Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ટ્રાવેલ > આર્ટિકલ્સ > ટચૂકડું પણ ૧૦૦ ટચના સોના જેવું સિક્કિમ

ટચૂકડું પણ ૧૦૦ ટચના સોના જેવું સિક્કિમ

Published : 08 June, 2025 02:06 PM | Modified : 09 June, 2025 06:59 AM | IST | Gangtok
Aashutosh Desai | feedbackgmd@mid-day.com

૧૯૭૫માં ભારતના બાવીસમા રાજ્ય તરીકે જોડાયા પછી સિક્કિમવાસીઓની જાગરૂકતાએ પર્યાવરણ સંરક્ષણથી લઈને ટૂરિઝમની દૃષ્ટિએ મુઠ્ઠીઊંચેરું સ્થાન મેળવ્યું છે

સિક્કિમ

સિક્કિમ


ભારતનું સૌથી સ્વચ્છ, મહેનતુ અને બધી જ રીતે નોખું પડે એવું આ રાજ્ય ભૌગોલિક અને રાજકીય પડકારો છતાં આગવી ઓળખ ધરાવે છે. ૧૯૭૫માં ભારતના બાવીસમા રાજ્ય તરીકે જોડાયા પછી સિક્કિમવાસીઓની જાગરૂકતાએ પર્યાવરણ સંરક્ષણથી લઈને ટૂરિઝમની દૃષ્ટિએ મુઠ્ઠીઊંચેરું સ્થાન મેળવ્યું છે ત્યારે એક નજર કરીએ એના ઇતિહાસ પર અને થોડી ખણખોદ કરીએ આ રાજ્યની અવનવી ખાસિયતો વિશે


૨૦૨૫ની ૧૬ મેએ ભારતના મુગટ પર શોભાયમાન રત્નમણિ સમાન એક રાજ્યને આપણા દેશ સાથે જોડાયાને ૫૦ વર્ષ પૂરાં થશે. એટલે કે સુવર્ણ જયંતી! ભારતના એ રત્ન રાજ્યનું નામ છે સિક્કિમ! સિક્કિમ એટલા માટે રત્નમણિ છે કારણ કે આપણા દેશનાં બીજાં અનેક રાજ્યો કરતાં આ રાજ્ય અનેક રીતે ભિન્ન છે. આ ભિન્ન શબ્દ માત્ર સકારાત્મકતાની દૃષ્ટિએ જ નહીં પરંતુ ગૌરવની દૃષ્ટિએ પણ વાપરવો પડે એમ છે. વિશ્વનું સૌથી પહેલું અને ભારતનું એકમાત્ર ઑર્ગેનિક રાજ્ય. ભારતનું સૌથી સ્વચ્છ, મહેનતુ અને સૌથી વધુ સ્વતંત્ર એવું સિક્કિમ ટૂરિઝમની દૃષ્ટિએ પણ અલાયદી ઓળખ ધરાવતું રાજ્ય છે.



સાલ હતી ૧૯૭૫ની અને દિવસ હતો ૧૬ મે જ્યારે ભારતના બાવીસમા રાજ્ય તરીકે સિક્કિમ આપણા દેશ સાથે જોડાયું હતું. એના ઑર્ગેનિક ઍડપ્શનથી લઈને સ્વચ્છતા જેવી અનોખી સિદ્ધિઓ વિશે વાત કરતાં પહેલાં એક નજર એના ઇતિહાસ અને તવારીખ પર નાખી લઈએ. શક્ય છે કે આ માહિતીઓ એવી ઘણીબધી બાબતો પરથી પડદો ઉઠાવશે જેના વિશે કદાચ આપણા જ દેશનું એક રાજ્ય હોવા છતાં આપણને ખબર જ નથી.


૫૦ વર્ષ પૂરાં થયાં એ નિમિત્તે જાહેર થયેલો સિક્કો.


સિક્કિમની તારીખ અને તવારીખ

ઇતિહાસના ચોપડા ઊથલાવીએ તો સિક્કિમ વિશેની માહિતીનાં મૂળ ક્યાંક ૧૭મી સદીમાં મળે છે. ૧૬૪૦ની સાલમાં પ્રથમ વાર સિક્કિમ રાજ્યમાં નામગ્યાલ વંશજનું શાસન સ્થપાયું. ત્યારથી લઈને છેક ૧૯૭૫માં સિક્કિમનો ભારતમાં વિલય થયો એનાં થોડાં વર્ષો પહેલાંના સમય સુધી એટલે કે ૧૯૭૦ સુધી નામગ્યાલ વંશનું જ શાસન રહ્યું.

નામગ્યાલ વંશનો પહેલો શાસક જેના દ્વારા સિક્કિમમાં શાસનની શરૂઆત થઈ તે હતા ફુન્ટસોગ નામગ્યાલ. તેમને મહદંશે લોકો પ્રથમ ચોગ્યાલ તરીકે ઓળખે છે. આ એ સમય હતો જ્યારે સિક્કિમ રાજ્યમાં ચુમ્બી ખીણ (હવે ચીનનો ભાગ) અને દાર્જીલિંગનો પણ સમાવેશ થતો હતો. જોકે જે રીતે રાજ્યો અને રાજવીઓના જીવનકાળ દરમ્યાન થતું હોય છે એ જ રીતે વર્ષો વીતતાં નામગ્યાલ શાસને પણ હુમલાઓ અને સીમા-વિસ્તાર જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો. આ વાત છે ૧૭૦૦ના દાયકાની શરૂઆતના સમયની જ્યારે ઉત્તર-પૂર્વના આ પ્રદેશો સિક્કિમ, નેપાલ, ભુતાન અને તિબેટ વચ્ચે એક પછી એક શ્રેણીબદ્ધ સંઘર્ષોની આખી એક હારમાળા શરૂ થઈ. નાનું રાજ્ય અને મર્યાદિત સૈન્યબળ. નામગ્યાલ રાજવીઓ સતત યુદ્ધ કરતા રહેવા છતાં ધીમે-ધીમે સિક્કિમની પ્રાદેશિક સીમાઓ સંકોચાતી ગઈ.

પૉઝિટિવ સ્પંદનો ફેલાવતી પંચમહાભૂત આધારિત આ પતાકાઓ સિક્કિમમાં ઠેર-ઠેર જોવા મળશે.

ચાર-ચાર રાજ્યો વચ્ચે ક્યારેક સીમા-વિસ્તાર તો ક્યારેક આધિપત્ય જમાવી લેવાના ઉદ્દેશને કારણે સતત સંઘર્ષ તો ચાલી જ રહ્યો હતો. એમાં ૧૮૦૦મી સદીનો મધ્યભાગ આવતા સુધીમાં તો ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં પગપેસારો કરી ચૂકી હતી. વેપાર કરવાનું કહીને મહેમાન થઈને આવેલા એ લુચ્ચા ગોરાઓએ ભારતની અભણ અને ભોળી પ્રજા પર ધીરે-ધીરે પોતાનું શાસન જમાવવા માંડ્યું હતું. ભારતના એક હિસ્સાથી શરૂ થયેલી તેમની મેલી મુરાદ ધીરે-ધીરે પ્રાંત અને ત્યાર બાદ રાજ્યો હથિયાવી લેવા સુધી વિસ્તરતી જઈ રહી હતી. કંપની શાસનનો વિસ્તાર કરવાના પાશવી ઇરાદાઓમાં કલકત્તા અને દિલ્હી સહિત ભારતીય ઉપખંડોમાં વિસ્તરણની તેમની યોજનાઓ હિમાલયનાં રાજ્યો પર પણ નિયંત્રણ મેળવવા સુધીની બનતી ગઈ.

સિક્કિમનું દુર્ભાગ્ય ગણો કે સદ્ભાગ્ય પરંતુ આ જ સમય દરમ્યાન નેપાલ રાજ્યે આક્રમકતા વધારી અને એના પ્રદેશના વિસ્તાર માટેના પ્રયાસો શરૂ કર્યા, જેને પરિણામે ઍન્ગ્લો-નેપાલી યુદ્ધ થયું. નવેમ્બર ૧૮૧૪થી માર્ચ ૧૮૧૬ સુધીના લગભગ દોઢ વર્ષ સુધી ચાલેલા એ સંઘર્ષને આજે પણ લોકો ગોરખા યુદ્ધ તરીકે યાદ કરે છે. સિક્કિમ સાથે સીધા યુદ્ધની જગ્યાએ આ યુદ્ધ મુખ્યત્વે ગોરખા સૈન્ય અને ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે લડાયું હતું. યુદ્ધમાં અગ્રેસર એવા એ બન્નેનો આ લડાઈ પાછળનો મૂળ આશય હતો ભારતીય ઉપખંડના ઉત્તરમાં વ્યૂહાત્મક રીતે અતિમહત્ત્વપૂર્ણ એવા પર્વતીય વિસ્તારનું આધિપત્ય અને વિસ્તરણ.

ભવ્ય સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસો ધરાવે છે આ રાજ્ય.

સિક્કિમ અને ઈસ્ટ ઇન્ડિયા કંપની

આ યુદ્ધ વાસ્તવમાં તો સિક્કિમના રાજવંશ અને નેપાલ વચ્ચેનું જ હતું, પરંતુ મર્યાદિત શક્તિ અને બળને કારણે ૧૮૧૪ની સાલમાં સિક્કિમે ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે જોડાણ કર્યું (આ જોડાણ વાસ્તવમાં તો માત્ર નેપાલ સાથેનું યુદ્ધ લડવા પૂરતું જ હતું). ઈસ્ટ ઇન્ડિયા કંપની સિક્કિમની સાથે રહીને એ યુદ્ધ લડી અને જીતી પણ. પરિણામસ્વરૂપ ૧૭૮૦ના યુદ્ધ દરમ્યાન સિક્કિમનો જે ભૂભાગ નેપાલે જીતી લઈને પોતાને હસ્તક કરી લીધો હતો એ પ્રદેશ કંપનીએ ફરી જીતી લીધો અને સિક્કિમ શાસનને પરત કર્યો. જોકે આ એક ઘટનાને કારણે સિક્કિમના રાજવીને અને કંપનીને પણ એક વાત સમજાઈ ગઈ હતી કે નેપાલ, તિબેટ અને ભુતાન જેવાં રાજ્યો સામે સિક્કિમ નાનું રાજ્ય હોવાથી વધુ લાંબા સમય સુધી ટકી શકે એમ નથી. આથી નામગ્યાલ રાજવીએ બ્રિટિશ શાસન સાથે એક સમજૂતી કરી.

આ સમજૂતી અનુસાર સિક્કિમના રાજવી તરીકે રાજા નામગ્યાલ જ રહેશે, પરંતુ દેખરેખ અને સંરક્ષણ ઈસ્ટ ઇન્ડિયા કંપની કરશે અને આ માટે બ્રિટિશ શાસનના રાજકીય અધિકારીની સિક્કિમમાં નિમણૂક કરવામાં આવશે. બસ, આ એક સમજૂતી અને નામગ્યાલ રાજવીના આ એક નિર્ણયને કારણે સિક્કિમના ઇતિહાસમાં એક વળાંક આવ્યો.

સિક્કિમના રાજકીય અધિકારી તરીકે બ્રિટિશ અધિકારી જૉન ક્લાઉડ વાઇટની નિમણૂક કરવામાં આવી. આ સમજૂતી એટલે માર્ચ ૧૮૬૧માં હસ્તાક્ષર-સહી થયેલી તુમલોંગ સંધિ, જે અનુસાર સિક્કિમ હવે બ્રિટિશ સંરક્ષિત રાજ્ય હતું. એ સમયે ભારતીય ઉપખંડના મોટા ભાગના પ્રદેશો જે રીતે બ્રિટિશ શાસન હેઠળ હતા એ સ્ટેટસથી થોડું અલગ, પરંતુ એ જ સ્વરૂપ એટલે સિક્કિમ રાજ્ય. એ માત્ર એક સંરક્ષિત રાજ્ય જ હોવા છતાં એના પોતાના રાજવી પાસે રાજ્ય-વહીવટના બહુ ઓછા વિકલ્પ બચ્યા હતા. અર્થાત્, માત્ર નામનો રાજવી. નામગ્યાલ રાજા બિટિશર્સ દ્વારા લેવાયેલા નિર્ણયોની ટીકા કરી શકતા નહોતા. કાગળ પર માત્ર સંરક્ષક તરીકે આવેલા બ્રિટિશર્સ સિક્કિમમાં પણ પડદા પાછળના શાસક તરીકે રહ્યા, પરંતુ નેપાલ તરફથી થતી ઘૂસણખોરી અને સ્થળાંતરને તે લોકો પણ રોકી શકવા માટે અસમર્થ સાબિત થઈ રહ્યા હતા.

ભારતની આઝાદી પછીનું સિક્કિમ

૧૯૪૭માં ભારતને આઝાદી મળી એ સાથે જ દેશના ત્રણ ટુકડા પણ પડ્યા. એક સ્વતંત્ર રાજ્ય તરીકે અસ્તિત્વ ધરાવતા સિક્કિમના પાડોશી તરીકે હવે નેપાલ, તિબેટ અને ભુતાન સિવાય ભારત પણ હતું. જોકે ભારત માત્ર એના પાડોશી દેશ તરીકે નહોતું. બ્રિટિશર્સની વિદાય સાથે ભારત-સિક્કિમના સંબંધમાં પણ મોટો ફેરફાર આવ્યો હતો. હમણાં સુધી જે રાજ્ય ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સંરક્ષણ હેઠળ હતું એ ભારતની આઝાદી પછીનાં ત્રણ વર્ષ બાદ ભારત દ્વારા સંરક્ષિત રાજ્ય બન્યું અને કાઝી લહેન્ડુપ દોરજીને ભારતીય અધિકારી તરીકે સિક્કિમની જવાબદારી સોંપવામાં આવી.

સિક્કિમ ભારતનું સંરક્ષિત રાજ્ય બનવા પાછળની કહાણી કંઈક એવી છે કે ૧૯૫૦ની સાલમાં તત્કાલીન સિક્કિમના રાજા તાશી નામગ્યાલ અને ભારતના તત્કાલીન રાજકીય અધિકારી હરિશ્વર દયાલ વચ્ચે એક સંધિ પર હસ્તાક્ષર થયા. એ અનુસાર સંધિની એક કલમમાં લખવામાં આવ્યું કે સિક્કિમ ભારતનું સંરક્ષિત રાજ્ય રહેશે અને આ સંધિની જોગવાઈઓને આધીન સિક્કિમની આંતરિક બાબતોમાં સ્વાયત્તતાનો અધિકાર રાજવીને જ રહેશે. આ સંધિ થવા પાછળનું એક મુખ્ય કારણ હતું તિબેટ પર થયેલું ચીનનું આક્રમણ. સાલ હતી ૧૯૪૯. ત્યારે તિબેટ જેવા નાના રાજ્ય પર વિસ્તારવાદી ચીને આક્રમણ કર્યું અને તિબેટને પોતાના હસ્તક કરી લીધું. આથી એક તરફ સિક્કિમ જેવા નાના રાજ્યને નેપાલ તરફથી સતત થઈ રહેલા હુમલાનો ડર અને પજવણી તો હતી જ, હવે બીજી તરફ ચીન પણ ગમે ત્યારે ચડાઈ કરી શકે એવી ભીતિ રહેવા માંડી. હવે એ સંજોગોમાં સિક્કિમ રાજ્યને કોઈ એક શક્તિશાળી સાથીના સમર્થન અને રક્ષણની જરૂર હતી. ઉપરથી વળી તિબેટ પર થયેલા ચીની હુમલા પછી વારંવાર તિબેટીઓ પર થતા અત્યાચારની ચર્ચાઓ પણ સિક્કિમના કાને પડવા માંડી અને નેપાલીઓ સાથે હવે તિબેટિયન્સનું સ્થળાંતર પણ સિક્કિમ તરફ થવા માંડ્યું હતું.

દલાઈ લામાના આગમન સાથે પિક્ચર ફરી એક વાર બદલાયું

૧૯૫૦ની સાલમાં ભારત સાથે સંધિ થઈ જવાને કારણે હવે સિક્કિમ ભારતના ખોળામાં રમતું એક સુરક્ષિત બાળક હતું. એવામાં ૧૯૫૯ની સાલના માર્ચ મહિનામાં ૧૪મા દલાઈ લામા તિબેટ છોડી ભાગીને શરણ શોધતા ભારતીય સરહદે આવ્યા. ભારતે સહર્ષ તેમનું સ્વાગત કર્યું અને દલાઈ લામા ભારતીય સરહદની ભીતર તેમના તિબેટિયન અનુયાયીઓ સાથે અરુણાચલ પ્રદેશના તવાંગ મઠમાં સ્થાયી થયા. તેમના આ નવા નિવાસને એક મહિના જેટલો સમય વીત્યો હશે ત્યાં તેમણે મસૂરીની યાત્રા કરી. ત્યાં તેઓ તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નેહરુને મળ્યા અને તેમની સાથે મુસાફરી કરનારા તિબેટી શરણાર્થીઓના ભવિષ્ય અંગે ચર્ચા કરી. દલાઈ લામાને આવકારવા અને તેમને આશ્રય આપવાના ભારતના નિર્ણયનો જાણે પડઘો સિક્કિમમાં પડ્યો. સિક્કિમના રહેવાસીઓમાં ધીરે-ધીરે એવી વાતો ફેલાવી શરૂ થઈ કે ચીનથી રક્ષણ મેળવવા અને બળજબરીએ રાજ્ય પચાવી પાડવાના ડરથી નિજાદ મેળવવા માટે ભારત સાથે જોડાણ કરી લેવું સૌથી યોગ્ય છે, એમ કરવાથી રક્ષણ અને સુરક્ષાની ખાતરી પણ મળશે અને રાજ્યને બળ પણ મળશે.

એક તરફ સિક્કિમના જનસામાન્યમાં આવી વાતો ફેલાઈ રહી હતી ત્યાં જ બીજી તરફ સિક્કિમમાં શાસક વર્ગ એટલે કે રાજાશાહી સામે અસંતોષની લાગણી પણ વધતી જઈ રહી હતી. ૧૯૫૦ની સાલથી જન્મેલો એ અસંતોષ ધીરે-ધીરે મોટું સ્વરૂપ ધારણ કરતો જઈ રહ્યો હતો અને ૧૯૭૦ની સાલ આવતાં સુધીમાં તો મહત્તમ સિક્કિમીઝ રાજવંશ નામગ્યાલ વિરુદ્ધ થઈ ચૂક્યા હતા. આ અસંતોષ વધવાનાં મુખ્ય કારણ હતાં અસમાનતા અને સામંતશાહી નિયંત્રણ. સપાટી પર આવી રહેલો એ આંતરિક આક્રોશ ૧૯૭૩ની સાલ આવતાં-આવતાં તો જાહેરમાં થતાં વિરોધ-પ્રદર્શનોમાં પલટાવા માંડ્યો. એવામાં એક વિરોધ-પ્રદર્શન દરમ્યાન સિક્કિમના હજારો રહેવાસીઓએ રાજવીના મહેલને ચારે તરફથી ઘેરી લીધો અને રાજવીને રાજ્ય છોડીને ભાગી જવું પડે એવી પરિસ્થિતિ આવી ગઈ. આખરે નામગ્યાલ રાજવીએ દિલ્હીને હાક નાખી. ભારતીય સૈનિકો રાજવીની મદદે પહોંચ્યા અને જેમતેમ કરીને પરિસ્થિતિ કાબૂમાં કરી.    

જોકે ભારત અને સિક્કિમ બન્ને માટે આ પરિસ્થિતિ લાંબો સમય ટકાવી રાખવી શક્ય નહોતું. આથી એ જ વર્ષે નામગ્યાલ, ભારત સરકાર અને સિક્કિમના ત્રણ મુખ્ય રાજકીય પક્ષો વચ્ચે ત્રિપક્ષીય મીટિંગ થઈ અને એ મીટિંગના અંતે ત્રિપક્ષીય કરાર કરવામાં આવ્યો. આ કરાર સિક્કિમમાં મોટા રાજકીય સુધારાઓ માટે જવાબદાર બનવાનો હતો.

એક વર્ષ પછી ૧૯૭૪માં સિક્કિમમાં ચૂંટણી યોજવામાં આવી અને ભારતના પ્રતિનિધિ તરીકે સંરક્ષણ અધિકારી જે સિક્કિમમાં હતા તે કાઝી લહેન્ડુપ દોરજીના નેતૃત્વમાં સિક્કિમ રાજ્ય કૉન્ગ્રેસે સ્વતંત્રતાતરફી પક્ષોને હરાવીને જીત મેળવી. એ જ વર્ષે રાજ્ય માટે એક નવું બંધારણ પણ અપનાવવામાં આવ્યું. એ અનુસાર રાજાની ભૂમિકાને હવે ફક્ત એક જ પદ સુધી મર્યાદિત કરી દેવામાં આવી. જોકે રાજવી તો આખરે રાજવી છે. તત્કાલીન રાજા પાલ્ડેન થોન્ડુપ નામગ્યાલે બંધારણની એ જોગવાઈનો સખત વિરોધ કર્યો જેના પરિણામસ્વરૂપ એ જ વર્ષે ભારતે સિક્કિમનો દરજ્જો સંરક્ષિત રાજ્યમાંથી ‘સંકળાયેલ રાજ્ય’ તરીકે અપગ્રેડ કર્યો. સિક્કિમને ભારતની લોકસભા અને રાજ્યસભા બન્નેમાં એક-એક બેઠક ફાળવવામાં આવી.

રાજવીને સમજાઈ ગયું કે તેનું રાજ્ય હવે હાથમાંથી જઈ રહ્યું છે, પ્રજામાં અસંતોષ અને વિરોધની લાગણી એટલી સપાટીએ આવી ગઈ છે કે તેઓ હવે રાજવીને રાજા તરીકે રહેવા નહીં દે. આથી નામગ્યાલ રાજાએ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રયત્નો કર્યા. ભારત ચીન જેવો વિસ્તારવાદી માનસિકતા ધરાવતો દેશ તો છે નહીં કે નથી એ આતંકીસ્તાન જેવો બીજાની જમીન ગેરકાયદે પચાવી પાડનારો. આથી ૧૯૭૫ની સાલમાં આખા સિક્કિમ રાજ્યમાં એક લોકમત યોજાયો. આ લોકમતનું પરિણામ સિક્કિમનું ભવિષ્ય બદલી નાખનારું આવવાનું હતું અને એ જ થયું. જબરદસ્ત બહુમતીએ રાજાશાહી નાબૂદ કરવાની અને ભારતમાં જોડાવાની તરફેણમાં મતદાન થયું. કુલ ૫૯,૬૩૭ લોકોએ રાજાશાહી નાબૂદ કરવાની અને ભારતમાં જોડાવાની તરફેણમાં મતદાન કર્યું. એની સામે ફક્ત ૧૪૯૬ લોકોએ ભારતમાં જોડાવાના વિરોધમાં મતદાન કર્યું હતું! આખરે ૧૯૭૫ની ૧૬ મેના દિવસે કાઝી લહેન્ડુપ દોરજીના નેતૃત્વમાં સિક્કિમની નવી સંસદે સિક્કિમને ભારતીય રાજ્ય બનાવવા માટેના બિલનો પ્રસ્તાવ મૂક્યો જેને ભારત સરકારે સ્વીકાર્યો અને ભારતના બાવીસમા રાજ્ય તરીકે સિક્કિમનું ભારતમાં વિલીનીકરણ થયું.

નાનું પણ સ્ટ્રૅટેજિકલી મહત્ત્વનું

જ્યોગ્રાફિકલી સિક્કિમ એવી જગ્યાએ સ્થિત છે કે ભારત માટે એ એક અત્યંત મહત્ત્વનું રાજ્ય છે. ઉત્તર પશ્ચિમમાં નેપાલ, ઉત્તરમાં તિબેટ અર્થાત્ ચાઇના અને ઉત્તર-પૂર્વમાં ભુતાન તો વળી દક્ષિણમાં સિક્કિમ અને ભારત બન્ને માટે અતિમહત્ત્વની એવી ચિકનનેક.

એને કારણે ઉત્તર દિશાથી ચાઇના અને દક્ષિણથી બંગલાદેશ પરોક્ષ રીતે સતત સિક્કિમમાં અશાંતિ અને અસંતોષ ફેલાવવાનો પ્રયત્ન કરતાં રહે છે. એની પાછળ નકારાત્મક ઉદ્દેશ એ છે કે જો ભારતનું સિક્કિમ અને ચિકનનેક અપસેટ થાય તો ચાઇનાને બંગલાદેશ સુધીનું સીધું લૅન્ડ ઍક્સેસ મળી જાય જેને કારણે તે બંગલાદેશના ચિત્તાગૉન્ગ પોર્ટ સુધી પહોંચી શકે અને સાથે જ ભારત એનાં પૂર્વોત્તર રાજ્યો સાથેનો સંપર્ક ખોઈ બેસે. આથી આર્થિક, ભૌગોલિક અને કૂટનીતિની દૃષ્ટિએ સિક્કિમ ભલે એક નાનુંઅમથું રાજ્ય હોય છતાં ભારત માટે એ અત્યંત મહત્ત્વનું અને સજાગ રહેવાયોગ્ય રત્નમણિ છે.

૧૯૭૫ પછીનું સિક્કિમ

હવે? ૧૯૭૫ની સાલમાં સિક્કિમ ભારતના બાવીસમા રાજ્ય તરીકે અભિન્ન ભારતનો હિસ્સો બની ગયું; પરંતુ સિક્કિમનો સ્વભાવ, ગુણો, પર્સનાલિટી વગેરે કંઈક એવાં હતાં જે એને દેશનાં બીજાં રાજ્યોથી અલગ સાબિત કરવાનાં હતાં. પ્રકૃતિની ગોદમાં જીવતા સિક્કિમીઝ તેમના રાજ્યની પ્રાકૃતિક સમૃદ્ધિ, પર્યાવરણ અને રોજિંદા જનજીવન પરત્વે વધુ જાગ્રત હતા, વધુ જવાબદાર હતા. સાથે જ ટૂરિઝમ તેમની અર્થવ્યવસ્થાનો મહત્ત્વનો હિસ્સો બનશે એ મૂળભૂત બાબત પણ તેઓ સમજતા હતા.

કુદરતી ધનસંપદા અને સાંસ્કૃતિક સમૃદ્ધિ

ઉત્તર-પૂર્વમાં હિમાલયની પર્વમાળાઓમાં વસેલું સિક્કિમ આમ તો ભારતનાં સૌથી નાનાં રાજ્યોમાંનું એક છે, પણ હિમાલયની ગોદમાં હોવાને કારણે એની સુંદરતા અને પ્રાકૃતિક સમૃદ્ધિ જબરદસ્ત છે. પર્વતીય સ્થળ, વન્યપ્રાણી જીવોની સૃષ્ટિ અને હરિયાળી વનસ્પતિથી ભરપૂર એ ધરા પર ઊગતાં સુંદર ચેરી બ્લૉસમ વૃક્ષો પર્યટકો માટે એક ખાસ આકર્ષણ ઊભું કરે છે. વળી આ રાજ્યની જ્યોગ્રાફિકલ પોઝિશન એવી છે કે એ નેપાલ, તિબેટ અને ભુતાન જેવા પાડોશી દેશો સાથે જ ભારતનાં બીજાં ઉત્તર-પૂર્વી રાજ્યો સાથે પણ સંકળાયેલું છે. આ કારણથી સિક્કિમ એક બહુભાષી અને બહુસાંસ્કૃતિક સમાજ સાથે જીવતું રાજ્ય છે જેમાં ભારતીય હિન્દુઓ, નેપાલી હિન્દુઓ, બૌદ્ધ અને સાથે સ્થાનિક સ્વદેશી લોકો તો ખરા જ.

આ બધા સાથે જ સિક્કિમ બીજાં ભારતીય રાજ્યોની માફક અનેક સામાન્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. એ સમસ્યાઓને જોવા બાબતે, એની સામે લડવાના વિકલ્પો અજમાવવા બાબતે સિક્કિમે સાવ અલગ અને અનોખો અપ્રોચ અપનાવ્યો જેને કારણે સિક્કિમ નાનું રાજ્ય હોવા છતાં દેશનાં સૌથી ઝડપથી વિકસતાં અર્થતંત્રોમાંનું એક બની શક્યું છે. તેમણે સમસ્યાઓને જ તકમાં પરિવર્તિત કરવાનું શીખી લઈને સામાન્ય નાગરિકો માટે અનેક વિકલ્પો ઊભા કર્યા.

નૅચરલ ડાયવર્સિટી અને ગ્રીન ઇકૉનૉમી

નાનું રાજ્ય, સતત થતા રહેલા હુમલાઓ અને પાડોશી દેશોમાંથી સતત થઈ રહેલું સ્થળાંતર. ભારત સાથે વિલીનીકરણ થયા બાદ સિક્કિમે આ બધી સમસ્યાઓમાંથી બહાર આવવાના રસ્તાઓ અપનાવવા માંડ્યા. એમાં નૅચરલ ડાયવર્સિટી, ગ્રીન ઇકૉનૉમી અને ટૂરિઝમ મોખરાના સ્થાને રહ્યાં. નવી નોકરીની તકોનો અભાવ છે, એમાંય ખાસ કરીને શિક્ષિત યુવાનો માટે એ વાસ્તવિકતા હતી. એટલું જ નહીં, બીજી એક વાસ્તવિકતા એ પણ છે કે દેશના પર્યટન ક્ષેત્રમાં પણ સ્થાનિકો કરતાં બિનસિક્કિમી લોકો વધુ રોજગારી મેળવી રહ્યા છે જેને કારણે બેરોજગારી, અસંતોષ અને ડ્રગ્સનો ઉપયોગ રાજ્યમાં વધતો જઈ રહ્યો હતો.

આ માટે સિક્કિમ રાજ્ય સરકારે આજીવિકાની વધુ તકો ઊભી કરવા માટે કેટલાંક અનોખાં પગલાં લેવા માંડ્યાં. તેમણે કંચન પાંડા સ્ટાર્ટ-અપ ફેસ્ટિવલ જેવા રાજ્યના ઉદ્યમીઓને પ્રોત્સાહિત કરનારા કાર્યક્રમ શરૂ કર્યા જે અંતર્ગત નાના અને મધ્યમ કદના વ્યવસાયોમાં ઉદ્યોગ સાહસિકતા અને નવીનતાને પ્રોત્સાહન અપાવા માંડ્યું. સિક્કિમના યુવાનોને પ્રેરિત કરાવા માંડ્યા કે તેઓ કામ શોધવામાં, નવા ઉદ્યોગો શરૂ કરવામાં અને તેમના સમુદાયોના વિકાસમાં મદદ કરે.

સરકારનાં આ પગલાંમાં સ્થાનિક સિક્કિમીઝ સિવાય રાજ્ય બહારના નાણાકીય રોકાણકારો, એન્ટરપ્રાઇઝ સપોર્ટ સર્વિસ પ્રોવાઇડર્સ અને દેશભરના પ્રખ્યાત અર્થશાસ્ત્રીઓ પણ જોડાયા. સરકારે આ કાર્યક્રમ દ્વારા સંદેશ આપ્યો કે ‘નોકરીની તકો શોધનાર’ને બદલે ‘નોકરીની તકો ઊભી કરનાર’ બનીએ.

આ માટે સિક્કિમના યુવાનોએ રૂઢિચુસ્ત માનસિકતા તોડી અને નવાં જોખમો લેવા માટે પ્રોત્સાહિત થવા માંડ્યા. આ ઇનોવેશનનો સૌથી મોટો ફાયદો એ થયો કે આખા સિક્કિમે ધીરે-ધીરે સ્વેચ્છાએ ઑર્ગેનિક ખેતી અપનાવવા માંડી! પેસ્ટિસાઇડ્સને સિક્કિમમાં ‘નો એન્ટ્રી’નું બોર્ડ દરેકના દિમાગમાં છપાઈ ગયું. સાથે જ નવાં ખૂલેલા રીટેલ અને હોલસેલ સાહસોએ પ્લાસ્ટિક પૅકિંગને જાકારો આપવા માંડ્યો. જાહેર રસ્તાઓ પર થોડા-થોડા અંતરે કચરાટોપલીઓ મુકાઈ અને એ કચરાટોપલીઓમાં પડતા કચરાનું સુધ્ધાં વિશ્લેષણ થવા માંડ્યું. કયો અને કઈ રીતનો કચરો લોકો દ્વારા ઠલવાય છે એ અંગે અભ્યાસ થયા બાદ લોકજાગૃતિ અભિયાન ચલાવાયું કે આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરીએ, આપણે પણ મસાલા-ગુટકા પર પ્રતિબંધ મૂકીશું, જાહેર રસ્તા અને સ્થળો પર થૂંકીશું નહીં, પૅકેટ્સ ફેંકીશું નહીં. આ બધાને કારણે કૃષિની સાથે-સાથે લોકોના રોજિંદા જીવનમાં અને પર્યટન ક્ષેત્રે પણ મોટા બદલાવ આવવા માંડ્યા. આજે હવે સિક્કિમ ભારતનું સૌથી સ્વચ્છ અને ઑર્ગેનિક રાજ્ય બની ચૂક્યું છે.

હરિયાળું અર્થતંત્ર

સિક્કિમના કેટલાક યુવા ઉદ્યોગ સાહસિકોએ સિક્કિમમાં હોમસ્ટે સ્થાપવા માંડ્યા. સ્થાનિકોને તેમણે સમજાવવા માંડ્યું કે જે પર્યટકો સિક્કિમ પોતાની રજાઓ ગાળવા આવે છે તેમને આ પ્રવાસ દરમ્યાન આપણા દરેક સ્થળની સાથે આપણા રાજ્યની પરંપરા અને સંસ્કૃતિનો અનુભવ મળવો જોઈએ. જો આપણે તેમને ઑર્ગેનિક રીતે ઉત્પાદિત ખોરાક, સ્થાનિક પર્યટન અને મનોરંજનનો અનુભવ કરાવીશું તો હોમસ્ટેનું આપણું આ સાહસ આખા સિક્કિમમાં શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થશે. જોતજોતામાં તો આવાં હોમસ્ટે સ્થાનિક આજીવિકાનું એક ઉત્તમ ઉદાહરણ સાબિત થવા માંડ્યાં. ત્યાર બાદ Ourguest.inના સ્થાપક થુટોપ દ્વારા હોમસ્ટેનો એક બીજો વિકલ્પ શરૂ કરવામાં આવ્યો જે ફક્ત શહેરી વિસ્તારોમાં જ નહીં પરંતુ પર્યટકોને રાજ્યના ગ્રામીણ વિસ્તારો સુધી લઈ જનારો સાબિત થયો.

બીજી તરફ ઘણા વ્યવસાયોએ વ્યાવસાયિક કામગીરી સાથે પર્યાવરણ અને સ્વચ્છતા અંગેના માર્ગો સુનિશ્ચિત કરવા માંડ્યા. એમાં કચરાના વ્યવસ્થાપનથી લઈને હોટેલના માલિકોને તેમની મિલકતો હરિયાળી બનાવવાની પદ્ધતિઓ સહિતનો સમાવેશ થાય છે. હોટેલોએ પણ ત્યાર બાદ કચરાને અલગ-અલગ કરવાનું શરૂ કર્યું છે. તેઓ કિચનના કચરાને અને સૂકા કચરાને અલગ કરીને હોટેલની જગ્યા પર જ ખાતર બનાવવા માંડ્યા. એમાં તેમને સ્થાનિક ખેડૂતોનો પણ સહયોગ મળ્યો અને બદલામાં તેઓ હોટેલોની જરૂરિયાત મુજબનાં વેજિટેબલ્સ, ફળ, ફૂલ વગેરે તે ખેડૂતો પાસે જ ખરીદવા માંડ્યા. આ આખી પ્રવૃત્તિ જાણે એક મોટી ક્રાન્તિની જેમ રાજ્યભરમાં વિસ્તરી અને આપોઆપ સિક્કિમની કાયાપલટ થવા માંડી.

સ્વચ્છતાને આવકાર, પેસ્ટિસાઇડ્સને જાકારો, પ્લાસ્ટિક્સના ઉપયોગને નકાર અને પ્રકૃત્તિદત્ત જીવનશૈલી... આ બધી જ પ્રવૃત્તિઓને કારણે આજે સિક્કિમ ભારતના સૌથી સ્વચ્છ અને ઑર્ગેનિક રાજ્ય તરીકે પ્રસિદ્ધિ મેળવી ચૂક્યું છે. વળી હિમાલયના ખોળામાં વસેલું રાજ્ય હોવાને કારણે કુદરતી સમૃદ્ધિથી લબાલબ આ રાજ્ય પ્રવાસીઓને પણ એટલા જ ઉત્સાહથી આકર્ષી રહ્યું છે.

સિક્કિમની બાબતો જાણો છો?

 સૌથી ઓછી વસ્તી

સિક્કિમ એ ભારતનું સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય છે. ખૂબ ઓછી વસ્તી હોવા છતાં આ રાજ્યમાં ધર્મ અને સંસ્કૃતિની દૃષ્ટિએ વૈવિધ્ય ધરાવતા લોકોની સંખ્યા ખૂબ મોટી છે અને છતાં અહીં સૌ શાંતિ અને સૌહાર્દથી રહે છે.

 વિશ્વનું ત્રીજું સૌથી ઊંચું શિખર

૮૫૮૬ મીટરની ઊંચાઈ ધરાવતું વિશ્વનું ત્રીજા નંબરનું સૌથી ઊંચું શિખર કંચનજંગા સિક્કિમમાં છે. સ્થાનિક લોકો એને સ્લીપિંગ બુદ્ધા માઉન્ટન તરીકે ઓળખે છે.

 પ્રાર્થનાના ફ્લૅગ્સ

સિક્કિમમાં તમે જ્યાં જાઓ ત્યાં ઠેર-ઠેર પ્રેયરનાં રંગબેરંગી ફરફરિયાવાળાં તોરણો બાંધેલાં જોવા મળશે. સ્થાનિક લોકો માને છે કે આમ કરવાથી અહીં રહેતા તમામ લોકોનું કુશળમંગળ થાય છે. આ પવિત્ર પતાકાઓ પવનમાં લહેરાય છે અને એને અડીને વહેતો પવન પણ ચોમેર સ્પિરિચ્યુઅલ સંદેશો આપે છે એવું લોકો માને છે. એ માટે પીળો રંગ ધરતીનો, લીલો રંગ પાણીનો, લાલ રંગ અગ્નિનો અને સફેદ રંગ પવનનો તથા બ્લુ રંગ આકાશનો એમ પંચમહાભૂત તત્ત્વોનું આ પતાકાઓમાં પ્રતિનિધિત્વ છે.

 એલચીનું ઉત્પાદન

ભારતમાં સૌથી વધુ એલચી કેરલામાં પેદા થાય છે, પરંતુ એમાં બીજું સ્થાન છે સિક્કિમનું. ખૂબ નાનું રાજ્ય હોવા છતાં અહીં એલચીનું વિપુલ માત્રામાં ખેડાણ થાય છે જે અહીંની ઇકૉનૉમીનું પણ બહુ મહત્ત્વનું અંગ છે. સિક્કિમના ૧૫ ટકા લોકો એલચીની ખેતી કરે છે અને અહીં વર્ષે પાંચ હજાર ટનથી વધુ એલચી ઊગે છે.

 ૧૦૦ ટકા ઑર્ગેનિક રાજ્ય

વર્લ્ડ બુક ઑફ રેકૉર્ડ્સ લંડનમાં નોંધાયા અનુસાર સિક્કિમ વિશ્વનું પહેલું રાજ્ય છે જ્યાં ૧૦૦ ટકા ઑર્ગેનિક ખેતી થાય છે. અહીં રાસાયણિક ખાતર કે કીટકનાશક કેમિકલ્સનો લેશમાત્ર પણ ઉપયોગ નથી થતો. લગભગ ૭૫,૦૦૦ હેક્ટર જમીનમાં ઑર્ગેનિક ખાતરનો જ ઉપયોગ થાય છે. જો કોઈ કેમિકલયુક્ત ખાતર કે જંતુનાશક વાપરે તો એ ખેડૂતને ૩ મહિનાની જેલ અને ૧ લાખ રૂપિયાનો દંડ થાય છે.

 અડધોઅડધ સિક્કિમ જંગલમય છે

સિક્કિમની ૪૭ ટકા જમીન પર જંગલ છવાયેલું છે જેને કંચનજંગા રાષ્ટ્રીય ઉદ્યાન કહેવાય છે. આ ઉદ્યાન યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. અહીં પંખીઓ અને ફૂલોના પ્લાન્ટ્સનું વિશાળ વૈવિધ્ય છે.

 તીખી તમતમતી મિરચી ડેલ ખુરસાની છે વિશ્વસ્તરે ફેમસ

વિશ્વનાં સૌથી તીખાં મરચાંની યાદી બનાવો તો એમાં ડેલ ખુરસાની મરચાંનો સમાવેશ થાય છે. આ બટન જેવાં ચપટાં મરચાં તીખાશની બાબતમાં નાનીની યાદ અપાવી દે એવાં છે. આ મરચાં અથાણું બનાવવા માટે વધુ વપરાય છે.

Whatsapp-channel Whatsapp-channel

09 June, 2025 06:59 AM IST | Gangtok | Aashutosh Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK