કહો જોઈએ, તમે તમારી વાઇફને કેટલી ઓળખો છો?

Published: Feb 21, 2020, 17:50 IST | Rashmin Shah | Mumbai Desk

જરૂરી નથી કે દરેક સવાલનો જવાબ મનમાં આવે કે તરત જ આપી દેવો. અત્યારે પણ એવો કોઈ જવાબ આપવાને બદલે આ આર્ટ‌િકલ વાંચીને જવાબ આપજો

Men are from mars, women are from venus.
બહુ જ પ્રચલિત થયેલી આ વાત હકીકતમાં અમેરિકન રાઇટર જોન ગ્રેએ કહી છે. જોન ગ્રે માત્ર રાઇટર નથી, રિલેશનશિપ કાઉન્સેલર પણ છે. જોન ગ્રેની આ જ ટાઇટલ સાથેની બુકમાં તેણે કહ્યું છે કે પુરુષ હંમેશાં પરપોટા જેવો હોય છે. તેના મનમાં જે કોઈ વાત આવે એ બહુ ઝડપથી ફૂટી જાય છે અને મહિલાઓ શુક્ર એટલે કે ડાયમન્ડ જેવી હોય છે. જેટલો પ્રકાશ વધારે પડે એટલી વધારે ઝળહળે, પણ એ ઝળહળાટ જો તમને જોઈતો હોય તો તમારે તમારા હાથમાં રહેલા એ ડાયમન્ડને વાંરવાર ફેરવતા રહેવું પડે; સૂર્યનાં કિરણો તરફ અને સૂર્યપ્રકાશની દિશામાં. જો એ ફેરવતા રહેવાનું ચૂક્યા તો માની લેજો કે એનો ઝગમગાટ તમને નહીં મળે. બની શકે કે એ ઝગમગાટ બીજું કોઈ લઈ જાય પણ એ તમને નહીં મળે એ હકીકત છે અને એવું ન થાય એટલે મહેરબાની કરીને તમારા જીવનમાં રહેલા નારીતત્ત્વને ધ્યાનથી પારખો અને જરૂર પડે ત્યારે એને સૂર્યનાં કિરણો કે પછી સૂર્યપ્રકાશ જે દિશામાંથી મળતો હોય એ તરફ ઘુમાવો.
મુદ્દો એ છે આ ઝગમગાટ મળે છે કે નહીં એના વિશે ક્યારેય કોઈ પતિ કે પછી પુરુષ ધ્યાન નથી આપી શકતો અને એટલે જ આજે મોટા ભાગની વાઇફ કે પછી ગર્લફ્રેન્ડમાં મૂડ સ્વિંગ્સ આક્રમક રીતે દેખાય છે. આ મૂડ સ્વિંગ્સ પેલી દરિયામાં આવતી ભરતી અને ઓટ જેવા હોય છે. અચાનક જ અત્યંત સુખ સાથે જીવતી હોય એવી લાગણીનો પણ તમને અનુભવ કરાવી દે અને એ જ તમને થોડી વારમાં અત્યંત માયૂસી સાથે પણ જોવા મળે. પુરુષ માર્સ છે. માર્સ એટલે અહીં કોઈએ પેલા મંગળને યાદ કરવાની જરૂર નથી પણ મંગળ પર રહેલા ખડકોને યાદ કરવાના છે. પુરુષ માર્સ છે, ખડક સમાન છે. તેનામાં ક્યારેય તમને ભરતી કે ઓટની અસર નહીં જોવા મળે. તે અડીખમ હશે, તકલીફમાં પણ અને સુખના અનુભવ વચ્ચે પણ. ક્યારેક નિષ્ઠુરતાનું પ્રતીક લાગે એવો, પણ એ નિષ્ઠુરતામાં ક્યાંય ભરતી અને ઓટ નથી હોતી અને એટલે જ તેને જીવંત રાખવો પડે છે. જો સંબંધોમાં પુરુષ નિષ્ઠુરતાના રસ્તા પર ચાલવાનું શરૂ કરી બેસશે તો એનો ભોગ સ્વાભાવિક રીતે તેની સાથે જોડાયેલી વાઇફ કે પછી ગર્લફ્રેન્ડે બનવું પડતું હોય છે અને એ તબક્કો જ્યારે પણ આવે છે ત્યારે પુરુષ કઠોર રૂપ ધારણ કરીને બેસી જાય છે. પણ વાત અહીં પુરુષની નથી, વાત તમારી સાથે જોડાયેલી એ વ્યક્તિની છે જે ભરતી અને ઓટનો અનુભવ એકધારો કર્યા કરે છે. આ અનુભવ માટે કહી શકાય કે સ્ત્રી જ્યારે પણ ભરતીનો અનુભવ કરે છે ત્યારે તે તમને ભરી દેવાનું, તમને છલકાવી દેવાનું કામ કરે છે. અપેક્ષા હોય તો પણ અને ધારો કે કોઈ જાતની તમે અપેક્ષા ન રાખી હોય તો પણ. પણ સાથોસાથ એનાથી વિપરીત એવા સ્વભાવના બીજા રૂપને પણ જોવાની જરૂર છે.
સ્ત્રી જ્યારે ભરતીનો અનુભવ કરે છે ત્યારે તે તમને છલકાવી દે છે પણ એ જ સ્ત્રીને જ્યારે ઓટનો અનુભવ થાય છે ત્યારે તે તમારામાં ખાલીપણું ભરી દેવાને બદલે જાતને ખાલી કરી નાખવાનું કામ કરે છે. જ્યારે આ અનુભવને તે સહન કરતી હોય અને ખાલીપાને માત્ર પોતાના પૂરતો રાખવાનું કામ કરતી હોય ત્યારે એ ખાલીપણું તેના માટે અત્યંત કષ્ટદાયી છે અને આ કષ્ટમાંથી તેને બહાર કાઢવાનું કામ પુરુષો, તેની સાથે જોડાયેલા પુરુષોએ કરવાનું હોય છે અને એ કરવું જ જોઈએ. પણ અફસોસની વાત એ છે કે આ કામ નથી થતું એટલું જ નહીં, એનાથી વિપરીત રીતે પોતાની જ વ્યક્તિમાં આવેલી ઓટને પણ દુન્યવી દૃષ્ટિએ જોવાનું કામ પુરુષો દ્વારા થતું રહે છે. બહુ જ ક્ષુલ્લક કારણોસર હસી પડતી અને ઓટ સમયે એટલાં જ ક્ષુલ્લક કારણોસર આંખમાં પાણીની પરબ બાંધી બેસતી સ્ત્રીને સમજવા માટે માત્ર દિમાગ જ નહીં, દિલનો પણ પૂરેપૂરો ઉપયોગ કરવો પડશે. ખુશી વખતે તે તમને બધું આપી શકે છે અને તમે લઈ પણ શકો છો, પણ અવારનવાર તેનામાં આવતી ઓટ વખતે તમે તમારી ઑફિસમાં, તમારા કામમાં અને તમારું બૅન્ક-બૅલૅન્સ ચેક કરવામાં બિઝી રહેશો તો સ્વાભાવિક રીતે તેનામાં આવતી એ ઓટમાં તેને તમારામાં કિનારો દેખાવાનું બંધ થઈ જશે. બની શકે કે આ સ્તર સુધી પહોંચતાં પહેલાં તેને તમે એ સ્તર પર ઓટની આદત પાડી દો કે તે તમારામાં કિનારો શોધવાને બદલે પોતે જ કિનારા વિનાની હોય એવો અનુભવ કરવા માંડે અને પછી એ જ અનુભવ વચ્ચે પોતાની આખી જિંદગી પૂરી કરે.
આ હકીકત છે નગ્ન વાસ્તવિકતા અને આ વાસ્તવિકતાને કોઈ પુરુષ સ્વીકારવા તૈયાર નથી, જ્યારે દરેકદરેક સ્ત્રી આ હકીકત સાથે સહમત છે અને અડધોઅડધ કે પછી એનાથી પણ વધારે સંખ્યાની સ્ત્રીઓએ આ હકીકતને કાયમ માટે સ્વીકારી લીધી છે. જરા પણ જરૂરી નથી કે મૂડ ન હોય એનો અર્થ એવો જ થતો હોય છે કે કોઈ જીદ પૂરી નથી થઈ અને ક્યારેય એવું સીધું માની લેવાની જરૂર નથી કે મૂડ ન હોય એટલે તેનાં મમ્મી-પપ્પા કે ભાઈ-ભાભી સાથે તમે અયોગ્ય વર્તન કર્યું છે. પણ હા, એ સમયે એવું ચોક્કસ વિચારી શકો કે કરવામાં આવેલા વર્તનમાં તેને ઉષ્મા દેખાઈ નથી અને કરવામાં આવેલા એ વર્તનમાં તેને ક્યાંક લાગણીનો અભાવ દેખાયો છે. વગર કારણે, પેલી ઓટની અસર વચ્ચે. યાદ રહે, આ માત્ર મનોચિકિત્સક કે સામાજિક સંબંધો સમજાવવા નીકળ્યા છે એ લોકો જ નહીં, મૉડર્ન સાયન્સ પણ સ્વીકારી ચૂક્યું છે કે અચાનક જ મૂડ-ઑફ કરી નાખવો એ સ્ત્રીનો સ્વભાવ છે. એકાએક, અનાયાસે અને સાવ જ સહજ રીતે અડધા ભરેલા ગ્લાસને અડધો ખાલી ગ્લાસ માનીને એ જ રીતે ગ્લાસને જોવાનું તેના સ્વભાવ સાથે વણાયું છે અને વણાયેલી એ જ વાત સમયે જો તેને સાચવી લેવામાં આવે તો તે તમારી જિંદગીને પૂર્ણપણે ભરી દેવા માટે કોઈ પણ સ્તર પર જતાં ખચકાતી પણ નથી. સંબંધો ચાહે કોઈ પણ હોય, વાઇફ હોય તો તેને પણ આ જ લાગુ પડે અને ગર્લફ્રેન્ડ હોય તો તેને પણ આ જ વાત લાગુ પડે છે. જરૂર છે માત્ર એટલી જ કે ઓટના એ જે કોઈ દિવસો આંગણે આવીને ઊભા રહે ત્યારે તેને લાગવું જોઈએ કે હા, કોઈક છે જે એ દિવસોમાં પણ જિંદગી ભરવાનું કામ કરવાનું છે. હવે મૂળ સવાલ, તમે તમારી વાઇફને કેટલી ઓળખો છો? ઓટના દિવસોમાં જો જિંદગી ભરવાનું કામ તમે કરી શકતા હો અને ખડક બનીને ઊભા રહેવાને બદલે એ સમયે દરિયામાં ગરક થઈ રહેલા સંબંધોને તમે સીંચી શકતા હો, સીંચી ચૂક્યા હો તો તમારો જવાબ ‘હા’માં આપજો અન્યથા આજથી આ પ્રયત્નો નવેસરથી શરૂ કરી દેજો.
Men are from mars, women are from venus.
ફરી કોઈ જોન ગ્રેના આ જ વાક્યને લઈને તમારી પાસે આવે ત્યારે આ ભાષણબાજી વાંચવાને બદલે સીધો જ જવાબ આપી શકો અને એ પણ હકારમાં.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK