Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કૉલમઃ વેડિંગ જ્વેલરીની શૉપિંગ વિશે શું વિચાર્યું છે તમે?

કૉલમઃ વેડિંગ જ્વેલરીની શૉપિંગ વિશે શું વિચાર્યું છે તમે?

18 May, 2019 11:15 AM IST | મુંબઈ
શાદી મેં ઝરૂર આના - અર્પણા શિરીષ

કૉલમઃ વેડિંગ જ્વેલરીની શૉપિંગ વિશે શું વિચાર્યું છે તમે?

કૉલમઃ વેડિંગ જ્વેલરીની શૉપિંગ વિશે શું વિચાર્યું છે તમે?


દુલ્હન માટે ખરીદવામાં આવતી જ્વેલરી ફક્ત દુલ્હન માટે જ નહીં, પણ ઘરની દરેક વ્યક્તિ માટે ખૂબ સ્પેશ્યલ હોય છે. કન્યાદાનમાં દીકરીને આપવા માટેના દાગીના હોય કે પછી વહુનું સ્વાગત કરવા માટે તેને ગિફ્ટમાં આપાતી જ્વેલરી. દાગીનો એક ખૂબ જ ખાસ અને મહત્વની ચીજ છે. એને લેવામાં જો ભૂલ થાય તો એ તમારાં લગ્નનો લુક બગાડવાની ક્ષમતા ધરાવે છે. જાણીએ દાગીનાની ખરીદી કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

ટ્રેન્ડ વિશે જાણી લો



સોનાના દાગીના ખરીદવાની વાત આવે ત્યારે મોટા ભાગના લોકો પરંપરાગત ડિઝાઇનો લેવી જોઈએ એવું પણ માનતા હોય છે. જોકે હવે દુલ્હનો લેટેસ્ટ ટ્રેન્ડ પ્રમાણે જ્વેલરી પહેરતી થઈ છે. આ વિશે જણાવતાં જ્વેલરી ડિઝાઇનર કક્ષા શાહ કહે છે, ‘હાલમાં લગ્ન માટે ફેરા સમયે જડાવ અને પોલકી જ્વેલરી વધુ ચાલી રહી છે. તેમ જ મહારાની સ્ટાઇલના લાંબા હાર અને એની સાથે ચોકર જેવા નેકલેસ. ઍન્ટિક ગોલ્ડ સાથે કુંદન વગેરે ટ્રેડિશનલ જ્વેલરી તરીકે સારાં લાગે છે તેમ જ રિસેપ્શનમાં લોકો ડાયમંડની ક્લાસી જ્વેલરી વધુ પસંદ કરે છે.’


જ્વેલરી ખરીદવા જતી વખતે અત્યારે લેટેસ્ટ ટ્રેન્ડ શું ચાલી રહ્યો છે, એની જો જાણ હોય તો ખરીદી આસાન બની જાય છે. દાગીનો એક ખૂબ જ મહત્વની બાબત છે એટલે કંઈ પણ લીધા બાદ પછીથી પસ્તાવો ન થાય એ માટે થોડું હોમવર્ક કરી લો અને લેટેસ્ટ ટ્રેન્ડ વિશે જાણી લો.

ચહેરા અને વાન પ્રમાણે કરો પસંદગી


જ્વેલરી જે પસંદ કરો એ તમારા ચહેરાને શોભે છે કે નહીં એ સૌથી પહેલાં જાણી લેવું જોઈએ. દુકાનમાં ગયા બાદ જે પણ પસંદ આવે એને પહેલાં ટ્રાય કરીને જુઓ અને જો ચહેરા પર એ શોભતું તો હોય તો જ ખરીદો. અહીં કેવા ચહેરા પર શું શોભે છે એ વિશે જણાવતાં કક્ષા શાહ સલાહ આપે છે, ‘જો ચહેરો લંબગોળ હોય, તો લાંબા અને મોટાં ઝૂમકાં સ્ટાઇલનાં ઇઅર-રિંગ સારાં લાગે છે. જ્યારે ગરદન ટૂંકી હોય તો આવાં લાંબાં લટકણિયાં જરાય નહીં શોભે. એ જ પ્રમાણે ચોકર નેકલેસ પહેરવો હોય તો ગરદન થોડી લાંબી હોવી જોઈએ. અથવા જો ગરદન નાની હોય તો લાંબો રાણીહાર સારો લાગે છે. એટલે પસંદ આવે એ તરત જ ખરીદવાને બદલે એ તમારા પર સારું લાગે છે કે નહીં એ જાણવું જોઈએ.’

લગ્નમાં જ્યારે જ્વેલરી બ્રાઇડલ ચણિયાચોળી સાથે મૅચ કરવાની હોય ત્યારે એ તમારી પર્સનાલિટીને પણ સૂટ થવી જોઈએ.

shloka mehta

લાઇફટાઇમ ઇન્વેસ્ટમેન્ટ

હજી આપણે ત્યાં જ્વેલરી એક ઇન્વેસ્ટમેન્ટ તરીકે પણ જોવામાં આવે છે. આવામાં જ્વેલરી એવી પસંદ કરવી કે જે લાંબા સમય સુધી પહેરી શકાય ફક્ત લગ્નને ધ્યાનમાં રાખીને જ્વેલરી ખરીદશો તો તે લગ્ન સુધી જ સીમિત રહેશે. અને પછી કામ નહીં આવે. અહીં ઍન્ટિક અને એવરગ્રીન ડિઝાઇન પસંદ કરો જે ગમે ત્યારે લગ્ન પછી પણ પહેરી શકાય. આ સમસ્યાનું સમાધાન આપતાં કક્ષા કહે છે, ‘ડિટેચેબલ જ્વેલરી આવામાં ખૂબ સારો પર્યાય છે. આવી જ્વેલરીમાં નેકલેસમાં વચ્ચેનું પેન્ડન્ટ અને બન્ને બાજુનો ભાગ ડિટેચેબલ એટલે કે છૂટો પાડી શકાય એ પ્રકારનો હોય છે. લગ્નમાં હેવી નેકલેસ પર્હેયા પછી તમે એક પેન્ડન્ટ સેટ તરીકે ચેન સાથે પણ પહેરી શકો. એ જ રીતે મોટાં ઝૂમકાં હોય તો એમાં પણ નીચેનાં લટકન ન પહેરવા હોય ત્યારે કાઢી શકાય એ રીતે બનાવી શકાય છે. હવે બ્રેસલેટ અને વીંટીમાં પણ આવા ડિટેચેબલ ઑપ્શન મળી રહે છે.’

પહેલાં શું ખરીદશો?

મોટા ભાગે પહેલાં કપડાં ખરીદી પછી એને મૅચિંગ એવી જ્વેલરી ખરીદવામાં આવે છે, પણ લગ્નની જ્વેલરી ખરીદતી વખતે આવું ન કરવું જોઈએ, જેનું કારણ સમજાવતાં કક્ષા કહે છે, ‘જ્વેલરી પ્રમાણે કપડાંને કસ્ટમાઇઝ કરાવવાં આસાન છે, પણ કપડાં સિલેક્ટ કર્યા બાદ એના પ્રમાણે જ્વેલરી લેવા જશો તો એ ફક્ત એ કપડાં પૂરતી જ રહી જશે, કારણ કે બીજા કોઈ આઉટફિટ સાથે મૅચ નહીં થાય તેમ જ જ્વેલરી કસ્ટમાઇઝ કરાવવાથી બજેટ પણ ઉપર જઈ શકે છે.’

વિશ્વાસુ જ્વેલર્સ પાસેથી જ ખરીદો

લગ્નની જ્વેલરી તમે તમારા વિશ્વાસુ ખાનદાની જ્વેલર્સ પાસેથી જ બનાવડાવો કે ખરીદો. કારણ કે અહીં સોનું કે હીરો કેટલો ચોખ્ખો છે, એની તમારે વધુ ચિંતા કરવાની જરૂર નહીં રહે. વધુમાં તમારા આ રેગ્યુલર જ્વેલરને તમારી પસંદ વિષે પણ પહેલેથી જ જ્ઞાન હશે. એટલે તમારું શૉપિંગ આસાન બનશે.

હેરલુમ જ્વેલરી

આજકાલ દુલ્હનો પોતાની દાદી કે મમ્મીની વંશપરંપરાગત જ્વેલરી પહેરવાનું પસંદ કરે છે, કારણ કે એની સાથે ઘણાં ઇમોશન્સ જોડાયેલાં હોય છે. આવામાં શક્યતા એ પણ છે કે વંશપરંપરાગત જે જ્વેલરી હોય એ તમારા આજની ફૅશન પ્રમાણે બનાવડાવેલા આઉટફિટ સાથે મૅચ ન કરે. એવામાં એને ફરી નવી બનાવડાવી શકાય. આ વિશે વધુ જણાવતાં કક્ષા કહે છે, ‘જૂની જ્વેલરીમાં થોડા બદલાવ કરીને ડિઝાઇન ચેન્જ કરાવી શકાય છે. જોકે આ માટે કોઈ એક્સપર્ટ ડિઝાઇનરની પસંદગી કરવી. જૂની જ્વેલરી રિક્રિએટ કરવામાં તેને નવો લુક ભલે આપો, પણ તેનો જૂનો ચાર્મ જવો ના જોઈએ.’

આ પણ વાંચોઃ કૉલમ : મહેમાનોનું સ્વાગત કરવા કોને રાખશો? હાથી કે મોર?

વંશપરંપરાગત જ્વેલરીને ફરી એક વાર નવી પેઢી માટે બનાવવામાં એક બીજો ફાયદો એ પણ છે કે, એનાથી બજેટ સચવાઈ જાય છે. જો બજેટ ઓછું હોય તો આ રીતે જૂની જ્વેલરીમાં થોડાઘણા ચેન્જ કરાવીને એને નવો લુક આપી શકાય છે.

Whatsapp-channel Whatsapp-channel

18 May, 2019 11:15 AM IST | મુંબઈ | શાદી મેં ઝરૂર આના - અર્પણા શિરીષ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK