો એ સારા પુસ્તકના સદ્વિચારો તેના જીવનમાં જ ન હોય તો પછી તેણે લખેલું પુસ્તક ભલે બેસ્ટ સેલર્સ બને, પણ તેના જીવનનું પુસ્તક અધૂરું ગણાય કે છીછરું ગણાય, કારણ કે લખવું એ કળા છે અને જીવન જીવવું એ તેથી પણ મોટી કળા છે. આ બન્ને કળામાં બહુ મોટો ભેદ છે, કેમ કે લખવું અને જીવવું વચ્ચે પણ જબરદસ્ત ભેદ છે. આમ તો એક સુંદર અને વિચારપ્રેરક વિધાન છે, પઢને યોગ્ય લિખા જાય, ઉસસે સો ગુના બહેતર હૈ કી લિખને યોગ્ય જીયા જાય! આપણે આપણા જીવન પુસ્તકને માત્ર લખવું છે કે પછી એવું જીવવું છે, જે જીવવું જ પુસ્તક બની જાય. એ આપણે દરેકે નક્કી કરવાનું રહે છે.

પુસ્તકોને વાચકોની પ્રતીક્ષા

પુસ્તકની જ વાત કરીએ તો હવે લોકો પાસે પુસ્તકો માટે વધુ સમય નથી, જગ્યા નથી અને લગાવ પણ ઘટતો જાય છે. લાઇબ્રેરીઓમાં હજારો પુસ્તકો તેના વાચકોની રાહ જોયા કરતાં હોય છે, ઘણાંને તો વાચકો વરસો સુધી સ્પર્શ પણ કરતા નથી, તેમાં ક્યારેક પુસ્તકના પોતાનાં લક્ષણો એટલે કે તેમાંનું લખાણ પણ જવાબદાર હોય છે તો ક્વચિત વાચકોની માનસિકતા કારણભૂત બને છે, કોને શું વાંચવું છે તેના પર આધાર રહે છે. સારાં પુસ્તકોથી જીવનપરિવર્તન થાય છે એ વાત સાચી, પણ એ પુસ્તકના વાંચનારના અભિગમ તેમ જ દૃષ્ટિ પર વધુ આધાર રાખે છે. તેથી જ એક સારું પુસ્તક બધાંમાં પરિવર્તન લાવી શકતું નથી.

આ પણ વાંચો : કૉલમ: મહિલાઓ કરપ્શન કરે જ નહીં આ વાત સાથે તમે કેટલા સહમત છો?

ફેસબુક અને ફેસ ધ બુક

પુસ્તકોનું સ્થાન બહુ ઝડપથી મોબાઇલ, ઇન્ટરનેટ સહિત વિવિધ સોશ્યલ મીડિયાએ લઈ લીધું છે. હવે લોકો મહત્તમ ફેસબુક વાંચે છે, પણ બુકને ફેસ કરવાનું ટાળે છે. આનો એક અર્થ એવો પણ થઈ શકે કે લોકો વાંચે છે ખરા, પણ તેમના વાંચનનું માધ્યમ બદલાયું છે. ફિઝિકલ પુસ્તકને સ્થાને ઈ-બુક આવી ગઈ છે, કિન્ડર અને પોડકાસ્ટ આવી ગયાં છે. વાંચવા કરતાં લોકો પુસ્તકો સાંભળવા લાગ્યા છે. તેમ છતાં પુસ્તક એ પુસ્તક છે. જો તમારે સંતાનોને જીવનની અમૂલ્ય ભેટ આપવી હોય તો તેમને વાંચનની આદત આપો અને પુસ્તકોની સોગાત આપો. જો તમે પુસ્તકપ્રેમી હો તો તમારા સ્વજનો કે પ્રિયજનોને વારતહેવારે સારાં પુસ્તકોની ભેટ આપો. યાદ રહે, પુસ્તક જીવન બદલી શકે છે. પુસ્તક એ ઉત્તમ મિત્ર, ઉત્તમ ગુરુ અને ઉત્તમ પથદર્શક છે. પુસ્તક વિશે ઘણી બધી વાતો થઈ શકે છે, કરવી પણ જોઈએ. યસ, પુસ્તક જગત પણ બદલી શકે છે...

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK