Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > નવા વરસથી નક્કી કરો, નિષ્ફળતા વિશે બેધડક ચર્ચા કરીશું

નવા વરસથી નક્કી કરો, નિષ્ફળતા વિશે બેધડક ચર્ચા કરીશું

31 October, 2019 03:45 PM IST | મુંબઈ
સોશ્યલ સાયન્સ - જયેશ ચિતલિયા

નવા વરસથી નક્કી કરો, નિષ્ફળતા વિશે બેધડક ચર્ચા કરીશું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સામાન્ય રીતે આપણે આપણી નિષ્ફળતા જો જાહેર થઈ ન હોય તો છુપાવવાનો પૂરેપૂરો પ્રયાસ કરતા હોઈએ છીએ. આપણે નથી ઇચ્છતા કે આપણને કોઈ નિષ્ફળ (ફેલ્યર) ગણે. જ્યારે કોઈનિષ્ફળતાથી આપણે નિરાશ થઈએ છીએ એ જ નિષ્ફળતા આપણને સફળતા તરફ લઈ જવાનું બળ બની શકે છે અને લઈ પણ જાય છે. સિવાય કે આપણે એ માટેના પ્રયાસ છોડી દઈએ તો વાત જુદી છે.

વાસ્તવમાં જીવનમાં સફળતા અને નિષ્ફળતા આવતી-જતી રહે છે, ખરેખર તો સફળતાની સંખ્યા  નિષ્ફળતા કરતાં વધુ હોય છે. પરંતુ આપણે નિષ્ફળતાને વધુ યાદ કર્યા કરીને આપણી ભીતર નેગેટિવ માનસિકતા ઊભી કરી નાખીએ છીએ. જો એમ કરવાને બદલે આપણે નિષ્ફળતામાંથી-ભૂલોમાંથી શીખવાનો પ્રયાસ વધારી દઈએ તો સફળતા રંગ લાવીને જ જંપે છે. જોકે આપણે જેટલી ચર્ચા સફળતાની કરીએ છીએ એટલી નિષ્ફળતાની નથી કરતા જ્યારે કે નિષ્ફળતાની પણ ખુલ્લેઆમ ચર્ચા કરવી જોઈએ. આપણે શું સાચું કર્યું એ કહીએ છીએ, પણ આપણે શું ભૂલ કરી કે ખોટું કર્યું એની વાત નથી કરતા. આ જ આપણી વધારાની ભૂલ ગણાય.



બીજાનાં ઉદાહરણ જુઓ


એક યુવાન તેના બિઝનેસમાં નિષ્ફળ ગયો, જેને લીધે તે નર્વસ રહેવા લાગ્યો. કોઈની સાથે વાત ન કરે, પોતે સતત પોતાને ફેલ્યર ગણે. લોકોમાં બહુ ભળે નહીં, એકલતાને ઓઢી ફર્યા કરે. એક દિવસ અચાનક તેણે પોતાના ખાસ મિત્રને બધું કહી દીધું. અત્યાર સુધી મનમાં ભરી કે દબાવી રાખેલો ડૂમો બધો નીકળી ગયો, જેને લીધે પોતે હળવો થઈ ગયો તેમ જ મિત્ર પાસેથી જે વાત સાંભળવા મળી એને પરિણામે તેની નિરાશા દૂર થવા લાગી એટલું જ નહીં, તેના મિત્રએ તેને  સફળ સાહસિકોનું એક પુસ્તક આપ્યું અને તેને કહ્યું, આ એક વાર શાંતિથી વાંચી જા, પછી આપણે મળીશું અને વાત કરીશું. એ યુવાન પુસ્તક વાંચી ગયો. તેણે આ પુસ્તકમાં દરેક સફળ વ્યક્તિ- સાહસિકના જીવનમાં આવેલી સફળતા પહેલાંની નિષ્ફળતા જાણી-સમજી. બસ, તેનામાં પરિવર્તન શરૂ થઈ ગયું. ત્યાર બાદ પોતાના એ મિત્રને મળીને તેણે કહ્યું, હવે આ વિષયમાં વાત નથી કરવી, હવે તો નવેસરથી સાહસની શરૂઆત કરવી છે. હવે કોઈ નિષ્ફળતા મને ડગાવી નહીં શકે ઊલટાનું એ આવશે તો મને કંઈક શીખવવા આવી છે એમ એને જોઈશ અને એમાંથી જરૂર કંઈક નવું શીખીશ.

પોતાની ભૂલો જાણો


આવી જ એક મહત્ત્વાકાંક્ષી યુવતીની વાત પણ છે જેને ખૂબ મહેનત બાદ પણ પોતાના બિઝનેસમાં સફળતા મળતી નહોતી, જે મુજબ તેનો બિઝનેસ ચાલવો જોઈએ એ મુજબ ચાલતો નહોતો. તેને પોતાને સમજ નહોતી પડતી કે પોતાનાથી શું ભૂલ થઈ રહી છે જે તેને સફળતાથી દૂર રાખે છે. તે ધીમે-ધીમે ડિપ્રેશનમાં જવા લાગી. સંપન્ન પરિવારની હતી, પરંતુ કોઈને ખ્યાલ ન આવ્યો કે તે ડિપ્રેશનમાં જઈ રહી છે. જોકે તેણે પોતાની એકલતામાંથી બહાર નીકળવા નવા ઉપાય તરીકે વધુ ને વધુ લોકોને મળવાનું શરૂ કર્યું, તેમની સાથે ચર્ચા શરૂ કરી. વાત-વાતમાં તેની પોતાની વાતો પણ બહાર આવવા લાગી, તેને ખબર પડવા લાગી કે પોતે શું ભૂલ કરતી હતી, જે તેને અગાઉ સમજાતી નહોતી.  

સફળતાની વ્યાખ્યા છીછરી ન રાખો

થોડા વખત પહેલાં છિછોરે નામની એક ફિલ્મ આવી હતી. આવું નામ સાંભળીને એમ થાય કે નામ જ કેવું છે તો ફિલ્મ કેવી હશે? પરંતુ આ ફિલ્મમાં સફળતા અને નિષ્ફળતા વિશે હસતાં-રડાવતાં બહુ જ સરળતાથી-સહજતાથી ગહન સંદેશ અપાયા છે. ખાસ કરીને નવી પેઢીને, જેઓ જરાસરખી નિષ્ફળતાથી નિરાશ થઈને આપઘાતના કદમ સુધી પહોંચી જાય છે. થોડો જીવનમાં સંઘર્ષ આવે કે ડિપ્રેશનમાં આવી જાય છે. ટૂંક સમયમાં જ અને વધુ મહેનત કર્યા વિના જ પોતાના કાર્યના જંગમાં હાર માની લે છે. બીજાઓને પોતાની સાથે તોલ્યા કરી સતત લઘુતાગ્રંથિમાં રહ્યા કરે છે. આપણે હાર-જીતને જીવનમાં વધુપડતું મહત્ત્વ આપી દીધું છે. ક્યાંક કોઈ રમતમાં, કોઈ શરતમાં, કોઈ સ્પર્ધામાં, કોઈ પરીક્ષામાં ટૉપ ક્રમથી જીતી ગયા કે ઊંચે રહ્યા તો જાણે કોઈ મહાન સિદ્ધિ મળી ગઈ હોય એવું માનવા લાગીએ છીએ, જ્યારે કે આવી જ કોઈ બાબતમાં ક્યાંક હારી ગયા અથવા પાછળ રહી ગયા તો જાણે જીવનમાં કોઈ મહાન દુર્ઘટના બની ગઈ હોય એવું ફીલ કરવા લાગીએ  છીએ. કેટલાય વેચાતા (સેલ થતા) અવૉર્ડ મેળવીને લોકો પોતાને સફળ અને ગ્રેટ -સિદ્ધ માનવાના ભ્રમમાં પડી જાય છે. વળી કોઈ ટચૂકડી જ્ઞાતિના સન્માનથી તો કોઈ મામૂલી રાજકીય પદના સન્માનથી રાજી-રાજી થઈ જાય છે. સાલું આપણી સફળતા અને નિષ્ફળતાની વ્યાખ્યા પણ કેટલી છીછરી હોય છે!

મહત્વ મંઝિલ કરતાં મુસાફરીનું વધુ

વાસ્તવમાં મંઝિલનું મહત્ત્વ જેટલું માનવામાં આવે છે એના કરતાં અનેકગણું મહત્ત્વ યાત્રાનું-પ્રવાસનું હોય છે. પરીક્ષામાં ઊંચા માર્કે પાસ થવા કરતાં અનેકગણું મહત્ત્વ જીવનમાં સારા માનવી બનીને જીવવાનું હોય છે. આપણા સમાજે સફળતા અને નિષ્ફળતાના માપદંડ જે પણ કરી નાખ્યા હોય એને દોષ આપવા કરતાં કે એની ફરિયાદ કરવા કરતાં આપણે પોતે શું માનીએ છીએ એ વધુ મહત્ત્વનું ગણાય. પરંતુ આપણે સમાજની-બીજાની નજરે જ આપણને જોવાનું રાખીએ તો આપણી સફળતા કે નિષ્ફળતા પણ બીજાના માપદંડ મુજબની રહેશે. ખેર, વાત ખુલ્લા મને નિષ્ફળતાની પણ ચર્ચા કરવાની છે. આપણે એમાં આપણા અહંકારને વચ્ચે લાવવાની જરૂર નથી બલકે નિખાલસતાને વચ્ચે લાવવાની આવશ્યકતા છે. આપણા ઈગોને એ ગો (તું જા) કહી દેવાની જરૂર હોય છે.

આ પણ વાંચો : સાચ્ચે જ, સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ આજે એટલે કે 31 ઑક્ટોબરે હતો?

નિષ્ફળતાનાં સૂત્રોના સેમિનાર

સફળતા કેવી રીતે મેળવવી, સફળતાનાં મંત્રો-સૂત્રો, સફળતાના સિદ્ધાંતો વગેરે ટાઇટલ સાથે અનેક મોટિવેશનલ સેમિનાર યોજાતા રહે છે જેમાં નિષ્ફળતાની વાત પણ થાય છે. પરંતુ હવે નિષ્ફળતાનાં સૂત્રો-મંત્રો, નિષ્ફળતા ક્યાંથી અને કેવી રીતે આવે છે? વગેરે ટાઇટલ સાથેના સેમિનાર પણ થવા જોઈએ. માતા-પિતા પોતાનાં સંતાનોને વિવિધ ક્ષેત્રે સફળ થવા માટે બધી જ સુવિધા કરી આપે છે, સપોર્ટ આપે છે, સતત તેને એની એ જ વાત કર્યા કરી સંતાનના મનમાં-હૃદયમાં સફળતાનું અદકેરું મહત્ત્વ ઊભું કરી નાખે છે; પરંતુ એ સંતાનોને જો તે નિષ્ફળ જાય તો એનો સામનો કઈ રીતે કરવો, એને કઈ રીતે હૅન્ડલ કરવી, એનાથી દુઃખી કે નિરાશ કઈ રીતે અને શા માટે ન થવું એની સાચી સમજ આપતા નથી, એ માટે તેને સજ્જ કરતા નથી, કારણ કે તેમની પોતાની અપેક્ષા પણ માત્ર અને માત્ર સફળતાની જ હોય છે. જ્યારે કે આ મહત્ત્વાકાંક્ષા સાથે તેમણે નિષ્ફળતાને પચાવવાની, સહન કરવાની, એનાથી કાયમી હાર નહીં માનવાની ઊંડી સમજ આપવી જોઈએ. આવા સમયમાં તેને ખરો માનસિક ટેકો-સપોર્ટ આપવો જોઈએ. સંતાનની નિષ્ફળતાને જોઈ માતા-પિતા જ નારાજ થશે કે નિરાશ થશે તો બીજાઓ તેને કેવો પ્રતિભાવ આપશે એ તો વિચારો. નવું વરસ શરૂ થયું છે. આ  નવા વરસે આ નવા વિચારનો અમલ કરવાનું નક્કી કરો. જ્યારે આ વિષયમાં કોઈ મૂંઝવણ થાય તો એક ગીતની આ પંક્તિ યાદ કરી લેજો.

ભૂલ સભી સે હોતી આયી

કોન હૈ જિસને ન ઠોકર ખાઈ

ભૂલોં સે સિખે જો, મંઝિલ ઉસને પાઈ

Whatsapp-channel Whatsapp-channel

31 October, 2019 03:45 PM IST | મુંબઈ | સોશ્યલ સાયન્સ - જયેશ ચિતલિયા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK