Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આ અવંતિકા, તમારા ફ્રેન્ડ લલિત-ગીતાંજલિની દીકરી

આ અવંતિકા, તમારા ફ્રેન્ડ લલિત-ગીતાંજલિની દીકરી

06 February, 2019 10:35 AM IST |
પંકજ ઉધાસ

આ અવંતિકા, તમારા ફ્રેન્ડ લલિત-ગીતાંજલિની દીકરી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


દિલ સે દિલ તક

વાત આગળ વધારતાં પહેલાં ફટાફટ પહેલાંની વાત ટૂંકમાં કહી દઉં.



મને રાષ્ટ્રપતિભવનથી ફોન આવ્યો કે તમારી એક કૉન્સર્ટ રાષ્ટ્રપતિભવન ખાતે કરવા માગીએ છીએ, તો જે કોઈ ડેટ્સ ઍવેલેબલ હોય એ ડેટ્સ અને સામે રાષ્ટ્રપતિની ડેટ્સ આપણે ચેક કરી લઈએ. મેં ડેટ્સ આપી દીધી અને એ પછી એક ડેટ નક્કી થઈ અને ગઝલનો પ્રોગ્રામ નક્કી થયો. એ સમયે મારી ઇચ્છા હતી કે મારી વાઇફ ફરીદા અને મારી મોટી દીકરી નાયાબ પણ રાષ્ટ્રપતિભવન જોવા માટે સાથે આવે. મેં રિક્વેસ્ટ કરી તો તેમણે અન્ય સિનિયર્સની પરમિશન લઈને જણાવવાનું મને કહ્યું અને એક દિવસ પછી મને પરમિશન આપી પણ દીધી.


નક્કી થયેલી તારીખે અમે દિલ્હી પહોંચ્યાં, જ્યાં અમારો સ્ટે તાજ હોટેલમાં હતો. સાંજના સમયે રાષ્ટ્રપતિ અમને મળવાના હતા એટલે અમે રાષ્ટ્રપતિભવન પહોંચ્યાં. સામાન્ય લોકોને એ વાતની કદાચ ખબર ન હોય એટલે કહી દઉં કે રાષ્ટ્રપતિભવન એ રાષ્ટ્રપતિની ઑફિસ પણ છે અને એ જ તેમનું ઘર છે. ઇમર્જન્સી સમયે દેશના બધા મહત્વના પાવર રાષ્ટ્રપતિના હાથમાં આવી જતા હોય છે એટલે એવા સમયે ઑફિસ અને રહેઠાણ બન્ને વચ્ચે અંતર હોય તો કામકાજમાં તકલીફ ઊભી થાય અને એવું ન બને એટલે આ પ્રકારનું પ્લાનિંગ અંગ્રેજોના સમયથી જ થયું હશે.

રાષ્ટ્રપતિભવન ખૂબ વિશાળ છે. એમ કહું તો પણ ચાલે કે એ એક વિશાળ પૅલેસ છે. આપણે નાના હતા ત્યારે આ રાષ્ટ્રપતિભવન વિશે ભણવામાં આવતું પણ એ સમયે તો આપણે કલ્પના પણ ન કરી હોય કે આપણે આવા મોટા રાષ્ટ્રપતિભવનમાં ગેસ્ટ બનીને જશું. મારા જીવનમાં આ રાષ્ટ્રપતિભવનમાં ગેસ્ટ બનીને જવાના ત્રણ પ્રસંગો આવ્યા અને એટલે જ મને એવું લાગે છે કે રાજકોટ જેવા નાના શહેરથી શરૂઆત કરનારો હું, જો રાષ્ટ્રપતિભવન સુધી પહોંચી શક્યો હોઉં તો એની પાછળ માત્ર અને માત્ર ઈશ્વરની મહેરબાની અને વડીલોના આશીર્વાદ જ ગણાય.


રાષ્ટ્રપતિભવનમાં અનેક પ્રકારની સિક્યૉરિટી છે. કૉરિડોરમાંથી પસાર થઈને અમે અંદર ગયા અને પછી આખી ઇમારત જોઈ. બધું જોઈ લીધા પછી અમને એક રૂમમાં બેસાડવામાં આવ્યાં, જ્યાં અમારે રાષ્ટ્રપતિ શ્રી શંકરદયાલ શર્માની રાહ જોવાની હતી. થોડી વાર પછી રાષ્ટ્રપતિ આવ્યા અને અમારી મુલાકાત શરૂ થઈ. મેં તમને ગયા વીકમાં કહ્યું હતું કે શંકરદયાલ શર્મા ખૂબ જ વિદ્વાન વ્યક્તિ, અંગ્રેજી અને હિન્દી પર તેમનું જબરદસ્ત પ્રભુત્વ હતું તો સાથોસાથ વિશ્વની અન્ય ભાષા પર પણ તેમનો કમાન્ડ ખૂબ સારો. મારી દીકરી નાયાબનું નામ તેમને અનયુઝ્અલ લાગ્યું હતું, જેના વિશે અમારે ચર્ચા પણ થઈ અને તેમણે જ પકડી પણ પાડ્યું કે આ શબ્દ પશિર્યન છે. એ પછી તેમને ખબર પડી કે મારી વાઇફ પારસી છે એટલે પારસી કોમ વિશે પણ ખૂબબધી વાતો થઈ. એ સમયે ફરીદા બીજું બાળક એક્સપેક્ટ કરતી હતી અને થોડા સમય પછી મારી નાની દીકરી રેવાનો જન્મ થયો.

અમારી આ બધી વાતો ચાલતી હતી પણ મારું ધ્યાન એક જ પ્રશ્ન પર અટકેલું હતું. મારી કૉન્સર્ટ શું કામ? હું માસ માટેનો સિંગર છું અને એ સમયે તો ક્લાસ માટે ગાનારા ક્લાસિકલ સિંગરો પણ અઢળક હતા તો પણ મારો પ્રોગ્રામ શું કામ રાખવાનો વિચાર આવ્યો. તક મળતાં મેં તેમને પૂછી પણ લીધું કે તમે મારો પ્રોગ્રામ રાખ્યો, મને થોડું તાજ્જુબ થાય છે.

શંકરદયાલજી કંઈ જવાબ આપે એ પહેલાં એક ટીનેજ દીકરી અમે બેઠાં હતાં એ રૂમમાં આવી અને દાદા સાથે વાતો કરવા માંડી. એ નાની દીકરીએ અમારી સામે જોયું અને પછી સહેજ શરમાઈને નીચું જોઈ ગઈ. શંકરદયાલજીએ એ નાનકડી દીકરી સાથે ઓળખાણ કરાવતાં કહ્યું, ‘આ અવંતિકા છે, લલિત અને ગીતાંજલિની દીકરી.’

હું કંઈ પૂછું એ પહેલાં તો તેમણે સ્પષ્ટતા પણ કરી, ‘હા, એ જ લલિત અને ગીતાંજલિ જે તમારાં મિત્રો હતાં અને આતંકવાદી હુમલામાં જેમનો દેહાંત થયો.’

મારા માટે આ બહુ મોટી સરપ્રાઇઝ હતી, કારણ કે લલિત માકન અને ગીતાંજલિ માકનને દીકરી હતી એ મને બહુ મોડી-મોડી ખબર પડી હતી, પણ એ દીકરી અહીં હશે એની મને ખબર નહોતી. લલિત અને ગીતાંજલિની હત્યા થઈ ત્યારે અવંતિકાની ઉંમર લગભગ છ વર્ષની હતી. આતંકવાદી હુમલાની ઘટના ઘટી હતી ૧૯૮૫ની ૩૧મી જુલાઈએ. એ સમયે તે કેવી રીતે બચી ગઈ એ પણ ખૂબ રોમાંચક વાત છે, પણ એ વાત આપણે ફરી ક્યારેક કરીશું. અત્યારે શંકરદયાલજીની વાત કરીએ. આ ઘટના ઘટી ત્યારે શંકરદયાલ શર્મા આંધþ પ્રદેશના રાજ્યપાલ હતા. આ ઘટના પછી તેમને પંજાબ મોકલવામાં આવ્યા અને પંજાબ પછી તે મહારાષ્ટ્રના રાજ્યપાલ બન્યા. ત્યાર પછી તે પહેલાં ઉપરાષ્ટ્રપતિ અને પછી રાષ્ટ્રપતિ બન્યા. ઉપરાષ્ટ્રપતિ સુધીની આ આખી જર્ની દરમ્યાન અમારે ક્યારેય મળવાનું બન્યું નહોતું. મળ્યા અમે સીધા આજે, રાષ્ટ્રપતિભવનમાં.

લલિત અને ગીતાંજલિ માકનના દેહાંત પછી અવંતિકા તેનાં નાના-નાની પાસે રહેવા માટે આવી ગઈ હતી. શરૂઆતનો થોડો સમય તે ત્યાં રહી, પણ પછી તેનું એજ્યુકેશન દિલ્હીમાં ચાલતું હોવાથી તે દિલ્હીમાં ખૂબ સારી કહેવાય એવી સંભાળ વચ્ચે રહેતી હતી. શંકરદયાલજી તો પંજાબ અને મહારાષ્ટ્ર થઈને પછી દિલ્હી આવ્યા એટલે તે જ્યારે દિલ્હી આવ્યા ત્યારે અવંતિકા નાના અને નાની વિમલા શર્મા સાથે રહેવા માટે આવી ગઈ. અવંતિકા રાષ્ટ્રપતિભવનમાં જ રહી અને

અહીં જ પોતાનું ભણવાનું તેણે પૂરું કર્યું. શંકરદયાલજીએ મારી પાસે સ્પષ્ટતા કરતાં કહ્યું કે અવંતિકાની ખૂબ ઇચ્છા હતી કે તેમનાં મમ્મી-પપ્પા જેના બહુ મોટાં ફૅન રહ્યાં, જેના ફ્રેન્ડ બન્યાની ખુશી તેમને હતી તેમનો પ્રોગ્રામ રાષ્ટ્રપતિભવનમાં થવો જોઈએ. અવંતિકાની ઇચ્છા હતી એટલે અમે આ કાર્યક્રમ નક્કી કર્યો. તમારા આ કાર્યક્રમથી અમે લલિત અને ગીતાંજલિને શ્રદ્ધાંજલિ આપીશું.

મને મારો જવાબ મળી ગયો.

હું સમજી ગયો કે રાષ્ટ્રપતિએ મને શું કામ બોલાવ્યો હતો. હું એ પણ સમજી ગયો હતો કે હકીકત એ છે કે આજે મને રાષ્ટ્રપતિએ નહીં પણ એક એવા પિતાએ મને બોલાવ્યો હતો જે પોતાની દીકરી અને જમાઈની ઇચ્છા પૂરી કરવા માગતા હતા અને એમાં નિમિત્ત બની હતી તેમની દોહિત્રી. સાચું કહું તો હું જેટલા ઉત્સાહ સાથે રાષ્ટ્રપતિભવનમાં ગયો હતો એના કરતાં અનેકગણી સંવેદના એ પછી મારા મનમાં પ્રવેશી ગઈ હતી. હવે મારા માટે આ એક કૉન્સર્ટ નહોતી રહી પણ મારા માટે એક એવો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ બની ગયો હતો જે મારા પણ મિત્ર અને તેમનાં વાઇફના આત્માને શાંતિ પહોંચે એ માટે મારે કરવાનો હતો. જેમ રાષ્ટ્રપતિ અને અવંતિકાનાં પર્સનલ સેન્ટિમેન્ટ્સ આ પ્રોગ્રામમાં ઇન્વૉલ્વ હતાં એવી જ રીતે હવે આ કાર્યક્રમમાં મારાં પર્સનલ સેન્ટિમેન્ટ્સ પણ ઉમેરાયાં હતાં. મિત્રો, એ આખા કાર્યક્રમમાં મારી આંખો સામે લલિત અને ગીતાંજલિ સતત રહ્યાં છે. તેમનો હસતો ચહેરો, તેમની બોલકી આંખો અને તેમનું હૂંફાળું સ્મિત એકેક ગઝલ પર દાદ આપવાનું કામ કરતાં હતાં અને એ એકેક દાદની સાથે મારો જુસ્સો વધતો જતો હતો. હું કહીશ કે મારી કેટલીક યાદગાર કૉન્સર્ટ પૈકીની એક કૉન્સર્ટ એ રાષ્ટ્રપતિભવનની આ પહેલી કૉન્સર્ટ હતી.

આ પણ વાંચો : આ તો પર્શિયન શબ્દ છે

રાષ્ટ્રપતિભવનમાં જવાની મારી ખ્વાહિશ હતી, દરેક દેશવાસીનું સપનું હોય એવું જ મારું પણ સપનું હતું, પણ એ સપનું આ રીતે લાગણી સાથે જોડાઈ જશે એની તો મેં કલ્પના પણ નહોતી કરી.

Whatsapp-channel Whatsapp-channel

06 February, 2019 10:35 AM IST | | પંકજ ઉધાસ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK