હવે તબીબને 3 નહીં 1 વર્ષ સુધી ફરજિયાત ગામડામાં પ્રૅક્ટિસ કરવી પડશે

Published: Aug 15, 2019, 08:52 IST | ગાંધીનગર

બૉન્ડનો ભંગ કરનારને વીસ લાખનો દંડ ફટકારાશે

નીતિનભાઈ પટેલ
નીતિનભાઈ પટેલ

ગુજરાતમાં ગામડાંમાં તબીબી સેવાનો વ્યાપ વધારવા માટે આજે મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે રાજ્યના છેવાડાના માનવી સુધી ગુણવત્તાલક્ષી આરોગ્ય સારવાર પૂરી પાડવા માટે રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. તબીબી શિક્ષણ મેળવ્યા બાદ ગ્રામ્ય સ્તરે ડૉક્ટરોએ ફરજિયાત ત્રણ વર્ષની સેવાઓ આપવાની થતી હતી એ ઘટાડીને હવેથી એક વર્ષની સેવાઓ ગ્રામ્ય સ્તરે આપવાની રહેશે, જેની સાથે વિદ્યાર્થીઓએ પાંચ લાખના બૉન્ડ ઉપરાંત હવેથી ૧૫ લાખની વધારાની બૅન્ક ગૅરન્ટી આપવાની રહેશે.

નાયબ મુખ્ય મંત્રી પટેલે ઉમેર્યું કે રાજ્યના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સા.આ. કેન્દ્ર અને સરકારી હૉસ્પિટલોમાં તબીબોની ઘટને પહોંચી વળવા માટે ધારાસભ્યો અને નાગરિકો દ્વારા મળેલ રજૂઆતોને ધ્યાનમાં લઈને આ મહત્ત્વનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. રાજ્ય સરકાર સંચાલિત મેડિકલ કૉલેજોમાં જે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવીને અભ્યાસ કરતા હોય છે તેમને ગામડાંમાં ત્રણ વર્ષની ફરજિયાત નોકરી અને પાંચ લાખના બૉન્ડ લેવામાં આવે છે એમાં મહત્ત્વનો સુધારો કરીને હવેથી તેમની સેવાઓ ત્રણ વર્ષના બદલે એક વર્ષ સુધી લેવાશે અને પાંચ લાખના બૉન્ડની સાથે-સાથે ૧૫ લાખની બૅન્ક ગૅરન્ટી ૩૦૦ રૂપિયાના સ્ટૅમ્પ પેપર પર અલગથી આપવાની રહેશે. જે વિદ્યાર્થીઓને ડૉક્ટર બન્યા બાદ ગ્રામ્ય સ્તરે એક વર્ષની સેવાઓ ન આપવી હોય તો તેમણે ૨૦ લાખ રૂપિયા રાજ્ય સરકારમાં ભરવાના રહેશે.

નીતિન પટેલે વધુમાં ઉમેર્યું કે મેડિકલ બૉન્ડમાં આ સુધારાઓ કરવાથી આવનારા સમયમાં રાજ્યમાં વ્યાપક પ્રમાણમાં તબીબો ઉપલબ્ધ થશે અને જે ઘટ છે એ ચોક્કસ ઓછી થશે. તેમણે ઉમેર્યું કે રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓને ઘર આંગણે તબીબી શિક્ષણ મળી રહે તે માટે હકારાત્મક નીતિથી સમયબદ્ધ આયોજન કર્યું છે, જેના પરિણામે રાજ્યમાં તબીબી બેઠકોમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. આ વર્ષે રાજ્યમાં ૫૩૬૦ એમ.બી.બી.એસ.ની બેઠકો ઉપર તથા આયુર્વેદિક પદ્ધતિની તમામ બેઠકોમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આ નવા નિયમોનો અમલ આ વર્ષથી જ થશે.

તેમણે ઉમેર્યું કે સરકારી મેડિકલ કૉલેજોમાં એમ.બી.બી.એસ.ના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓએ પ્રવેશ સમયે મેડિકલ કૉલેજના ડીનને ૨૦ લાખના બૉન્ડ રજૂ કરવાના રહેશે. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ઇન્ટર્નશિપ સિવાય ફરજિયાત એક વર્ષની ગ્રામ્ય સેવાની બાંહેધરી પણ આપવાની રહેશે. ૨૦ લાખના બૉન્ડની સામે પાંચ લાખની બૅન્ક ગૅરન્ટી અથવા મિલકતની ગૅરન્ટી આપવાની રહેશે, જેનો સમયગાળો સાત વર્ષનો રહેશે. જરૂર જણાય તો સમયગાળો લંબાવવાનો રહેશે. બૉન્ડ માટે વિદ્યાર્થીએ બૅન્ક ગૅરન્ટી તરીકે કોઈ પણ રાષ્ટ્રીયકૃત બૅન્કની અથવા છેલ્લા સતત ત્રણ વર્ષથી ૪૦ કરોડથી વધુ ડિપોઝિટ ધરાવતી રાજ્યની કોઈ પણ નાગરિક સહકારી બૅન્ક ગૅરન્ટી આપવાની રહેશે.

સરકારી કર્મચારીઓને ૨૦ લાખની મર્યાદામાં ગ્રૅચ્યુઇટી ચુકવાશે

રાજ્યના કર્મચારીઓ માટે વધુ એક નિર્ણય રાજ્ય સરકારે કરી તેમની ગ્રૅચ્યુઇટીની મળવાપાત્ર રકમની મર્યાદામાં બમણો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઈ પટેલે કર્મચારીલક્ષી કરેલી જાહેરાત મુજબ બોર્ડ-નિગમ-કૉર્પોરેશન સહિત સરકારી અધિકારી/કર્મચારીઓને આ લાભ મળવાપાત્ર થશે.

આ પણ વાંચો : પ્રખ્યાત કૅફેની કૉફીમાં ક્રશ થયેલો વંદા, કેકમાં મરેલા મચ્છર નીકળતાં હાહાકાર

પેન્શન અને ગ્રૅચ્યુઇટી ઍક્ટ અંતર્ગત ભારત સરકારે સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને રૂપિયા ૧૦ લાખની મર્યાદામાં મળવાપાત્ર ગ્રૅચ્યુઇટીની રકમમાં વધારો કરી રૂપિયા ૨૦ લાખની મર્યાદામાં ગ્રૅચ્યુઇટી ચૂકવવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે પણ કર્મચારીલક્ષી નિર્ણય લઈ અધિકારી/કર્મચારીઓને મળવાપાત્ર ગ્રૅચ્યુઇટીની રકમમાં વધારો કરી ૨૦ લાખની મર્યાદામાં ગ્રૅચ્યુઇટી ચૂકવવાનો નિર્ણય અગાઉ કર્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK