પરિવાર એક એટલે બાકી બધું એની મેળે સેટ

Published: Oct 31, 2019, 16:02 IST | અર્પણા શિરીષ | મુંબઈ

રાષ્ટ્રીય સ્તર પર એકતા જાળવવાનું ડહાપણ તો આજે દરેક વ્યક્તિ કરતી જોવા મળે છે, પણ પારિવારિક એકતાનું શું? આજે રાષ્ટ્રીય એકતા દિવસ છે ત્યારે સમાજમાં પોતાના પરિવારને એકસૂત્રમાં બાંધી રાખતા વડીલો પાસેથી જાણીએ પારિવારિક એકતાનાં સીક્રેટ્સ

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

રાષ્ટ્રીય સ્તર પર એકતા જાળવવાનું ડહાપણ તો આજે દરેક વ્યક્તિ કરતી જોવા મળે છે, પણ પારિવારિક એકતાનું શું? આજે રાષ્ટ્રીય એકતા દિવસ છે ત્યારે સમાજમાં પોતાના પરિવારને એકસૂત્રમાં બાંધી રાખતા વડીલો પાસેથી જાણીએ પારિવારિક એકતાનાં સીક્રેટ્સ.

આજે રાષ્ટ્રીય એકતા દિવસ છે. ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના માનમાં ૨૦૧૪માં તેમની જન્મજયંતીને આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે માન્યતા આપી છે. આજના દિવસનો ઉદ્દેશ છે આખા રાષ્ટ્રને એકસૂત્રમાં બાંધી એની એકતામાં વધારો કરવા માટે વિવિધ પગલાં લેવાં. જોકે આ વાત થઈ ઘરની બહાર એક રહેવાની, પણ આજની જનરેશનને જો હકીકતમાં કોઈ ચીજની સમજણ આપવાની જરૂર હોય તો એ છે પારિવારિક એકતાનું મહત્ત્વ. આજે જ્યારે વધુ ને વધુ લોકો ન્યુક્લિયર ફૅમિલીને પ્રાધાન્ય આપી રહ્યા છે ત્યારે સમાજમાં કેટલાક એવા વડીલો પણ છે જેમણે પોતાના પરિવારને એક રાખી ઉદાહરણ સ્થાપિત કર્યાં હોય. જૉઇન્ટ ફૅમિલીમાં રહેવાના અનેક ફાયદા છે, પણ આ ફાયદા ત્યારે જ મળી શકે જ્યારે પરિવારના સૂત્રધાર સમા વડીલો અડીખમ હોય. ચાલો શીખીએ આ વડીલો પાસેથી ફૅમિલી યુનિટીના પાઠ.

પરિવારને બાંધીને રાખવા માટે વડીલો અડીખમ હોવા જોઈએ અને સ્ત્રીઓ સમજદાર

પત્ની, બે દીકરા, બે વહુઓ અને એક પૌત્ર-પૌત્રી આ આઠ જણના પરિવારને એકબીજા સાથે જોડી રાખનાર મૂળ વાંકાનેરના અને અત્યારે કાંદિવલીમાં રહેતા ૭૧ વર્ષના ઉત્તમભાઈ જયંતીલાલ શાહ તેમના પરિવારની એકતાનું રહસ્ય જણાવતાં કહે છે, ‘જ્યારે એક પરિવાર એક છત નીચે રહેતો હોય ત્યારે એકેય સભ્યને કોઈ વાતનું મનદુઃખ ન થાય એનું ધ્યાન રાખવું પડે. દરેક વ્યક્તિના વિચારો અને મત જુદા હોય ત્યારે બધાને પોતાનું મન મોકળું કરવાની સ્વતંત્રતા મળવી જોઈએ. અને આ વાતનું અમે અમારા પરિવારમાં ખાસ ધ્યાન રાખીએ છીએ. નાનામાં નાના સભ્યથી લઈને મોટા સુધી કોઈની સાથે ભેદભાવ ન થાય એનું હું ખાસ ધ્યાન રાખું છું. વધુમાં ઘરની સ્ત્રીઓ સમજદાર હોય ત્યાં જ મોટા ભાગની સમસ્યાઓનો હલ મળી જાય છે. મારી બન્ને વહુઓમાં આજે બે બહેનો હોય એવી એકતા છે તો એનો ફાળો મારાં પત્નીને જાય છે. પરિવારને બાંધીને રાખવા માટે વડીલો અડીખમ હોવા જોઈએ અને સ્ત્રીઓ સમજદાર.’

ઍડ્જસ્ટ કરવું, લેટ ગો કરવું અને સમજદારી; આ ૩ હોય તો કુટુંબમાં એકતા જળવાય

મૂળ આધોઈના કચ્છી વાગડ વીસા ઓસવાળ જ્ઞાતિના વિલે પાર્લેમાં રહેતા નીમચંદ ખોરાજ ચરલા એટલે પત્ની સહિત ત્રણ દીકરા, વહુઓ અને ત્રણ પૌત્ર-પૌત્રીઓની ૧૧ વ્યક્તિઓની એક છત નીચે રહેતી ફૅમિલીના હેડ. નાનપણથી જ ૩૫ જણના સંયુક્ત કુટુંબમાં રહેલા નીમચંદભાઈના ત્રણે દીકરાઓ અને વહુઓ પોતાની રીતે જુદા-જુદા પ્રોફેશનલ ફીલ્ડમાં કાર્યરત છે, પણ રહે છે એક છત નીચે સંપીને. પોતાના પરિવારની એકતાનું આ રહસ્ય જણાવતાં તેઓ કહે છે, ‘આજની જનરેશનને પોતાની સ્પેસ અને પોતાના શોખ વહાલા હોય છે. અહીં જો ઘરના વડીલો અમે કહીએ એમ જ કરો અને અમે જેમ રહીએ એમ જ રહો એ જીદ કરે તો પરિવાર એક ન રહી શકે. હવે સમય આવ્યો છે વડીલોએ નાની જનરેશનને સમજવાનો. મોટાઓ નાનાને માન આપશે તો જ બદલામાં માન મેળવશે. ઍડ્જસ્ટ કરવું, લેટ ગો કરવું અને અન્ડરસ્ટૅન્ડિંગ આ ત્રણ ચીજ જો હોય તો કુટુંબમાં એકતા જાળવી શકાય. પરિવારની આ સાંકળી એટલી મજબૂત હોવી જોઈએ કે એક ફોન કરતાં જ બધા સભ્યો એકબીજાની મદદે દોડી આવે. જોકે અહીં વહુઓની સાથે ઘરના દીકરોઓનો ફાળો મહત્ત્વનો છે. જો દીકરાઓમાં અને ભાઈઓમાં યુનિટી હશે તો એ પરિવાર ક્યારેય નહીં તૂટે. અને મારા દીકરાઓમાં તેમ જ મારા ભાઈઓમાં એ જ યુનિટી છે.’

એકબીજાના સ્વભાવને જાણો અને સમજો તો કુટુંબ એક રહે

મૂળ અમરેલીના વિનોદ પરમારનો ૩ દીકરા, વહુઓ અને પૌત્ર-પૌત્રીઓનો કુલ ૧૨ સભ્યોનો પરિવાર આજની ન્યુક્લિયર ફૅમિલી પ્રિફર કરનારી જનરેશન માટે ખરેખર ઉદાહરણપાત્ર છે. ત્રણે દીકરાઓ સહિયારે ગાર્મેન્ટનો બિઝનસ સંભાળે છે અને હવે રિટાયર થયેલા ઘરના વડીલ વિનોદભાઈ પરિવારના દરેક સભ્યને ક્યાંય કોઈ જાતની કમી ન પડે એનું ધ્યાન રાખે છે. તેમના ઘરની સુખની ચાવી જણાવતાં તેઓ કહે છે, ‘અત્યારના સમયમાં જ્યારે દરેક વ્યક્તિના પોતાના વિચારો અને ડિમાન્ડ્સ હોય ત્યારે તેમને કોઈ ચીજની અછત ન સર્જાય એનું ધ્યાન રાખવામાં આવે તો પરિવારને એક છત નીચે કાયમ રાખી શકાય. વધુમાં દરેક વ્યક્તિના સ્વભાવ જુદા-જુદા હોય એટલે એ દરેકના સ્વભાવને જાણીને અને સમજીને વર્તવામાં આવે તો એકબીજા પ્રત્યે પ્રેમ અને માનમાં વધારો થાય અને કુટુંબમાં એકતા જળવાઈ રહે. જૉઇન્ટ ફૅમિલીમાં રહો તો ધારો એ કરી શકો. તમે ફરવા જાઓ તો બાકીના સભ્યો ઘર સંભાળી લે. અને આવા તો અનેક ફાયદા છે સંયુક્ત કુટુંબમાં રહેવાના. સંપ રાખવો હોય તો એકબીજાને સમજી લેવાના અને જો મનદુઃખ થાય તો એનો નિકાલ બધાએ સાથે બેસીને ચર્ચા કરીને કાઢવાનો.’

આ પણ વાંચો : નવા વરસથી નક્કી કરો, નિષ્ફળતા વિશે બેધડક ચર્ચા કરીશું

આપણા પૂર્વજો અને દિગ્ગજોએ ખૂબ જ કુશળતાથી વર્ષભરમાં મનાવી શકાય એવા અનેક તહેવારોની રચના કરી છે અને એ એના માટે કે પરિવારના તેમ જ સમાજના લોકો એકસાથે મળીને સેલિબ્રેશન કરી શકે અને એકબીજાની સમીપ આવી શકે. જુદા-જુદા સ્વભાવની વ્યક્તિઓ જ્યારે મળે ત્યારે તેમની વચ્ચે આત્મીયતા વધે છે. વધુમાં એક પરિવારમાં સાથે મળીને રહેવું એ એક થેરપી જેવું છે. જે રીતે એક દીવાલમાં દરેક ઈંટ એકબીજાને ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટલી સપોર્ટ કરે છે એ જ રીતે પરિવારના દરેક સભ્ય એકબીજાને સપોર્ટિવ હોય છે. એટલે જેમની પાસે દરેક સુખમાં સાથ આપવા માટે અને દુઃખ વહેંચી લેવા માટે પરિવારના સભ્યો હોય તેમને ક્યારેય કોઈ સ્ટ્રેસ-બસ્ટર થેરપીની જરૂર નથી પડતી અને ન તો કોઈ દવાઓની. સાઇકોલૉજી કહે છે કે મોટા સંયુક્ત પરિવારમાં રહેતા લોકો બાકીનાઓની સરખામણીમાં ઓછા બીમાર પડે છે. તેમ જ તેમનામાં સ્ટ્રેસ, ઍન્ગ્ઝાયટી, એકલતા જેવી માનસિક તકલીફોનું પ્રમાણ ઓછું હોય છે. પરિવારના સભ્યો સાથે જોડાઈ રહેવામાં જે આજીવન આનંદ મળે છે એ આજકાલ એકતાની વાત કરતા ઓવરનાઇટ બનેલા ઑનલાઇન રિલેશનમાં નથી. આવા સંબંધો કોઈ હેતુ સાધ્ય થાય ત્યાં સુધીના જ હોય છે, જ્યારે કૌટુંબિક સંબંધો આજીવન દરેક પળે સાથ આપે છે. એટલે રાષ્ટ્રીય એકતાની વાતો તો ઠીક પણ પારિવારિક એકતા જે આજકાલની જનરેશન મિસ કરી રહી છે, એના પર ધ્યાન આપવું વધુ જરૂરી છે. હિન્દુ સમાજ જો સૌથી જૂનો અને લૉન્ગેસ્ટ સર્વાઇવિંગ સમાજ બન્યો હોય તો એ ફક્ત એની સંયુક્ત રહેવાની કૌટુંબિક રચનાને લીધે. અને આ જ વાત આજનો હાઇલી એજ્યુકેટેડ વર્ગ સમજવામાં માર ખાય છે અને અનેક પ્રકારની માનસિક તાણનો ભોગ બને છે.

- ડૉ. રાજીવ આનંદ, સાઇકિયાટ્રિસ્ટ અને રિલેશનશિપ-કાઉન્સેલર

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK