Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ટ્રાવેલ > આર્ટિકલ્સ > ભારતમાં એક એવું પણ શહેર છે જ્યાં ડાયરેક્ટ પી શકાય છે નળનું પાણી

ભારતમાં એક એવું પણ શહેર છે જ્યાં ડાયરેક્ટ પી શકાય છે નળનું પાણી

Published : 18 January, 2026 02:14 PM | IST | Mumbai
Laxmi Vanita

ઇન્દોરમાં પીવાના પાણીમાં દૂષિત પાણી ભળી જવાથી લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે જાણી લો કે

ભારતમાં એક એવું પણ શહેર છે જ્યાં ડાયરેક્ટ પી શકાય છે નળનું પાણી

ભારતમાં એક એવું પણ શહેર છે જ્યાં ડાયરેક્ટ પી શકાય છે નળનું પાણી


ભારતના કોઈ પણ શહેરમાં શું તમે નળમાંથી પાણી પી શકો છો? સવાલ જ અજુગતો લાગે કારણ કે આપણી માનસિકતા છે કે એ તો માત્ર પશ્ચિમી દેશોમાં જ શક્ય છે. જોકે ઓડિશાનું પુરી શહેર જે જગન્નાથના મંદિર માટે જાણીતું છે ત્યાં પાણીની શુદ્ધીકરણની એવી પદ્ધતિ વિકસિત છે કે લોકો અને પર્યટકો નળમાંથી સીધો જ પાણીનો ગ્લાસ ભરીને પી શકે છે. પુરી બાદ ઓડિશાનાં અન્ય શહેરોમાં પણ આ પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે. જાણીએ આ કેવી રીતે શક્ય બન્યું છે

પાણી જીવનનું મૂળ તત્ત્વ છે અને ભારત જેવા વિશાળ અને વિવિધતા ધરાવતા દેશ માટે એનું મહત્ત્વ અતિ વિશેષ છે. ખેતી, ઉદ્યોગ, આરોગ્ય અને દૈનિક જીવનનો આધાર પાણી પર જ નિર્ભર છે. ભારત વિશ્વની સૌથી મોટી નદીની વ્યવસ્થાઓ ધરાવે છે છતાં પણ વસ્તીવૃદ્ધિ, અયોગ્ય ઉપયોગ, પ્રદૂષણ અને જળવાયુ પરિવર્તનના કારણે પીવાના સ્વચ્છ પાણીની ઉપલબ્ધિ આજે એક ગંભીર પડકાર બની છે. શહેરો અને ગામડાંઓ બન્નેમાં પાણીની ગુણવત્તા અને સુરક્ષા જાહેર સ્વાસ્થ્ય સાથે સીધો સંબંધ ધરાવે છે, તેથી પાણીનું સંરક્ષણ અને યોગ્ય વ્યવસ્થાપન દેશના ટકાઉ વિકાસ માટે અનિવાર્ય છે. આજે વિશ્વ જળ દિવસ નથી તો શા માટે આપણે પાણીના મહત્ત્વની ગાથા કરી રહ્યા છીએ? વાત એમ છે કે ૨૧મી સદીમાં પીવાના પાણીને લઈને ઇન્દોર શહેરના ભાગીરથપુરા નામના વિસ્તારમાં તાજેતરમાં બનેલી ગંભીર ઘટનાએ લોકોમાં ચિંતા પેદા કરી દીધી છે. પીવાના પાણીમાં દૂષિત પાણી ભળી જવાથી લોકોએ જીવ ગુમાવ્યા. ‘સ્વચ્છ ભારત’ માટે જાણીતું ઇન્દોર શહેર આ ઘટનાના કારણે આરોગ્ય અને વહીવટીતંત્રની ખામીઓને લઈને ચર્ચામાં આવ્યું છે. આ ઘટનાએ જાહેર સ્વાસ્થ્ય, પાણીની સુરક્ષા અને પ્રશાસનિક જવાબદારી વિશે મહત્ત્વના પ્રશ્નો ઊભા કર્યા છે. એવું જરાય નથી કે ભારતનું દરેક શહેર આવી સમસ્યાથી ઝૂઝી રહ્યું છે. ભારતના ઓડિશાના પુરી શહેરમાં પાણી શુદ્ધીકરણની એવી પદ્ધતિ વિકસી છે કે જેમાં તમે યુરોપના દેશોની જેમ નળમાંથી જ પાણીનો ગ્લાસ ભરીને પી શકો છો. તો શું છે આ પદ્ધતિ અને કેવી રીતે શક્ય બની છે એ જાણીએ.



‘પુરી’ છે શુદ્ધ પાણીનું શહેર


ઓડિશાનું પુરી શહેર દેશમાં પહેલું એવું શહેર બન્યું છે જ્યાં નળનું પાણી સીધું પીવા માટે સુરક્ષિત છે. આ પાણી બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS) દ્વારા નક્કી કરાયેલાં તમામ ધોરણોને પૂર્ણ કરે છે. આ સિદ્ધિ માત્ર ટેક્નિકલ દૃષ્ટિએ જ નહીં પરંતુ જાહેર આરોગ્ય, પર્યાવરણના ટકાઉપણા અને શહેર-વ્યવસ્થાપનના ક્ષેત્રે પણ મહત્ત્વપૂર્ણ છે. દરેક ઘરમાં ૨૪ કલાક શુદ્ધ પીવાનું પાણી પહોંચે એ હેતુસર ઓડિશા સરકારે ૨૦૨૦ની ૧૩ ઑક્ટોબરે ‘ડ્રિન્ક ફ્રૉમ ટૅપ’ મિશન શરૂ કર્યું, જેને ‘સુજલ’ યોજના નામ આપવામાં આવ્યું. આ પાણીની ગુણવત્તા આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુરૂપ છે. આજે પુરી શહેરમાં ૨૫,૦૦૦થી વધુ ઘરોના નળનું પાણી સીધું પીવાયોગ્ય છે અને એની ગુણવત્તા પર સતત નજર રાખવામાં આવે છે જેથી એ વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (WHO)નાં ધોરણોને અનુરૂપ રહે. દરેક પરીક્ષણમાં આ પાણી જીવાણુમુક્ત અને સંપૂર્ણ સલામત સાબિત થયું છે તેથી હવે સ્થાનિક લોકો અને પ્રવાસીઓ બન્નેને આ પાણી પર વિશ્વાસ બેસી ગયો છે અને તેઓ બિન્દાસ નળનું પાણી પી રહ્યા છે.

ભારતનાં અન્ય શહેરો જ્યાં નળમાંથી પાણી પીવું છે સુરક્ષિત


નીતિ આયોગના અહેવાલ મુજબ દેશના લગભગ ૭૦ ટકા પાણીપુરવઠાને ખરાબ ગુણવત્તાવાળા પાણી તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો છે અને બાકી રહેલા ૩૦ ટકા પાણીની સ્થિતિ પણ માત્ર થોડીઘણી સારી ગણાય છે ત્યારે નળમાંથી સીધું પાણી પીવાની કલ્પના લગભગ અવિશ્વસનીય લાગે છે. તેમ છતાં ભારતના કેટલાક દુર્લભ વિસ્તારો એવા છે જ્યાં નગરપાલિકાનું નળનું પાણી એટલું સ્વચ્છ માનવામાં આવે છે કે ત્યાંનાં ઘરોમાં લોકો પાણી શુદ્ધીકરણ યંત્રો અથવા બૉટલવાળા પાણી પર આધાર રાખતા નથી. એમાં પુરી તો ભારતના સૌથી પહેલા શહેર તરીકે જાણીતું છે જ અને એ સિવાય ઓડિશાના ભુવનેશ્વરનું, મહારાષ્ટ્રના નવી મુંબઈનું, કર્ણાટકના મૈસૂરનું, ઉત્તર ભારતના ચંડીગઢનું, કેરલાના તિરુવનંતપુરમનું, ગુજરાતના સુરતનું, આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમનું પાણી BISના પરીક્ષણમાં ક્લિયર થાય છે અને એનાં ધારાધોરણને મળે છે. એ સિવાય મેઘાલય અને લદાખ એવાં રાજ્યો છે જે એમની અતિશુદ્ધ અને પારદર્શક નદીના પાણી માટે જાણીતાં છે.

આ પદ્ધતિ કેવી રીતે શક્ય બની?

પુરીની પાણીપુરવઠા પ્રણાલી ભારતનાં અન્ય શહેરોથી નોંધપાત્ર રીતે અલગ છે. ડ્રિન્ક ફ્રૉમ ટૅપ (DFT) મિશન હેઠળ નળના પાણીનું આધુનિક શુદ્ધીકરણ પદ્ધતિઓ દ્વારા ક્લોરિનેશન અને ઓઝોનેશન કરવામાં આવે છે જેના કારણે બૅક્ટેરિયા અને વાયરસ સંપૂર્ણપણે નષ્ટ થાય છે. પાણીની ગુણવત્તા પર રિયલ-ટાઇમ સેન્સરો દ્વારા સતત નજર રાખવામાં આવે છે અને ઉચ્ચ દબાણવાળી પાઇપલાઇનનો ઉપયોગ કરવામાં આવે છે જેથી બહારથી ગંદું પાણી અંદર પ્રવેશ ન કરી શકે. આધુનિક વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટોમાં પાણીને તબક્કાવાર શુદ્ધ કરવામાં આવે છે જેમાં અવસાદન (sedimentation), ફિલ્ટરેશન, ડિસઇન્ફેક્શન તેમ જ અલ્ટ્રા-ફિલ્ટરેશન અને ક્લોરિનેશનનો સમાવેશ થાય છે જેના દ્વારા બૅક્ટેરિયા, વાયરસ અને ભારે ધાતુઓ દૂર થાય છે. ક્લોરિનનું પ્રમાણ નિયંત્રિત રાખવામાં આવે છે જેથી પાણી સુરક્ષિત રહે અને એના સ્વાદ પર કોઈ અસર ન પડે. જૂની પાઇપલાઇનોને બદલે નવી ફૂડ-ગ્રેડ પાઇપો લગાવવામાં આવી છે જેથી લીકેજ ઘટે અને પ્રદૂષણ અટકે. પાણીની ગુણવત્તાનું દરરોજ સેન્સર અને પ્રયોગશાળા પરીક્ષણ દ્વારા મૂલ્યાંકન થાય છે અને ધોરણોમાં ઘટાડો જોવા મળે તો તરત જ પાણીપુરવઠો બંધ કરવામાં આવે છે. સતત પાણીનું દબાણ જાળવવામાં આવતું હોવાથી ગંદું પાણી સિસ્ટમમાં પ્રવેશી શકતું નથી.

અઢળક ફાયદા

પુરીમાં નળના પાણીની સુરક્ષા અને આરોગ્યલાભોની સંપૂર્ણ ખાતરી આપવામાં આવી છે. સ્વતંત્ર પરીક્ષણોએ સાબિત કર્યું છે કે પુરીનું નળનું પાણી E. coli જેવા હાનિકારક બૅક્ટેરિયાથી સંપૂર્ણપણે મુક્ત છે. પાણીમાં TDS, pH અને ક્લોરિનનું પ્રમાણ કડક નિયંત્રણ હેઠળ રાખવામાં આવે છે. TDSનો અર્થ છે Total Dissolved Solids એટલે કે પાણીમાં ભળેલાં નાનાં તત્ત્વો. પાણીમાં મીઠું, કૅલ્શિયમ, મૅગ્નેશિયમ જેવાં ખનિજ અને કેટલાક અન્ય પદાર્થો થોડી માત્રામાં ભળેલા હોય છે. યોગ્ય માત્રામાં TDS હોવાં સારું માનવામાં આવે છે, કારણ કે એ પાણીને સ્વાદ અને પોષક ગુણ આપે છે. બહુ વધારે TDS હોય તો પાણી ખારું લાગે અને આરોગ્ય માટે નુકસાનકારક બની શકે, જ્યારે બહુ ઓછાં TDS હોય તો પાણી સ્વાદહીન લાગે. pH પાણી ખાટું છે કે સાબુ જેવું ક્ષારીય એ બતાવે છે. pH નું માપ ૦થી ૧૪ સુધી હોય છે. પીવાનું પાણી સામાન્ય રીતે pH ૬.૫થી ૮.૫ વચ્ચે હોવું સુરક્ષિત ગણાય છે જેના કારણે આ પાણી બાળકો, વૃદ્ધો અને પ્રવાસીઓ માટે પણ સંપૂર્ણ રીતે સુરક્ષિત બને છે. એના પરિણામે હવે શહેરના રહેવાસીઓ સીધું નળમાંથી પાણી પી રહ્યા છે, જેના કારણે બૉટલવાળા પાણી પરની નિર્ભરતા ઘટી છે. આ મૉડલથી અનેક લાભો મળ્યા છે, જેમ કે પ્લાસ્ટિક બૉટલોના ઉપયોગમાં ઘટાડો અને RO સિસ્ટમમાંથી નીકળતા વેસ્ટ વૉટરની સમસ્યાનો અંત આવ્યો છે, જેની પર્યાવરણ પર સકારાત્મક અસર પડી છે. પાણીજન્ય રોગોમાં ઘટાડો થવાથી લોકોના આરોગ્યમાં સુધારો થયો છે. પુરીની આ સફળતા બાદ ઓડિશાના ભુવનેશ્વર અને કટક સહિતનાં અન્ય શહેરો પણ ઝડપથી ‘ડ્રિન્ક ફ્રૉમ ટૅપ’ મિશન અપનાવી રહ્યા છે અને BISના અહેવાલો તથા ૨૦૨૫ના આંકડા મુજબ કેટલાંક અન્ય શહેરોએ પણ નળના પાણીની શુદ્ધતા માટે ઊંચા ગુણ મેળવ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

18 January, 2026 02:14 PM IST | Mumbai | Laxmi Vanita

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK