કૉલમ : થિન્ક ડિફરન્ટ

Published: May 25, 2019, 10:44 IST | સંજય રાવલ-સંજયદૃષ્ટિ

જો તમે આ આદત કેળવી લેશો તો તમારામાં રહેલો જિનીયસ બહાર લાવતાં કોઈ તમને અટકાવી નહીં શકે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સંજય દૃષ્ટિ

દેખીતા વિચારોનું કોઈ મૂલ્ય હોતું નથી, દેખીતી વાતનું પણ કોઈ વજન ક્યારેય હોતું નથી. જીવનમાં જો કંઈ નવું કરવું હશે તો તમારે આંખ સામે રહેલા દૃશ્યને જોઈને જુદી જ દિશામાં વિચારધારા આગળ ધપાવવી પડશે. જો તમે આ આદત કેળવી લેશો તો તમારામાં રહેલો જિનીયસ બહાર લાવતાં કોઈ તમને અટકાવી નહીં શકે

હું હંમેશાં એક વાત કહેતો રહ્યો છું.

થિન્ક ડિફરન્ટ. આ હું માત્ર કહેતો નથી, પણ હું આ બાબત પર, આ વાત પર ભાર પણ આપું છું કે જીવનમાં જેકાંઈ કરો એ જુદી રીતે કરો, જેકાંઈ કરો એ હન્ડ્રેડ પર્સન્ટ કરો અને પૂરી નિષ્ઠાક તથા ભાવના સાથે કરો. યાદ રાખજો કે થિન્ક ડિફરન્ટ એટલે કે અલગ દિશાથી વિચારવાની જે ક્ષમતાની વાત કરવામાં આવે છે એ દરેક વાતનું મૂળ છે અને સમાજમાં, રાજનીતિમાં, ઉદ્યોગોમાં કે કોઈ પણ દેશના બંધારણમાં થયેલા મોટા સુધારાઓ પણ આ થિન્ક ડિફરન્ટને આધારિત છે. શોધાયેલો આઇફોન પણ આ થિન્ક ડિફરન્ટની પેદાશ છે. હું તો ત્યાં સુધી કહીશ કે ડાર્વિનના ઉત્ક્રાંતિવાદમાં પણ અને સાપેક્ષવાદના સિદ્ધાંતોમાં પણ ક્યાંક ને ક્યાંક આ થિન્ક ડિફરન્ટની અસર છે, છે અને છે જ. તમને માનવામાં ન આવતું હોય એવું બની શકે, પણ હું તમને દાખલા સાથે સમજાવવા તૈયાર છું કે થિન્ક ડિફરન્ટનો આ જે સિદ્ધાંત છે એ જ સફળતાની અને નવી દિશાઓ ખોલવાની ચાવી છે.

જરા યાદ કરો ન્યુટનને. પોતાનો નિરાંતનો સમય પસાર કરતો એ આરામથી ગાર્ડનમાં ફરતો હતો. વિચારોની દુનિયા તેની સામે ખુલ્લી હતી અને વિચારોનું વિશ્વ પણ તેની સામે આવીને ઊભું રહી ગયું હતું. ગાર્ડનમાં ફરતાં-ફરતાં ન્યુટન એક ઝાડ નીચે આવીને બેસે છે અને શાંતિથી પોતાના વિચારોની યાત્રા પર દૂર સુધી નીકળી જાય છે. થોડી ક્ષણોમાં તેના માથા પર કંઈક પડે છે અને તેની યાત્રાને ખલેલ પડે છે. હવે તે ફરીથી આપણી દુનિયામાં પાછો આવી જાય છે અને જુએ છે કે તેના મસ્તક પર એક સફરજન પડ્યું હતું. મોટું, પાકી ગયેલું અને લાલચોળ સફરજન. ન્યુટન ઉપર જુએ છે ત્યારે તેને ખબર પડે છે કે એ એક સફરજનના ઝાડ નીચે બેઠો છે. અહીંથી આપણે આપણી જાતને આ ઘટનામાં સામેલ કરી દેવાની છે.

ધારો કે ન્યુટનની જગ્યાએ આપણે છીએ તો આપણે પહેલું કામ એ સફરજનને સાફ કરીને ખાવાનું કર્યું હોત. એ ખાઈ લીધા પછીનું બીજું કામ શું હોત આપણું? આપણું બીજું કામ એ હોત કે આપણે સફરજન આપણા ઘરના લોકો માટે ભેગાં કર્યાં હોત. જો નીચે ક્યાંય ન હોત તો એ સફરજન પાડવાની ક્રિયા પણ કરી હોત અને સફરજન પાડી લીધા પછી આપણે એ પણ જોયું હોત કે આ ગાર્ડનનો માલિક કોઈ છે કે પછી અવાવરુ જગ્યામાં આ સફરજન ઊગી ગયાં છે? જો કોઈ માલિક ન હોત અને આપણે, ગુજરાતી હોત તો આ સફરજનમાંથી હવે કમાણી કેવી રીતે કરવી એની પ્રક્રિયામાં પણ પડ્યા હોત અને કદાચ આપણે સફરજનનો વેપાર પણ ચાલુ કરી દીધો હોત. થિન્ક ડિફરન્ટ. આ પણ અલગ દિશામાં વિચારવા માટે કરેલી સક્ષમતા છે એની ના નહીં, પણ મુદ્દો આ પ્રકારના નવા વિચારનો નહીં, વિચારોમાં નવીનતા લાવવાની દિશામાં છે. જો તમારી વિચારધારા બેઝિક હશે તો તમે આ જ કરો, સફરજન ઉપાડીને એ ખાઈ લો અને ભૂખ ન હોય તો સાથે ઘરે લઈને જાઓ, પણ ન્યુટન જેવું વિચારવાનું કામ શરૂ થાય છે.

ન્યુટને શું કર્યું? તેમણે ઉપર નજર કરી, ઝાડ પર જોયું, જમીન અને જ્યાંથી સફરજન પડ્યું હતું એ બન્ને વચ્ચેનું ડિસ્ટન્સ જોયું અને સરળ કહેવાય એવો વિચાર કર્યો કે આ સફરજન નીચે કેમ આવ્યું, ઉપર હવામાં કેમ એ આગળ ન ગયું, આકાશમાં કેમ ઊડવા ન માંડ્યું? એવું તે શું છે કે આ સફરજને નીચે જ આવીને પડ્યું અને ન્યુટનના આ વિચારોએ આખા જગતને ગુરુત્વાકર્ષણ બળનો સિદ્ધાંત સમજાવ્યો. એવું તો હતું જ નહીં કે એ પહેલો દિવસ હતો જેમાં વસ્તુ જમીન પર પડી હતી. ઘરમાં પણ વસ્તુઓ પડતી જ હશે અને જગતઆખામાં અનેક જગ્યાએ વસ્તુ પડી હશે. હું તો કહીશ કે એ સમયે દુનિયાઆખીમાં સફરજન થતાં હતાં, એ સફરજન પણ પાકી ગયા પછી જમીન પર પડતાં હતાં અને એ પછી પણ કોઈને આ વિચાર નહોતો આવ્યો. આ વિચાર માત્ર ને માત્ર ન્યુટનને આવ્યો. આનું કારણ શું?

થિન્ક ડિફરન્ટ.

સ્ટીમ એન્જિનની વાતને અને એની શોધને યાદ કરો. ખબર છેને, એની શોધ કોણે કરી હતી? સ્ટીમ એન્જિનની શોધ જેમ્સ વૉટે કરી હતી. જેમ્સ વૉટ એક દિવસ સરસમજાની સવાર વચ્ચે મૉર્નિંગ વૉક પર નીકળ્યા. થોડું ચાલ્યા પણ ઠંડી એવી હતી કે તેમને થયું કે ચા કે કૉફી પીવી જોઈએ. નિયમિત જગ્યાએ જ તેમનું મૉર્નિંગ વૉક ચાલતું હતું એટલે તેમને ખબર હતી કે આગળ ક્યાં ચાવાળો હોય છે. તેઓ સીધા ચાલતાં આગળ વધ્યા અને લગભગ દોઢેક ફર્લાંગ દૂર આવેલા ચાવાળાને ત્યાં ઊભા રહ્યા. ચાવાળા પાસે ચા માગી, પણ હજી ચાવાળો પણ આવતો જ હતો એટલે ચા બને એટલી રાહ જોવા સિવાય છૂટકો નહોતો. જેમ્સ વૉટ ત્યાં ઊભા રહ્યા અને જે ચા બનતી હતી એની પ્રોસેસ જોવા લાગ્યા. યાદ રાખજો કે દેખીતી નજરે કોઈ બીજાને ફાલતુ લાગતી આવી પ્રોસેસ જોવાની પ્રક્રિયા પણ તમને જીવનમાં ઘણું શીખવી જતી હોય છે. પેલાએ તપેલી લીધી, ચા અને દૂધ નાખ્યાં, ખાંડ નાખી અને પછી સ્ટવ પર ચા બનાવવાની શરૂઆત કરી. થોડી વાર પછી તેણે સ્ટવ પર રહેલા એ તપેલા પર એક નાનકડી પ્લેટ ઢાંકી દીધી. થોડી વાર પછી ચા રેડી થઈ ગઈ એટલે જે પ્લેટ ઢાંકી હતી એ આપોઆપ હલવા માંડી. કીટલીવાળા માટે આ સાઇન હતી, તેણે પ્લેટ લઈ લીધી, જેવી પ્લેટ લીધી કે તરત વરાળનો એક નાનકડો ગોટો બહાર આવ્યો. હવે વિચારો કે જો એ જગ્યાએ આપણે હોત અને જેમ્સની જગ્યાએ તમે ઊભા હોત તો તમે શું કર્યું હોત? આપણે રસ્તા પર ડાફોળિયા માર્યા હોત, આપણે મોબાઇલમાં ધ્યાન આપ્યું હોત, ગીતો સાંભળ્યાં હોત અને કાં તો રસ્તા પર ઊભા રહીને આપણે થોડી એક્સરસાઇઝ કરી લીધી હોત અને આ રીતે આપણે સમયનો સદુપયોગ કર્યો હોત, પણ જેમ્સ વૉટની વાત જુદી હતી. તેમણે જેકાંઈ જોયું એ બધું આવનારા સમયને બદલી નાખનારું હતું. તેણે જેકાંઈ જોયું એ જોઈને તેના મનમાં વિચારો શરૂ થઈ ગયા કે જો વરાળના પ્રેસરથી પ્લેટમાં મૂવમેન્ટ થતી હોય તો આ પ્રેસરને યોગ્ય ફૉર્મેટમાં છોડવામાં આવે તો એનાથી શું-શું ચલાવી શકાય. આટલી અમસ્તી લાગતી ઘટનાએ એ પછી આપણને સૌની સામે સ્ટીમ એન્જિન મૂક્યું. થિન્ક ડિફરન્ટ. કોઈ એક વિચારને જો એ જ જગ્યાએ મૂકી દઈએ તો ક્યારેય કંઈ નવું થવાનું નથી, પણ જો એને જુદી રીતે અને નવા દૃષ્ટિીકોણથી જોવામાં આવશે તો સાવ નવું અને અલાયદું પિક્ચર આંખ સામે આવશે.

આ પણ વાંચો : જો તમે તમારી જાત સાથે પ્રામાણિક રહેશો તો દુનિયા પણ તમને છેતરી નહીં શકે

આ થિન્ક ડિફરન્ટની તાકાત છે દોસ્તો. તમે પણ જો નવી રીતે વાતને વિચારવાની આદત કેળવશો તો બની શકે કે કોઈ ને કોઈ જગ્યાએ રેવૉલ્યુશનરી આઇડિયા કે વિચાર તમારી આંખ સામે પણ આવી જાય અને તમે પણ સાવ નવું સર્જન કરી બેસો. આ બધાં ઇન્વેશન નવાં અને મોટાં છે પણ એની પ્રેરણા જ્યાંથી પણ મળી એ આખી વાત અને ઘટનાઓ નાનકડી હતી પણ એ નાનકડી ઘટનાઓમાંથી જે પ્રેરણા લેવામાં આવી એ ખાસ્સી મોટી હતી અને એનું કારણ હતું, કહ્યું એમ, થિન્ક ડિફરન્ટ. તમે પણ જો દરેક વાતને, દરેક કાર્યને અને એની પદ્ધતિને આ જ દૃષ્ટિનકોણથી જોવાનું રાખશો, એવી જ આદત પાડશો તો ચોક્કસ નવું કશું કરી શકશો. હું એક જ સલાહ તમને આપીશ, થિન્ક ડિફરન્ટને તમારી આદત બનાવી લો. આ આદત તમને દરેક જગ્યાએ કામ લાગશે અને આ જ આદત આવતા સમયમાં તમારી અંદર એક જિનીયસને જન્મ આપી જશે. ગૅરન્ટી.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK