સોરાબજી શેઠ એલ્ફિન્સ્ટન સ્કૂલમાં ભણ્યા. પછી અંગ્રેજોની બૅન્કોમાં નોકરી કરી. પછી અંગ્રેજી વેપારી પેઢીમાં. પછી શેઠ વરજીવનદાસ અને નરોત્તમદાસ માધવદાસ સાથે ભાગીદારીમાં પોતીકો ધંધો કર્યો.
જે. એન. પીતીત લાઇબ્રેરી
સ્થળ : ભીખા બહેરામના કૂવા પાસે
સમય : કોઈ પણ દિવસની સવારે ચાર વાગ્યે
ADVERTISEMENT
પાત્રો : પારસીઓનાં પૂતળાં
ભીખા શેઠ : ભલે પધાર્યા માનવંતા મહેમાનો, ભલે પધાર્યા. આય આવી લાગા સર નશરવાનજી માણેકજી પીતીત. પધારો સેઠિયા, પધારો અને આપની દાસ્તાન કહો.
નશરવાનજી : દાસ્તાન કેવી ને વાત કેવી? કબીરજીએ સાચું જ ગાયું છે :
યહ સંસાર કાગજ કી પુડિયા આગ લગે જલ જાના હૈ
મારી કને શું નહોતું? ધન-દોલત, વાડી-વજીફો. સુખી સંસાર હતો. એક દીકરો, એક દીકરી. દીકરો ચાંદીના નહીં, સુન્નાના ઘૂંઘરે રમેલો. ભણવામાં કાબિલ. અંગ્રેજી સાહિત્યનો તો ઘેલો. ઘરમાં સોજ્જી લાઇબ્રેરી. બૉમ્બેમાં શેક્સપિયરનું કે બીજા કોઈનું અંગ્રેજી નાટક ભજવાય ત્યારે પહેલા શોમાં પહેલી રૉમાં બેસીને જોવાનું એટલે જોવાનું જ. અંગ્રેજી અને ગુજરાતી, બંને કડકડાટ બોલે અને સડસડાટ વાંચે. એલ્ફિન્સ્ટન અને ઝૅવિયર્સ, બંને કૉલેજોનાં પગથિયાં ચડી જોયાં પણ બેટાનું મન માન્યું નહીં. મારે માટે તો આ બગાસું ખાતાં પતાસું મોમાં પડ્યું. ઓરિયેન્ટલ મિલની સોલ સેલિંગ એજન્સી મારી પાસે. એટલે પોયરાને લગાડી દીધો કામે. થોરા વખતમાં તો સાત-સાત કંપનીનો ડિરેક્ટર બની ગયો મારો પોયરો.
રઘલો : ધંધા-ધાપામાં પડ્યા પછે તો એવન પેલું વાંચવા-લખવાનું ભૂલી ગયા હશે.
નશરવાનજી : નહીં રે નહીં. સ્કૂલમાં હુતો ત્યારથી કવિતાઓ લખતો અને જ્ઞાનવર્ધક, વિદ્યામિત્ર, ગુલ અફશાન, ફુરસદ, પખવાડિયાની મજા જેવાં ચોપાનિયાંમાં એની કવિતા છપાતી. મુને તો એમાં કંઈ ગમ પડે નહીં, પણ પોયરાનું નામ છપાયેલું જોઈને રાજી થાઉં.
ભીખા શેઠ : આપના નબીરાને પ્રૉવર્બ્સ કહેતાં કહેવતો એકઠી કરવાનો બી ગજબ શોખ હુતો એમ સાંભળ્યું છે.
નશરવાનજી : અરે, હિન્દોસ્તાનની જ નહીં, દેશાવરની ભાષાઓની બી કહેવતો એકઠી કરેલી. એકસરખા માયનાવાલી કહેવતો સાથે ગોઠવે. અમારા જમાનાનાં આગળ પડતાં ચોપાનિયાં ‘વિદ્યાસાગર’માં છપાવે. પણ પોયરાની હયાતીમાં તેની એક બી ચોપરી છપાઈ નહીં. પછીથી એવનના જિગરી દોસ્ત જીજીભાઈ મિસ્ત્રીએ ‘માહારી મજેહ’ નામની કવિતાની ચોપડી અને બાર હજાર કહેવતોવાલી ‘કહેવતમાળા’ છપાવી.
ભીખા શેઠ : જમશેદજીને ફોર્ટ રીડિંગ રૂમ ઍન્ડ લાઇબ્રેરી માટે ખાસ લગાવ હુતો. એટલે તેઓ બેહસ્તનશીન થયા પછી નશરવાનજી શેઠે તેને પચીસ હજાર રૂપિયાનું દાન આપ્યું અને એ લાઇબ્રેરી બની જે. એન. પીતીત લાઇબ્રેરી. બોરી બંદરથી ફાઉન્ટન જતા રસ્તા પર આજે બી તે અડીખમ ઊભી છે.
નશરવાનજી : સાહેબો! મારો પોયરો નાની ઉંમરમાં આવાં ઉમદા કામ કરી ગયો. પણ આજકાલના ‘સંશોધકો’ની તો વાત જ ન્યારી! થોરા વખત પહેલાં એક ભાઈ મુંબઈનાં પૂતલાંઓનો અભ્યાસ કરતા હુતા. ગોવાળિયા ટૅન્ક નજીકના મારા પૂતલા વિશે એવને લખ્યું કે ઘન્ની મહેનત કરવા છતાં એવન વિશે કાંઈ બી જાણવા મળ્યું નથી! કેમ નહીં મળે? હજાર-હજાર પાનાંના ‘પારસી પ્રકાશ’નાં ત્રણ થોથાં ઊથલાવો, રતનજી ફરામજી વાછાની મોટી મસ ‘મુંબઈનો બહાર’ કિતાબ જુઓ તો જાણવા મળે જ.
અને બીજી એક ગમ્મત. એ ભાઈએ લખિયું છે કે પૂતળાની નીચે જે તકતી ચોડેલી છે એ જોતાં માલમ પડે છે કે આય નસરવાનજી ૧૮૯૧ના નવેમ્બરની બીજી તારીખે બેહસ્તનશીન થયા હતા. પણ હકીકતમાં તો હું એ દિવસે હયાત હુતો. હું ગુજરી ગયેલો ૨૧મી તારીખે. પણ કોઈ તોફાની બારકસે આરસની તકતી પરથી એકડો તોડી નાખ્યો હશે એટલે પેલા ભાઈએ કહી દીધું કે બીજી નવેમ્બરે એવન ગુજરિયા. પેલી એક ગઝલમાં કહ્યું છેને :
ગુજારે જે શિરે તારે, સંશોધકનો હાથ, તે સહેજે
ભીખા શેઠ : પધારો, પધારો, સોરાબજી શાપુરજી બંગાલી.
રઘલો : આ શેઠ તો પાક્કા જરથોસ્તી જણાય છે. તો બી એવનની અવટંક ‘બંગાલી’?
સોરાબજી : મારે વિશે વાત કરતાં પહેલાં આ રઘુભાઈના સવાલનો જવાબ આપું. અમારું ખાનદાન અસલ તો સુરત પાસેના ઉમરગામનું વતની. એટલે અમારી અસલ સરનેમ ઉમરીગર. પણ મારા બપાવા નવરોજી ઘણો વખત કલકત્તા રહ્યા એટલે તેમણે પોતાની સરનેમ બદલીને ‘બંગાલી’ કરી. સાતેક વરસની ઉંમરે માયજી અને બાવા સાથે એવન મુંબઈ આવ્યા. પણ ઘરમાં ખાલી હાંલ્લાં કુસ્તી કરે. એટલે નછૂટકે નવરોજીને ‘પન્તોજી’ની દેશી નિશાળમાં ભણવા મેલ્યા. એવનના બાવાને તેથી ઘણી દિલગીરી. એ જમાનામાં આખા વરસનાં દાણો-પાણી ઘેરમાં ભરી રાખવાનો ચાલ. એટલે માયજી આખું વરસ થોડા-થોડા પૈસા બચાવીને ખરીદી માટે ભેગા કરે. એક દિવસે એવા એ પૈસા આપીને માટીડાને કહ્યું કે બજારમાં જઈને આખા વરસનું સીધું-સામાન લઈ આવો. પણ એવનના મનમાં કંઈ જુદો જ કીડો ચવડી આયો. ગયા સીધા પન્તુજીની નિશાળે, ત્યાંથી પોયરાને સાથે લીધો અને ગયા અંગ્રેજી એસ્કોલમાં. ફીના પૈસા ભરી નામ નોંધાવ્યું અને કહ્યું કે આજથી જ આ છોકરાને દાખલ કરો.
બસ, પછી તો બાવાજીની ગાડી દોડવા લાગી. પહેલાં ચીન સાથે વેપાર કર્યો. પછી સર ચાર્લ્સ ફૉર્બ્સે કલકત્તામાં પોતાની વેપારી પેઢી કાઢી એમાં ભાગિયા બનાવ્યા. પૈસાની ખોટ નહીં. સુન્નાના ઘડ્યા હોય એવા બે બેટા. પણ હજી તો માંડ ૪૫ વરસના થયા ત્યાં તો ખોદાયજીએ એવનને પોતાની પાસે બોલાવી લીધા. કલકત્તા છોડીને એમના બંને બેટાઓ પાછા મુંબઈ આવી પૂગા.
ભીખાજી શેઠ : સોરાબજી શેઠ એલ્ફિન્સ્ટન સ્કૂલમાં ભણ્યા. પછી અંગ્રેજોની બૅન્કોમાં નોકરી કરી. પછી અંગ્રેજી વેપારી પેઢીમાં. પછી શેઠ વરજીવનદાસ અને નરોત્તમદાસ માધવદાસ સાથે ભાગીદારીમાં પોતીકો ધંધો કર્યો. પણ સાથોસાથ ભણતર અને સમાજ સુધારાના જબરા હિમાયતી બન્યા. છાપાંઓમાં લખ્યા પછી પોતાનાં ચોપાનિયાં શરૂ કીધાં : જગત મિત્ર અને જગત પ્રેમી. પારસી કોમમાં સમાજ સુધારા માટે શરૂ થયેલી ‘રાહનુમાએ માજદી અસની સભા’ના એક આગેવાન બન્યા. ૧૮૫૩થી ૧૮૫૬ સુધી એ સભાના સેક્રેટરી અને ૧૮૬૪થી ૧૮૬૯ સુધી પ્રમુખ રહ્યા. આખા હિન્દુસ્તાનનું સ્ત્રીઓ માટેનું પહેલવહેલું માસિક ‘સ્ત્રીબોધ’ ૧૮૫૭ના જાનેવારીની પહેલીએ શરૂ થયું ત્યારે એ શરૂ કરનારા ચાર પારસીઓમાંના તેઓ એક હતા. ૧૮૫૮માં તેઓ ‘રાસ્ત ગોફતાર’ ચોપાનિયાના એક માલિક બન્યા. જુદાં-જુદાં અખબારો અને ચોપાનિયાંમાં લખેલા લેખોનો તેમનો સંગ્રહ બે દળદાર ભાગમાં ‘ચૂંટી કહાડેલાં લખાણો’ના નામે છપાયો. તેઓ છોકરીઓને ભણાવવાના જબરદસ્ત હિમાયતી હતા. પોતાનાં માયજીની યાદમાં કોટ વિસ્તારમાં તેમણે નિશાળ શરૂ કરી. પોતાના રહેઠાણની બાજુમાં પારસી બજાર સ્ટ્રીટ અને સર ફિરોઝશાહ મહેતા રોડના નાકા પર તેને માટે બંગલા જેવું મોટું મકાન બંધાવી આપ્યું. ૧૯૫૨માં ન્યુ મરીન લાઇન્સ પર નવા બંધાવેલા પાંચ માળના મકાનમાં સ્કૂલ ખસેડાઈ અને બધી કોમની છોકરીઓ માટે ખુલ્લી મૂકવામાં આવી. ૧૮૯૩ના એપ્રિલની ત્રીજી તારીખે ૬૩ વરસની ઉંમરે એવન આ ફાની દુનિયા છોડી ગયા હતા.
રઘલો : સેઠ, મને એક વિચાર આવે છે.
ભીખા શેઠ : ઓહોહો! તુને વિચાર બી આવે ચ! મુને તો એમ કે તુને પીધા પછી હીચકી આવે છ તે સિવાય બીજું કંઈ આવતું નહિ હોસે.
નસરવાનજી : સું ભીખા સેઠ! બચારાને બોલવા તો દો. બોલ રઘલા, તને સુ વિચાર આવે ચ?
રઘલો : પારસીઓ બધી બાબતોમાં આગેવાન હુતા એટલે તેમનાં આટલાં બધાં પૂતલાં આ શેરમાં છે. પણ પોલીસ ખાતામાં કામ કરતા કોઈ પારસીનું પૂતળું છે, આ શહેરમાં?
(દંડૂકો પછાડતાં પોલીસની વર્દીમાં એક પારસી સજ્જન આવી પૂગે છે.)
કાવસજી : મારું નામ કાવસજી જમશેદજી પેટીગરા.
રઘલો : પણ તમારા હાથમાં તો પેટી નહીં, દંડૂકો છે!
કાવસજી : તે હોય જને. આય મુંબઈ શહેરનો ડેપ્યુટી પોલીસ કમિશનર હતો હું. અગાઉ આય હોદ્દા પર અંગ્રેજોની જ નિમણૂક થતી. આ હોદ્દા પર નીમાનાર હું પહેલવહેલો દેશી હતો. ધોબી તલાવ પરના મેટ્રો સિનેમા પાસે મારું પૂતળું જોવા મળશે. મારો જનમ હુરતમાં, ૧૮૭૭ના નવેમ્બરની ૨૪મી તારીખે. ૬૩ વરસની ઉંમરે, ૧૯૪૧ના માર્ચની ૨૮મી તારીખે કરાચીમાં ગુજરી ગયો.
રઘલો : પાકિસ્તાનવાળું કરાચી?
કાવસજી : હા, રઘલા. પણ તે વારે બે દેશ જુદા નહોતા, એક દેશ હતો હિન્દુસ્તાન.
હા, તો સાહેબો! ૧૯૨૮થી ૧૯૩૬ સુધી હું આ શહેરનો ડેપ્યુટી પોલીસ કમિશનર રહ્યો અને સીઆઇડી વિભાગનો વડો રહ્યો. એ વખતે ગાંધીજીની સરદારી નીચે આઝાદી માટેની લડાઈ શરૂ થઈ ગઈ હતી અને અમારા પોલીસ દળે ચોવીસ કલાક ખડે પગે રહેવું પડતું હતું. પણ આગમચ નશરવાનજી સાહેબે કહ્યું તેમ આજકાલના ‘રિસર્ચરો’ સંશોધનશક્તિ તો જવા દો, સામાન્ય બુદ્ધિનો ઉપયોગ પણ કરતા નથી. અંગ્રેજીમાં લખનાર એક ‘સંશોધક’ મારે વિશે કહે છે કે ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ વખતે ગાંધીજીની ધરપકડ કરનાર આ પેટીગરા હુતા. અરે ભલા માણસ! એટલું તો વિચારો કે ૧૯૩૭ના એપ્રિલની ૧૧મી તારીખે તો હું પોલીસ ખાતાની નોકરીમાંથી રિટાયર થઈ ગયેલો. તો ૧૯૪૨માં ગાંધીજીની ધરપકડ હું કેવી રીતે કરું? પાછા એ ભાઈ તો બીજી સિક્સર મારે છે. કહે છે કે ગાંધીજીને આ પેટીગરા માટે એટલું માન હુતું કે જ્યારે-જ્યારે ધરપકડ થવાની હોય ત્યારે પેટીગરા હાજર રહે એવો એવન આગ્રહ રાખતા! ભલા માણસ! પોલીસ ખાતું તે કાંઈ હેરકટિંગ સલૂન છે કે ત્યાં જઈને કહી શકાય કે ફલાણા કારીગર પાસે જ હું મોવાળા ઉતરાવીશ! હા, ૧૯૩૨ના જાન્યુઆરીની ચોથી તારીખે સવારે ત્રણ વાગે મુંબઈના મણિભવનમાંથી ગાંધીજીની ધરપકડ થઈ ત્યારે પોલીસની જે ટીમ ગયેલી એમાં હું સામેલ હતો. પણ અમે બધા પોલીસ કમિશનર જી. એસ. વિલ્સનની રાહબરી નીચે ગયેલા. વૉરન્ટ વાંચી સંભળાવીને ધરપકડ પણ વિલ્સનસાહેબે જ કરેલી. એ આખી બાબત અંગે એવને લાંબો અહેવાલ લખેલો : ‘Story of My Arrest of Gandhi on 4th Jan 1942 during the Civil Disobedience Troubles in Bombay.’ આ અહેવાલની નકલ મણિભવન ગાંધી સંગ્રહાલય પાસે છે. જેમને ખાતરી કરવી હોય તેમણે જોઈ લેવી.
ભીખાજી : ચાલો સાહેબો. આજની સભા બરખાસ્ત કરીએ છીએ. અને હા, આવતા શનિવારની સભા ફ્લોરા ફાઉન્ટન પાસેના હિન્દના દાદા, દાદાભાઈ નવરોજીના બાવલા પાસે મળશે.


