Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai News in Shorts: ગિરગાવમાં દુકાન બળીને ખાખ

Mumbai News in Shorts: ગિરગાવમાં દુકાન બળીને ખાખ

Published : 13 December, 2025 12:07 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

Mumbai News in Shorts: મુંબઈમાં હજી વધુ ચાર પોલીસ-સ્ટેશન બનશે; મહારાષ્ટ્રમાં ૯ મહિનામાં ૭૮૧ ખેડૂતોની આત્મહત્યા અને વધુ સમાચાર

તસવીર : સતેજ શિંદે 

તસવીર : સતેજ શિંદે 


ગિરગાવના એન. આર. પાઠક ચોક પાસે આવેલા આશેર બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં આવેલી એક દુકાનમાં ગઈ કાલે બપોરે પોણાત્રણ વાગ્યે આગ લાગી હતી. ફાયર-બ્રિગેડને જાણ કરવામાં આવતાં ૧૮  મિનિટતાં તેમણે આગ બુઝાવી નાખી હતી. જોકે એ દરમ્યાન દુકાન બળીને ખાખ થઈ ગઈ હતી, પણ સદ્નસીબે કોઈને ઈજા થઈ નહોતી.

ડીઝલ ટૅન્કરમાં લાગેલી આગ અડધો કિલોમીટર સુધી ફેલાઈ, બીડમાં હાઇવે પર બની ભયાનક ઘટના




ગઈ કાલે સાંજે બીડ જિલ્લામાં ધુળે-સોલાપુર હાઇવે પર માંજરસુબા ઘાટ વિસ્તાર નજીક એક ગામ પાસે ભયંકર દુર્ઘટના ઘટી હતી. હાઇવે પર એક ડીઝલ ટૅન્કર અચાનક પલટી મારી ગયું હતું અને એમાં આગ લાગી હતી. આગે જોતજોતાંમાં ભયંકર રૂપ ધારણ કરી લીધું હોવાથી સ્થાનિક નાગરિકોમાં ગભરાટ ફેલાયો હતો. પ્રાથમિક જાણકારી પ્રમાણે ટૅન્કરમાં ડીઝલનો મોટો સ્ટૉક હોવાથી આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. થોડી જ વારમાં ટૅન્કર બળીને રાખ થઈ ગયું હતું અને એ વિસ્તારમાં વિસ્ફોટ થવાની ભીતિ હતી. આ ભયંકર આગને કારણે રસ્તા પરના નાના છોડ અને ઘાસ પણ સળગી ગયાં હતાં. લગભગ અડધો કિલોમીટર જેટલો વિસ્તાર આગની લપેટમાં આવી ગયો હતો. ઘટનાની માહિતી મળતાં જ રૂરલ પોલીસ અને ફાયર-બ્રિગેડ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં અને આગને કાબૂમાં લેવાનું કામ શરૂ કરી દીધું હતું. જોકે આ દુર્ઘટનામાં જાનહાનિ થઈ હોવાના કોઈ અહેવાલ નહોતા મળ્યા. ટૅન્કરના ડ્રાઇવર વિશે કોઈ માહિતી મળી શકી નહોતી.

શરદ પવારની ૮૫મી વર્ષગાંઠ ઊજવાઈ


ગઈ કાલે વાય. બી. ચવાણ સેન્ટરમાં શરદ પવારનો બર્થ-ડે ઊજવતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ

અઠંગ રાજકારણી અને ચાણક્ય જેવી મુત્સદ્દી માટે જાણીતા શરદ પવારની ગઈ કાલે ૮૫મી વર્ષગાંઠ હતી જેની ઉજવણી વાય. બી. ચવાણ સેન્ટરમાં આયોજિત કરવામાં આવી હતી. એ પ્રસંગે રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોશ્યલ મીડિયા દ્વારા તેમને સ્વસ્થ અને દીર્ઘાયુની શુભકામનાઓ આપી હતી. રાજ્યના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર એકનાથ શિંદેએ તેમને ફોન કરીને શુભેચ્છાઓ આપી હતી. એકનાથ શિંદેએ પણ તેમના સ્વસ્થ અને દીર્ઘાયુ જીવનની કામના કરતાં કહ્યું હતું કે તેમનું ગાઇડન્સ બધાને મળતું રહે. તેમણે તેઓ શતાયુષી રહે એવી પણ કામના વ્યક્ત કરી હતી. શિવસેના (UBT)ના નેતા આદિત્ય ઠાકરેએ પણ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. બીજી બાજુ શરદ પવારની નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીના અનેક નાના-મોટા નેતાઓ અને કાર્યકરો વાય. બી. ચવાણ સેન્ટર પર તેમને શુભેચ્છા આપવા પહોંચી ગયા હતા.

મુંબઈમાં હજી વધુ ચાર પોલીસ-સ્ટેશન બનશે

મુંબઈના હાલના પોલીસ ડિવિઝનનું રીસ્ટ્રક્ચર કરીને વધુ સારી રીતે કામગીરી થઈ શકે અને વધતા જતા વિસ્તારોમાં ઝડપથી પહોંચી શકાય એ માટે રાજ્ય સરકારે મુંબઈમાં વધુ ૪ પોલીસ-સ્ટેશન ખોલવાનો નિર્ણય લઈને એ માટેનું ગવર્નમેન્ટ રેઝોલ્યુશન (GR) બહાર પાડ્યું છે. આ નવાં ૪ પોલીસ-સ્ટેશન મહારાષ્ટ્રનગર (ભાંડુપ અને પાર્કસાઇટની વચ્ચે), ગોલીબાર (સાંતાક્રુઝ) , મઢ- માર્વે અને અસલ્ફામાં આવશે. એ સાથે જ ૧૩ નવી પોલીસ આઉટપોસ્ટ અને ૩ અસિસ્ટન્ટ પોલીસ-કમિશનર ડિવિઝનનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. આમ આ નવી સુધારણા માટે ૧૪૮૮ નવી પોસ્ટ સૅન્ક્શન કરવામાં આવી છે.

મહારાષ્ટ્રમાં ૯ મહિનામાં ૭૮૧ ખેડૂતોની આત્મહત્યા

મહારાષ્ટ્રમાં આ વર્ષે જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીમાં ૭૮૧ ખેડૂતોની આત્મહત્યા થઈ હોવાની માહિતી મિનિસ્ટર મકરંદ જાધવ (પાટીલ)એ વિધાનપરિષદમાં આપી હતી. તેમણે જણાવ્યું હતું કે વિદર્ભના નાગપુર ડિવિઝનમાં ૨૯૬ અને મરાઠવાડામાં ૨૧૨ ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. આ પહેલાં જુલાઈ મહિનામાં મકરંદ જાધવે વિધાનસભાને માહિતી આપી હતી કે એકલા માર્ચ મહિનામાં જ મરાઠવાડા અને વિદર્ભમાં ૨૫૦ ખેડૂતોની આત્મહત્યા નોંધાઈ હતી. નોંધનીય છે કે નૅશનલ ક્રાઇમ રેકૉર્ડ્સ બ્યુરો ૨૦૨૩ના ડેટા પ્રમાણે દેશભરમાં ખેડૂતોની આત્મહત્યાની ઍવરેજ દર બેમાંથી એક ઘટના મહારાષ્ટ્રમાં નોંધાય છે.

વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેને JNPA સાથે જોડવા ૧૪ કિલોમીટરના લિન્ક રોડને મંજૂરી

વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેનો વિરારથી જવાહરલાલ નેહરુ પોર્ટ ઑથોરિટી (JNPA) સુધીનો ભાગ પૂરો થવામાં છે ત્યારે નૅશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI)એ JNPA તરફ જતા લગેજ વ્હીકલ્સના ટ્રાફિકને સીમલેસ કનેક્ટિવિટી આપવા એક મહત્ત્વનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય પ્રમાણે હવે મોરબેથી કળંબોલી વાયા તળોજા સુધી ૧૪ કિલોમીટર લાંબો લિન્ક રોડ બનાવવાની કામગીરીને રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયથી મુંબઈ મેટ્રોપૉલિટન રીજનને અટલ સેતુ અને નવી મુંબઈ ઍરપોર્ટ સાથે ઝડપી કનેક્ટિવિટી મળશે. એક અધિકારીએ આપેલી માહિતી પ્રમાણે આ કામગીરીમાં ફક્ત મોરબેથી તળોજા સુધીનો પહેલો ચાર કિલોમીટરનો રસ્તો જ બનાવવાનો રહેશે, બાકીનો ૧૦ કિલોમીટર રસ્તો પહેલેથી છે, એને ફક્ત પહોળો કરવામાં આવશે.

Whatsapp-channel Whatsapp-channel

13 December, 2025 12:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK