70 વર્ષની બીમારીઓને પાંચ વર્ષમાં ઠીક કરવી મુશ્કેલ હોય છેઃ મોદી

Published: Jun 26, 2019, 08:51 IST

સંસદનાં બન્ને ગૃહના સંયુક્ત સત્રને રાષ્ટ્રપતિએ કરેલા અભિભાષણ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આભાર પ્રસ્તાવ રજૂ કર્યો હતો. નવી ચૂંટાયેલી ૧૭મી લોકસભાના પ્રથમ સત્રનાં બન્ને ગૃહમાં રાષ્ટ્રપતિએ સંબોધન કર્યું હતું.

 રાષ્ટ્રપતિએ કરેલા અભિભાષણ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આભાર પ્રસ્તાવ રજૂ કર્યો
રાષ્ટ્રપતિએ કરેલા અભિભાષણ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આભાર પ્રસ્તાવ રજૂ કર્યો

સંસદનાં બન્ને ગૃહના સંયુક્ત સત્રને રાષ્ટ્રપતિએ કરેલા અભિભાષણ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આભાર પ્રસ્તાવ રજૂ કર્યો હતો. નવી ચૂંટાયેલી ૧૭મી લોકસભાના પ્રથમ સત્રનાં બન્ને ગૃહમાં રાષ્ટ્રપતિએ સંબોધન કર્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિના અભિભાષણનો આભાર માનતાં દેશવાસીઓને ‘નયા ભારત’, ‘આધુનિક ભારત’ના નિર્માણ માટે આવાહન કર્યું હતું.

વડા પ્રધાને ભ્રષ્ટાચાર સામે પોતાની સરકારની પ્રતિબદ્ધતા પર પણ ભાર મૂક્યો હતો. આ સાથે જ તેમણે કહ્યું કે ‘અમારી સરકાર આતંકવાદને નાબૂદ કરવા માટે પણ દરેક સ્તરે કામ કરશે. અમે મહિલા સશક્તીકરણના મુદ્દે પણ કામ કરવા માગીએ છીએ.’

અમારી સરકારનું સપનું છે ‘નયા ભારત’, ’અત્યાધુનિક ભારત’, ‘ઇઝ ઑફ લિવિંગ’. દેશને આગળ લઈ જવા માટે દરેક ક્ષેત્રમાં કામ કરવું પડશે. રાષ્ટ્રપતિએ દેશને આધુનિકતાના ક્ષેત્રે આગળ કઈ રીતે લઈ જવું એના પર ભાર મૂક્યો છે.

પીએમ મોદીએ દેશના અર્થતંત્રને પાંચ ‌ટ્રિલ્યનનું બનાવવા માટે તમામ પક્ષોને આગળ આવવા માટે આવાહન કર્યું હતું. ‘જય કિસાન, જય વિજ્ઞાન અને હવે જય અનુસંધાન’ નવું સૂત્ર બનાવવું પડશે. ભારત પાસે વિશાળ મેઘાશક્તિ રહેલી છે અને યુવાનો ઇનોવેશન કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે સામાન્ય લોકોને તેમનો હક મળવો જોઈએ પણ આ બાબતોને બદલવામાં ઘણી મહેનત લાગે છે. ૭૦ વર્ષની બીમારીઓને પાંચ વર્ષમાં ઠીક કરવી મુશ્કેલ હોય છે.

ભારત પાસે શસ્ત્રોના નિર્માણની ૨૦૦થી વધુ ફૅક્ટરીઓ હતી. દેશ આઝાદ થયો ત્યારે પણ ભારત પાસે શસ્ત્રોના નિર્માણની ૧૫થી ૧૮ ફૅક્ટરીઓ હતી. અમે ‘મેક ઇન ઇન્ડિયા’ અમલમાં મૂકીને દેશને શસ્ત્રો પર આધારિત દેશમાંથી શસ્ત્રોનો નિર્માણ કરતો દેશ બનાવવા માગીએ છીએ.

પીએમ મોદીએ કહ્યું કે રામમનોહર લોહિયાએ કહ્યું હતું કે ભારત દેશની મહિલાઓની બે મુખ્ય સમસ્યા છે ‘પાણી અને પાયખાના’. અમારી સરકારે આ બન્ને મુદ્દાઓને ધ્યાનમાં લઈને કામ કર્યું છે. આ વખતની સરકારમાં અમે પાણીની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને જ ‘જળશક્તિ મંત્રાલય’નું નિર્માણ કર્યું છે. જળસંચયની સાથે-સાથે જળનું સિંચન પણ કરવું પડશે.

વડા પ્રધાન મોદીએ કહ્યું કે રાષ્ટ્રપતિએ તેમના ભાષણમાં બે મહત્ત્વની બાબતો પર ભાર મૂક્યો હતો. ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી અને આઝાદીનાં ૭૫ વર્ષ પૂરાં થવાની તારીખોનો ઉલ્લેખ કર્યો છે. મારું તમામ પક્ષોને આવાહન છે કે આ બન્ને તારીખોની ઉજવણીમાં મારું-તારું ભૂલી જઈને આગળ આવે.

વડા પ્રધાને ૨૫ જૂનનો દિવસ દેશમાં લાદવામાં આવેલી કટોકટીને યાદ કરતાં કહ્યું કે માત્ર પોતાના હિત માટે બંધારણને નાબૂદ કરી દેવાયું હતું. કટોકટી પછી યોજાયેલી ચૂંટણીમાં દેશના લોકોએ લોકશાહી લાગુ કરવા માટે મતદાન કર્યું અને કટોકટી લાગુ કરનારી સરકારને ઉખાડીને ફેંકી દીધી હતી. આ વખતે પણ જનતાએ પૂર્ણ બહુમત આપીને દેશની લોકશાહીને સમર્થન આપ્યું છે.

પીએમ મોદીએ ગૃહમાં કૉન્ગ્રેસના વલણ વિશે પ્રહાર કરતાં કહ્યું કે કૉન્ગ્રેસ માત્ર પોતાના લોકોના વિશે જ વિચારે છે. અમારી સરકાર સૌને સાથે લઈને ચાલે છે. દેશમાં યોગદાન આપનારા દરેક લોકોને અમે સન્માનિત કરીએ છીએ અને એટલા માટે જ અમારી સરકારે કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા પ્રણવ મુખરજીનું દેશમાં તેમણે આપેલા યોગદાન બદલ ‘ભારત રત્ન’થી સન્માન કર્યું હતું.

વડા પ્રધાન મોદીએ કૉન્ગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે ગૃહમાં કહેવાયું હતું કે અમારી ઊંચાઈઓ સુધી કોઈ પહોંચી શકશે નહીં. પીએમ મોદીએ કહ્યું કે અમારું કામ કોઈને નીચું દેખાડવાનું કે કોઈની લીટી નાની કરવાનું નથી. અમે તો અમારી લીટીને જ મોટી કરવાનું કામ કરીએ છીએ. તમે ઊંચાઈએ પહોંચીને જમીનનાં મૂળિયાં છોડી દીધાં છે. અમારી તમને શુભેચ્છા છે કે તમે વધુ ને વધુ ઊંચે ચડતા રહો.

આ પણ વાંચો: રાજ્યમાં નવા ૩૦૦ CNG પંપ શરૂ કરાશે

માત્ર ગરીબોનું કલ્યાણ, ગરીબોનું સશક્તીકરણ, ગરીબોનું ઉત્થાન જ જરૂરી નથી. સામાન્ય માનવીના કલ્યાણની સાથે-સાથે દેશનું ઉત્થાન પણ કરવું જરૂરી છે. દેશને આધુનિક બનાવવા માટે સરકારે બન્ને પક્ષો પર ધ્યાન આપ્યું. સરકારે હાઇવેથી માંડીને હવાઈ જહાજ અને ટિન્કરિંગ લૅબથી માંડીને ચંદ્રની સફરની કલ્પના પણ આ સરકારે સાકાર કરી. 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK