કૉલમ : આ વિકાસ બહુ વાયડો છે

Published: Jun 01, 2019, 10:41 IST | સંજય રાવલ - સંજય દૃષ્ટિ

જ્યાં ટીમ વર્ક હોય, જ્યાં સંઘભાવના હોય ત્યાં જ એ રહેવા જાય છે એટલે જો આગળ વધવું હોય તો તમારી

ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ
ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ

તમારી પાસે એક કંપની છે અને એ કંપનીને તમારે ઊંચે આકાશ સુધી લઈ જવી છે. તમે દૃઢપણે માનો છો કે તમામ પ્રકારની સફળતા તમારી કંપનીને મળેલી હોય અને તમારી કંપનીનું નામ ‘ફૉર્બ્સ’ મૅગેઝિનની ટૉપ ફિફટી કંપનીમાં હોવું જોઈએ. આ નક્કી કરી લીધું, પણ હવે શું કરવાનું? શું કરવાનું કે તમારી કંપની એ બધી સક્સેસ મેળવે અને દેશની, દુનિયાની ટોચની કંપની બને. પહેલો જવાબ. તમારા મનમાં આવશે કે ખૂબ બધો ધંધો કરવાનો? હા. સાચી વાત, પણ એ પછી? ખૂબ બધું કામ કરવાનું, તનતોડ મહેનત કરવાની? હા, એ પણ સાચી વાત, પણ પછી? પ્લાનિંગ સાથેની સ્ટ્રૅટેજી બનાવીને બિઝનેસ કરવાનો અને તમારા કૉમ્પિટિટરને પાછળ રાખી દેવાનો? યેસ, આ પણ કરવાનું, પણ પછી?

આ બધાનો જવાબ તમે હકારાત્મકતા સાથે આપી દીધો, પણ આ બધાં કામ તમે નથી કરી શકવાના અને બીજી વાત, તમારે બધાં કામ કરવાનાં હોય તો કંપની શું કામની અને તમે જ બધાં કામ કરવાના હોય તો એ કંપનીને આગળ લઈ જવાનું કામ તમારે ક્યારે કરવાનું કે પછી આગળ લઈ જવાના આઉટઑફ-બૉક્સ ગણાય એવા વિચાર ક્યારે કરવાના? ક્યારે વિચારવાનું કે તમારું જે સપનું છે એ કેમ પૂરું થશે? આ પ્રશ્ન સાથે પણ તમે તો હા જ કહેવાના છો, પણ મારું કહેવું એ છે કે માત્ર બધી વાતમાં હા પાડીને ઊભા રહી જવાથી વાત પૂરી નથી થતી. હજુ પણ કંઈક ખૂટે છે અને આ જે કંઈ ખૂટે છે એ છે કંપની.

જી, હા કંપની.

અહીંયાં પહેલો સવાલ એ છે કે કંપની એટલે શું? પેઢી કે પછી ફર્મ કે પછી અમુક ચોક્કસ પ્રકારના બંધારણ સાથે બનાવવામાં આવેલી દુકાન. ના, આમાંથી કશું નહીં. કંપની શબ્દમાં જ એનો જવાબ છે અને આ જવાબને જ સાચી રીતે ઓળખવાનો છે. કંપનીનો સાચો અર્થ સમજવાની જરૂર છે.

એક કરતાં વધારે વ્યક્તિ સાથે મળીને કામ કરે એ કંપની, એ ટીમ. બિલકુલ, સાચો જવાબ છે અને આ જવાબ સમજવામાં જ બધા નિષ્ફ ળ જાય છે. જો તમારી પાસે ટીમ પાવરફુલ હશે તો તમે કોઈ પણ કામ કરી શકશો, તમે એકલા નહીં કરી શકો, પણ જો તમારી પાસે ટીમ હશે, પાવરફુલ પ્લેયર હશે તો તમારી કંપનીને કે બિઝનેસને આગળ વધતાં અને તમે જે સપનાં જોયાં છે એ પૂરાં થતાં વાર નહીં લાગે. તમારા એ સપનાંને પીઠબળ આપવા માટે એક પાવરફુલ ટીમ તમારી સાથે છે અને જેની પાસે મજબૂત પીઠબળ હોય એ ક્યારેય અટકતો નથી.

તમે વિચાર કરો કે તમે એક સપનું જોયું, એનું બીજ વાવ્યું અને મહેનત કરવાનું શરૂ કર્યું, હવે તમારે જો એ સપનાના ઝાડને મોટું કરવું હોય અને તમે ઇચ્છતા હો કે એમાં ખૂબ બધાં ફળો આવે તો તમારે ખૂબ સારી ટીમને તમારી સાથે રાખવી પડે, એવી ટીમ સાથે રાખવી પડે જે તમારા દરેક વિચારને એક્ઝિક્યુટ કરે. તમે જે વિચારો છો એને રિયલિટીમાં ફેરવી દેખાડે એવી ટીમની જરૂર છે. મેં અનેક એવા લોકોને જોયા છે જે ખૂબ સારી એક ટીમ પાસેથી ખૂબ સારું કામ લઈને ખૂબ પ્રગતિ કરી શકતા હોય છે, એનું કારણ સમજવા જેવું છે. જ્યારે કંઈક નવું કરવાનું વિચારે કે તરત જ તેને ટીમમાંથી સર્પોટ મળે છે. ટીમ એવું નથી કહેતી કે કેમ કરીશું? ટીમ એવું કહે છે કે હા, અમે આ કરીશું.

મને અહીંયાં ફરી એક વખત એ જ સલાહ આપવી છે, ખૂબ વાંચો. હું હંમેશાં કહું છું કે વાંચવાનું જરા પણ છોડો નહીં. પેટ ખાલી થાય તો એમાં અન્ન નાખવાનું હોય અને મગજ ખાલી તો એમાં વાંચન ઉમેરવાનું હોય. વિચારો કરવા માટે, નવા વિચારોને જન્મ આપવા માટે પણ અને આવેલા વિચારોને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે પણ વાંચન જરૂરી છે. વાંચશો તો જ તમને નવી દિશા મળશે અને એ દિશામાં દૃષ્ટિકોણ સ્પષ્ટ થશે.

સ્ટીવ જૉબ્સ કે બિલ ગેટ્સે જ્યારે કંપની શરૂ કરી હશે ત્યારે શું તેમની સામે પ્રૉબ્લેમ નહીં આવ્યા હોય. અફકોર્સ, આવ્યા જ હશે, પણ એ પ્રૉબ્લેમ સૉલ્વ કરવા માટે તેમની પાસે ટીમ હાજર હતી. અટારી નામની એક કંપની છે, જે ગેમ બનાવે છે. આ કંપની જ્યારે ગેમ બનાવતી અને ત્યારે એ ગેમ બનાવવા માટે કલાકોના કલાકો, દિવસોના દિવસો અને મહિનાઓના મહિનાઓ સુધી તેમની ટીમ ઘરે નહોતી જતી. બધા સાથે મળીને મચી પડતા. ઑફિસમાં જ જમી લેવાનું, આરામ પણ ઑફિસમાં જ કરી લેવાનો, રાતના સૂવાનું પણ ઑફિસમાં અને સવારે જાગીને કુદરતી હાજત પતાવીને પાછું કામે લાગી જવાનું. માર્કેટમાં વૉકમૅન હતાં જ તો શા માટે સ્ટીવ જૉબ્સે આઇપૉડ બનાવવાં પડે? પણ એ એક વિચારને હકીકતમાં સાકાર કરવો હતો એટલે સ્ટીવ જૉબ્સ અને તેની ટીમ સતત મચેલી રહેતી. ડોઝ અને કમ્પ્યુટર માટે મહત્ત્વની કહેવાય બીજી ઑપરેટિંગ સિસ્ટમ માર્કેટમાં હતી જ અને એના પર કમ્પ્યુટર ચાલતાં પણ ખરાં, એમ છતાં એવી સિસ્ટમ લાવવી જે ખરેખર સરળ હોય અને એ ચલાવવા માટે બીજી કોઈ ખાસ તાલીમ લેવી ન પડતી હોય, ઘરની ગૃહિણીઓ પણ આરામથી વાપરી શકે એવી ઑપરેટિંગ સિસ્ટમ હોય એવું બિલ ગેટ્સે નક્કી કર્યું. તેના મનમાં વિચાર આવ્યો અને ટીમ કામે લાગી ગઈ. જીવનમાં જો આગળ વધવું હોય તો ક્યારેય ઘડિયાળ સામે ન જુએ એવી ટીમની જરૂર પડે. યાદ રાખજો, દરેક સ્ટાર્ટઅપ પહેલાં નાનું જ હોય છે, પણ એની ટીમની દૃષ્ટિ ખરેખર મોટી હોય છે.

બિલ ગેટ્સે પોતાની બાયોગ્રાફીમાં લખ્યું છે કે સ્ટાર્ટઅપની શરૂઆત નાના પાયે જ થાય અને પછી એ ધીમે ધીમે આગળ વધે, આગળ વધવાની આ જે પ્રક્રિયા છે એમાં એ સ્ટાર્ટઅપની ટીમનો સૌથી મોટો ફાળો હોય છે. ટીમ કેવી હોવી જોઈએ એ પણ સમજવું જોઈએ. એક વખત તમે નક્કી કરો અને ટીમ સાથે ચર્ચા કરીને આગળ વધો પછી કંઈ પણ થઈ જાય, પણ પાછળ હટવાનું નથી એવું એ ટીમને ખબર જ છે. બીજું કે સખત - હાર્ડવર્ક, તનતોડ કહેવાય એવી મહેનત કરનારી ટીમ જ સારી રીતે આગળ વધી શકે અને ત્રીજી પણ મહત્ત્વ જરા પણ ઓછું ન આંકી શકાય એવી વાત, ટીમનું ઝનૂન એટલું જ હોય જેટલું ઝનૂન વિચાર લાવનારી વ્યક્તિના મનમાં હોય. તમને જેટલું ગાંડપણ તમારા કામનું છે એટલું જ ગાંડપણ તમારી ટીમમાં એ કામ માટે હોવું જોઈએ. ચોથી વાત, હંમશાં ટીમ પાસેથી રિવ્યુ લો અને એવી ટીમ બનાવો, જે કોઈ પણ પ્રકારના ડર કે ખચકાટ વગર તમને સાચો ઓપિનિયન આપે. બ્લૅકબેરી અને નોકિયાનું માર્કેટ બિલકુલ ખતમ થયું એમાં કદાચ આ ઓપિનિયન જ મહત્ત્વનો હશે એવું મને લાગે છે. જો સમયસર આ કંપનીના મૅનેજમેન્ટને સાચી સલાહ મળી હોત કે પછી આંખ ખૂલી જાય એવી સલાહ મળી હોત તો આ બન્ને કંપની આજે પણ મોબાઇલ ઇન્ડસ્ટ્રીમાં ટોચ પર હોત. જો આ બધી ખાસિયતો ધરાવતી ટીમ મળે કે ટીમને તમે એવી રીતે તૈયાર કરી શકો તો તમે જે ધારો એ કરી શકો છો. તમારે માટે કોઈ પણ સપનું અશક્ય નથી રહેતું.

હેન્રી ફૉર્ડનો જ દાખલો જોઈએ. અમેરિકામાં ફૉર્ડ બ્રૅન્ડ નેમ સાથે હેન્રી ફૉર્ડે કારકંપની સ્થાપી અને એ કંપની ખૂબ આગળ વધી. અરબો ડૉલર બનાવ્યા અને ખૂબ જ સારી કારો બનાવી. એવો સમય આવી ગયો કે દુનિયાના દરેક ખૂણે ફૉર્ડ કાર મળે. કંપની આગળ વધતી રહી અને નવા એમ્પ્લૉઇ ટીમમાં જોડાતા ગયા, પણ મજાની વાત એ છે કે પહેલી નોકરી કરનારો સીધો જ ફૉર્ડથી જ રિટાર્યમેન્ટ લે એવું બને છે. આવું કરનારાઓની સંખ્યા આ કંપનીમાં સિત્તેર ટકાથી વધારે છે. તેમણે કયારેય ફૉર્ડ છોડીને બીજે ક્યાંય જવાનું વિચાર્યું જ નથી. વર્ષો પછી એક દિવસ એવો આવ્યો કે ફૉર્ડના એક એમ્પ્લૉઇના કારણે કે પછી એમ્પ્લૉઇની ભૂલને કારણે કંપનીને વીસ લાખ ડૉલરનું નુકસાન થયું. કંપનીને ખ્યાલ આવ્યો કે ફલાણા ટીમ મેમ્બરને લીધે આપણને નુકસાન થયું છે અને તેમને મળવું જરૂરી છે. કંપનીના સીઈઓ રોક ફેલરે એ વ્યક્તિને મળવા બોલાવી. તેણે સીધું જ પૂછી લીધું કે આ ભૂલ તમારાથી થઈ છે?

એ એમ્પ્લૉઇએ પણ સ્વીકારી લીધું કે ભૂલ તેની જ હતી. પછી તેની પૂછપરછ ચાલુ થઈ કે એ કેટલાં વર્ષોથી કંપનીમાં છો. ખબર પડી કે છેલ્લાં ત્રેવીસ વર્ષથી તે ફૉર્ડમાં છે. સીઈઓ રોક ફેલરે જોયું કે છેલ્લાં ત્રેવીસ વર્ષોથી આ માણસ કંપનીને વફાદાર રહીને કામ કરે છે અને પાસ્ટ-રેકૉર્ડ પણ ખૂબ સારો છે. રોક ફેલરે નિર્ણય લઈ લીધો અને કહ્યું કે તમને કંપનીમાંથી કાઢવાના નથી અને એવો કોઈ વિચાર પણ કંપની હવે પછી નહીં કરે. આજે ભૂલ તમારાથી થઈ, બને કે કાલે મારાથી ભૂલ થાય. આપણી દરેક ભૂલમાં પણ એકબીજાને સાથ આપવાનો છે. એ વ્યક્તિને થયું કે મારા માટે કંપનીએ વીસ લાખ ડૉલરનું નુકસાન સહન કર્યું. તેણે એ જ દિવસથી તનતોડ મહેનત ચાલુ કરી દીધી અને કંપનીને એ ગુમાવેલા ડૉલર્સ પાછા કમાઈ આપ્યા. આનું નામ ટીમ વર્ક, ભૂલ થશે તો જ શીખી શકાશે, પણ એ ભૂલનું પરિણામ ક્યારેય તમારા ટીમ મેમ્બરને એકલા ન ભોગવવાનું હોય.

આ પણ વાંચો : કૉલમ : થિન્ક ડિફરન્ટ

જો ખરેખર તમારી પાસે વિચારો છે તો એને અમલમાં મૂકો અને એવી ટીમને સાથે રાખો જે તમારા દરેક વિચારમાં વિશ્વાસ ધરાવતી હોય. વિકાસની વાયડાઈ બહુ વધારે છે. એ ક્યારેય એકનો નથી થતો, જ્યાં બધા સાથે હોય એની જ પાસે જઈને એ ઊભો રહે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK