૩ મૅચની સિરીઝ ૧-૧થી લેવલ છે, ભારતમાં સાઉથ આફ્રિકા એક દાયકા પહેલાં એકમાત્ર વન-ડે સિરીઝ જીત્યું હતું
ગુરુવારે રાતે વિશાખાપટનમના ઍરપોર્ટ પર ફૅન્સની ભીડ અને ભારે સુરક્ષા વચ્ચે વિરાટ કોહલી અને રોહિત શર્મા સહિતના પ્લેયર્સ ત્રીજી વન-ડે રમવા પહોંચ્યા હતા
સાઉથ આફ્રિકા સામે ઘરઆંગણે ટેસ્ટ-સિરીઝ હાર્યા બાદ ટીમ ઇન્ડિયા સામે હવે વન-ડે સિરીઝ હારનો પણ ખતરો છે. ૧-૧થી લેવલ થયેલી ૩ વન-ડેની સિરીઝની અંતિમ અને નિર્ણાયક મૅચ આજે વિશાખાપટનમમાં રમાશે. ભારતમાં રમેલી ૬ દ્વિપક્ષીય વન-ડે સિરીઝમાંથી સાઉથ આફ્રિકા એકમાત્ર સિરીઝ ૨૦૧૫માં જીત્યું હતું. સાઉથ આફ્રિકન ટીમ ટેસ્ટ-સિરીઝની જેમ ભારતમાં લાંબા સમયથી વન-ડે સિરીઝની હારનો સિલસિલો તોડવા ઊતરશે. જ્યારે વિરાટ કોહલી અને રોહિત શર્માના ફૉર્મથી ઉત્સાહિત ભારતીય ટીમ વન-ડે સિરીઝ સાથે લાજ બચાવવા પણ ઊતરશે.
વિશાખાપટનમના સ્ટેડિયમમાં છેલ્લે ફેબ્રુઆરી ૨૦૨૪માં ઇંગ્લૅન્ડ-ભારતની ટેસ્ટ-મૅચ રૂપે અંતિમ ઇન્ટરનૅશનલ મૅચ રમાઈ હતી. છેલ્લે માર્ચ ૨૦૨૩માં અહીં વન-ડે ઇન્ટરનૅશનલ મૅચ રમાઈ હતી. ભારત આ મેદાન પર ૨૦૦૫થી ૨૦૨૩ દરમ્યાન ૧૦માંથી ૭ વન-ડે મૅચ જીત્યું છે. બે મૅચમાં હાર મળી અને એક મૅચ ટાઇ રહી હતી. સાઉથ આફ્રિકા આ મેદાન પર પહેલી વખત વન-ડે મૅચ રમવા ઊતરશે.
વિશાખાપટનમમાં હાઇએસ્ટ સ્કોરિંગ મૅચ બની શકે છે. અહીં રમાયેલી ૧૦ વન-ડે મૅચમાંથી ૭ વન-ડેમાં ૫૦૦+ રનની મૅચ રમાઈ છે જેમાંથી ૩ મૅચ ૬૦૦+ રનવાળી હતી. રાંચી અને રાયપુરમાં વિરાટ કોહલીની સદી બાદ ત્રીજી વન-ડે મૅચ માટેની તમામ ટિકિટ ઝડપથી વેચાઈ ગઈ હતી. સ્ટેડિયમની બહાર ફૅન્સની ભારે ભીડના ચિંતાજનક વિડિયો પણ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા હતા.


