હાર્ટ-અટૅક આવ્યો હતો ત્યારે તેઓ મારા પડખે હતા
શ્રેયસ તલપડે
શ્રેયસ તલપડેને ગયા વર્ષે હાર્ટ-અટૅક આવ્યો હતો. તે ‘વેલકમ ટુ ધ જંગલ’નું શૂટિંગ કરી રહ્યો હતો. શૂટિંગ પૂરું કરીને તે જ્યારે ઘરે પહોંચ્યો તો તે અસ્વસ્થ થઈ ગયો હતો. તેને તરત હૉસ્પિટલમાં લઈ જતાં તેની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. એ વખતે શ્રેયસની વાઇફ દીપ્તિ તલપડેને અક્ષયકુમાર, રોહિત શેટ્ટી અને ડિરેક્ટર અહમદ ખાન સતત કૉલ કરીને તેની હેલ્થ વિશે માહિતી મેળવતા હતા. તેનું કહેવું છે કે આવી બાબતો જ સંબંધોને ટકાવી રાખે છે. એ વિશે શ્રેયસ કહે છે, ‘સ્ક્રીનની વાત આવે તો અક્ષયભાઈ જોરદાર સ્પર્ધક છે. તે બેસ્ટ દેખાવા માગે છે. જોકે ઑફ-સ્ક્રીન તે ગ્રેટ ફ્રેન્ડ છે. ફ્રેન્ડ્સને ખુશ રાખવા માટે તે હંમેશાં પ્રયાસ કરે છે. હું જ્યારે મારા કપરા સમયમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેઓ મારા પડખે હતા. અક્ષય અને રોહિત શેટ્ટી મારી વાઇફ દીપ્તિને સતત કૉલ કરીને મારી હેલ્થ વિશે માહિતી મેળવતા હતા અને કોઈ વસ્તુની જરૂર પડે તો કહે એવું પણ જણાવતા હતા. આવી જ બધી બાબતો સંબંધોને ટકાવી રાખે છે. રોહિત શેટ્ટી, અક્ષયકુમાર અને અહમદ ખાન મારી વાઇફના સંપર્કમાં હતા. તેઓ દીપ્તિને પૂછતા હતા કે કોઈ વસ્તુની જરૂર છે? તેઓ મળવા પણ આવતા હતા.’

