નવા સીટ-કમ-સ્ટ્રેચરની ચોરી રોકવા સેન્ટ્રલ રેલવેનો અફલાતૂન આઇડિયા

Published: 27th October, 2014 03:27 IST

અધિકારીઓ સીટોનું વજન ઓછું કરી નાખવાનું વિચારી રહ્યા છે, જેથી એની રિસેલ વૅલ્યુ ઘટી જતાં એ ચોરવાનો અર્થ ન રહે : ૮૦૦૦ રૂપિયાના સ્ટ્રેચરના ભંગારમાં માંડ ૮૦ રૂપિયા મળશે
સેન્ટ્રલ રેલવેએ ઍક્સિડન્ટનો ભોગ બનેલા લોકોને નજીકના મેડિકલ સેન્ટર સુધી લઈ જવા માટે ઉપયોગી થાય એ માટે ટ્રેનોમાં ગોઠવેલા સીટ-કમ-સ્ટ્રેચરની ચોરીનું પુનરાવર્તન ન થાય એ માટે હવે તંત્રના અધિકારીઓએ નવો આઇડિયા કર્યો છે. તેમણે એ સીટોનું વજન ઓછું કરી નાખવાનું વિચાર્યું છે, જેથી એની રિસેલ વૅલ્યુ ઘટી જતાં એ ચોરવાનો કોઈ અર્થ ન રહે.

ઑગસ્ટ મહિનામાં સાત ટ્રેનોમાં (મોટરમૅન અને ગાર્ડની પાછળના દરેક કમ્પાર્ટમેન્ટમાં એક-એક) ગોઠવેલા ૧૭૦૦ રૂપિયાની કિંમતનાં આવાં ૧૪ ફોલ્ડેબલ સ્ટ્રેચર્સ ચોરાઈ જતાં સેન્ટ્રલ રેલવેએ આ નવી વ્યવસ્થા વિચારી છે. ટ્રેનમાં ચડતી વખતે પડી જતા અથવા ચાલુ ટ્રેનમાંથી પડીને ઘાયલ થતા પ્રવાસીઓને નજીકના મેડિકલ સેન્ટરમાં લઈ જવા ઇમર્જન્સી માટે આ સ્ટ્રેચર્સ ટ્રેનોમાં ગોઠવાયાં એના થોડા દિવસોમાં યાર્ડમાં પાર્કિંગ દરમ્યાન ચોરાઈ ગયાં હતાં. એમાંથી ત્રણ સ્ટ્રેચર પાછાં મળ્યાં હતાં, પણ એ સાવ ખરાબ હાલતમાં હતાં.

એ પછી સેન્ટ્રલ રેલવેએ ૮૦૦૦ રૂપિયાનું સીટ-કમ-સ્ટ્રેચર મેળવીને એક ટ્રેનમાં પ્રાયોગિક ધોરણે ગોઠવ્યું હતું. હવે અધિકારીઓ એની ચોરી કેવી રીતે અને શા માટે થાય છે એના મૂળ સુધી પહોંચી રહ્યા છે. અધિકારીઓ અપગ્રેડેશન કરતાં એ સ્ટ્રેચર બનાવવા માટેનું મટીરિયલ બદલીને એનું વજન ઘટાડવા સાથે એ ભંગારમાં ફરી વેચાવા જાય ત્યારે એની મૂળ કિંમતનો એક ટકો પણ ન ઊપજે એવી જોગવાઈ કરવામાં લાગ્યા છે. એનું વજન ૨૫ કિલોથી ઘટાડીને ૧૬ કિલો કરવા ઉપરાંત એમાં ફાઇબર રીઇન્ફોસ્ર્ડ પ્લાસ્ટિક અને માઇલ્ડ સ્ટીલના વપરાશની ફૉમ્યુર્લા વાપરી રહ્યા છે. આની ખરીદકિંમત ૮૦૦૦ રૂપિયા છે અને એને ભંગારમાં વેચવા જાય તો માંડ ૮૦ રૂપિયા મળે એમ છે. ૬.૫ ફૂટ બાય ૧.૫ ફૂટનાં આવાં આઠ સ્ટ્રેચર ચાર ટ્રેનમાં ગોઠવવામાં આવશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK