જિગરના ટુકડા માટે કંઈ પણ

Published: Jan 10, 2020, 17:59 IST | aparna shirish | Mumbai Desk

ઘરમાં બાળકનો જન્મ થાય એટલે પેરન્ટ્સનું આખું આયુષ્ય ૩૬૦ ડિગ્રીનો ટર્ન લે છે. પેરન્ટ્સ બાળકો માટે ઘણી વાર જીવનમાં એવા બદલાવ પણ લાવે છે જે પોતાના મૂળભૂત સ્વભાવથી વિરુદ્ધ હોય. ચાલો મળીએ કેટલાક એવા જ પેરન્ટ્સને

થોડા સમય પહેલાં સોહા અલી ખાને પોતાના માતૃત્વના અનુભવો શૅર કરતાં કહ્યું હતું કે તેની દીકરી ઇનાયા નવમીના જન્મ પછી તેની લાઇફ પૂરી રીતે બદલાઈ ગઈ છે. સોહાનું કહેવું છે કે તેણે લાઇફમાં ક્યારેય કોઈની જવાબદારી નહોતી લીધી, કોઈનું પર્સનલી ધ્યાન નહોતું રાખ્યું. ઇન ફૅક્ટ તેને પોતાની પર્સનલ સ્પેસમાં કોઈ આવે એ જ પસંદ નહોતું અને એ તેનો મૂળભૂત સ્વભાવ છે. કેટલીક વાર તો તે બપોરે ૧૨ વાગ્યે ઊઠતી અને ડાયરેક્ટ લંચ કરતી, પણ દીકરી આવ્યા બાદ હવે તે ૭ વાગ્યે ઊઠી જાય છે. જોકે મા બન્યા બાદ હવે પોતાના પર પણ કોઈ ડિપેન્ડન્ટ રહે છે અને પોતે દીકરીનું સારી રીતે સંગોપન કરી શકે છે એ વાતની સોહાને નવાઈ લાગે છે. ખરેખર પેરન્ટ્સ બન્યા બાદ પુરુષો અને સ્ત્રીઓ પોતાની ઘણી એવી આદતો બદલી નાખતાં હોય છે જેના વિના તેમને એક પળ પણ ન ચાલતું હોય. આ જ પેરન્ટ્સે બાળકો માટે પોતાનો સ્વભાવ, શોખ, ઇચ્છા બધું જ બાજુ પર મૂકી નવી ચીજો શીખવી પડે તો એ પણ શીખે છે. મળીએ કેટલાંક એવાં મમ્મી અને પપ્પાઓને જેમણે પોતાના મૂળભૂત સ્વભાવને પોતાના બાળક માટે બદલી નાખ્યો.

કુંડળીમાં પાણીથી ઘાત તોય દીકરા માટે સ્વિમિંગ શીખ્યા : ગૌરવ જાટકિયા, બોરીવલી

૯ વર્ષના રેયાંશના પપ્પા મૂળ ધારીના અને બોરીવલીમાં રહેતા ગૌરવ જાટકિયાનો ઇન્ડસ્ટ્રિયલ હાર્ડવેર સપ્લાયનો બિઝનેસ છે. તેઓ નાના હતા ત્યારથી જ તેમની મમ્મીએ તેમને ક્યારેય પાણીમાં જવાની કે રમવાની પરવાનગી નહોતી આપી, કારણ કે તેમની કુંડળીમાં લખ્યું છે કે તેમને પાણીથી ઘાત છે. આ વિષે વાત કરતાં તેઓ કહે છે, ‘નાનો હતો ત્યારથી જ પાણી એટલે ડેન્જર એમ જ શીખ્યો હતો. મમ્મીએ ક્યારેય વૉટરપાર્ક કે દરિયાકિનારે પાણીમાં રમવાની પરવાનગી આપી જ નહોતી. વધુમાં મારામાં પણ પાણીની એવી બીક પેસી ગઈ હતી કે આખી ફૅમિલી સાથે કે મિત્રો સાથે ક્યાંય રિસૉર્ટમાં ફરવા જાઉં તોય પૂલમાં ક્યારેય ન ઊતરું. લગ્ન થયાં અને ખબર પડી કે વાઇફને પાણીમાં જવું અને પૂલમાં સમય ગાળવો ખૂબ ગમે. એટલે તે મને ખૂબ ફોર્સ કરી પાણીમાં લઈ જતી. તોય વધુમાં વધુ બેથી ત્રણ ફુટ પાણીવાળા બેબી પૂલમાં જ જતો. દીકરા રેયાંશનો જન્મ થયો અને તેને નાનપણથી જ સ્વિમિંગનો શોખ છે. તેની સાથે સ્વિમિંગના કોચિંગમાં જતો ત્યારે જોતો કે એકથી દોઢ વર્ષનાં બાળકો પણ સ્વિમિંગ કરે છે અને તેમની સાથે તેમના પપ્પાઓ પણ સમય ગાળવા માટે સ્વિમિંગ કરતા. એ જોઈને મને પણ લાગ્યું કે હવે દીકરો સવાલ પૂછે કે પપ્પા તમે મારી સાથે પૂલમાં કેમ નથી આવતા એ પહેલાં સ્વિમિંગ શીખી લેવું છે, જેથી દીકરા સાથે પૂલમાં સમય ગાળી શકાય અને મજા કરી શકાય. બસ, ડિસાઇડ કર્યું અને કુંડળીના પાણીથી ઘાતવાળા ડરને બાજુ પર મૂકી સ્વિમિંગ શીખી લીધું. મારી મમ્મી હજીયે મને કહે છે કે બેટા, સંભાળજે, પણ મારો ડર હવે મારા દીકરાને લીધે અને દીકરા માટે દૂર થઈ ગયો છે. અને એ સિવાય સ્વિમિંગને લીધે શરીરની કસરત થાય અને સ્ટ્રેસ ઘટે એ નફામાં.’

બાળક સામે ક્યાંક પારો ન ચડી જાય એટલે વિપશ્યનાનું મેડિટેશન શરૂ કર્યું : દેવાંશ જાની, જોગેશ્વરી

મૂળ ભાવનગરના દેવાંશ જાની મેકૅનિકલ એન્જિનિયર છે. સ્વભાવે તેઓ ખૂબ જ શૉર્ટ ટેમ્પર્ડ. જો કંઈ અણગમતું બને તો પારો એટલો ચડી જાય કે સામે વાળી વ્યક્તિનું આવી બને. તેમની વાઇફ માનસી કોંકણી છે. એટલે લગ્ન પછી એકબીજા સાથે ઍડ્જસ્ટ થવા દરમિયાન તેમની વચ્ચે નોકઝોક પણ થતી. આજે દેવાંશ અને માનસીને પાંચ વર્ષની દીકરી અમાયા અને સાડાત્રણ વર્ષનો દીકરો ઈશાન છે, પણ હવે બાળકોના જન્મ બાદ તેમણે ગુસ્સો કરવાનું સાવ બંધ કરી દીધું છે. શા માટે અને કઈ રીતે આવ્યો આટલો મોટો બદલાવ એ વિષે જણાવતાં તેઓ કહે છે, ‘ઘરમાં દીકરી અમાયાનો જન્મ થયો અને એકાએક ફીલિંગ આવવા લાગી કે યાર, ઘરમાં બાળક હોય તો આટલો ગુસ્સો સારો નહીં, ક્યારેક એ રિસ્કી થઈ શકે. આગળ જતાં એ પણ મારા જેવી બની જશે તો? આવા અનેક વિચારો આવવા લાગ્યા અને મેં નક્કી કર્યું કે સ્વભાવ સુધારી ગુસ્સા પર કન્ટ્રોલ કરવો જ પડશે. અને કોઈની સલાહથી મેં એ માટે યોગ અને વિપશ્યનાનું મેડિટેશન શરૂ કર્યું. મેડિટેશન કરવાનું શરૂ કર્યું ત્યારથી ખરેખર ગુસ્સો ઓછો થઈ ગયો છે. હવે સામેવાળી વ્યક્તિ શું બોલે છે એના પર હું તરત રીઍક્શન આપવાને બદલે વિચારું છું. એ સિવાય યોગને લીધે મન શાંત રહે છે અને એક પેરન્ટ તરીકેની મૅચ્યોરિટી આવી ગઈ છે. દીકરી બાદ દીકરાનો જન્મ થયો અને હવે તો અમે બન્નેએ ત્યાં સુધી ઘરમાં નિયમ બનાવ્યો છે કે ક્યારેક જો મતભેદ પણ થાય તોય બાળકો સામે સીન ક્રીએટ નહીં કરવાનો. બાળકો સામે ઝઘડવાનું નહીં, અમુક સેન્સિટિવ વિષયની વાતો પણ તેમની સામે અમે નથી કરતા. આ બધી ડિસિપ્લિન બાળકો માટે જીવનમાં લાવી છે. મૂળ સ્વભાવ ખૂબ જ જુદો હતો, પણ હવે બાળકો મારા એ ગુસ્સાવાળા સ્વભાવથી પરિચિત થાય એ મને નહીં ગમે અને એટલે જ મેં મારામાં આ બદલાવ લાવ્યો છે.’

આ પણ વાંચો : Happy Birthday Kalki Koechlin : જાણો અભિનેત્રીની રૅર અને બ્યૂટિફુલ તસવીરો

દીકરીના જન્મ પછી રસોઈ કરતાં શીખી સ્નેહા શાહ, વિલે પાર્લે
દીકરી સિયા જન્મી અને જેમ જેમ તે મોટી થવા લાગી‍ એમ-એમ એક સમયે પોતાને ખૂબ જ વર્કોહૉલિક ગણાવતી સ્નેહાને રિયલાઇઝ થવા લાગ્યું કે દીકરીને તો ઘરે બનાવેલું જ ખવડાવવું પડે અને આપણને તો રસોઈ કરતાં આવડતી નથી. હવે શું? અને દીકરીના જન્મ સુધી મલાડની બૅન્ક ઑફ અમેરિકામાં કામ કરતી સ્નેહાએ દીકરી માટે જૉબ છોડી દેવાનું નક્કી કર્યું જેથી તે જાતે દીકરીના ખાવા-પીવાથી લઈને બધી જ જરૂરિયાતોનું ધ્યાન રાખી શકે. આજે સિયા ૬ વર્ષની છે અને સ્નેહાને પોતાની કરીઅર બાજુએ મૂકી દેવાનો કોઈ અફસોસ નથી. પોતાનામાં મમ્મી બન્યા બાદ આવેલા બદલાવ વિષે વાત કરતાં સ્નેહા કહે છે, ‘અમે બન્ને પતિ-પત્ની વર્કિંગ હતાં અને ખાવા-પીવાનાં, લેટ નાઇટ સુધી બહાર ફરવાનાં શોખીન. ફિલ્મો જોવા તો અવારનવાર જઈએ અને મોટા ભાગે બહાર ખાઈને જ આવીએ. મને રસોઈ આવડતી જ નહોતી અને સાસરે આવ્યા બાદ પણ વર્કિંગ હતી એટલે એ બાબતે ક્યારેય ધ્યાન આપ્યુ નહીં. પણ સિયાના જન્મ પછી રિયલાઇઝ થયું કે તેને ન્યુટ્રિશ્યસ ફૂડ આપવા માટે રોજ કંઈ ને કંઈ બનાવવું પડશે. તે એક જ ચીજ ખાઈને બોર ન થાય એ માટે નવું પણ શીખતાં રહેવું પડશે. અને મેં રસોડામાં પગ મૂક્યો. રાબ જેવી ચીજો બનાવવા માટે તો મમ્મીને ફોન કરતી અને તે ફોન પર ગાઇડ કરે એમ બનાવતી. આજે સિયા ૬ વર્ષની છે અને તે મોટા ભાગે ઘરનું જ ખાય છે. બહારનું હું તેને આપવાનું ટાળું છું. ફાસ્ટ ફૂડ હાનિકારક સાબિત થાય એ દીકરી આવ્યા બાદ રિયલાઇઝ થયું. દીકરી એટલી ફૂડી નથી. રોજ નવી-નવી ડિમાન્ડ પણ નથી કરતી, પણ હવે મને પોતાને જ તેના માટે નવી રેસિપી બનાવવી ગમે છે અને ક્યારેક તો પોતાના માટે જ નવાઈ લાગે કે રસોડામાં ક્યારેય પગ નહોતો મૂક્યો અને હવે દીકરી માટે શોખથી બનાવું છું.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK