Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આ તો પર્શિયન શબ્દ છે

આ તો પર્શિયન શબ્દ છે

30 January, 2019 11:01 AM IST |
પંકજ ઉધાસ

આ તો પર્શિયન શબ્દ છે

રાષ્ટ્રપતિભવનની શાન : ડૉ. શંકર દયાલ શર્માને મળવાનું બન્યું ત્યારે મારી બીજી દીકરી રેવાના જન્મની તૈયારીઓ ચાલી રહી હતી.

રાષ્ટ્રપતિભવનની શાન : ડૉ. શંકર દયાલ શર્માને મળવાનું બન્યું ત્યારે મારી બીજી દીકરી રેવાના જન્મની તૈયારીઓ ચાલી રહી હતી.


દિલ સે દિલ તક

‘તમારી ગઝલનો એક કાર્યક્રમ રાષ્ટ્રપતિભવન ખાતે કરવામાં આવે એવી અમારી ઇચ્છા છે. રાષ્ટ્રપતિ શંકર દયાલ શર્માજીની અમુક ડેટ્સ અવેલેબેલ છે એની સામે તમે તમારી અવેલેબલ ડેટ્સ આપો તો આપણે બન્નેની પાસે અનુકૂળતા હોય એવી ડેટ્સ ફાઇનલ કરીને પ્રોગ્રામની અરેન્જમેન્ટ કરીએ.’



લૅન્ડલાઇન પર ફોન આવ્યો અને મને આવું કહેવામાં આવ્યું. રાષ્ટ્રપતિભવનમાં કાર્યક્રમ થવાનો હોય એનાથી ઉત્તમ બીજું શું હોય. સ્વાભાવિક રીતે હું બહુ ખુશ થયો હતો અને મેં તેમને ડેટ્સ જોઈને આપવાનું વચન આપ્યું અને પછી મેં તરત જ ડેટ્સ ચેક કરીને તેમને એ ડેટ્સ મોકલાવી પણ દીધી. એક દિવસ નક્કી થયો અને એ દિવસે પ્રોગ્રામ ફાઇનલ કરવામાં આવ્યો. મારી અને મારા સાજિંદાઓની બધી વ્યવસ્થાઓ શરૂ થઈ એટલે મેં રાષ્ટ્રપતિભવનના એ અધિકારીને રિક્વેસ્ટ કરતાં કહ્યું કે મારી ઇચ્છા છે કે આ કાર્યક્રમમાં મારી વાઇફ અને મારી દીકરી નાયાબ સાથે આવે. જો પ્રોટોકૉલ પ્રમાણે કોઈ પ્રૉબ્લેમ ન હોય તો હું તેમને સાથે લાવવા માગું છું. મને કહેવામાં આવ્યું કે આ નર્ણિય અમે ન લઈ શકીએ, સિનિયર સ્ટાફ લઈ શકે, હું તેમને તમારી ઇચ્છા કહી દઈશ અને પછી જે જવાબ હશે એ જણાવીશ.


થોડા જ કલાકોમાં વળતો ફોન આવી ગયો કે તમે ખુશી-ખુશી એ લોકોને સાથે લાવી શકો છો. નક્કી થયેલો દિવસ આવી ગયો અને નિર્ધારિત સમય પ્રમાણે અમે દિલ્હી પહોંચી ગયા. અમારો ઉતારો હતો તાજ હોટેલમાં, ત્યાં અમે રોકાયાં. નક્કી થયેલા સમયે જ અમને લેવા માટે ગાડી પણ આવી ગઈ. તમે ટીવીમાં રાષ્ટ્રપતિભવન જોયું હશે. આ રાષ્ટ્રપતિભવનમાં આપણા રાષ્ટ્રપતિ રહે છે અને ત્યાં જ તેમની ઑફિસ છે. આ ઇમારત ખૂબ ભવ્ય છે અને ભવ્યાતિભવ્ય એનો ઇતિહાસ પણ છે. હોદ્દાની રૂએ રાષ્ટ્રપતિ આ દેશના પ્રથમ નાગરિક ગણાય. દેશમાં મળનારા તમામ હકો પહેલાં તેમને આપવામાં આવે અને દેશના નાગરિકોનાં નામોનું લિસ્ટ બને તો એ લિસ્ટમાં તેમનું નામ સૌથી પહેલું લખવામાં આવે. દેશમાં બનતા તમામ કાયદા કે પછી કાયદાકીય નવી જોગવાઈ લોકસભા કે રાજ્યસભામાં નક્કી થયા પછી એ ફરી એક વખત રાષ્ટ્રપતિ પાસે આવે અને રાષ્ટ્રપતિ દેશના સર્વોચ્ચ નાગરિકની રૂએ એ કાયદો કે કાયદાકીય જોગવાઈ જુએ, એને ચકાસે અને એ પછી એને અમલી બનાવવા વિશે વિચારે. રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિભવનમાં જ રહે. વડા પ્રધાને પણ ત્યાં તેમને મળવા જવાનું અને ફૉરેનથી કોઈ ડિગ્નિટરી આવે તો પણ તેમને મળવા આ રાષ્ટ્રપતિભવનમાં જવાનું.

હું નાનો હતો ત્યારથી મને આ ઇમારતનું ઍટ્રૅક્શન હતું. હું એનું ચિત્ર જોતો તો પણ મોહિત થઈ જતો. અત્યારે તો ટીવી અને ઇન્ટરનેટને કારણે આ બધા ફોટોગ્રાફ્સ ખૂબ સારી રીતે જોઈ શકાય છે, પણ હું જ્યારે નાનો હતો ત્યારે તો ભણવામાં આવતી એ ટેક્સ્ટબુક સિવાય બીજે ક્યાંય રાષ્ટ્રપતિભવન જોવા નહોતું મળતું. એ બુકમાં પણ લાઇનવર્કથી બનાવેલું રાષ્ટ્રપતિભવન હોય અને એ જોઈને તમારે એને યાદ રાખવાનું અને બાકીનું બધું તમારી કલ્પના મુજબનું એમાં ઉમેરી દેવાનું. એક સમય હતો કે જ્યારે અંગ્રેજોના વાઇસરૉય આ રાષ્ટ્રપતિભવનમાં રહેતા હતા.


રાજકોટમાં મારો જન્મ થયો અને રાજકોટમાં જ નાનપણ વીત્યું, એ પછી મુંબઈ ભણવા માટે આવ્યો અને કૉલેજ મેં મુંબઈમાં કરી, પણ આ આખી જર્ની વચ્ચે ક્યારેય વિચાર્યું નહોતું કે રાષ્ટ્રપતિભવન સુધી હું પહોંચીશ અને એવી કલ્પનાઓ પણ નહોતી કરી કે સપનું પણ નહોતું જોયું, પણ જે વિચાર્યું નહોતું એ એ દિવસે થઈ રહ્યું હતું. રાષ્ટ્રપતિભવન મારી સામે હતું અને હું એના સાક્ષાત્ દર્શન કરી રહ્યો હતો. એકદમ વિશાળ કહેવાય એવો એ પૅલેસ છે. હું, મારી વાઇફ અને દીકરી નાયાબ અમે ત્રણ અંદર દાખલ થયાં. અંદર જતાં પહેલાં ખૂબબધી સિક્યૉરિટી પાર કરવાની હોય છે.

તમામ સિક્યૉરિટી પાર કરીને અમે પ્રોટોકૉલ પ્રમાણે કૉરિડોરમાંથી પસાર થઈને અંદર પ્રવેશ્યાં. સૌથી પહેલાં અમે એ ગ્રૅન્ડ ઇમારત જોઈ. અમારી સાથે સ્ટાફ હતો, જેને અમે કંઈ પૂછીએ તો તે એની વાત કરતા હતા. એ પછી અમને એક એરિયામાં બેસાડવામાં આવ્યાં. અહીં અમને કહેવામાં આવ્યું કે હવે અહીંથી અમારે મેઇન રૂમ છે ત્યાં જવાનું છે. જે જગ્યાએ રાષ્ટ્રપતિ તેમના મહેમાનો, તેમને મળવા આવનારા ડિગ્નિટરીઓને મળતા હોય છે. અમે ત્યાં જ બેઠા અને થોડી વાર પછી અમને એ રૂમમાં લઈ જવામાં આવ્યા. આ રૂમ ખૂબ મોટો અને વિશાળ છે. હૉલ જ કહેવાય એને. એ જગ્યાએ જઈને હું, મારી વાઇફ ફરીદા અને દીકરી નાયાબ રાષ્ટ્રપતિ શંકર દયાલ શર્માજીને મળ્યાં.

ખૂબ પ્રેમથી અને પૂરી લાગણી સાથે તેમણે અમારું સ્વાગત કર્યું. અમને ત્રણેને બેસાડ્યાં અને પછી તેમણે બધાની ઓળખાણ પણ લીધી. આમ તો તેમની પાસે બધી માહિતી પહેલાં જ પહોંચાડી દેવામાં આવતી હોય છે પણ એમ છતાં તેમણે મારી વાઇફની ઓળખાણ લીધી અને એ પછી મારી દીકરીની. મારી દીકરીનું નામ (નાયાબ) સાંભળીને તેમને થોડી નવાઈ લાગી, કારણ કે હું હિન્દુ અને હિન્દુઓમાં ‘નાયાબ’ જેવું નામ થોડું અનયુઝ્અલ ગણાય છે. રાષ્ટ્રપતિ પોતે ખૂબ જ વિદ્વાન અને હોશિયાર છે. તેમની ઇન્ટેલિજન્સી માટે વાત કરવા માટે તો આપણે લોકો પણ ટૂંકા પડીએ. હિન્દી અને અંગ્રેજી પર તેમનું પ્રભુત્વ ખૂબ જ સારું રહ્યું છે. તેમણે મને જ આ નામ વિશે ખુલાસો પૂછ્યો એટલે મેં તેમને આખી વાત કરી અને કહ્યું કે મેં ગઝલનું એક આલબમ કર્યું હતું નાયાબ, એ આલબમ ખૂબ જ પૉપ્યુલર થયું અને મને ખૂબ મોટી સક્સેસ મળી. આલબમ પછી મારી દીકરી જન્મી એટલે મેં મારી દીકરીનું નામ નાયાબ રાખ્યું. નાયાબ એક ઉર્દૂ શબ્દ છે, જેનો અર્થ થાય ખૂબ યુનિક કે પછી રૅર ધૅન ધ રૅરેસ્ટ.

મારી વાત સાંભળીને શંકર દયાલ શર્માજીએ તરત જ કહ્યું કે નાયાબ એ ઉર્દૂ શબ્દ ખરો, પણ એ પર્શિયનમાંથી આવ્યો છે. વાત તેમની ખૂબ સાચી હતી. આ એક ફારસી શબ્દ હતો. મેં તેમની પાસે સ્પષ્ટતા કરીને તેમને કહ્યું કે મારી વાઇફ ફરીદા પારસી છે, આજે પણ તેમનાં અનેક રિલેટિવ્સ પર્શિયામાં રહે છે. હવે વાતનો વિષય નવેસરથી બદલાયો અને પારસી કેન્દ્રમાં આવી ગયા. તેમણે કહ્યું કે પારસી કમ્યુનિટીનું યોગદાન ખૂબ મોટું છે અને આપણે તેમના યોગદાનને સાચી રીતે જોઈ શક્યા નથી. વાત તેમની ખૂબ જ સાચી હતી.

આ દેશમાં અનેક પ્રજા બહારથી આવી, પણ એ બધી પ્રજાઓમાંથી માત્ર એક જ કોમ એવી છે જેણે દૂધમાં સાકરની જેમ ભળી જવાની માનસિકતા દેખાડી અને તેણે ક્યારેય રાજ કરવાનું વિચાર્યું સુધ્ધાં નહીં. તેમના મનમાં એક જ વાત હતી કે હળીમળીને સાથે રહેવું છે. આ પ્રજા એટલે પારસી. અંગ્રેજો, મોગલો, મુસ્લિમ, ઘોરી અને એવી અનેક પ્રજાએ હિન્દુસ્તાનમાં આવીને રાજ કરવાનું કામ કર્યું; પણ પારસીઓએ હંમેશાં બીજાના રાજને પ્રેમથી સ્વીકાર્યું અને એ શાસનનો દરેક આદેશ પાળ્યો. રાષ્ટ્રપતિજીએ પારસીઓની વાત કરતાં સૌથી પહેલું નામ દાદાભાઈ નવરોજીનું લીધું. આપણને બધાને ખબર છે કે દાદાભાઈ એક ફ્રીડમ ફાઇટર હતા, જેમણે દેશની આઝાદી માટે પણ કામ કર્યું અને સાથોસાથ તેમણે દેશની પ્રગતિ માટે પણ બહુ મોટો ફાળો આપ્યો હતો. દાદાભાઈ નવરોજીથી શરૂ થયેલી એ વાતોની સાથે બીજા પારસી મહાનુભાવોને પણ યાદ કરવામાં આવ્યા અને એ વાતો સાંભળતી વખતે ફરીદાની આંખોમાં ચમક આવી ગઈ હતી.

આ પણ વાંચો : સફર, રાજકોટથી રાષ્ટ્રપતિભવનની

હું આજે એક વાત કહેવા માગીશ જે કોઈને પણ ખબર નથી. એ સમયે મારી બીજી દીકરી રેવાનો જન્મ નહોતો થયો, પણ ત્યારે ફરીદા બચ્ચું એક્સપેક્ટ કરતી હતી, જેની વાત બહુ ઓછા લોકોને ખબર હતી. હું જાણતો હતો અને એટલે જ મને ઇચ્છા થઈ હતી કે ફરીદા એ વણજન્મ્યા બાળકની સાથે આવા મહાનુભાવને મળે, જેથી તેમની વાતોમાંથી મળનારા સંસ્કારો પણ એ બાળકમાં આવે.

Whatsapp-channel Whatsapp-channel

30 January, 2019 11:01 AM IST | | પંકજ ઉધાસ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK