મારો મિહિર, તારી તુલસી:ઑડિયન્સ પાત્રોને અખૂટ પ્રેમ-અતૂટ સ્નેહ આપે છે
પ્રતીકાત્મક તસવીર
મેરે દિલ મેં આજ ક્યા હૈ?
આપણે ત્યાં ટીવી બગડવાનું શરૂ ત્યારથી થયું જ્યારથી આપણા ઑડિયન્સને પાત્રોના પ્રેમમાં પડવાની આદત પડી. પડવાની આદત પડી અને કાં તો પાત્રોના પ્રેમમાં પાડવાની કુટેવ પાડવામાં આવી. આમ જોઈએ તો આ એવી વાત છે કે જેની ચર્ચાનો કોઈ અંત નથી. મરઘી પહેલાં કે ઈંડું પહેલાં, એના જેવો આ લાંબોલચક વિષય છે, પણ મૂળ મુદ્દો એ છે કે ટીવી-ઇન્ડસ્ટ્રીના મનોરંજનનું સ્તર કથળી કેવી રીતે ગયું?
ADVERTISEMENT
બન્યું છે એવું કે પાત્રના પ્રેમમાં પડવાની આદતને કારણે પાત્રો સાથે રહેવાની આદત પડી અને પાત્રો સાથે રહેવાની આદત પડી એટલે પરિસ્થિતિ એવી ઊભી થઈ કે વાર્તામાં કશું બને કે ન બને, વળાંક આવે કે ન આવે કે પછી કોઈ ઘટના ઘટે કે ન ઘટે, પણ પાત્રો આંખ સામે રહેવા જોઈએ. વ્યક્તિપૂજાની જે માનસિકતા સમાજમાં ઊભી થઈ છે એ જ માનસિકતાનો ટીવીને પણ પુરો લાભ મળ્યો અને પાત્રપૂજાની માનસિકતા આવી. આ માનસિકતા ચરમસીમા પર એ સમયે દેખાય જે સમયે ટીવી પર મિહિર વિરાણીનો દેહાંત થયો અને વાસ્તવમાં તેની પ્રાર્થનાસભા અને બેસણાં-ઉઠમણાંનો શિરસ્તો શરૂ થયો. લોકોએ જમવાનું માંડી વાળ્યું અને એકબીજાને ખરખરો કરવાનો શરૂ કરી દીધો. આ જે પરિસ્થિતિ ઊભી થઈ એ પરિસ્થિતિએ આખેઆખી ટીવી-ઇન્ડસ્ટ્રીને જમીન પર આવવા માટે મજબૂરી કરી દીધી અને નછૂટકે રાઇટર્સે મિહિર વિરાણીને ફરી વાર્તામાં સમાવવાનું કામ કરવું પડ્યું. એ સમયે કોઈએ ધાર્યું નહોતું કે આપણા ઑડિયન્સના પાત્રપ્રેમનો આ સ્તર પર ટીવી-ચૅનલ દ્વારા દુરુપયોગ કરવામાં આવશે. આ સ્તર પર આપણા ઑડિયન્સને અંધકારમાં ધકેલી દેવામાં આવશે.
એ સમયથી શરૂ થયેલો પાત્રપ્રેમ આજે પણ આપણે ત્યાં અકબંધ છે અને એ જ કારણે આપણે ત્યાં પાત્રો ક્યારેય મરતાં નથી અને પાત્રો મરતાં નથી એટલે આપણી સિરિયલોની વાર્તા આગળ વધતી નથી, એનો અંત થતો નથી. અમુક-અમુક સિરિયલો તો એ સ્તર પર છે કે એ દરરોજની વાત જ કરે છે અને એવી જ રીતે કરે છે જાણે કે આપણા ઘરમાં ચાલી રહેલો એ અડધો કલાક હોય. કશું આગળ વધતું નથી, કોઈ જાતનો ચમકારો દેખાતો નથી અને એ પછી પણ રાબેતા મુજબ ચાલતું રહે છે. પાત્રપ્રેમ હોવો જોઈએ, પણ એ પ્રેમ કયા પાત્ર માટે છે એ પણ જોવું જોઈએ.
આ પણ વાંચો : કૉલમ : આજનું કહેવાતું ઇન્ટેલિજન્ટ બૉક્સ મંદબુદ્ધિનું પ્રતીક છે
કૅરૅક્ટર જો સુપરમૅન હોય અને તમે તેના પ્રેમમાં પડો તો સમજી શકાય, બૅટમૅન હોય તો સમજી શકાય અને સ્પાઇડરમૅન હોય તો સમજી શકાય. એ પાત્રો અમરપટ્ટો લખાવીને આવ્યાં છે અને એ પછી પણ જ્યારે વાર્તામાં ઓટ આવે છે ત્યારે એ સિરિયલો પણ બ્રેક લેવાનું પસંદ કરે છે. આપણે અટકવાનું શીખ્યા જ ન હોય એ રીતે ભાગતા જ રહીએ છીએ અને ભાગતા રહેવામાં આપણું ઑડિયન્સ પણ સાથ આપે છે. ક્યાંક સમજવું પડશે, ક્યાંક સજાગતા લઈ આવવી પડશે. વાર્તાને, કન્ટેન્ટને માન આપવું પડશે. જો તમે માન આપી શકશો તો અને તો જ તમને ઉપયોગી થાય, તમારી બૌદ્ધિકતામાં ઉમેરો થાય એવું કન્ટેન્ટ તમારી સામે મૂકવામાં આવશે. બાકી, દાળમાં મીઠું વધારે પડી ગયાના લટકા ને ઝટકા જ જોવા પડશે.


