ગંધકના નગર તરીકે જાણીતા રોટોરુઆમાં સહેલાણીઓના ધસારાને પહોંચી વળવા અનેક ઉદ્યોગપતિઓએ ભવ્ય હોટેલો બંધાવી હોવાથી આ શહેર રોટો-વેગસ તરીકે પણ પ્રસિદ્ધ થયું છે. અમેરિકાના યલો સ્ટોન નૅશનલ પાર્કની જેમ આ શહેરને પણ નૅશનલ પાર્કનો દરજ્જો મળ્યો છે
શ્રી કુદરત શરણમ્ મમ
લેડી નોક્સનો ફુવારો - ગંધકના પાણીની છોળ
મહાકાય વાદળને નિહાળતાં-નિહાળતાં વૅન ચાલુ કરી અને રોટોરુઆની વાટ પકડી ત્યારે રાતના સાડાઆઠ વાગી ગયા હતા. અદ્ભુત અનુભવ! વાદળ તો આજે અહીં જ અડિંગો જમાવીને બેસેલું રહેશે એવું લાગી રહ્યું હતું. પવન હતો, પરંતુ આટલા મોટા વાદળને ખસેડવાનું એનું ગજું નહીં એ ચોક્કસ હતું.
રોટોરુઆ નૉર્થ આઇલૅન્ડની મધ્યમાં આવેલો વિશાળ વિસ્તાર છે. અહીં સ્થાનિક માઓરી સંસ્કૃતિનું જ વર્ચસ છે એ બધી જગ્યાઓનાં નામ પરથી જ કળાઈ આવે છે. રોટોરુઆ સરોવરનો માઓરી ભાષામાં અર્થ થાય બીજા નંબરનું સરોવર. એક લોકવાયકા પ્રમાણે કોઈ માઓરી વડવાએ આ સરોવરને ગોત્યું અને તેમના કાકાને ભેટ આપ્યું. તેમણે ગોતેલું આ બીજા નંબરનું સરોવર હતું એટલે નામ આપ્યું રોટો એટલે કે સરોવર અને રુઆ એટલે કે બીજા નંબરનું. આમ રોટોરુઆ સરોવરના નામ પરથી જ નગરનું નામ પણ પડ્યું રોટોરુઆ. ૨૬૧૫ ચોરસ કિલોમીટરનું ક્ષેત્રફળ ધરાવતો આ પ્રદેશ ન્યુ ઝીલૅન્ડનો સૌથી અનોખો અને અજાયબ પ્રદેશ છે એમ કહીશ તો જરા પણ ખોટું નથી. ૧૩૫૦ની સાલમાં અહીં માઓરીઓ આવ્યા અને વસી ગયા. શહેરી વિસ્તાર છે ૪૮ ચોરસ કિલોમીટર અને રોટોરુઆ નગરનો વિસ્તાર છે લગભગ નેવું કિલોમીટર. વસ્તી છે ૭૮,૨૦૦. હા જી, ફક્ત ૭૮,૨૦૦. ૧૭ સરોવર ધરાવતા આ નગરની વસ્તી પ્રમાણમાં ઓછી હોવાનું કારણ છે અહીંની ભૂગોળ અથવા કહો કે ભૌગોલિક વિશેષતા.
ADVERTISEMENT
વાચકમિત્રો, આ સમગ્ર વિસ્તાર ઊકળતા ચરુ પર આવેલો છે એમ કહી શકાય. જમીનની નીચે ગંધક ખદબદી રહ્યો છે અને અનેક જગ્યાએ આ ગંધક અલગ-અલગ રીતે સપાટી પર આવીને ખદબદે છે. ક્યાંક જાડા કાદવના થરને ભેદીને, ક્યાંક ફુવારાની જેમ તો ક્યાંક વળી ગરમ ઝરા તરીકે. રોટોરુઆમાં તમે ક્યાંય પણ જાઓ, અહીં ગંધકની વરાળનું વર્ચસ જોવા મળે છે, જમીનમાંથી વરાળ નીકળતી જોવા મળે છે. વૈજ્ઞાનિકોની ધારણા મુજબ લગભગ અઢી લાખ વર્ષ પૂર્વે જ્વાળામુખી ફાટવાને કારણે આ વિસ્તારનું નિર્માણ થયું હતું અને ત્યારથી આ જમીન ધખે છે, ખદબદે છે. આ એક ભૌગોલિક ઊથલપાથલનો પ્રદેશ છે એમ પણ કહી શકાય. આને અંગ્રેજીમાં જીઓ થર્મલ (Geo Thermal) ગતિવિધિઓનો પ્રદેશ કહેવાય છે. અહીં અમારી હોટેલ હતી કોપથોર્ન ગ્રુપની જ મિલેનિયમ હોટેલ જે લેક ટોઉપોથી લગભગ ૮૦ કિલોમીટરના અંતરે આવેલી છે.
ટોઉપોથી બે રસ્તા તમને રોટોરુઆ પહોંચાડે છે. અમે તો જીપીએસની દોરવણી પ્રમાણે ચાલી રહ્યા હતા. ૬૦ કિલોમીટર બતાવ્યા પછી અચાનક ગંધકની તીવ્ર ગંધ આખી વૅનમાં પ્રસરી ગઈ. અમને કોઈને આટલી તીવ્રતાનો અંદાજ જ નહોતો. પહેલાં તો લાગ્યું કે ટાયરના બળવાની વાસ છે કે શું? ના હોય, કારણ કે ગાડી તો બરાબર ગતિથી સડસડાટ ચાલી રહી હતી. ત્યાં તો આજુબાજુથી ઊઠતા ધુમાડા કહો કે વરાળ દેખાઈ ત્યારે સમજાયું કે આપણે તો આ ગરમ ગંધકના ઝરાની ધરતી પર પહોંચી ગયો છીએ. પછી તો સમગ્ર વીસ કિલોમીટર સુધી લગભગ બધી બાજુએ વરાળ જ નીકળતી દેખાઈ રહી હતી. ગંધકની તીવ્ર વાસ અમને બધાને અકળાવી રહી હતી. શું કરી શકાય? કંઈ જ નહીં. પછી ખબર પડી કે રોટોરુઆ તો ગંધકના નગર તરીકે પણ પ્રખ્યાત છે અને અહીં આવતા સહેલાણીઓના ધસારાને પહોંચી વળવા અનેક ઉદ્યોગપતિઓએ બાંધેલી ભવ્ય હોટેલોને કારણે રોટોરુઆ તો રોટો-વેગસ તરીકે પણ પ્રસિદ્ધ છે. અમેરિકાના આવા જ પ્રકારની ભૌગોલિક વિશેષતા ધરાવતા યલો સ્ટોન નૅશનલ પાર્ક પરથી પ્રેરણા લઈને અહીંના પ્રસિદ્ધ મહાનુભાવ વિલિયમ ફોક્સ દ્વારા રોટોરુઆને પણ નૅશનલ પાર્કનો દરજ્જો આપવાની ભલામણ કરી અને તેઓ આમાં સફળ પણ થયા. આખો વિસ્તાર આરક્ષિત કરી દેવામાં આવ્યો, પરંતુ પ્રવાસીઓની સગવડ માટે નિયમોમાં થોડી મોકળાશ રાખી, નિયંત્રણો થોડાં હળવાં રાખ્યાં. આમ ને આમ વરાળ જોતાં-જોતાં અને ગંધકને શોષતાં-શોષતાં અમે હોટેલ મિલેનિયમ પહોંચ્યા.
રાતના દસ વાગ્યે અમે અહીં પ્રવેશ્યા ત્યારે સમગ્ર રોટોરુઆ જંપી ગયું હતું. ફક્ત અજંપો હતો વરાળને અને ખદબદી રહેલી જમીનને. ૨૨૭ રૂમ ધરાવતી આ મિલેનિયમ હોટેલ પણ અતિશય સુંદર બનાવેલી છે. હોટેલમાં પ્રવેશો એટલે પહેલાં વિશાળ લૉબી આવે. માઓરી સંસ્કૃતિ અહીં છલકાઈ રહી છે. લાકડાનું ઘેરા રંગનું ફર્નિચર અહીંની લાક્ષણિકતા છે. રિસેપ્શન વટાવીને હોટેલના મુખ્ય મકાન તરફ આગળ વધો અને થોડુંક જ આગળ વધતાં દીવાલ પર લાગેલી લાકડાની એક વિશાળ કળાકૃતિ તમને મોહી લે છે. કાબિલે તારીફ કોતરણી ધરાવતી આ વિશાળ કળાકૃતિ કોઈ માઓરી લોકકથાને જીવંત કરે છે. જોનારની આંખો સમક્ષ સ્થાનિક માન્યતાઓનું એક દૃશ્ય ઊપસાવે છે. ઘેરો લાલ રંગ કહી શકાય એ રંગના કાઉરી તરીકે પ્રચલિત લાકડાનો અહીં ઉપયોગ થયો છે અને કલાકાર છે હોરી રંગીહુઇ (વધુ એક માઓરી નામ). કળાકૃતિને આંખોમાં આંજીને તમે હોટેલના મુખ્ય મકાન તરફ આગળ વધો છો અને થોડાક જ મીટર્સ વટાવતાં સામે દેખાય છે એક ગ્લાસ ટનલ. વાહ, લગભગ પચાસ મીટર લાંબી આ ટનલ લૉબી અને હોટેલના મુખ્ય મકાનને જોડે છે, પરંતુ આ ટનલની બન્ને બાજુ દેખા દેતાં અલભ્ય છોડવાઓ, વૃક્ષો અને સુંદર પુષ્પો તમને આફરીન બોલાવી દે છે. આમ હોટેલના પ્રાંગણમાં અને આમ હોટેલની વચ્ચોવચ કહી શકાય એવી આ ગોઠવણી આ હોટેલની પર્યાવરણ પ્રત્યેની કટિબદ્ધતા દર્શાવે છે એમ લખું તો જરા પણ અતિશયોક્તિ નથી જ નથી. હોટેલ થોડી હટકે લાગી. નસીબજોગે અમારી રૂમો નીચે જ એટલે કે ભોયતળિયે જ હતી એટલે વધુ કંટાળો ન આવ્યો. રૂમ ખોલી, સામાન ગોઠવ્યો. બધાને ભૂખ લાગી ગઈ હતી. ગંધકનો કમાલ? શું ખબર? ડબ્બાઓ ખૂલ્યા. ગિરનાર ચાની લહેજત માણવા ગરમ પાણી માટેની કીટલીઓ ભરાઈ ગઈ. આરામથી વાતો કરતાં-કરતાં નાસ્તો કર્યો.
બધાએ પોતપોતાની રૂમમાં જવાનું નક્કી કર્યું. કુલ ચાર રૂમ હતી. ત્રણ રૂમ સિરીઝમાં હતી અને ચોથી રૂમ એક રૂમ છોડીને હતી. અહીં એક ગમ્મત થઈ. છોકરાઓએ પોતાની રૂમનું કાર્ડ મોબાઇલ ફોન સાથે મૂકેલું હતું એટલે કાર્ડ ડિસ્ચાર્જ થઈ ગયું અને કેમ પણ કરીને તેમની રૂમ ખૂલે જ નહીં. રિસેપ્શન લાંબે હતું, પરંતુ શું થાય? એટલે કહ્યું, જઈને ડુપ્લિકેટ કાર્ડ બનાવડાવીને લેતા આવો. જોશમાં ને જોશમાં ડુપ્લિકેટ કાર્ડ બનાવ્યું તો ખરું, પરંતુ રૂમ-નંબર જે રૂમ અમારી નહોતી એ આપી દીધો. તેમને એક સિરીઝમાં જ હશે એમ લાગ્યું અને કાર્ડ લઈને આવી ગયા. દરવાજે કાર્ડ લગાવ્યું તો રૂમનો દરવાજો તો ખૂલી ગયો. છોકરાઓ તો હસતાં-હસતાં અંદર ધસી ગયા અને રાત્રે ૧૨ વાગ્યે ત્રણ છોકરાઓને પોતાની રૂમમાં જોઈને અંદરના સજ્જન તો ડરી જ ગયા. છોકરાઓ પણ ઠરી ગયા. માફી માગીને બહાર આવ્યા. બધાનું હસવાનું રોકાય જ નહીં. વધુ ગોકીરો ન થાય એટલે બધાને અમારી રૂમમાં ઘુસાડ્યા અને દરવાજો બંધ કરીને બહાર આવેલા સજ્જનની ખૂબબધી માફી માગીને હું જ ડુપ્લિકેટ કાર્ડ બનાવવા રિસેપ્શન પર પહોંચ્યો. ત્યાંનો કર્મચારી પણ હતપ્રભ. તેને માંડ સમજાવ્યું ત્યારે તેણે ખૂબ બડબડાટ કરતાં-કરતાં ડુપ્લિકેટ કાર્ડ બનાવી આપ્યું. આવા છબરડાઓ કાયમ માટે યાદ રહી જાય છે. હજી પણ એ વાત યાદ આવે ત્યારે તે સજ્જનનો ચહેરો અને છોકરાઓના હાવભાવની વાત કરતી વખતે હાસ્યની છોળો ઊડે છે.
આજનો દિવસ લાંબો હતો એટલે તરત જ લંબાવ્યું. ખબર નહીં કેમ પરંતુ આંખ લગભગ છ વાગ્યે જ ઊઘડી ગઈ. ગંધકની તીવ્રતા કદાચ સદી નહીં હોય. હું ઊઠ્યો ત્યારે બીના પણ ઊઠીને બેસેલી જ હતી. સૂર્યોદય થઈ રહ્યો હતો. બહારની ઠંડીના હિસાબે બારીના કાચ પર ઝાકળ બાઝી ગઈ હતી અને સૂરજનો પ્રકાશ આખી બારીને પાછળથી પ્રજવાળી રહ્યો હતો. સોનેરી ઝાંય જામેલાં ઝાકળબિંદુઓને કંઈક અલગ જ રૂપ બક્ષી રહી હતી. હું હળવેથી પાછળ ગયો અને ફોટો ઝડપી લીધો. બીનાએ બારી પર પોતાનું નામ લખ્યું હતું. એ નામ જાણે પીગળી રહ્યું હોય એમ રેલા નીચે ઊતરી રહ્યા હતા. સરસ કમ્પોઝિશન! કુદરતમાં ઓતપ્રોત વ્યક્તિ, પીગળી રહેલું વ્યક્તિત્વ અને સોનેરી સનાતન સત્ય. ઓમ સૂર્યાય નમઃ સુવર્ણાક્ષર હૃદય ઝંકૃત કરી રહ્યા. થોડી વાર બેસી રહ્યા પછી બારી ખોલી નાખી. ગંધક વધુ તીવ્રતા સાથે અંદર ધસી આવ્યો. વાતાવરણમાં ઠંડક હતી. આજે રોટોરુઆને ધમરોળવાનું હતું. અહીં પણ કેટકેટલી પ્રવૃત્તિઓ. યાદી બનાવી રાખી હોય તો પણ પ્રાથમિકતા નક્કી કરવામાં તકલીફ પડે જ પડે. એક ઉપાય શોધી કાઢ્યો. દિવસનો પહેલો ભાગ એટલે બપોરના ભોજન પહેલાંના કલાકો કુદરતના સાંનિધ્યમાં ગાળવા અને ભોજન પછીના કલાકો પ્રવૃત્તિઓ માટે, ખરીદી માટે અને આરામથી હોટેલ માણવા માટે ગાળવા. બધા જ ખુશ. નાસ્તો કરીને તૈયાર થઈ ગયા.
પહેલો વારો હતો આજે વાય-ઓ-ટાપુનો. જીભના લોચા વળે એવા અટપટા નામનો જાણે ભંડાર ખૂલી ગયો. જરા યાદી જુઓ. વાય-ઓ-ટાપુ, વાયમંગુ, વાયકાટો, કાઇતુના, તે પુઈયા, નિકિટેટે.... ને એવુંબધું. છેને ખતરનાક? જેમ-જેમ મુલાકાત લેવાતી જશે એમ-એમ નામ છેકાતાં જશે. અત્યારે પહેલા નામથી જ આગળ વધીએ. વાય-ઓ-ટાપુ રોટોરુઆનું સૌથી પ્રખ્યાત સ્થળ છે. હોટેલથી ત્રીસેક કિલોમીટરના અંતરે આવેલા આ વાય-ઓ-ટાપુનો અર્થ થાય છે પવિત્ર જળ ધરાવતું સ્થળ. આ એક સ્થાનિક મૂળભૂત રહેવાસીઓનું સંચાલન ધરાવતો વિસ્તાર છે. એક પ્રચલિત લોકવાયકા પ્રમાણે આ આદિવાસીઓના પ્રપિતામહ તાહુ મટુઆ (Tahu Matua) અને તેમના વંશજો અહીં ઈસવીસન ૧૨૫૦થી વસેલા છે અને એટલે જ આ વિસ્તાર તથા અહીં ચાલી રહેલી તમામ પ્રવૃત્તિઓનું સંચાલન આ સ્થાનિક જાતિ હસ્તક છે. હવેના બંને દિવસ અમે માઓરી સંસ્કૃતિને જાણવામાં-પિછાણવામાં ગાળવાના હતા. આ સંસ્કૃતિ ગજબની રસપ્રદ છે, પરંતુ નામ વાંચવાના અને ઉચ્ચાર કરવાના અધકચરા પ્રયોગો તમને જાણે નિચોવી નાખે છે. શરૂઆતમાં જ તમે થોડા ઉદાસીન અને મૂંઝાયેલા થઈ જાઓ છો. હતોત્સાહ. બધા ઉત્સાહનું જાણે ગંધકમાં બાષ્પીભવન થઈ જાય છે. ખેર, કોશિશ કરીએ, એમ થોડું છોડી દેવાય. વાચકમિત્રો, વાય-ઓ-ટાપુ સમગ્ર રોટોરુઆનો સૌથી વધુ ખદબદતો વિસ્તાર છે. અહીં સૌથી વધુ ગંધકના ઝરા, ગરમ પાણીનાં નાનાં-નાનાં સરોવરો અને જમીનમાંથી ફેંકાતા ગરમ પાણીના ફુવારા જોવા મળે છે.
ન્યુ ઝીલૅન્ડની ઉત્પત્તિ વિશે થોડી જાણકારી મેળવી હતી એ જણાવું. લાખો વર્ષો પહેલાં ખંડીય હલનચલન અને અથડામણનું પરિણામ ન્યુ ઝીલૅન્ડ છે એ સૌપ્રથમ વાત. જેમ આપણે ત્યાં ખંડીય અથડામણને કારણે હિમાલયનું નિર્માણ થયું એવી જ રીતે ખંડીય અથડામણ અને જ્વાળામુખી ફાટવાના હિસાબે ન્યુ ઝીલૅન્ડ દરિયાના પેટાળમાંથી ઊપસી આવેલો, ઉદ્ભવેલો ભૂખંડ છે. સ્વયંભૂ જાણે. હજી પણ હિન્દ અને પૅસિફિક મહાસાગરોના જળનું પ્રચંડ દબાણ ઑસ્ટ્રેલિયા, ન્યુ ઝીલૅન્ડ અને એશિયા ખંડોને સતત ભોગવવું પડે છે. આમાં પણ ન્યુ ઝીલૅન્ડ એના નાના કદને કારણે નબળું પુરવાર થાય છે. નૉર્થ આઇલૅન્ડની બરાબર મધ્યમાં એટલે કે રોટોરુઆ વિસ્તારમાં આ દબાણનો પટ્ટો સૌથી વધારે પ્રવૃત્ત છે અને એટલે જ અહીં જ્વાળામુખી ફાટે છે, ધરતીકંપ આવે છે અને ભૂસ્તરીય ફેરફારો સતત આકાર લેતા રહે છે. પૃથ્વીના વિસ્તારને જોતાં આ સતત ચાલી રહેલી ઘટનાઓ પ્રમાણમાં નાની કહેવાય, પરંતુ હજારો અને લાખો વર્ષોના સતત દબાણને કારણે જ્યારે ખંડો-ભૂખંડો નબળા પડે અને જવાબ આપી દે ત્યારે કોઈ મોટી ભૌગોલિક ઊથલપાથલ આકાર લે છે . જેમ કે મોટાં મેદાનોની જગ્યાએ પર્વતમાળા, સાગરની જગ્યાએ રણ અને રણની જગ્યાએ સાગર. કચ્છ અને હિમાલયના દાખલા આપણા ભારતના સંદર્ભમાં આપી શકાય. દબાણ એટલું બધું કે આખેઆખા ભૂખંડ ઉદ્ભવે, દરિયા ઉલેચાઈ જાય. ન્યુ ઝીલૅન્ડ, જપાન તથા જગતના ઘણા ટાપુઓ આ ભૂસ્તરીય ફેરફારોનાં જીવંત ઉદાહરણો છે. આ એક સતત ચાલી રહેલી પ્રક્રિયા છે અને ક્યારે, કઈ ઘડીએ શું આકાર લેશે એનું અનુમાન લગાવવું લગભગ અસંભવ છે. વિજ્ઞાન હજી પણ અહીં વામણું છે એ હકીકતનો સ્વીકાર કરવો જ રહ્યો. આગળ વધીએ.
વાય-ઓ-ટાપુનાં મુખ્ય આકર્ષણો છે લેડી નોક્સનો ફુવારો (Lady Knox Geyser), વાય-ઓ-ટાપુ થર્મલ વન્ડરલૅન્ડ અને ઠેકઠેકાણે આવેલાં ઊકળતા કીચડનાં તળાવો (Mud pools). આ સિવાય બીજી અનેક પ્રવૃત્તિઓ તો ખરી જ. હવે અહીં તમારી સાથે એક છેતરામણી થાય છે. પ્રવાસન ખાતા તરફથી જોરશોરથી પ્રચાર કરવામાં આવે છે કે રોજ સવારના બરાબર ૧૦.૧૫ વાગ્યે લેડી નોક્સનો ફુવારો જમીનમાંથી ઊડે છે જેનું પાણી લગભગ ૧૫થી ૨૦ ફુટની ઊંચાઈ સુધી ફેંકાય છે. હવે આપણી તો અધીરાઈ અને ઉત્સુકતા આવી ગજબનાક ઘટનાના સાક્ષી બનવા માટે વધી જ જાયને? આમ પણ અનેક કુદરતી ચમત્કારના સાક્ષી રહ્યા છીએ એટલે આ યાદીમાં વધુ એક નામ ઉમેરવાની ઇચ્છા સાથે ટિકિટો બુક કરાવી લીધી. અમારા જેવા સેંકડો લોકો હતા. સવાદસ વાગ્યાનો સમય હતો એટલે હોટેલથી ફટાફટ નીકળ્યા અને વૅન ભગાવીને પહોંચ્યા. વૅન પાર્ક કરી અને સારી જગ્યાએથી આ અજાયબીના સાક્ષી બનવા માટે એક સરસ ખૂણો પકડી લીધો. ગરમ પાણી પ્રેક્ષકો પર ન પડે એ માટે લાકડાની વાડ બાંધી હતી. બધા ગોઠવાઈ ગયા. ઉત્સુકતા ચરમસીમા પર હતી. સામે બે-ત્રણ ફુટની ઊંચાઈ ધરાવતો એક નાનો ટેકરો હતો જેના પર કાણું હતું. આ કાણામાંથી સતત વરાળ નીકળી રહી હતી. અહીંથી જ ફુવારો ઊડશે. સૂરજ બરાબર જમણી તરફ આવે એવી રીતે હું ગોઠવાઈ ગયો હતો જેથી આકાશ એકદમ જ બ્લુ રંગનું આવે અને ફુવારાના ફોટો એકદમ જ સ્પષ્ટ આવે. દસની ઉપર પાંચ મિનિટ થઈ અને ટેકરા પાસે એક કર્મચારી આવ્યો. હાથમાં પકડેલા લાઉડસ્પીકરથી બધાનું અભિવાદન કર્યું અને આ જગ્યાનાં ઇતિહાસ-ભૂગોળ સમજાવ્યાં. વાતાવરણમાં ઉત્કંઠા વધતી ચાલી. બધા આ દુર્લભ કુદરતી ઘટના નિહાળવા ઉત્સુક હતા. કૅમેરા નીકળી ગયા હતા. મેં વરાળના અને ટેકરાના ફોટો લીધા. પ્રકાશની દિશા સમજી લીધી. કયા ઍન્ગલથી, કેટલી શટર-સ્પીડથી ફોટો લેવા બધું ચોક્કસ કરી લીધું. કાંટો આગળ વધી રહ્યો હતો. પેલા માણસને કોઈ ડર હોય એવું લાગતું નહોતું. કુદરત એકાદ-બે મિનિટ વહેલી પ્રગટી જાય તો આ માણસનું તો આવી જ બને એવું વિચારતો હતો ત્યાં તો વળી એક મહિલા આવી અને બે મિનિટ માટે તે પણ બધું બોલી. બધાની અધીરાઈ વધી રહી હતી. હમણાં પ્રગટશે, ફુવારો ઊડશે એવી આશા પ્રબળ થતી ચાલી. વરાળ હજી પણ નીકળી રહી હતી. હવે થોડી બૂમાબૂમ થવા લાગી. આક્રોશ વધી રહ્યો હતો અને માનશો? પેલી મહિલાએ પોતાની પાસેની થેલીમાંથી સાબુની ગોટી કાઢી અને પેલા કાણામાંથી નીચે પધરાવી. સાબુની ગોટી! હા જી, સાબુની ગોટી. વળી એક ગોટી નાખી અને પછી બન્ને ચાલી નીકળ્યાં. અમારી પાસે આવી ગોઠવાઈ ગયાં અને લાઉડસ્પીકરમાંથી ટેકરાને જોવાનું એલાન કરતાં રહ્યાં.
લે આ તો ઉલ્લુ બનાવ્યા. ગંધક અને સાબુમાં રહેલાં રસાયણો વચ્ચેની પ્રક્રિયાના ફળસ્વરૂપે આ ફુવારો ઊડશે. આ વળી કઈ કુદરતી ઘટના? આ તો માનવનિર્મિત કોઈ પ્રયોગ જાણે! હદ થઈ ગઈ. ફુવારો ઊડ્યો. દસ ફુટ, ૧૫ ફુટ ઊંચે સુધી ઊડ્યો અને પછી પ્રેક્ષકોમાં હાસ્યની છોળો ઊડી. હસાહસ ચાલી. છેતરાયાની હતાશા હાસ્યમાં પલટાઈ ગઈ. આ લોકોએ તો બધાને બરાબરના ગાંડા બનાવ્યા. રોજ બનાવતા હશેને? ફોટો લીધા, લેડી નોક્સને શ્રદ્ધાંજલિ અર્પી. ફુવારાનું પાણી સફેદ રંગનું હતું. સૂર્યપ્રકાશ પડતાં જ અમુક ખૂણે ઇન્દ્રધનુષ પણ રચાયું. માનવનિર્મિત ફુવારો અને માનવનિર્મિત મેઘધનુષ. માણો તમતમારે. નાના બાળક બનીને નિર્દોષ આનંદ માણવાનો પણ એક અલગ આનંદ હોય છે એ નક્કી. ફુવારાની છોળો લગભગ દસ મિનિટ ચાલી. ગંધકના વહેતા પાણી સાથે કદાચ ગોટી પણ ઓગળીને ચાલી નીકળી. ચાલો, આપણે પણ ચાલી નીકળીએ. બીજું આકર્ષણ વાટ જોઈ રહ્યું હતું. વાય-ઓ-ટાપુ થર્મલ વન્ડરલૅન્ડ. ફુવારાના ફિયાસ્કા પછી શંકા જાગી. સીધો ગયો પેલી મહિલા પાસે. પૂછી જ લીધું. આ થર્મલ વન્ડરલૅન્ડ તો કુદરતી છેને કે પછી એમાં પણ કોઈ ભેળસેળ છે? તે એકદમ જ ભેળસેળ વગરનું હસીને કહે કે સોએ સો ટકા કુદરતી. જાઓ, જુઓ; મને યાદ કરશો. મેં કહ્યું, તમને તો જરૂરથી યાદ રાખીશ લેડી નોક્સ. આ ફુવારો તો તમારો જ છેને. બધા ખડખડાટ હસી પડ્યા. અમારા હાસ્યની છોળો વચ્ચે તો ફુવારો પણ જાણે કરમાઈ ગયો, શરમાઈ ગયો. ભૂમિગત. ચાલો વન્ડરલૅન્ડ. કુદરતની અજાયબ સૃષ્ટિ નિહાળવા. શ્રી કુદરત શરણમ્ મમ.
વાય-ઓ-ટાપુ થર્મલ લૅન્ડની અજબગજબની સૃષ્ટિ અને રોટોરુઆની અનેક પ્રવૃત્તિઓની વાતો લઈને મળીશું આવતા અઠવાડિયે.