Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સાચ્ચે જ, સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ આજે એટલે કે 31 ઑક્ટોબરે હતો?

સાચ્ચે જ, સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ આજે એટલે કે 31 ઑક્ટોબરે હતો?

31 October, 2019 03:17 PM IST | મુંબઈ
શૈલેષ નાયક

સાચ્ચે જ, સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ આજે એટલે કે 31 ઑક્ટોબરે હતો?

સરદાર પટેલ

સરદાર પટેલ


દેશ અને દુનિયામાં ભારતની એકતા અને અખંડતાના શિલ્પી વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ તા. ૩૧ ઑક્ટોબરના રોજ સૌજન્યપૂર્ણ રીતે ઊજવાય છે, પણ ખુદ વલ્લભભાઈ પટેલે એમ કહ્યું હતું કે ‘મારી ઉંમર પૂછવામાં આવે ત્યારે મારે ગપ્પું મારવું પડે છે.’ જાણીતા લેખક, રાજકીય વિશ્લેષક અને સરદારકથાના કથાકાર મણિભાઈ પટેલ પાસેથી આજે જાણીએ ભારતના આ લોખંડીપુરુષ વિશેની જાણી-અજાણી વાતો.

દેશ અને દુનિયામાં આજે તા. ૩૧ ઑક્ટોબરે ભારતની એકતા અને અખંડતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ સૌજન્યપૂર્ણ રીતે ઊજવાશે. દર વર્ષે દેશવાસીઓ સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિન ઊજવે છે, પણ શું સાચ્ચે જ તા. ૩૧ ઑક્ટોબરે વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ હતો?



હા વાચકમિત્રો, આ વાંચીને મનમાં પ્રશ્ન ઉઠ્યોને કે શું વાત કરો છો, આવું તે કાંઈ હોતું હશે? પણ, વાત જાણે એમ છે કે ખુદ વલ્લભભાઈ પટેલે એમ કહ્યું હતું કે ‘મારી ઉંમર પૂછવામાં આવે ત્યારે મારે ગપ્પું મારવું પડે છે.’ ખુદ વલ્લભભાઈને પોતાની જન્મતારીખની ખબર નહોતી.


સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસની વાત કરતા જાણીતા લેખક, રાજકીય વિશ્લેષક અને સરદારકથાના કથાકાર મણિભાઈ પટેલ ‘મિડ ડે’ને કહે છે કે ‘તા. ૩૧ ઑક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ છે, પણ વલ્લભભાઈએ કહ્યું છે કે આ તારીખ ખોટી છે. ૧૮૯૭માં મૅટ્રિકની પરીક્ષામાં સરદાર વલ્લભભાઈ પટેલ બેઠા હતા ત્યારે તેમણે પછીથી કબૂલ કર્યું કે મનમાં આવ્યું તે સન ૧૮૭૫ના ઑક્ટોબરની ૩૧મી તારીખ ઠોકી દીધી હતી. મારી ઉંમર પૂછવામાં આવે ત્યારે મારે ગપ્પું મારવું પડે છે. સોગંદ લઈને કહેવું પડે ત્યારે હું હંમેશાં આશરે એવો શબ્દ ઉમેરી દઉં છું.’ રાજમોહન ગાંધીએ લખેલા સરદાર પટેલ પુસ્તકમાં આ નોંધ છે. વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ તા. ૩૧ ઑક્ટોબરે ઊજવાય છે તે તેમની સાચી જન્મતારીખ નથી, પણ વર્ષોથી તા. ૩૧ ઑક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ ઊજવવામાં આવી રહ્યો છે.’

દેશને અખંડિત રાખનાર સરદાર પટેલ તા. ૧૫ ડિસેમ્બર ૧૯૫૦માં જ્યારે મુંબઈમાં મૃત્યુ પામ્યા ત્યારે તેમની પાસે રોકડા ૨૧૩ રૂપિયા હતા. આવા સેવાભાવી માણસ સરદાર વલ્લભભાઈ પટેલની નીડરતા, સાદગી, ત્યાગ, સમર્પણની ભાવનાની વાત કરતાં મણિભાઈ પટેલ કહે છે કે ‘સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરી ગયા ત્યારે તેમની પાસે ૨૧૩ રૂપિયાનું બેલેન્સ હતું. ૪ જોડ જાડી ખાદીનાં કપડાં, ૨ જોડ ચપ્પલ, ૧ પતરાંની પેટી, ૧ રેંટિયો, ૨ એલ્યુમિનિયમના ટિફિન, ૨ એલ્યુમિનિયમના લોટા અને ૧ સગડી સિવાય કોઈ મિલકત નહોતી. પોતાનું ઘર પણ નહીં. સરદાર પટેલનાં પુત્રી મણિબહેન અમદાવાદમાં એલીસબ્રિજ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતાં હતાં અને તે સમયે રાષ્ટ્રપતિ આર. વેન્કટરામન દાદરો ચઢીને તેમને મળવા આવ્યા હતા તેટલી સાદગી હતી.’


૩૬૫ રજવાડા અને કાશ્મીર મુદ્દે વાત કરતા તેઓ કહે છે કે ‘૩૬૫ રાજ્યો, બધાના ધર્મ જુદા, તેને ભેગા કરવાનું કામ સરદાર પટેલે કર્યું હતું અને તેમાં હૈદરાબાદ, કાશ્મીર અને જૂનાગઢ સિવાય ક્યાંય બળપ્રયોગ કર્યો નહોતો. ૩૬૫ રાજ્યોને સાલિયાણા બંધારણીય જોગવાઈથી બાંધી આપ્યાં હતાં. કાશ્મીર ભારતમાં ભળ્યું નહોતું એટલે તે સમયે ઊભી થયેલી પરિસ્થિતિમાં વલ્લભભાઈએ રસ્તો કાઢ્યો કે જોડાણમાં સહી કરો તો હું મદદ કરું. છેવટે રાજા હરીસિંહે કાશ્મીર બચાવવા દસ્તાવેજ પર સહી કરી. હરીસિંહની દાનત હૈદરાબાદના નવાબ જેવી હતી. સ્વતંત્ર રહેવું હતું. ૩૭૦નો જન્મ ત્યાંથી થયો. વલ્લભભાઈ કદાચ આજે હોત તો ૩૭૦ની કલમ આટલાં વર્ષો સુધી લાંબી ચાલી હોત કે કેમ તે એક પ્રશ્ન છે. સરદારસાહેબ વતી આપણે કહી ન શકીએ.’  

sardar-patel

સરદાર વલ્લભભાઈ પટેલના ત્યાગ અને સમર્પણની ભાવનાને ઉજાગર કરતી બાબત દોહરાવતા મણિભાઈ પટેલ કહે છે કે ‘સરદાર પટેલે તેમને અન્યાય થયો હોય તેના વિશે કશું નથી લખ્યું કે કોઈને કહ્યું પણ નથી. વલ્લભભાઈ સંકુચિત માણસ જ નહોતા. ગુજરાતમાં બનેલું તેમનું સ્ટૅચ્યુ જોવા એક વર્ષમાં લાખ્ખો નાગરિકો ગયા છે અને જાય છે તે જ તેમના જીવનનું સાર્થક્ય બતાવે છે. ૧૯૪૬માં એ સમયે ૧૫ પ્રદેશ કૉન્ગ્રેસ સમિતિઓ હતી તેમાંથી ૧૩ સમિતિઓએ વલ્લભભાઈનું નામ વડા પ્રધાનપદ માટે સૂચવ્યું હતું, છતાં પણ સરદાર વલ્લભભાઈ પટેલે પંડિત જવાહરલાલ નહેરુનું નેતૃત્વ બાપુના કહેવાના કારણે સ્વીકાર્યું હતું. આને તમે વલ્લભભાઈનો ત્યાગ કહેશો કે અન્યાય? આ વલ્લભભાઈનું સાધુચરિત્ર હતું, તેમનો ત્યાગ હતો કે બાપુના કહેવાથી વડા પ્રધાનપદ ત્યાગ્યું હતું.’  

 સ્મારક અંગેના સરદાર વલ્લભભાઈ પટેલના વિચારોની વાત કરતા મણિભાઈ પટેલ કહે છે કે ‘ગાંધીજીના અસ્થિવિસર્જન બધી નદીઓમાં થવા જોઈએ તેવું કૉન્ગ્રેસ વર્કિંગ કમિટીમાં સૂચન થયું હતું ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે રમૂજમાં કહ્યું કે ‘બાપુના આટલા બધા અસ્થિ ક્યાંથી લાવશો? તેના કરતાં બાપુને ગમતાં રચનાત્મક કામો કરીએ ’ અને ગાંધી સ્મારકનિધિની સ્થાપના થઈ હતી. સ્મારક અંગેના વલ્લભભાઈના વિચારો આ હતા. જે માણસ પાસે મૃત્યુ સમયે ૨૧૩ રૂપિયા બેલેન્સ હોય તે સ્ટૅચ્યુ બનાવવા દે ખરા? પોતાનું સ્ટૅચ્યુ બનાવવાનું પસંદ કરે ખરા? ’

સરદાર વલ્લભભાઈ પટેલનો એક રોચક કિસ્સો કહેતા મણિભાઈ પટેલ કહે છે ‘૧૯૪૬ – ૪૭ના અરસાની આ વાત છે. રતુભાઈ અદાણીએ સરદાર વલ્લભભાઈ પટેલને એક વાર સૂચન કરતાં કહ્યું કે તમે આટલું કામ કર્યું, તો તમે ઇતિહાસ લખોને - ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે કહ્યું હતું કે અમારું કામ ઇતિહાસ લખવાનું નથી, ઇતિહાસ રચવાનું છે.’

મણિભાઈ પટેલ કહે છે કે ‘રાષ્ટ્રીય નેતાઓની આત્મકથા લખાઈ છે પણ વલ્લભભાઈએ પોતાની આત્મકથા નથી લખી. તેમની હયાતીમાં એક પુસ્તક લખાયું હતું. નરહરિભાઈ પરીખે બે ભાગમાં ‘સરદારશ્રીનું ચરિત્ર’ પુસ્તક લખ્યું હતું. આ પુસ્તક છપાતાં વલ્લભભાઈએ જોયું હતું. સરદાર વલ્લભભાઈ પટેલે તેમના જીવનમાં ૩૦ પાનાંની ડાયરી લખી હતી. આ ડાયરીમાં જેલમાં સવારે ઊઠીને શું કરતાં તે ત્રણ – ચાર દિવસ લખ્યું હતું અને તે પછી લખ્યું હંમેશ મુજબ.’

કરાચીમાં સરદાર પટેલે પાટીદારોને કહ્યું હતું કે ‘તમે મારું સ્વાગત કરી શકો એમ નથી’

આઝાદીની લડત દરમ્યાન ૧૯૩૧માં સિંધ પ્રાંતમાં કરાચી ખાતે મળેલા કૉન્ગ્રેસના ૪૬મા અધિવેશનમાં સરદાર વલ્લભભાઈ પટેલ પ્રમુખ હતા. તે સમયે કરાચીના પાટીદારો વલ્લભભાઈનું સન્માન કરવા ઇચ્છતા હતા ત્યારે સરદાર પટેલે તેમની સાદગી, નિખાલસતા અને સૌજન્યતાનો પરિચય આપ્યો હતો.

આ પણ વાંચો : આને કહેવાય જવાબઃ દુષ્યંત ચૌટાલા અને હૃતિક રોશન વચ્ચે કઈ સામ્યતા છે?

મણિભાઈ પટેલ આ ઘટનાનો ઉલ્લેખ કરતા કહે છે કે ‘કરાચીમાં કૉન્ગ્રેસનું અધિવેશન મળ્યું હતું. તે સમયે કરાચીના પાટીદારોએ યોજેલા સન્માન સમારોહમાં સરદાર પટેલે કહ્યું હતું કે ‘તમને ખબર છે કે હું નાત-જાતના વાડાઓમાંથી બહાર નીકળી ગયેલો માણસ છું, એટલે કોમી (કોમ) માણસ તરીકે તમે મારું સ્વાગત કરી શકો એમ નથી. મુલકના બંધન તોડવાને ખાતર જ્ઞાતિના બંધનોમાંથી બહાર નીકળવું જોઈએ.’

Whatsapp-channel Whatsapp-channel

31 October, 2019 03:17 PM IST | મુંબઈ | શૈલેષ નાયક

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK