કૉલમ: મહિલાઓ કરપ્શન કરે જ નહીં આ વાત સાથે તમે કેટલા સહમત છો?

Published: 2nd May, 2019 13:44 IST | વર્ષા ચિતલિયા

ભ્રષ્ટાચારને ડામવો હોય તો ઉચ્ચ હોદ્દા પર મહિલાઓની સંખ્યા વધુ રાખો એવું કેટલાંક સર્વેક્ષણોમાં સ્પષ્ટ થયું છે

કરપ્શન
કરપ્શન

કરપ્શનના મુદ્દે વૈશ્વિક સ્તરે વિવિધ સંશોધનો થયાં છે. ઇકૉનૉમિક જર્નલ ઑફ બિહેવિયર ઍન્ડ ઑર્ગેનાઇઝેશનમાં પ્રકાશિત એક અહેવાલ અનુસાર જો મહિલાઓને પાર્લમેન્ટમાં બેસાડવામાં આવે તો ભ્રષ્ટાચાર એકદમ ઓછો થઈ જાય. સંશોધકોનું કહેવું છે કે મહિલાઓ ફૅમિલી અને સંતાનોની વધુ નજીક હોય છે તેથી સંભવિત બદનામીથી દૂર રહેવાનું પસંદ કરે છે. ઑસ્ટ્રેલિયામાં કરવામાં આવેલા અન્ય એક અભ્યાસમાં પણ મહિલાઓ પુરુષની સરખામણીએ ઓછી કરપ્ટ હોય છે એવું તારણ નીકળ્યું હતું. આ બાબતમાં આપણે ક્યાં છીએ? ભારતમાં કોણ વધુ કરપ્ટ છે એ વિશે ચર્ચા.

ભ્રષ્ટાચાર એ લાલચ છે જે સ્ત્રી કે પુરુષને વિભાજિત નથી કરતો

સત્તાધીશ વ્યક્તિમાં એક પ્રકારનો ઍટિટ્યુડ હોય છે. પોતાના પાવરનો ઉપયોગ કરી સામેવાળી વ્યક્તિનો કઈ રીતે ફાયદો ઉઠાવવો એની તાકમાં હોવું એ માનવસહજ સ્વભાવ છે. એને જાતિ સાથે કંઈ લાગતુંવળગતું નથી. મારા મતે આપણે ત્યાં બે પ્રકારની લાંચની લેવડદેવડ થાય છે. એક મજબૂરીમાં અને બીજી ફાયદો ઉઠાવવા માટે. ઘરમાં કોઈની ડેથ ગઈ હોય અને ક્લેમ કરવાનો હોય ત્યારે વ્યક્તિ એવું વિચારે છે કે ધક્કા ખાવા એના કરતાં થોડા પૈસા આપીને કામ થતું હોય તો આપી દઈએ, જેથી આર્થિક તંગી ઓછી થાય. આવા કેસમાં લાંચ આપવી મજબૂરી બની જાય છે. બીજો પ્રકાર છે પોતાના બેનિફિટ માટે લાંચ આપવી. બિલ્ડરો અને બિઝનેસમેનો પોતાની ફાઈલ આગળ વધારવા અને ઓછા સમયગાળામાં કામ પૂર્ણ કરાવવા લાંચનો સહારો લે છે. ભ્રષ્ટાચારના મામલે આપણો દેશ બહુ બદનામ રહ્યો છે, પણ હવે પરિવર્તન આવ્યું છે. અત્યાર સુધી સરકારી અધિકારીઓ લાંચ લઈને જ કામ કરે છે એવી સામાન્ય છાપ હતી, પરંતુ થોડા દિવસ પહેલાં પોસ્ટ ઑફિસમાં કરપ્શન સેલ્સનો નંબર લખેલું ર્બોડ જોયા બાદ થયું કે લાંચ દેનારા અને લેનારા બન્ને હવે ડરવા લાગ્યા છે.’

- કૃપાલી રાચ્છ

મહિલાઓ જુનિયર લેવલ પર કામ કરે છે એથી તેમની છબિ સ્વચ્છ છે

‘આપણો દેશ પુરુષપ્રધાન છે. દરેક ક્ષેત્રમાં ઉચ્ચ સ્થાને પુરુષોની સંખ્યા વધુ છે તેથી તેઓ સ્ત્રીની સરખામણીએ વધુ ભ્રષ્ટાચારી છે એવું ચિત્ર સામે આવે છે. મહિલાઓનું ક્ષેત્ર સીમિત છે અને મોટા ભાગની મહિલાઓ જુનિયર લેવલ પર કામ કરે છે તેથી તેમની છબિ સ્વચ્છ છે. જ્યારે વાસ્તવિકતા જુદી છે. ઉચ્ચ પદ પર બેઠેલી મહિલાઓ પણ તક મળે તો લાંચ લેવાનું ચૂકતી નથી. સ્ત્રીઓને પણ પૈસા તો જોઈએ જ છે ને? કદાચ કોઈ સ્ત્રી ઈમાનદારીથી કામ કરવા માગતી હશે તો એની સામે પડકારો ઘણા હશે. આખો ડિપાર્ટમેન્ટ જ જ્યાં ભ્રષ્ટાચારથી ખદબદતો હોય ત્યાં કોઈના સર્પોટ વગર લડી નહીં શકે. આખરે પોતાની જૉબ અને પૉઝિશન બચાવવા એને પણ લાંચ નામના વમળમાં ઊતરવું જ પડશે. ભ્રષ્ટાચાર આપણા સિસ્ટમની ખામી છે. લાઇસન્સ કઢાવવાથી લઈને દરેક કામ માટે લાંચ આપવી પડે છે. જ્યાં સુધી કાયદાનો દબાવ નહીં આવે, કરપ્શનને નાબૂદ કરી શકાશે નહીં. સ્ત્રીઓ થોડી ડરપોક હોય છે અને આવી બદનામીથી દૂર રહેવાનું પસંદ કરે એ સાચું, પરતું ઉચ્ચ પદ પર તેમની સંખ્યા વધશે નહીં ત્યાં સુધી આપણી સામે ક્લિયર પિક્ચર આવશે નહીં.

- સચિન દાગા

મહિલાઓ પુરુષોની સરખામણીએ વધુ પ્રામાણિક હોય છે

મહિલાઓમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ ઓછું છે એનાં જુદાં જ કારણો છે. પોતાનું કામ કઢાવવા મહિલા અધિકારીને ડાયરેક્ટ ઑફર કરતાં પુરુષોને થોડો ડર લાગે છે. સામે પુરુષ અધિકારી હોય તો તેમની હિંમત વધી જાય છે. એ જ રીતે મહિલાઓ પોતે પણ કરપ્શનને પ્રમોટ કરતી નથી. સામે બેઠેલા પુરુષ અધિકારીને કઈ રીતે ઓફર કરવી એ બાબત તેઓ ક્લિયર હોતી નથી. આમ લાંચની લેવડદેવડમાં કમ્યુનિકેશનના અભાવે તેઓ પાછળ જ છે. પુરુષોની એક ટેન્ડન્સી હોય છે. મારો સહકર્મચારી કમાય છે તો હું કેમ પાછળ રહી જાઉં? દરેક પુરુષ બીજા કરતાં વધુ આવક મેળવવાની તાકમાં જ હોય છે તેથી સામે ચાલીને આવેલી તક જતી કરતો નથી. બીજું તેમનો સ્વભાવ પણ સાહસિક હોય છે. મારો અનુભવ કહે છે કે સરકારી અધિકારીઓ પાસેથી કામ કઢાવતાં નાકે દમ આવે છે. તેઓ પૈસા લીધા વગર કામ કરતા નથી. જોકે, હવે ઍન્ટિ-કરપ્શન સેલ્સની નજરમાંથી છટકવું ભારે થઈ જતાં તેઓ પણ પ્રામાણિકપણે કામ કરતા થયા છે. મહિલા હોય કે પુરુષ, કડક કાર્યવાહીના ડરથી બધાં જ ગભરાય છે.

- મહેશ સોની

આ પણ વાંચો : હક લે, મત દે, સર્વદે : એક વોટ માટે એકેક લાખ અભિનંદનને હકદાર છે આ વોટર્સ

પૈસા માટે ખોટો માર્ગ અપનાવનારી મહિલાઓની સંખ્યા આંગળીના વેઢે ગણી શકાય એટલી જ હશે

વીમેનમાં પોતાની મોરલ વૅલ્યુ હોય છે. અંગત જીવનમાં અને પ્રોફેશનલ જીવનમાં તેઓ પોતાના સિદ્ધાંતોને વળગી રહેવાનું પસંદ કરે છે. સાચા અને ખોટાને પરખવાની શક્તિ તેમનામાં કુદરતી રીતે જ છે. મહિલાઓ ક્યારેય ખોટું કામ ન કરે એવું નથી, પણ મને લાગે છે કે પૈસા માટે ખોટો માર્ગ અપનાવનારી મહિલાઓની સંખ્યા આગળીના વેઢે ગણી શકાય એટલી જ હશે. મહિલાઓમાં કોઈ ખામી હોય તો એટલી કે તેઓ બીજાની વાતમાં જલદી આવી જાય છે. ઘણી વાર સિનિયર ઑફિસરોના દબાણ અને ઇન્ફ્લુઅન્સમાં આવીને તેઓ આવું પગલું ભરી બેસે છે. અનેક કિસ્સામાં મહિલાઓને મહોરું બનાવી આગળ કરવામાં આવે છે. વૈશ્વિક રિપોર્ટને મારું સમર્થન છે. જો ઉચ્ચ હોદ્દા પર મહિલાઓની સંખ્યા વધુ હોય તો સો ટકા કરપ્શન પર લગામ આવે. સૌથી મહત્વની વાત એ કે ભારતની આજની પેઢી (સ્ત્રી હોય કે પુરુષ)ને તો કરપ્શનના નામથી જ ચીડ છે. તેઓ હાર્ડ વર્ક કરી પોતાની જાતને પ્રસ્થાપિત કરવા માગે છે.

- શ્રેયા બજરિયા

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK