હેરિટેજ ગણાતાં સ્મારકો, સ્થાપત્યો, મ્યુઝિયમો, તીર્થક્ષેત્રો ફરવા જાઓ ત્યારે ફોટોગ્રાફી પર ફોકસ રાખવા કરતાં જે-તે સ્થળોનો સદીઓ જૂનો ઇતિહાસ જાણવાનો પ્રયાસ કરવાથી ફરવાનો આનંદ બેવડાઈ જાય છે અને આપણા સાંસ્કૃતિક વારસાનો ગર્વ પણ થશે
સ્પેશ્યલ સ્ટોરી
અજંતા-ઇલોરાની ગુફાઓ
મુંબઈનું છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, જયપુરના પૅલેસ, આગરાનો તાજમહલ, દિલ્હીનો કુતુબમિનાર, પાટણની રાણકી વાવ, કોણાર્કનું સૂર્યમંદિર, અજંતા-ઇલોરાની ગુફાઓ, ગોવાનાં ચર્ચ, અભયારણ્યો વગેરે. યુનેસ્કો દ્વારા જાહેર કરવામાં આવેલી ભારતની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની યાદી લાંબી છે. ઐતિહાસિક સ્મારકો તેમ જ આ સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસાના પ્રતીક સમા સ્થળોએ ફરવા જવું જીવનભરનું સંભારણું બનીને રહે છે. દરેક ભારતીયના આલબમમાં આવાં સ્થળોએ પાડેલા ફોટોઝ અચૂક જોવા મળશે. જોકે ઘણા એવાય છે જેમના માટે આ સ્થળો માત્ર સાઇટ સીન નથી; ઇમારતના બાંધકામ, કોતરણી, એનો ઇતિહાસ, એની જાળવણીની ટેક્નિક વિશે જાણવાના હેતુથી તેઓ અહીં ફરવા આવે છે. આવતીકાલે વર્લ્ડ હેરિટેજ ડે છે આવી સાઇટ્સ ફરવાની ઘેલછા ધરાવતા લોકો સાથે મુલાકાત કરીએ.
વાઇડ કન્સેપ્ટ
ADVERTISEMENT
બોરીવલીના મોનિશ શાહને નવમા ધોરણમાં અને હડપ્પા અને ઇજિપ્શિયન સિવિલાઇઝેશનના ચૅપ્ટર ભણતાં-ભણતાં આર્કિયોલૉજી વિષયમાં રસ જાગ્યો હતો, પરંતુ ડિગ્રી લીધી એન્જિનિયરિંગની અને પછી થોડા સમયમાં પપ્પાના બિઝનેસમાં આવી જોડાઈ ગયા. જોકે પોતાના પૅશન સાથે કનેક્ટેડ રહેવા હેરિટેજ રિલેટેડ અલગ-અલગ કોર્સ ભણવાના શરૂ કરી દીધા. આજે તેઓ બિઝનેસની સાથે હેરિટેજ વર્કશૉપ પણ કન્ડક્ટ કરે છે. તેમનું કહેવું છે, ‘યુનેસ્કો ઘોષિત સ્મારકોને જ આપણે વૈશ્વિક ધરોહર માનીએ છીએ. વાસ્તવમાં આ વાઇડ કન્સેપ્ટ છે. હેરિટેજ ટૂરના બે પ્રકાર છે, ટૅન્જિબલ અને ઇન્ટૅન્જિબલ હેરિટેજ. મંદિરો, પથ્થરો, ઇમારતોની મુલાકાત ટૅન્જિબલ હેરિટેજ ટૂર કહેવાય. લોકલ ફૂડ, નૃત્યશૈલી, માઇથોલૉજિકલ અને ટ્રાઇબલ સ્ટોરી, આર્ટ વગેરે ઇન્ટૅજિબલ હેરિટેજ છે. ઊંબાડિયું, પોપ્ટી, પોંકની દાદીમા-નાનીમાએ લખેલી રેસિપી હેરિટેજ છે. રાસ-ગરબા અને વારલી પેઇન્ટિંગ પણ ભારતની સાંસ્કૃતિક ધરોહર છે. એનો ઇતિહાસ છે, એની પાછળ સ્ટોરી છે, પણ જાણકારીના અભાવે આપણે એને હેરિટેજ નથી માનતા. વારસો લોકો માટે છે અને લોકોનો છે. આમજનતાને તેમના સમૃદ્ધ વારસા વિશે જાગૃત કરવામાં આવે તો તેઓ પોતે એની જાળવણી કરવા લાગશે.’
ખજાનો શોધો
દુનિયાનો એકેએક ખૂણો હેરિટેજ સાઇટ છે એવું કહીશ તો મજાક લાગશે પણ મારી પાસે પુરાવાઓ છે. આવી વાત કરતાં મોનિશ કહે છે, ‘થોડો વખત પહેલાં અમે ઘોઘા-તળાજા યાત્રા માટે ગયાં હતાં. મારી નજર એવી થઈ ગઈ છે કે કંઈક શોધી કાઢું. રસ્તામાં એક જગ્યાએ ૮૦ જેટલા મેમોરિયલ સ્ટોન (શિલાલેખ) જોઈને એની લંબાઈ-પહોળાઈ માપવા ઊભો રહી ગયો. નાશિક પાંડુલિની ગુફામાં ૧૫૦૦ શિલાલેખ છે. વાપી નજીક ઉદવાડામાં પણ સુંદર સ્થાપત્યો છે. માટીનાં વાસણો પરથી એનો ટાઇમ પિરિયડ સમજવાનો પ્રયાસ કરું. પ્રાચીન મંદિરોનો ઇતિહાસ જાણવા સ્થાનિક લોકો સાથે વાતોએ વળગી જાઉં. કોઈ પણ ટ્રિપમાં શોધશો તો તમને પણ ખજાનો મળી જશે. હેરિટેજ સાઇટ્સ પર ફરવા જનારા લોકોનું ફોકસ ફોટોઝ હોય, જ્યારે મને અવશેષો શોધીને ખણખોદ કરવી ગમે. લોકોને અડધો કલાક લાગે એ જગ્યા જોવા માટે મને ત્રણ કલાક જોઈએ. રાણકી વાવ, મોઢેરા, ધોળાવીરા ગયો છું. શ્રીલંકામાં બુદ્ધિસ્ટ હેરિટેજ સાઇટ કવર કરવા ૧૨ દિવસ ઓછા પડ્યા હતા. ટર્કી ફરવા ગયાં ત્યારે પણ મ્યુઝિયમ અને સ્થાપત્યોનો ઇતિહાસ જાણવાનો પ્રયાસ કર્યો. જોકે ફૅમિલી બોર થઈ જાય તેથી મારા જેવા પૅશનેટ લોકોના ગ્રુપ સાથે જોડાઈ ગયો.’
આ પણ વાંચો : સ્વામી વિવેકાનંદે મેડિટેશન કર્યું હતું એ કસાર પર્વત વિઝિટરને ચુંબકની જેમ ખેંચે
મુંબઈનો વારસો
બે હજાર વર્ષ જૂની મુંબઈની કાન્હેરી કેવ્સ વર્લ્ડની લાર્જેસ્ટ કેવ સેટલમેન્ટ ઇન અર્બન એરિયામાં સ્થાન ધરાવે છે એવી જાણકારી આપતાં મોનિશ કહે છે, ‘અહીં આવેલી સો જેટલી ગુફાઓ ભારતમાં બૌદ્ધ ધર્મનો પ્રભાવ હતો એનો પુરાવો છે. અલગ-અલગ દેશમાંથી વેપારીઓ આવતા એવા પુરાવાઓ મળ્યા છે. જૅપનીઝ અને પર્શિયન ભાષામાં લખેલાં ઇન્સ્ક્રિપ્શન મળી આવ્યાં છે. અહીં હિલૉકમાં એવી વૉટર મૅનેજમેન્ટ સિસ્ટમ છે કે ઑટોમૅટિકલી આખું વર્ષ ચાલે એટલું વરસાદનું પાણી સ્ટોર થઈ જાય છે. પાણી એટલું ચોખ્ખું કે ફિલ્ટર કર્યા વિના ડાયરેક્ટ ટૅન્કમાંથી કાઢીને પી શકાય. વિદેશીઓ પણ આ પાણી પીવે છે.’
મુંબઈને અડીને આવેલા પરા નાલાસોપારાની આપણા મનમાં ખોટી છાપ છે. મૉડર્ન મુંબઈનું અસ્તિત્વ પણ નહોતું એ જમાનામાં સોપારા વેપાર ઉદ્યોગ માટેનું મુખ્ય એપિસેન્ટર હતું એવી માહિતી આપતાં તેઓ કહે છે, ‘સોપારાસ્થિત ૨૫૦૦ વર્ષ જૂના કિલ્લાઓ અને ૨૩૦૦ વર્ષ જૂના બુદ્ધ સ્તૂપ પર રિસર્ચ કરી રહ્યો છે. સોપારામાં આવેલાં તીર્થક્ષેત્રો હિન્દુ, જૈન અને બૌદ્ધ ધર્મનો વારસો હોવાના પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા છે. સોપારાના પ્રાચીન ચક્રેશ્વર તળાવની મુલાકાત લેવા જેવી છે. અહીં મહાદેવજીનું મંદિર છે. મંદિરની બહાર પ્રાચીન મૂર્તિઓ રાખવામાં આવી છે અને લોકો એની પૂજા પણ કરે છે. મંદિરોનો જીર્ણોદ્ધાર કરતી વખતે હેરિટેજનો લૉસ ન થવો જોઈએ એવું સ્થાનિક પ્રજા સમજે છે. વસઈ-વિરારનો આખો પટ્ટો હેરિટેજ સાઇટ છે. મુંબઈકરે આ બન્ને હેરિટેજ સાઇટ પર ગર્વ કરવો જોઈએ.’
મ્યુઝિયમો જોવાનું ઍટ્રૅક્શન
મલાડના કૉર્પોરેટ ટ્રેઇનર જિતેશ કોઠારી અને તેમનાં ડેન્ટિસ્ટ પત્ની દીપિકા કોઠારીને હેરિટેજ મૉન્યુમેન્ટ્સ અને મ્યુઝિયમો જોવાનું ગજબનું આકર્ષણ છે. ઇન્ટરેસ્ટ ક્યારથી જાગ્યો એ સંદર્ભે વાત કરતાં જિતેશભાઈ કહે છે, ‘ઘણાં વર્ષ પહેલાં એમબીએના સ્ટડી દરમિયાન એક પ્રોજેક્ટ માટે ગ્વાલિયર જવાનું થયું હતું. અહીંના પૅલેસ અને મ્યુઝિયમ જોઈને ઇતિહાસ જાણવામાં રસ પડ્યો. તાજમહલ દુનિયાની અજાયબી છે એટલે જઈને ફોટો પાડી આવો, મોટા ભાગના લોકોની આ માનસિકતા હોય છે. અરે, જાણો તો ખરા કે તાજમહલમાં છે શું? લોકો હેરિટેજ વૅલ્યુ નથી સમજતા, ફોટોગ્રાફી માટે જ આવે છે. લોકેશન અને મૉન્યુમેન્ટ્સની ઇન્ફર્મેશન વગર અમને ટ્રિપમાં ફન નથી આવતો. ફરવાનો અમારો પર્સ્પેક્ટિવ હિસ્ટરી સાથે કનેક્ટેડ હોય છે. કોઈ પણ જગ્યાએ ફરવા જતાં પહેલાં ઇન્ટરનેટના માધ્યમથી રિસર્ચ કરી લઈએ. જે-તે સ્થળે પહોંચ્યા બાદ ઇલેક્ટ્રૉનિક અથવા ફિઝિકલ ગાઇડ બુક કરી લેવાના. રાણકી વાવ, ખજૂરાહો, અજંતા-ઇલોરા, તારંગા જૈન મંદિરો, રાજસ્થાનના કિલ્લાઓ અને પૅલેસ, દિલ્હીનો લાલ કિલ્લો, હિમાચલ પ્રદેશમાં આવેલા ચૈલની હેરિટેજ પ્રૉપર્ટીની ઐતિહાસિક મુલાકાત લીધી છે. વિદેશની ટ્રિપ પણ ઑર્ગેનાઇઝ્ડ હોય છે. રોમનાં ચર્ચ, ઇટલી, પૅરિસ ફરી આવ્યાં છીએ. વિયેતનામમાં અમેરિકન વૉર મ્યુઝિયમની ખાસ મુલાકાત લીધી હતી. દેશ-વિદેશમાં ક્યાંય પણ ફરવા જઈએ, લોકલ મ્યુઝિયમ ડેફિનેટલી જોવાનાં જ.’