° °

આજનું ઇ-પેપર
Sunday, 26 March, 2023


બોલો, આ ગુજરાતી થેપલાં લીધા વગર ફરવા જાય

29 September, 2022 02:05 PM IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

તેમના ટ્રાવેલ ફન્ડા અને અનુભવોમાંથી આપણને ઘણું સમજવા અને નવું જાણવા મળશે

મયંક ગડા અલગારી રખડપટ્ટી

મયંક ગડા

મેક્સિકન ટોર્ટિયા પર ઇસ્ત્રી ફેરવીને રોટલીની જેમ ખાવાના પણ જ્યાં હોય ત્યાં થેપલાં ને ખાખરા લઈને જવાની જરૂર નથી એવું માનનારા મુલુંડના મયંક ગડાએ ભારતનાં પ્રવાસન સ્થળો કરતાં ઓછા બજેટમાં ફૉરેન ડેસ્ટિનેશન એક્સપ્લોર કર્યાં છે. તેમના ટ્રાવેલ ફન્ડા અને અનુભવોમાંથી આપણને ઘણું સમજવા અને નવું જાણવા મળશે

લોકો ફરવાનું નક્કી કરે એટલે નૉર્થ ઇન્ડિયાની બ્યુટી જોવા જાય, પણ આ ભાઈએ પહેલાં દક્ષિણ ભારતની સફર કરી છે.

ભારતમાં હોય ત્યારે પીત્ઝા ખાય અને વિદેશ ફરવા જાય ત્યારે થેપલાં લઈને જાય. ગુજરાતીઓની કંઈ વાત થાય! પ્રવાસ અને ખાણીપીણીના શોખીન ગુજરાતીઓની ખાસિયત વિશે સોશ્યલ મીડિયા પર અવારનવાર આવા જોક્સ વાંચવા મળે છે. પ્રવાસ દરમિયાન થેપલાં માટે પડાપડી કરતા લોકોના વિડિયો પણ ખાસ્સા પૉપ્યુલર છે. મોટા ભાગના લોકોને આ વાત રિલેટ કરતી હોય તેથી એને માણવાની મજા આવે. જોકે દેશ-વિદેશનો પ્રવાસ કરી આવેલા મુલુંડના બિઝનેસમૅન મયંક ગડાનો ટ્રાવેલિંગ ફન્ડા આનાથી એકદમ ઊંધો છે. પ્રવાસમાં થેપલાંને નો એન્ટ્રી આપવાનું કારણ તેમને જ પૂછીએ. 

ટ્રાવેલિંગ ફન્ડા

હાલમાં જ વિયેટનામનો છ દિવસનો પ્રવાસ કરી આવેલા મયંકભાઈ થેપલાંની વાત પર હસતાં-હસતાં કહે છે, ‘અરે ભાઈ, જ્યાં જાઓ છો ત્યાંની રોટલી ખાઓને! બહારગામમાં થેપલાં મને ભાવતાં જ નથી. પ્રવાસનો અર્થ છે ત્યાંના કલ્ચરને ફીલ કરો અને લોકલ ફૂડનો આનંદ ઉઠાવો. તેમની લાઇફસ્ટાઇલ સાથે કનેક્ટ થઈ જાઓ. વિદેશમાં થેપલાં ખાવાનો આગ્રહ રાખશો તો જે-તે દેશનું ઘણુંખરું ઑથેન્ટિક ફૂડ મિસ થઈ જશે. ઑન ધ રૂટ મળતી ડિફરન્ટ વરાઇટી ટેસ્ટ કરવાની પણ રહી જશે. એમ છતાં કોઈક જગ્યાએ ઘર જેવી નરમ, પાતળી અને લીસી રોટલી ખાવાની ઇચ્છા થાય તો મારી પાસે મસ્ત આઇડિયા છે. કપડાં પર આયર્નિંગ કરો છો એવી રીતે સુપર માર્કેટમાંથી મેક્સિકન ટોર્ટિયા લાવીને એના પર ઇસ્ત્રી ફેરવી દેવાથી ગરમાગરમ રોટલી બની જાય. વિદેશમાં હોટેલોની રૂમમાં આયર્નિંગની સુવિધા હોય છે. મેં અનેક વાર પ્રયોગ કર્યો છે. ફૉરેનમાં ફ્રૂટ્સ પણ સરસ મળે છે. પેટ ભરીને ખાવાનાં. ટ્રાવેલિંગનો મારો પહેલો ફન્ડા છે થેપલાં, ખાખરા, અથાણાંને નો એન્ટ્રી.’

ટ્રિપ પ્લાન કરવાનો બીજો ફન્ડા છે, ભારતમાં એક્સપ્લોર કરવું છે કે વિદેશ જવું છે? વિશ્વમાં અનેક એવાં બ્યુટિફુલ ડેસ્ટિનેશન છે જ્યાં તમે ભારતનાં પ્રવાસન સ્થળો કરતાં ઓછા બજેટમાં ફરી શકો છો. નૉર્ધર્ન ​વિયેટનામની છ દિવસની બજેટ ટ્રિપ આ રીતે જ પ્લાન થઈ હતી એવી માહિતી આપતાં તેઓ કહે છે, ‘માર્કેટના કેટલાક મિત્રોએ નૉર્થ ફરવાનો પ્લાન બનાવ્યો. બીજી તરફ વિયેટનામની ફ્લાઇટની ટિકિટ અને વીઝાનો ખર્ચ ૨૦ હજાર રૂપિયાની અંદર થતો હતો. હોટેલ્સ અને અન્ય ખર્ચ કૅલ્ક્યુલેટ કરતાં મૅક્સિમમ ૪૦ હજાર રૂપિયા જોઈએ. વિયેટનામ પૉકેટ-ફ્રેન્ડ્લી ટ્રિપ હતી. ભૂતકાળમાં પણ આ ફંડા કારગત નીવડ્યો છે. બે ડેસ્ટિનેશનના ખર્ચની તુલના કરીને ફાઇનલ ડિસિસન લઈએ છીએ. અત્યાર સુધીમાં સિંગાપોર, શ્રીલંકા, સાઉથ એશિયા, ડેન્માર્ક, ઑસ્ટ્રિયા, સ્વિટ્ઝરલૅન્ડ સહિત દસેક દેશો જોઈ લીધા છે. ઘણા લોકો યુરોપ જાય ને ચાર-પાંચ દેશો એકસાથે ફરી આવે. મને એકસાથે ઘણીબધી કન્ટ્રી એક્સપ્લોર કરવી ગમતી નથી. તમે સેમ ડેસ્ટિનેશન પર ફરી નથી જવાના તો એને સમય લઈને સરખી રીતે માણો. આટલે દૂર સુધી ગયા ને ફલાણી જગ્યા જોવાની રહી ગઈ એવું રિગ્રેટ ન થવું જોઈએ. ત્રીજો ફન્ડા છે, ઍડ્વેન્ચર અને લીઝર. ઍડ્વેન્ચર એટલે ખૂબ ઊંચાઈએથી જમ્પ મારવો કે પાણીમાં ઊંડા જવાનું સાહસ કરવું એમ નહીં. રિલૅક્સ થઈને ફરવાનું અને મનગમતી ઍક્ટિવિટી કરવાની. કસીનોમાં જવું પણ ઍડ્વેન્ચર હોઈ શકે છે. ચોથો ફન્ડા છે સેલ્ફ પ્લાનિંગ. વીઝા માટે પ્રોફેશનલ ટ્રાવેલ એજન્સીની હેલ્પ લેવાની, બાકીની આઇટિનરરી જાતે બનાવવાની. એક શહેરથી બીજા શહેરમાં જવા નાઇટમાં ટ્રેનમાં ટ્રાવેલ કરવાનું જેથી હોટેલનું એક દિવસનું બુકિંગ ઓછું થઈ જાય. ચેક-ઇન અને ચેક-આઉટના ટાઇમિંગનો પૂરો ફાયદો મળે તેમ જ કૉસ્ટ-કટિંગ પણ થઈ જાય. નાની-નાની બાબતો તમારી સફરને રસપ્રદ બનાવે છે.’

અનુભવોની ખાણ

પ્રત્યેક પ્રવાસમાં તમને ઓછામાં ઓછો એક એવો અનુભવ થાય છે જે અવિસ્મરણીય હોય. પછી એ સુખદ હોઈ શકે અથવા એમાંથી તમે નવો પાઠ ભણો છો એવી વાત કરતાં તેઓ કહે છે કે ‘કોતરણીની દૃષ્ટિએ એક-એકથી ચડિયાતાં બૌદ્ધ મંદિરો અને સુંદર દરિયાકાંઠો ધરાવતા થાઇલૅન્ડનું આકર્ષણ દુનિયાભરના પ્રવાસીઓને છે. ફરવા માટે આ દેશ પણ સસ્તો છે. બૅન્ગકૉકમાં શૉપિંગ કરવા જતી વખતે કીમતી સામાન હોટેલના લૉકરમાં મૂક્યો હતો. બીજા દિવસે મુંબઈની ફ્લાઇટ હતી. ઍરપોર્ટ પહોંચ્યા બાદ યાદ આવ્યું કે ઉતાવળમાં લૉકરમાં મૂકેલો સામાન લેવાનો ભુલાઈ ગયો. હોટેલમાં ફોન કર્યો તો તેમણે કહ્યું કે સામાન છે, પણ મોકલવો કઈ રીતે? આ સ્ટોરીમાં મસ્ત ટ્વિસ્ટ આવ્યો. હોટેલના રિસેપ્શન કાઉન્ટર પર ચંડીગઢથી આવેલા એક અંકલ સાથે અમારી ઓળખાણ થઈ હતી. મેં તેમને ફોન લગાવ્યો. હોટેલ મૅનેજમેન્ટ અને અંકલ બન્ને સાથે કો-ઑર્ડિનેટ કરી નક્કી થયું કે સામાન ઇન્ડિયા આવી જાય. ઇન્ડિયા આવ્યા પછી ઘણા દિવસે ચંડીગઢ જઈને સામાન લઈ આવ્યો. અનફર્ગેટેબલ એક્સ્પીરિયન્સ રહ્યો.’

પટાયામાં થયેલા અનુભવ વિશે વાત કરતાં તેઓ કહે છે કે ‘પટાયા ફરવા જતા ટૂરિસ્ટો જેસ્કી (મોટરસાઇકલ) ભાડે લઈને ફરે છે. અહીં એક કપલ સાથે અમારી ઓળખાણ થઈ હતી. તેમણે ઓછા દરે બાઇક ભાડે રાખી હતી. ફર્સ્ટ ટાઇમ ચલાવતા હોઈએ એટલે આવડે નહીં એનો ફાયદો ઉઠાવી તેમના જ માણસો જાણીજોઈને તમારી બાઇક ઠોકી દે. આ કપલ સાથે આવો બનાવ બનતાં પોલીસમાં ફરિયાદ નોંધાવવા સાથે ગયો હતો. ત્યાં જઈને જોયું કે પોલીસ પણ ભળેલી છે. અહીં રેન્ટલ બાઇક સ્કૅમ સામાન્ય છે. બાર્ગેન કરવાની ભારતીયોની ટેવ ક્યારેક અણધારી મુસીબત નોંતરે છે. પાંચસો ડૉલરની વસ્તુ તેઓ સો ડૉલરમાં આપવા કેમ તૈયાર થઈ ગયા એનો વિચાર આપણે નથી કરતા. પહેલાં ઓછા પૈસામાં બાઇક આપે ને પછી બમણા પૈસા પડાવે. અજાણ્યો દેશ હોય એટલે ટૂરિસ્ટ ગભરાઈને માગે એટલા આપી દે. આ ઘટનાથી શીખવા મળ્યું કે નૉલેજ ન હોય એ કામ જોખમ લઈને ન કરવું. કોઈ તમને માર્કેટ કરતાં એકદમ સસ્તામાં ઑફર કરે ત્યારે ચેતી જવું. બાઇક લેતી વખતે વિડિયો પણ ઉતારી લેવો. એક જ દેશમાં થયેલા બે જુદા અનુભવોએ હવે પછીની ટ્રિપમાં શું ધ્યાન રાખવાનું છે એ શીખવ્યું.

સાઉથ ફર્યો, નૉર્થ બાકી

હંમેશાં વિદેશમાં જ ફરવું સાવ એવું પણ નથી, ભારતમાં ફરવું એટલું જ પસંદ છે એમ જણાવતાં મયંકભાઈ કહે છે, ‘પોતાના દેશનાં જુદાં-જુદાં રાજ્યોમાં ફરવાની અલગ જ મજા છે. વૈષ્ણોદેવીની યાત્રા મોસ્ટ મેમરેબલ ટ્રિપ હતી. લાંબી ટ્રેન જર્નીમાં જબરો જલસો કર્યો હતો. લુધિયાણામાં ખાધેલાં પનીર-પરાઠાં અને લસ્સીનો સ્વાદ હજી દાઢે વળગેલો છે. કુલ્લમ, મહાબલિપુરમ, ત્રિવેન્દ્રમ, પૉન્ડિચેરી, રામેશ્વરમ, મૈસૂર, ઊટી વગેરે સ્થળો ફરી આવ્યો છું. દક્ષિણ ભારતમાં લગભગ બધું ફરી લીધું છે, જ્યારે નૉર્થમાં સૌથી ઓછું ફર્યો છું. વાસ્તવમાં એક્સ્ટ્રીમ ઠંડી મને બહુ માફક નથી આ‍વતી. જોકે ત્યાંની બ્યુટીનું ઍટ્રૅક્શન હોવાથી કેટલાંક સ્થળોની મુલાકાત લીધી છે. નૉર્થમાં એક્સપ્લોર કરવાનું ઘણું બાકી છે. મેઘાલય, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ ફરવાની પણ અદમ્ય ઇચ્છા છે.’

લિબર્ટી મળી

સ્ટીલની પ્રોડક્ટ્સ બનાવવાનો અમારો ફૅમિલી બિઝનેસ છે. અમને વેકેશન હોય ત્યારે  બિઝનેસની ફુલ સીઝન હોય એથી પપ્પા પાસે અમને ફરવા લઈ જવાનો સમય ઓછો મળતો. જોકે ઘરમાં બધાને પોતાની રીતે ફરવાની પૂરેપૂરી લિબર્ટી હતી એવું ઉત્સાહ સાથે જણાવતાં મયંકભાઈ કહે છે, ‘બાળપણથી જ પપ્પાએ સોલો ટ્રાવેલિંગ અને ફ્રેન્ડ્સ સાથે ફરવાની સ્વતંત્રતા આપતાં ઘણું એક્સપ્લોર કરવા મળ્યું છે. સ્કૂલ-લાઇફમાં કૅમ્પિંગ માટે ખૂબ જતો. પહેલવહેલી પ્રૉપર ટ્રિપ કારગિલ યુદ્ધ બાદ કરી હતી અને એ પણ કાશ્મીરની જ. અમારા સમાજના ગ્રુપ દ્વારા આયોજિત આ ટ્રિપ વખતે જસ્ટ ટેન્થ પાસ કર્યું હતું. ત્યારથી ટ્રાવેલિંગનો ચસકો લાગ્યો એમ કહી શકાય. 

ફૅમિલી, માર્કેટના મિત્રો, બાળપણના મિત્રો, મુલુંડના ગ્રુપ વગેરે સાથે દુનિયાભરમાં ફર-ફર કરતો રહું છું. દરેકની સાથે ફરવાનો ચાર્મ અને પર્પઝ જુદા હોય એથી મજા પડે અને નવું-નવું જાણવા મળે.’

29 September, 2022 02:05 PM IST | Mumbai | Varsha Chitaliya

અન્ય લેખો

ટ્રાવેલ

જો લોટાના મેં લોટે, વો શત્રુંજય કે આદિનાથ કો ભેટે

ગઈ કાલે જ જૈનોના પ્રથમ તીર્થંકર આદેશ્વર ભગવાનના જન્મકલ્યાણક અને દીક્ષાકલ્યાણકનો દિવસ હતો. એ ટાણે આપણે જઈએ આબુ નજીક લોટાણા તીર્થમાં. ત્યાં શત્રુંજય ગિરિરાજના એક સમયના મુખ્ય મૂળનાયક આદિનાથ ભગવાન બિરાજમાન છે

16 March, 2023 06:02 IST | Mumbai | Alpa Nirmal
ટ્રાવેલ

વિઝા માટે મિત્રનું ડિગ્રી સર્ટિફિકેટ નામ બદલીને વાપરી લઉં તો ચાલે?

તમે તમારા મિત્રની ઓળખ લઈને, એનાં સર્ટિફિકેટો તમારાં છે એવું દેખાડીને અમેરિકાની કંપનીમાં નોકરી મેળવવા ઇચ્છો છો એ છળકપટ છે

03 March, 2023 02:28 IST | Mumbai | Dr. Sudhir Shah
ટ્રાવેલ

આ વર્ષે અધિક મહિનામાં પવિત્ર જળમાં સ્નાન કરવા લોણારના ધાર મંદિરે જવાય

વૈજ્ઞાનિકો ભલે એને જિયોલૉજિકલ ઘટના ગણાવતા હોય, પરંતુ મસમોટા ઉલ્કા સરોવરના આલ્કલાઇન પાણીના કિનારે મીઠા પાણીની સરવણી ફૂટી નીકળવી એ ઓન્લી સાયન્ટિફિક ઘટના માત્ર ન કહી શકાય

02 March, 2023 02:58 IST | Mumbai | Alpa Nirmal

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK