Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કૉલમ : રસી અપાવો, રોગ નિવારો

કૉલમ : રસી અપાવો, રોગ નિવારો

26 April, 2019 11:26 AM IST |
સેજલ પટેલ

કૉલમ : રસી અપાવો, રોગ નિવારો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ગયા વર્ષના વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના આંકડા મુજબ ભારતમાં પાંચ વર્ષથી નાની વયનાં બાળકોમાં અપમૃત્યુનું પ્રમાણ કન્ટ્રોલમાં આવ્યું છે. ૨૦૧૨ની સાલ કરતાં ૨૦૧૮માં બાળકોના અપમૃત્યુમાં ૩૦ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. આનું ઘણું શ્રેય વૅક્સિન આપવાની બાબતમાં આવેલી જાગૃતિને આપી શકાય. વૅક્સિન એટલે રોગ સામે લડવા માટે પહેલેથી જ શરીરને તૈયાર કરી દેવાની પ્રક્રિયા. મેડિકલ વિજ્ઞાન રોગની સારવાર કે નિવારણ માટેની દવાઓ કે રસીઓ તો શોધે છે, પણ એ શોધ લોકો સુધી પહોંચતી નથી. કરોડોના ખર્ચે જાનલેવા રોગોને આવતાં પહેલાં જ ડામી શકાય એવી રસીઓ તૈયાર હોવા છતાં તમામ બાળકોને એનું પ્રોટેક્શન મળતું નથી. ૨૦૧૪માં ભારત સરકારે મિશન ઇન્દ્રધનુષની સ્કીમ દ્વારા રસીકરણના મામલે સારુંએવું કામ શરૂ કર્યું હતું. એમાં પ્રાઇવેટ જ નહીં, સરકારી દવાખાનાં, આંગણવાડીઓમાં રસીઓ ઉપલબ્ધ થાય એવું કરવામાં આવ્યું હતું. એ વખતે પણ ભારતનાં ૯૦ ટકા બાળકોને વૅક્સિનેશન મળે એવો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો, પણ હજી દિલ્હી ઘણું દૂર હોય એવું લાગે છે. ૨૦૧૭માં ફરીથી ઇન્ટેન્સિફાઇડ મિશન ઇન્દ્રધનુષ સ્કીમ શરૂ કરવામાં આવી. આ સ્કીમ અંતર્ગત બાર રોગો માટેની રસીઓ આપવાનો કાર્યક્રમ હતો. એમ છતાં ૨૦૧૮ સુધીમાં ભારતના માત્ર ૬૯ ટકા બાળકોને જ તમામ રસીઓ અપાઈ છે. ટૂંકમાં કહીએ તો સારીએવી જાગૃતિ આવી છે, છતાં એ પૂરતી નથી.

આવું કેમ થાય છે? ચેપી, પ્રાણઘાતક અને અપંગ કરી દે એવા રોગોનું નિવારણ સંભવ હોવા છતાં કેમ સૌને એનો લાભ મળે એવી સ્થિતિ હજી પેદા નથી થઈ? આ વિશે ૩૫ વર્ષથી વધુનો અનુભવ ધરાવતા બાળનિષ્ણાત ડૉ. પંકજ પારેખ કહે છે, ‘સૌથી પહેલાં તો એ કહી દઉં કે રસીકરણની બાબતમાં જે પરિસ્થિતિ સુધરી છે એ મોટા ભાગે અર્બન વિસ્તારોમાં જ છે. ભારતના ગ્રામીણ વિસ્તારોમાં હજીયે મોટા ભાગનાં બાળકોને રસી અપાતી નથી. આજથી દસ-પંદર વર્ષ પહેલાં પૂરતી રસી જ ઉપલબ્ધ નહોતી રહેતી. શહેરોમાં પણ અમુક જ સેન્ટર્સમાં રસી મળતી અને એ પણ મોંઘીદાટ. સરકારે રસીકરણના મામલે ઘણી જાગૃતિ દાખવી છે અને હવે નાનાં મેડિકલ સેન્ટરોમાં પણ એની ઉપલબ્ધતા છે. ગામડાંઓમાં પણ તાલુકા લેવલનાં મેડિકલ સેન્ટરોમાં પણ વૅક્સિનનો પૂરતો જથ્થો હોય જ છે. પણ હવે ખૂટે છે જાગૃતિ. શા માટે વૅક્સિન લેવી જરૂરી છે એ સમજાવવાનું કામ બહુ મોટું છે. સ્વાસ્થ્ય પ્રત્યેની બેદરકારી, ગરીબી અને ઓછું શિક્ષણ હોવાને કારણે વૅક્સિનનું મહત્વ લોકોને સમજાયું નથી.’



અજીબ બહાનાં


વૅક્સિનની પ્રોટેક્ટિવ વૅલ્યુ સમજાતી ન હોવાથી પેરન્ટ્સ અજીબ બહાનાં અને સવાલો કરે છે. આ વિશે વિગતે વાત કરતાં ડૉ. પંકજ પારેખ કહે છે, ‘બાળકનો જન્મ ઘરે આયા કે સુયાણી દ્વારા થાય તો કદાચ તેને જન્મ સમયે મળતી રસી પણ ન મળી હોય એવું બનતું. જોકે હવે મિશન ઇન્દ્રધનુષને કારણે જન્મ સમયે અપાતી કેટલીક કમ્પલ્સરી વૅક્સિન્સ તો બાળકને અપાતી જ હોય છે. હા, એ પછી પણ નિયમિત સમયાંતરે પાછા રસી લેવાનું યાદ દેવડાવવાનું કામ પાછું ઢીલું છે. કમ્પલ્સરી રસીઓ સરકારી દવાખાનાંઓમાં ફ્રી અને સસ્તી હોય છે, પણ જ્યારે ઑપ્શનલ કહેવાતી રસીઓની વાત આવે છે ત્યારે ઘણા વાલીઓ પૂછે છે કે મારા બાજુવાળાના છોકરાને તો આ વૅક્સિન નથી અપાવી અને છતાં તેને કંઈ થયું નથી તો મારે શું કામ લેવી? કેટલાક કહે છે કે મારાં બે સંતાનોને નથી અપાવી તો હવે આ ત્રીજાને શું કામ અપાવવાની? ત્યારે સમજાવવું પડે છે કે આ મેડિક્લેમ જેવું છે. જેમ માંદા પડીએ ત્યારે જ મેડિક્લેમની કિંમત સમજાય છે એમ જ્યારે પ્રિવેન્ટેબલ રોગ થાય અને જીવ જોખમમાં મુકાય ત્યારે જ રસીની કિંમત સમજાય છે. રસીકરણને કારણે ડિફ્થેરિયા, મીઝલ્સ, પટુર્સિસ, ટીટનસ જેવા રોગોની પીડામાંથી બાળકને બચાવી શકાય એમ છે. ગામડાંમાં પણ હવે ઉપલબ્ધતાનો પ્રશ્ન છે જ નહીં, હા તમારે અંતરિયાળ ગામથી

૧૦-૧૫ કિલોમીટર દૂરના મેડિકલ સેન્ટરમાં જવું પડે એમ છે. લોકો ખરીદી કરવા અને ફરવા માટે ગામથી આટલે દૂર છાશવારે જતા જ હોય છે, પણ છોકરાને રસી અપાવવા માટે આટલે દૂર જવામાં ઠાગાઠૈયા કરે છે. હું માનું છું કે એમાં તેમનો વાંક નથી, ડૉક્ટરો અને સરકારી મેડિકલ સેન્ટરો દ્વારા આ બાબતે પૂરતી જાગૃતિ નથી ફેલાઈ એ જ મુખ્ય મુદ્દો છે.’


બાળકને પીડા શા માટે આપવી?

નવજાત બાળકને અમુક ચોક્કસ રોગોની રસી આપવામાં આવે એ પછી એક-બે દિવસ બાળકની તબિયત નરમ-ગરમ રહે એ સ્વાભાવિક છે. આ વાત પેરન્ટ્સને પહેલેથી જ સમજાવી દેવી જોઈએ એમ જણાવતાં ડૉ. પંકજ પારેખ કહે છે, ‘ઘણા વાલીઓને લાગે છે કે રસી આપ્યા પછી બાળક ઢીલું થઈ જાય છે, તાવ આવી જાય છે અને નબળું પડી જાય છે એના કરતાં ન અપાવવી સારી. અશિક્ષિત અને અધકચરું જ્ઞાન ધરાવતા લોકોની આવી માન્યતાને કારણે તેઓ જ્યારે ડૉક્ટર કહે કે ફલાણી રસી લેવાની છે ત્યારે બાળકની તબિયત નરમ છે એમ કહીને વાત ટાળી દે છે અને પછી રસી આપવાનું જ ભૂલી જાય છે.’

રસીથી માંદા પડાય છે?

અભણ અને ગરીબ લોકોને રસીની વૅલ્યુ ન હોય એ તો સમજાય, પણ જ્યારે ભણેલા-ગણેલા લોકો પણ વૅક્સિન બાબતે સવાલ ઊભા કરે છે એ ઠીક નથી. થોડા મહિના પહેલાં ગુજરાત અને મહારાષ્ટ્ર સરકારે રુબેલા અને મીઝલ્સની રસી આપવાનું અભિયાન હાથ ધર્યું હતું ત્યારે કેટલાક લોકોએ આ રસીથી તો બાળકને નુકસાન થઈ શકે છે એવો પ્રચાર પણ કર્યો હતો. આવું થવાનાં કારણો વિશે ડૉ. પંકજ પારેખ કહે છે, ‘આ સમસ્યા અતિજ્ઞાનની છે. ગૂગલબાબામાં સર્ચ કરીને કોઈને રસી આપવાથી થતી સાઇડ-ઇફેક્ટ્સ વિશે વાંચો અને એને જ મસમોટી કરીને લોકો સામે રજૂ કરો ત્યારે આવું થાય. મારે ત્યાં પણ ક્યારેક કોઈ પેશન્ટ કહે છે કે ‘સાહેબ, દીકરાને મીઝલ્સ અને રુબેલાની રસી આપી એના બે દિવસ પછી તેને ઝાડા-ઊલટી થઈ ગયાં.’ હકીકતમાં આ રસીને અને ઝાડા-ઊલટીને કોઈ લેવાદેવા નથી. ઝાડા-ઊલટી થવાનું કારણ સદંતર જુદું હોવા છતાં લોકો એની સાથે સાંકળી લે છે. આ તો એના જેવું થયું કે બિલાડીએ રસ્તો કાપ્યો એટલે તમારું કામ ન થયું એવું માની લેવું. બીજું, રસી લેવાને કારણે કોઈનું મોત થયું હોય એવું હજી સુધી સાબિત નથી થયું, પણ રસી ન લેવાને કારણે સેંકડો અને હજારો બાળકો વર્ષોથી મરતાં આવ્યાં છે એ વાતને સાબિત કરવા જવાની પણ જરૂર નથી.’

આ પણ વાંચો : કૉલમ : આમ કે આમ, ગુઠલિયોં કે ભી દામ

વૅક્સિન કઈ રીતે કામ કરે છે?

વિજ્ઞાને કેટલાક રોગો થવા પાછળ કયા બૅક્ટેરિયા કે વાઇરસ જવાબદાર છે એ શોધી કાઢ્યું છે. આ બૅક્ટેરિયા કે વાઇરસનો હુમલો ગમે ત્યારે શરીરમાં થાય ત્યારે રોગપ્રતિકારક શક્તિ એના માટે સજ્જ થઈ જાય એ કામ છે વૅક્સિનનું. આ માટે મોઢેથી અથવા તો ઇન્જેક્શન દ્વારા જે-તે રોગ પેદા કરવા માટે જવાબદાર બૅક્ટેરિયા અને વાઇરસને સુષુપ્ત અને અત્યંત નબળી અવસ્થામાં શરીરમાં દાખલ કરવામાં આવે છે. આપણું શરીર એટલું સ્માર્ટ છે કે બહારથી હુમલો કરતા બૅક્ટેરિયા અને વાઇરસને ખદેડી મૂકવા માટે જરૂરી ઍન્ટિબૉડીઝ પેદા કરે છે. જે-તે બૅક્ટેરિયા કે વાઇરસ અત્યંત નબળા હોય છે એટલે રસીથી રોગનાં લક્ષણ પેદા નથી થતાં, પણ રોગપ્રતિકારક શક્તિમાં એનો સામનો કરવા માટે જરૂરી ઍન્ટિબૉડીઝ બની જાય છે. એને કારણે ભવિષ્યમાં ગમે ત્યારે આ જીવાણુઓ કે વિષાણુઓ શરીરમાં દાખલ થાય ત્યારે રોગ પેદા થાય એ પહેલાં જ એનો ખાતમો કરવા માટે શરીર સક્ષમ થઈ ગયું હોય છે.

૧૫ વૅક્સિન પ્રિવેન્ટેબલ ડિસીઝ

ટીબી માટે બીસીજીની રસી
પોલિયો
હેપેટાઇટિસ-બી
ડિફ્થેરિયા
પટુર્સિસ
ટીટનસ
ઇન્ફ્લુએન્ઝા ટાઇપ-બી
રોટાવાઇરસ-૧
ન્યુમોકોકલ કૉન્જુગેટ વૅક્સિન
મીઝલ્સ
મમ્સ
રુબેલા
ટાઇફૉઇડ માટે ટીસીવી
હૅપેટાઇટિસ-એ
મેનિન્જાઇટિસ

Whatsapp-channel Whatsapp-channel

26 April, 2019 11:26 AM IST | | સેજલ પટેલ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK