Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ટ્રાવેલ > આર્ટિકલ્સ > અંગ્રેજ કવિ લૉર્ડ ટેનિસન અને કાયદાશાસ્ત્રી દિનશાજી મુલ્લા

અંગ્રેજ કવિ લૉર્ડ ટેનિસન અને કાયદાશાસ્ત્રી દિનશાજી મુલ્લા

Published : 15 July, 2023 03:14 PM | IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

સ્થળ: ફ્લોરા ફાઉન્ટન ઉર્ફે હુતાત્મા ચોક આગળ આવેલા દાદાભાઈ નવરોજીના પૂતળા પાસે 

એદલજી મુલ્લા

ચલ મન મુંબઈનગરી

એદલજી મુલ્લા


સ્થળ: ફ્લોરા ફાઉન્ટન ઉર્ફે હુતાત્મા ચોક આગળ આવેલા દાદાભાઈ નવરોજીના પૂતળા પાસે 
સમય: કોઈ પણ દિવસની સવારે ચાર વાગ્યે
પાત્રો: પારસીઓનાં પૂતળાં

(હિંદના દાદા દાદાભાઈ નવરોજી સુખાસન પર બેઠા છે. ચહેરા પર કોઈ અજબ શાંતિ છે. સૌથી પહેલાં શેઠ ભીખા બહેરામ અને રઘલો આવે છે. બંને જણ મહેમાનોની આગતા-સ્વાગતાની તૈયારી કરે છે.)
રઘલો: ભીખા સેઠ! દર વખતે તું બધાને પૂછ પૂછ કર્યા કરે છે, પણ આજે તો પેલ્લાં હું જ તને પૂછસ. મને એ કહે કે આ જગાનું સાચ્ચું નામ સું છે? ફ્લોરા ફાઉન્ટન કે હુતાત્મા ચોક?
ભીખા સેઠ: બંને સાચ્ચાં.
રઘલો: એ કંઈ ભેજામાં ઊતરે નૈ.
ભીખા સેઠ: ઓહો! તો તુને ભેજું બી છે! તો સમજ. અંગ્રેજોના જમાનામાં આય જગાનું નામ હુતું ફ્લોરા ફાઉન્ટન. અરે! એ પછી બી ૧૯૬૧ સુધી તો એ જ નામ હુતું. સામે જે ફવારો દેખાય છે ને તેના પર જે પૂતળું છે તે રોમન દેવી ફ્લોરાનું છે. એટલે એ ફવારો ફ્લોરા ફાઉન્ટન બન્યો અને લોકો આ આખ્ખી જગોને ફ્લોરા ફાઉન્ટન કહેવા લાગ્યા. આય ફવ્વારો બનાવવાનો ખરચ ૪૭ હજાર રૂપિયા આવ્યો હુતો. તેમાંથી ૨૦ હજાર રૂપિયા આપના પારસી નબીરા ખરશેદજી ફરદુનજી પારેખે આપેયા હુતા. આઝાદી મળ્યા પછી ધીમે-ધીમે એક ભાષા, એક રાજ્ય એ રીતે રાજ્યો બનતાં ગયાં. પણ અંગ્રેજોના જમાનાથી મુંબઈ રાજ્યમાં બે ભાષા ચાલતી હુતી, મરાઠી અને ગુજરાતી. હવે આ બેઉ ભાષાનાં અલગ રાજ્યો કરવાની માગની ઊભી થઈ. લોકો રસ્તા પર ઊતરી આયા. ‘મુંબઈ સહિતના સંયુક્ત મહારાષ્ટ્ર’ માટેની ચલવળ જોરદાર બનતી ગઈ. તને સું કેઉં રઘલા, હજારો લોકો એકસાથે નારા લગાવતા : ‘મુંબઈ કોણાંચી? મહારાષ્ટ્રાંચી.’ પોલીસે બેફામ ગોલીબાર કીધો. એમાં ૧૦૬ લડવૈયા શહીદ થયા. શેવટે પહેલી મે ૧૯૬૦ના દિવસે મહારાષ્ટ્ર અને ગુજરાતનાં અલગ સ્ટેટ બન્યાં. યશવંતરાવ ચવાણ મહારાષ્ટ્રના પહેલા મુખ્ય મંત્રી બન્યા. એવને પહેલું કામ આય મેમોરિયલ બાંધવાનું કર્યું. શહીદોની યાદ જાળવવા ૧૯૬૧માં આય હુતાત્મા સ્મારક ઊભું થયું. કોઈ એક માણસનું નહીં, પણ ઘણા બધા લોકોનું સાગમટું હોય એવું આ મુંબઈનું પહેલું બાવલું. આ એરિયાનું સત્તાવાર નામ છે હુતાત્મા સ્મારક ચોક, પણ લોકોની જીભ પરથી હજી ફ્લોરા ફાઉન્ટન નામ દૂર થયું નથી. 
રઘલો: પન આજે કાં પેલ્લી મે છે કે તેં આજની મીટિંગ અહીં બોલાવી?
ભીખા શેઠ: અલ્યા! તારું નામ રઘલો નહીં ઘેલો પાડવું જોઈએ. મહાત્મા ગાંધીએ જેમને  ‘હિંદના દાદા’ની પદવી આપેલી તેવા દાદાભાઈ નવરોજી સાહેબનું પૂતળું બી અહીં જ આવેલું છે. એવા મોટ્ટા માણસને કંઈ આપના કૂવા પર બોલાવાય? તેમની ખિદમતમાં આપને હાજર થવાનું હોય. 
(એક પછી એક મહેમાનો આવતા જાય છે. રઘલો નમનતાઈથી પાન-ગુલાબ આપતો જાય છે. દિનશા એદલજી વાચ્છા પધારે છે. તેમની પાછળ એક નોકર પાંચ-છ થોથાં ઉપાડીને ચાલે છે.)
રઘલો: આય સાહેબ તો વકીલ લાગે છે. મને વકીલની તો બૌ બીક લાગે, સેઠ!
ભીખા શેઠ: કેમ વારુ? 
રઘલો: એ લોકો તો સાચ્ચાનું જુઠ્ઠું અને ખોત્તાનું સાચ્ચું કરવામાં નામચીન. 
દિનશા વાચ્છા: નૈ રે દીકરા! હું વકીલ બી નહીં અને સાચ-જૂથની અદલાબદલી કરવાવાળો બી નહીં. પણ તુને એમ કેમ લાગ્યું કે હું વકીલ હોવસ?
રઘલો: થોથાં ઉપાડીને પાછળ પાછળ નોકર ચાલે છે ને એટલે.
ભીખા શેઠ: અરે, એ બધી બુક્સ તો આ વાચ્છા શેઠે લખેલી છે. ૧૮૬૫માં શૅરબજાર ભાંગ્યું એને વિશે લખેલું છે. સર જમશેદજી તાતાની અને સેઠ પ્રેમચંદ રાયચંદની બાયોગ્રાફી લખેલી છે. મુંબઈની મુન્સીપાલ્ટીની તવારીખ લખેલી છે. પણ વાચ્છા સેઠ! મુને સૌથી વધારે ગમે ચ તે તો પેલી કિતાબ, Shells from the sands of Bombay. જૂના મુંબઈ માટે જાણવા માગનારાઓ માટે તો એ સુન્નાની ખાન છે. અને બીજી એક વાત : એક જમાનામાં દાદાભાઈ નવરોજી અને ફિરોઝશાહ મહેતા પછી આય વાચ્છા સેઠ દેશના જાહેર જીવનના ત્રીજા મોટા આગેવાન ગણાતા હતા. ગણિત અને વેપાર-વણજના તો એવન ખાં હુતા. લોક કહેતા કે આંકડાઓ તો એવનની આંગલીઓ પર રમે છે. મુંબઈની અને દેશની કેટલીયે સંસ્થાઓ સાથે જોડાઈને તેઓ કામ કરતા. 
વાચ્છા શેઠ: અરે ભીખા શેઠ! તમે મુને ખજૂરીના ઝાડ પર નિ ચડાઓ. જુઓ, મારી વાત થોડી સમજો. ૧૮૪૪ના ઑગસ્ટની બીજી તારીખે ખોદાયજીએ મુને આય દુનિયામાં મોકલ્યો. એલ્ફિન્સ્ટન સ્કૂલ અને કૉલેજમાં ભણ્યો. જોકે ભણવાનું અધૂરું મૂકી મારા બાવાના ધંધામાં જોતરાવું પડ્યું. પછી બૅન્કમાં કામ કર્યું, વેપારી પેઢીમાં કામ કર્યું. મુંબઈની મ્યુનિસિપાલિટીનો સભ્ય બન્યો, બહેરામજી મલબારીના ઇન્ડિયન સ્પેક્ટેતર નામના છાપામાં ઘણું-ઘણું લખ્યું. ૧૮૮૫માં ઇન્ડિયન નૅશનલ કૉન્ગ્રેસની શરૂઆત થઈ ત્યારથી તેના કામમાં પડ્યો. જે સિત્તેર લોકોની ટોલીએ એ શરૂ કરી એમાંનો એક હું બી હુતો. ૧૯૦૧માં કૉન્ગ્રેસનો પ્રમુખ બન્યો. એલન હ્યુમે કૉન્ગ્રેસની શરૂઆત કરી ત્યારે હું બી એવનની સાથે હુતો. પન પછી જ્યારે તેઓ કૉન્ગેસને પોતાની જાગીર સમજવા લાગ્યા ત્યારે મારે તેમની સામ્ભે બી બોલવું પડ્યું. મેં કહ્યું કે એવન માનતા લાગે ચ કે કૉન્ગ્રેસ તો મારું બચ્ચું છે એટલે હું કહું તે પરમાણે જ ચાલવું જોઈએ. પણ ખરાં માઈ-બાપ તો પોતાનું બચ્ચું મોટું થાય એટલે તેને પોતાના પગ પર ચાલતાં શીખડાવે.       




હુતાત્મા સ્મારક અને દાદાભાઈ નવરોજી

ભીખા શેઠ: મુંબઈની અને હિન્દુસ્તાનની લાંબો વખત સેવા કર્યા પછી વાચ્છા સાહેબ ૧૯૩૬ના ફેબરવારીની ૧૮મી તારીખે બેહસ્તનશીન થઈ ગયા. ફોર્ટ એરિયામાં એવનનું બાવલું છે અને એવનના નામનો એક રોડ બી છે.  
રઘલો: શેઠ! આય બીજા દિનશાજી આવિયા, દિનશાજી મુલ્લા. અરે! એવનની સાથે તો ઢગલો ચોપડીઓ ઊંચકીને હમાલ ચાલતો છે.
ભીખા શેઠ: જો રઘલા. આય દિનશાજી તો ખરેખાત મોટ્ટા વકીલ છે. એટલે બોલવામાં સંભાળજે. 
રઘલો: નહીં રે સેઠ, હવે બોલે મારી બલારાત.
ભીખા શેઠ: પધારો મુલ્લા સેઠ, પધારો, અને આઈ સભાને શોભિતી કરો. 
મુલ્લા: દાદાભાઈ સાહેબ! આપને મારા પાયલાગણ! અરે વાચ્છા શેઠ, તમે બી હાજર છો! તમુને બી સલામ.
ભીખા શેઠ: આય મુલ્લા શેઠ બહુ મોટ્ટા વકીલ હતા. પછી જજ સાહેબ બન્યા. પોતે પાક્કા જરથોસ્તી, પન હિંદુ, મુસ્લિમ અને બીજા કાયદાઓ વિશે ચોપડીઓ લખી. સુધારા-વધારા સાથે આજે બી એવનની ચોપડીઓ વેચાય છે. માનવામાં નિ આવતું હોય તો ગૂગલદેવને પૂછી જોજો.
મુલ્લા શેઠ: મોટ્ટો કે નાલ્લો વકીલ હું હુતો એની તો મુને ખબર નિ, પણ હું વકીલ બનિયો તે લૉર્ડ બાયરનને કારણે.
વાચ્છા શેઠ: સું કેઓ ચ? લોર્ડ બાયરન એટલે અંગ્રેજી ભાષાનો પેલો નામીચો કવિ? એવન તમુને ઓળખતા હુતા?
મુલ્લા શેઠ: નૈ રે! પણ હું એવનને ઓળખતો હુતો એક મોટ્ટા કવિ તરીકે. ઓહોહો! સું સું લખતો હુતો, કેવું કેવું લખતો હુતો!
A drop of ink may make a million think 
ફક્ત નવ લફ્ઝમાં કેટલી મોટ્ટી વાત! કવિની કલમનું એક સ્યાહીનું ટીપું, લાખ્ખો-કરોડો લોકોને વિચારતા કરી મૂકે છે. એવનના એક લેટરે મારી આખ્ખી જિંદગાની બદલી નાખી. 
ભીખા શેઠ: એ વલી કઈ રીતે?
મુલ્લા શેઠ: હું કૉલેજમાં ભણતો હુતો ત્યારે મુને અંગ્રેજી સાહિત્યનું ઘેલું લાગેલું. ગાંડી-ઘેલી કવિતાઓ અંગ્રેજીમાં લખતો અને વિચારતો કે હું તો બસ! કવિ જ થાવસ. બીએ બી અંગ્રેજી લિટરેચરમાં કીધું. પન ઘેરના બધા કહે કે કવિતા લખવાથી કાંઈ છોકરાં ચાંદીને ઘૂઘરે રમે નૈ. એના કરતાં લૉનું ભણ અને વકીલ થા તો બે પૈસા કમાઈસ. આપને તો હાથમાં લીધાં ઇન્ડિપેન ને કાગજ ને લખી નાખ્યો લેટર લૉર્ડ બાયરનને. સાથે મારી સોજ્જી પોએમ્સ બી મોકલી. લેટરમાં લખિયું કે મારી ખ્વાઈશ કવિ થવાની છે, પણ ઘેરના લોકો કહે છ કે વકીલ બન. આય સાથે મારી થોડી પોએમ્સ મોકલું છું તે જોઈને સલાહ આપવા મહેરબાની કરજો કે મારે કવિ થવું કે વકીલ.
રઘલો: હે હે હે! એવરા મોટ્ટા માનસે તો જવાબ જ આપ્યો નહીં હોએ. 
મુલ્લા શેઠ: અમારા જમાનામાં હિન્દુસ્તાન-ગ્રેટ બ્રિટન વચ્ચેની ટપાલ સ્ટિમરમાં જતી-આવતી. એક કાગજને પહોંચતાં મહિનો-દોઢ મહિનો લાગે. એટલે રાહ જોયા કરું. પન એક દિવસ લૉર્ડ સાહેબનો જવાબ આયો.
ભીખા શેઠ: સું લખેલું એવને? 
મુલ્લા શેઠ: જાત્તે, પોત્તે, જવાબ લખેલો: તમે મોકલેલી પોએમ્સ વાંચ્યા પછી મુને લાગે છ કે તમારે કુટુમ્બીઓની સલાહ માનીને વકીલાતનું જ ભણવું જોઈએ. બસ, અંગ્રેજી લિટરેચરે એક બહુ મોટ્ટો કવિ ગુમાવિયો.
ભીખા શેઠ: અને હિન્દુસ્તાનને મલિયો કાયદાનો ખેરખાં. બૉમ્બે હાઈ કોર્ટમાં વકીલાત કરી, ગવર્નમેન્ટ લૉ કૉલેજમાં શીખવાડ્યું, ઇન્ગલંડની પ્રિવિ કાઉન્સિલના મેમ્બર બનિયા, ૧૮૯૫માં મુલ્લા ઍન્ડ મુલ્લા નામની કંપની વકીલાતના ધંધા માટે સુરુ કીધી અને કાયદાનાં કેટલાંય થોથાં છાપિયાં. ૧૯૩૪ના એપ્રિલની ૨૬મી તારીખે એવન બેહસ્તનશીન થયા. બૉમ્બે હાઈ કોર્ટના કમ્પાઉન્ડમાં એવનનું સ્ટૅચ્યુ આજે બી ઊભેલું છે. 
દાદાભાઈ નવરોજી: આજે કેટલે વખતે આટલી વાતો સાંભળવા મળી. બાકી રોજ તો હજારો લોકો અહીંથી આવન-જાવન કરે છે, પણ કોઈને આંખ ઊંચી કરીને કોઈ પૂતલા તરફ જોવાની વટીક ફુરસદ નથી. હા, બર્થ ડે પહેલાં એક-બે દિવસે થોડી સાફસફાઈ થાય, કોઈ નાનો-મોટો નેતા આવીને હાર પહેરાવી જાય. મોટો નેતા હોય તો વલી બીજે દિવસે એકુ-બે છાપામાં અંદરને પાને ફોટો છપાય. 
ભીખા શેઠ: ચાલો, લોકોની અવરજવર શરૂ થઈ ગઈ છે. આજની આ બેઠક પૂરી કરીએ. ફરી મળીશું આવતા શનિવારે, આ જ જગ્યા, આ જ ટાઇમ. 


Whatsapp-channel Whatsapp-channel

15 July, 2023 03:14 PM IST | Mumbai | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK