Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ટ્રાવેલ > આર્ટિકલ્સ > ૨૪ વર્ષની ઉંમરે બધા ૧૯૭ દેશો ઘૂમી વળ્યો છે આ બિહારી બાબુ

૨૪ વર્ષની ઉંમરે બધા ૧૯૭ દેશો ઘૂમી વળ્યો છે આ બિહારી બાબુ

Published : 17 May, 2026 12:46 PM | IST | Mumbai
Aashutosh Desai | feedbackgmd@mid-day.com

૨૦૧૭થી શુભમે વિશ્વ ખેડવાનું શરૂ કરી દીધું હતું, પણ ઘરમાં હજીયે ખબર નહોતી કે અમારો દીકરો વિશ્વભોમિયો બની રહ્યો છે. છેક ૨૦૨૦ની સાલમાં ઘરે ખબર પડી અને એ પણ શુભમની યુટ્યુબ ચૅનલ દ્વારા કે આ ભાઈસાહેબ ભણી નથી રહ્યા પરંતુ વિશ્વની ફૂદરડી ફરી રહ્યા છે.

પૅરિસ, ફ્રાન્સ, ચીન અને બ્રાઝિલ

પૅરિસ, ફ્રાન્સ, ચીન અને બ્રાઝિલ


લિફ્ટ લઈને, હિચ-હાઇકિંગ કરીને લિમિટેડ પૈસામાં તથા લિમિટેડ સામાન અને અનલિમિટેડ ટેમ્પરામેન્ટ સાથે વિશ્વભ્રમણ કરી આવેલા બિહારના મુંગેરના શુભમ કુમારના ટ્રાવેલના અનુભવો પ્રેરણાદાયી તો છે જ અને દિલધડક પણ. આ વાંચીને ચોક્કસ મન થઈ જશે કે હાલો, દુનિયા ખૂંદવા નીકળી પડીએ

દરેક વ્યક્તિને દુનિયા ખૂંદવાની ઇચ્છા તો હોય જ છે. ક્યારેક એટલા પૈસા કમાઈશ કે પછી દુનિયા ફરવા નીકળી પડીશ, ક્યારેક
નોકરી-ધંધામાંથી સમય કાઢીને બે-ચાર દેશ એકસાથે ફરી આવીશ. આવી ઇચ્છા અને સપનું તો કદાચ દરેક વ્યક્તિનું હશે, પણ અત્યાર સુધી બહુ જૂજ લોકોનાં આવાં સપનાં સાકાર થયાં છે. પહેલાં તો પૈસા કમાતાં અડધી જિંદગી નીકળી જાય અને પછી શરીર સાથ ન આપતું હોય. જોકે ભારતનો ૨૪ વર્ષનો છોકરડો દુનિયાઆખી ફરી આવ્યો છે. હા, જસ્ટ ૨૪ વર્ષની ઉંમરે તે વિશ્વના ૧૯૭ દેશોની મુલાકાતે જઈ આવ્યો છે. ભારતનો ૨૪ વર્ષનો ટ્રાવેલ બ્લૉગર શુભમ કુમાર આ કારનામું કરી ચૂક્યો છે. એ પણ લિમિટેડ પૈસા, લિમિટેડ સગવડ પણ અનલિમિટેડ ટેમ્પરામેન્ટ સાથે.



ચાલો મળીએ એ છોકરડાને જે મૂળ બિહારના મુંગેરનો વતની છે અને જેની એક યુટ્યુબ ટ્રાવેલ ચૅનલ છે જેના ૩૨.૨ લાખ જેટલા સબસ્ક્રાઇબર્સ અને ઇન્સ્ટાગ્રામમાં ૭ લાખથી વધુ ફૉલોઅર્સ છે. નામ શુભમ કુમાર, પણ ભાઈ મશહૂર છે ‘નોમેડ શુભમ’ના નામથી. માત્ર ૨૪ વર્ષની ઉંમર અને આટલી નાની ઉંમરમાં શુભમે ૧૯૭ દેશનું ભ્રમણ કરી નાખ્યું છે. માત્ર ૨૪ વર્ષના આ ભાઈસાહેબ હવે એવી મોટી હસ્તી બની ચૂક્યા છે કે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ તેમને સોશ્યલ મીડિયા પર ફૉલો કરે છે અને શુભમની અપડેટ્સ લેતા રહે છે.


કહેવાય છે કે જિંદગીમાં જો કંઈ હાંસલ કરવું હોય તો એ માટે ગાંડપણની હદ સુધીનું પૅશન હોવું જોઈએ. બિહારના મુંગેર અને ભાગલપુરની વચ્ચે એક નાનકડું ગામ, જેમાં જન્મેલા શુભમને પણ નાની ઉંમરથી જ એક ગાંડપણ સવાર થઈ ગયેલું - આખા વિશ્વમાં ફરવું છે. સાવ સામાન્ય આર્થિક પરિસ્થિતિ ધરાવતા પરિવાર અને સાવ સામાન્ય ભણતર ભણેલો શુભમ. નક્કી તો કરી લીધું કે આ એક જ જન્મમાં આખું વિશ્વ ફરી લેવું છે, પણ ફરવું કઈ રીતે? ફ્લાઇટ્સ, હોટેલ્સ, ફૂડ, લોકલ જર્ની આ બધા માટે જેટલા પૈસાની જરૂર પડે એ આંકડો કંઈ નાનો તો નહીં જ હોય. છતાં આ ભારતીય છોકરાના ભારતીય પાસપોર્ટ પર વિશ્વના તમામ દેશોના વીઝાના થપ્પા લાગેલા છે.


રશિયામાં સ્થાનિકો સાથે.


૨૪ વર્ષની ઉંમરે જ્યારે સામાન્ય યુવાનો હજી પોતાની કરીઅર અંગે વિચારી રહ્યા હોય છે, કોઈક સારી જગ્યાએ નોકરી મળી જાય એ માટે કૅમ્પસ ઇન્ટરવ્યુ કે કૉર્પોરેટ્સના આંટાફેરાનું ટેન્શન લઈને ફરતા હોય છે એટલી ઉંમરે શુભમે ખભે બૅગ ઉપાડીને આખું વિશ્વ ફરી નાખ્યું. તેની છેલ્લી વિઝિટ એવા ૧૯૭મા દેશ બ્રાઝિલમાં ઊભા રહીને એક વિડિયો શૂટ કરતાં કહ્યું કે આજે બ્રાઝિલ મારી સફરમાં ૧૯૭મા દેશ તરીકે ઉમેરાયું. અચ્છા, પાછી આ આખી સફર પોતાના પૈસે કરી છે હોં. માત્ર ૧૭ વર્ષની ઉંમરે આ અજાયબ સફરની શરૂઆત થઈ અને ૨૪ વર્ષની ઉંમર થતાં સુધીમાં તો ભાઈસાહેબે ૧૯૭ દેશમાં ફરી લીધું. વિશ્વ ખરેખર કેવા-કેવા અતરંગી ભેજાબાજોથી ભરેલું છે નહીં?

જવાબ શુભમ પાસે છે. અજાણ્યા દેશો અને અજાણી સફર. વાસ્તવમાં કસોટી આ નથી. કસોટી આવા મુશ્કેલ નિર્ણયો અંગે પણ નથી. કસોટી છે ઇજ્જત કમાવા અંગેની. યુવાન ઉંમરે એક પ્રશ્ન દરેક વ્યક્તિને થવો જોઈએ કે અનેક પરીક્ષાઓ આપીને, રિઝલ્ટનાં સર્ટિફિકેટ્સ હાથમાં લઈને મારે એક નૉર્મલ જિંદગી જીવવી છે કે કશુંક અસામાન્ય કરવું છે, અસામાન્ય જીવવું છે? મને આ વિચાર આવ્યો અને મેં પરીક્ષા અને પરિણામોની સામાન્ય જિંદગીની જગ્યાએ મારી સફરના રસ્તાઓ પર જિંદગીનો જુગાર રમી લેવાનું પસંદ કર્યું.

શું જોઈએ?

કોઈ પણ સામાન્યજન માટે વિદેશયાત્રા એટલે મુખ્યત્વે ત્રણ ચીજોની બેઝિક જરૂરિયાત સાથે જ શક્ય બનતી યાત્રા. પૈસા, અંગ્રેજી ભાષાની જાણકારી અને વીઝા. તો શુભમ પાસે આમાંથી શું હતું? કશું જ નહીં. પિતાની એક શાળામાં શિક્ષક તરીકેની સામાન્ય નોકરી અને નાની-નાની સાંકડી ગલીઓમાં શુભમનું સાવ સામાન્ય ઘર. જોકે એવા આ શુભમનો તેની ચૅનલ પર એક ટ્રાવેલ વિડિયો અપલોડ થાય અને વ્યુઝનો આંકડો જોઈએ તો કમસે કમ ત્રણથી ૪ મિલ્યન વ્યુઝ હોય. સ્વાભાવિક છે આ બધું રાતોરાત તો થયું નહીં હોય.

સફરની શરૂઆત

વર્ષ હતું ૨૦૧૮નું જ્યારે શુભમ માત્ર ૧૭ વર્ષનો હતો. તેણે યુટ્યુબ પર પોતાની એક વિડિયો ચૅનલ બનાવી અને ઇન્ટ્રોડક્ટરી વિડિયો સાથે એ ચૅનલ પર પહેલી પોસ્ટ અપલોડ થઈ. ઇન્ટ્રોડક્ટરી વિડિયોમાં તેણે શું કહ્યું હશે? શુભમે શરૂઆત કરી તેના જેવા સામાન્ય ઘરમાંથી આવતા છોકરાને ટ્રાવેલમાં તૈયાર કરાતી આઇટીનરી, બજેટ અને વીઝા વિશે સમજ આપવાથી. શુભમે નિર્ભીકપણે એ વિડિયોમાં કહ્યું પણ ખરું કે તેણે કડકડાટ અંગ્રેજી બોલતાં નથી આવડતું, તેની પાસે ઠીકઠાક કહી શકાય એટલા પૈસા પણ નથી. જોકે આ બન્નેને હરાવે એવી કેટલીક વસ્તુઓ તેની પાસે હતી અને એ હતી ઇચ્છા, જીદ, પૅશન, ક્લૅરિટી. આ બધાની શરૂઆત થઈ ૧૩-૧૪ વર્ષની ઉંમરથી. વાત કંઈક એવી છે કે શુભમની સ્કૂલ તેના ઘરથી ખાસ્સાએવા અંતરે હતી. રોજ સ્કૂલ જવાનું અને ઘરમાં કોઈ વાહન તો હતું નહીં. મહદંશે આપણે બધાએ જ બાળપણમાં ક્યારેક ને ક્યારેક જે તરકીબ વાપરી હશે એ તરકીબ શુભમે રોજેરોજ વાપરવા માંડી. રસ્તે જતા કોઈ ને કોઈ પાસે તે લિફ્ટ માગે અને શાળાએ પહોંચે. આ આદતે ક્યારે રસ્તે-રસ્તે ફરતા રહેવાનો શોખીન બનાવી દીધો એ શુભમને પોતાને પણ ખબર નહીં પડી. ઉંમર વધતી ગઈ એમ-એમ બિહાર અને એની આસપાસના વિસ્તારોમાં ફરવાનું થયું. હવે શુભમને એટલું તો સમજાઈ ચૂક્યું હતું કે તેને ફરવું ખૂબ ગમે છે. એમાં ૨૦૧૮ની સાલમાં તે લેહ-લદ્દાખ ગયો અને શુભમની અંદર જાણે કશુંક ૧૮૦ ડિગ્રીએ બદલાઈ ગયું. બિહાર આપણા પાડોશી દેશ નેપાલ સાથે એની બૉર્ડર શૅર કરે છે. બસ, નેપાલ શુભમની પહેલી વિદેશની ટૂર.


આર્મેનિયામાં સ્થાનિકો સાથે અને સાઇબેરિયા

શોખ, શોખ નહીં પૅશન બને ત્યારે

શોખ જ્યારે પૅશનમાં પરિવર્તિત થાય ત્યારે એને પામવા માટે માણસ ગાંડપણની હદ સુધી જઈ શકે છે અને સાચું માનજો, જે વ્યક્તિ પોતાના પૅશનને ગાંડપણની હદ સુધી સ્વીકારીને પ્રયત્ન શરૂ કરે છે તે જ જિંદગીમાં નવી ઊંચાઈ સુધી પહોંચી શકે છે. લેહ-લદ્દાખ અને ત્યાર બાદ નેપાલ ગયેલા શુભમ માટે હવે ફરવું, આ વિશ્વ ખેડવું શોખ નહીં પરંતુ પૅશનમાં પરિવર્તિત થઈ ચૂક્યું હતું. દીકરાને ભણાવવા માટે પપ્પાએ કોચિંગ સેન્ટરમાં ફી ભરી હતી. આ ભાઈસાહેબે એ કોચિંગ સેન્ટરમાંથી ફી રીફન્ડ લઈ લીધી અને ‘લિફ્ટ પ્લીઝ-લિફ્ટ પ્લીઝ’ કરતાં-કરતાં કોટાથી છેક જયપુર સુધીની સફર ખેડી નાખી. અર્થાત્, એક કાણો રૂપિયો પણ ખર્ચ્યા વિના કોટાથી જયપુર. વાત કંઈક એવી છે કે એ સમયે આ છોકરો કોટામાં રહીને એન્જિનિયરિંગની તૈયારી કરી રહ્યો હતો. એ સમયે યાદ હોય તો રિલાયન્સ જિયોના નવા-નવા ફોન આવ્યા હતા. ભણતર માટે શુભમે પણ એક જિયોનો ફોન રાખ્યો હતો. ફોન-સર્ફિંગ કરતી વખતે તેની નજરમાં એક વિડિયો આવ્યો. ટેડ ટૉકના એ વિડિયોમાં વાત કરવામાં આવી હતી ‘હાઉ ટુ ટ્રાવેલ વર્લ્ડ વિધાઉટ મની’ની. એક વાર, બે વાર, ત્રણ વાર... શુભમે એ વિડિયો આઠ-દસ વાર જોઈ નાખ્યો અને વિચાર્યું કે આવું તો હું પણ કરી શકું છું. આ શરૂઆત અને આ અંત. શરૂઆત હતી ટ્રાવેલની નવી જિંદગીની અને અંત હતો એન્જિનિયરિંગના ભણતરની તૈયારીઓનો.

અધૂરા છોડેલા વાતના છેડાને ફરી પકડીએ... હા, તો શુભમનું એ પહેલું હિચ-હાઇકિંગ (લિફ્ટ માગીને ટ્રાવેલ કરવું) કોટાથી જયપુર. હા, શાળામાં ભણતો હતો ત્યારે તે રોજ ‘હિચ-હાઇકિંગ’ જ કરતો હતો, પણ ત્યારે ખબર નહોતી કે આ હિચ-હાઇકિંગથી વિશ્વ ખેડી શકાય છે. સામાન્ય રીતે આપણે લિફ્ટ ક્યારે માગતા હોઈએ? આપણું વાહન ખોટકાયું હોય કે ક્યાંક જવાની ઉતાવળ હોય અને કશું ટ્રાન્સપોર્ટેશન મળતું ન હોય ત્યારે, ખરુંને? પણ શુભમ માટે કોટાથી જયપુરની એ સફર લિફ્ટ લઈને ટ્રાવેલ કરીને કઈ રીતે જીવિત રહી શકાય છે, ફરી શકાય છે એ ચકાસવાનો ટ્રાયલ-રન હતો. અને બસ, થઈ પડ્યું. તેણે નક્કી કર્યું કે હવે કરવું છે તો પ્રૉપર હિચ-હાઇકિંગ કરવું છે. માત્ર ૧૭ વર્ષની ઉંમરે તે પહોંચી ગયો રશિયા અને રશિયામાં સાવ અજાણ્યા વિસ્તારો, અજાણ્યા લોકો અને એથીયે વિશેષ અજાણી ભાષા. પણ શુભમે લિફ્ટ માગી-માગીને રશિયામાં ૩૦૦૦ કિલોમીટર જેટલું ફરી કાઢ્યું.

શુભમ ભારતથી શરૂ કરીને ભુતાન, મ્યાનમાર થઈ પૂર્વના એશિયાઈ દેશો તો પાછો બાય રોડ ગયો હતો, બોલો. ટ્રકવાળાને હાથ દેખાડીને બેસી જવાનું અને મંઝિલ નજીક આવે એટલે ઊતરી જવાનું. આપણને લાગશે કે આવું વળી કઈ રીતે શક્ય છે? એમ વળી બધા દેશોમાં બધા લોકો થોડી કંઈ લિફ્ટ આપી દેતા હોય? પણ સાચું કહીએ તો ભારતમાં આ કલ્ચર નથી. બાકી વિશ્વના મોટા ભાગના દેશો એવા છે જ્યાં અનેક લોકો આ રીતે અનેક જગ્યાએ ટ્રાવેલ કરતા હોય છે અને આ માટે એક સ્પેસિફિક શબ્દ છે, ‘અપ ટુ સ્ટૉપ.’ તમે લિફ્ટ માગીને જે-તે વાહનમાં સવાર થાઓ અને કહો અપ ટુ સ્ટૉપ એટલે પેલી વ્યક્તિ સમજી જાય છે કે આ મહાશય લિફ્ટ આપવા બદલ તેને એક પણ રૂપિયો આપવાના નથી.


સાઉથ આફ્રિકાનો દેશ લેસોથો.

રશિયા કઈ રીતે?

ભણવામાં હોશિયાર છોકરો રિઝલ્ટ જબરદસ્ત લઈ આવ્યો હતો. બસ, એ જ ભણતરને બહાનું બનાવીને શુભમે ઘરમાં જીદ શરૂ કરી કે મારે ભારતમાં ભણવું જ નથી, મારે વિદેશમાં ભણવું છે. વાસ્તવમાં એ સમયે આ જીદ ભણતર માટેની હતી જ નહીં. આ જીદ હતી કોઈ પણ રીતે બહાર જવાની. પપ્પાને લાગ્યું કે દીકરાને હમણાં જીદ કરવી સારી લાગે છે અને બહાર ભણવું પણ આકર્ષક લાગે છે, જ્યારે ખરેખર માથે પડશે ત્યારે સમજાશે. આથી પિતાએ કહ્યું, ‘પહેલાં તું વિદેશ જા, તપાસ કર અને જાણ કે અહીં બેઠાં-બેઠાં બોલીએ છીએ એટલું સરળ નથી વિદેશમાં અભ્યાસ કરવો.’

બસ, થઈ પડ્યું. ઘરમાંથી ૩૦,૦૦૦ રૂપિયા મળ્યા અને શુભમ નીકળી ગયો સીધો રશિયા. રશિયા જઈને કૉલેજ અને અભ્યાસક્રમોની તપાસ કરવાની હતી, પણ એ તો કરવી જ નથી એ પહેલેથી તેણે નક્કી જ કરી રાખ્યું હતું. લિફ્ટ માગીને ફરતા રહેવાની આ આવડતે રશિયામાં તેને એટલું સમજાવ્યું કે એકમાત્ર રશિયા નહીં આ રીતે, આખા વિશ્વના અનેક દેશો ફરી શકાય છે. પહેલો પ્રવાસ આ રીતે પૅશનમાં પરિણમી ગયો.

સ્ટ્રૉન્ગ પાસપોર્ટ અને વીક પાસપોર્ટ

એક દિવસ શુભમે તેનાં માતા-પિતાને કહ્યું કે તે સિવિલ સર્વિસિસની તૈયારીઓ માટે દિલ્હી જઈ રહ્યો છે. ઘરેથી સામાન ઉપાડ્યો, થોડા પૈસા ગજવામાં લીધા અને ભાઈસાહેબ નીકળી પડ્યા. મા-બાપને કહ્યા પ્રમાણે જવું જોઈતું હતું દિલ્હી, પણ શુભમભાઈ નીકળી પડ્યા મલેશિયાની ફ્લાઇટ પકડવા માટે.

આ આખું વિશ્વ દેખાદેખી પર ચાલે છે એ આપણે બધા જ જાણીએ છીએ. કંઈક આવી દેખાદેખી પાસપોર્ટ અને વીઝા અંગેની પણ છે. તમે નહીં માનો પણ વિશ્વના કેટલાક દેશો એવા છે કે જો તમે એ દેશના નાગરિક હો તો આખું વિશ્વ તમને અલગ દૃષ્ટિકોણથી જ જોવા માંડે. બીજા દેશો વીઝા તરત આપી દે, લગેજનું ખાસ ચેકિંગ થાય નહીં વગેરે... વગેરે... સમજો છોને? જેમ કે અમેરિકા, બ્રિટન, જપાન આ બધા એવા દેશો છે જેમનો પાસપોર્ટ તમારા હાથમાં હોય એટલે સામાન્યતઃ તમે પહેલી હરોળના મનુષ્ય બની જાઓ છો. ભારત પણ હવે ધીમે-ધીમે એ હરોળમાં આવવા માંડ્યું છે, પરંતુ હજી કેટલાંક વર્ષો પહેલાં આપણા દેશની એવી શાખ નહોતી કે બીજા દેશના લોકો અને વીઝા ઑફિસિસ તમને પહેલી હરોળની વ્યક્તિ તરીકે જુએ. ઇન્ટરનૅશનલ ટ્રાવેલમાં આવી પરિસ્થિતિને ‘નબળો પાસપોર્ટ’ તરીકે ઓળખવામાં આવે છે. જો તમે નબળા પાસપોર્ટહોલ્ડર છો તો તમને વીઝા નહીં મળે અથવા ડૉક્યુમેન્ટેશન વધુ કરવું પડે, અનેક ડૉક્યુમેન્ટ્સ અનેક વાર રિજેક્ટ થાય, વીઝા મળે તો લિમિટેડ ઍક્સેસ વીઝા મળે વગેરે... વગેરે અનેક મુશ્કેલીઓ નડતી હોય છે. એવામાં શુભમને પહેલી બે-ત્રણ ટૂરમાં સમજાઈ ગયું હતું કે તેણે પોતાની ટ્રાવેલ આઇટીનરી, ડૉક્યુમેન્ટેશન અને બજેટ-લગેજ બધું ખૂબ સંભાળીને પ્લાન કરવું પડશે. એવામાં ઇક્વેડોર ફરતી વેળા તો એક સમય એવો આવી ગયો હતો કે શુભમને લગભગ ડિપૉર્ટ જ કરી દે એમ હતું. કારણ શું ખબર છે? તેના પાસપોર્ટમાં વીઝા સ્ટૅમ્પિંગ માટે હોવા જોઈએ એટલા બ્લૅન્ક પેજ જ બચ્યાં નહોતાં. ઇક્વાડોરમાં એન્ટ્રી આપે તો આપે કઈ રીતે? કારણ કે વિદેશમાં પ્રવેશ દરમ્યાન ઍરપોર્ટ પર પાસપોર્ટના પાના પર જે થપ્પો લાગતો હોય છે એ સ્ટૅમ્પ મારવા માટે શુભમના પાસપોર્ટમાં એકેય ખાલી પાનું હતું જ નહીં. આ જે ભરપૂર ભરાયેલો પાસપોર્ટ હતો એ તો શુભમનો સાતમો પાસપોર્ટ હતો. આ પહેલાંના તેના છ પાસપોર્ટ અનેક દેશોના સ્ટૅમ્પ્સથી ભરાઈ ચૂક્યા હતા.

લિમિટેડ બજેટ અને અનલિમિટેડ સપનાં

સામાન્ય આર્થિક પરિસ્થિતિ અને કોઈ સ્ટેડી જૉબની બાંધી આવક પણ નહીં, પણ સપનું હતું વિશ્વ ખેડી લેવાનું. આવા સંજોગોમાં સપનાના માર્ગનો સૌથી મોટો રોડો બનતા હોય છે પૈસા. લિફ્ટ માગી-માગીને તમે અનેક દેશોની અંદર ફરી શકો, પણ એ માટે પહેલાં એ દેશ સુધી પહોંચવું પડેને? ફ્લાઇટના પૈસા, વીઝા માટેના પૈસા, જે-તે દેશમાં રોકાવા માટેના પૈસા... આ બધાનું શું? કારણ કે દરેક બાબતના પૂર્ણવિરામ પહેલાં એક જ શબ્દ આવતો હતો અને એ હતો પૈસા. શુભમે હિચ-હાઇકિંગ સાથે એક બીજો નુસખો અપનાવ્યો. જે દેશમાં જાય એ દેશમાં વૉલન્ટિયર તરીકે કંઈ ને કંઈ કામ શોધી કાઢે. ક્યારેક ક્યાંક ઘાસ કાપવાનું તો ક્યારેક સામાન ઉપાડવાનું, ક્યારેક કોઈ પાર્સલ પહોંચાડવાનું તો ક્યારેક રેસ્ટોરાંમાં ઉચક કામ કરી લેવાનું. કોઈ પણ પ્રકારનું કામ છે જ્યાં સ્વયંસેવકની જરૂર છે? તો શુભમ એવાં કામો શોધી કાઢે અથવા ક્યારેક કામો શુભમને શોધતાં આવે. જે પણ હોય, પણ આવું કરી-કરીને તે દર મહિને દસ-બાર હજાર રૂપિયા (જે-તે દેશમાં) કમાઈ લેતો. તેના માટે એવું તો હતું નહીં કે જ્યાં જાય ત્યાં માલેતુજાર હોટેલમાં રહેવું. એમ સમજી લો કે શુભમ માટે વિવિધ દેશોમાં ફરવું એ લાઇફસ્ટાઇલ નહોતી પણ જીવનનો એકમાત્ર વિકલ્પ હતો અને જ્યારે પૅશન કે જીદ જ જીવન બની જાય ત્યારે માણસ એ માટે કંઈ પણ કરી છૂટવા તૈયાર થઈ જાય છે.

એવામાં ભાઈસાહેબની યુટ્યુબ ચૅનલે પ્રતાપ કર્યો. પોતાની સફરની વાતો કરતા અને અનેક અલગ-અલગ દેશોથી વિડિયો અપલોડ કરતા શુભમના ફૉલોઅર્સ હવે સોશ્યલ મીડિયા પર વધવા માંડ્યા હતા. તેની યુટ્યુબ ચૅનલ અનેક લોકોને ઇન્ટરેસ્ટિંગ અને ઇન્સ્પિરેશનલ લાગવા માંડી હતી. ૧૭ વર્ષની ઉંમરે પહેલો વિડિયો અપલોડ કર્યો હતો એ ચૅનલ પર હવે શુભમ ૩૨ લાખથી વધુ સબસ્ક્રાઇબર્સ કમાઈ ચૂક્યો હતો. વ્યુઝ અને સબસ્ક્રાઇબર્સ બેઝને કારણે યુટ્યુબે પણ હવે તેને પૈસા ચૂકવવાનું શરૂ કર્યું હતું. વળી ઇન્સ્ટાગ્રામ પર પણ સાત લાખ ફૉલોઅર્સ. આ બન્ને સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ્સ હવે તેને દર મહિને માતબર રકમની કમાણી કરી આપતાં હતાં.


તિબેટ અને સિરિયા

ક્યારેક ઍડ્વેન્ચર, ક્યારેક મોટું જોખમ

હિચ-હાઇકિંગ, વૉલન્ટિયરિંગ, વર્લ્ડ ટ્રાવેલિંગ આ બધું આમ વાંચવામાં અને સાંભળવામાં પ્રેરણાદાયક લાગે એ સ્વાભવિક છે; પણ દર વખતે દરેક જગ્યાએ એટલું સરળ અને એટલું આનંદદાયક નથી હોતું. ગેબનની પોલીસે શુભમને અરેસ્ટ કરી લીધો. કારણ શું? ત્યાંની પોલીસને શક હતો કે શુભમ કોઈ ટ્રાવેલર નથી પરંતુ એક સ્પાય છે તો વળી મોઝૅમ્બિક ગયેલો શુભમ એક વિરોધ-પ્રદર્શનમાં ફસાઈ ગયો. બીજી તરફ કઝાખસ્તાનનો અનુભવ તો માનવામાં ન આવે એવો. લિફ્ટ માગી રહેલા શુભમને કઝાખસ્તાનની ભાષા ન આવડે અને લિફ્ટ આપનાર માણસને હિન્દી કે અંગ્રેજી ન આવડે. પણ તેણે લિફ્ટ આપી, શુભમ તેની કારમાં બેઠો અને તે ભાઈસાહેબ તો સીધા લઈ ગયા દેશના પાર્લમેન્ટ હાઉસ સુધી. શુભમને સમજાતું નહોતું કે આ કોણ છે અને તેને અહીં શા માટે લાવ્યો છે. થોડા સમય પછી તેને ખબર પડી કે તેને જેણે લિફ્ટ આપી છે તે તો કઝાખસ્તાનનો મેમ્બર ઑફ પાર્લમેન્ટ છે. એવા જ એક બીજા કિસ્સાની વાત કરીએ તો મલેશિયામાં શુભમ એક મલ્ટિ-મિલ્યનેરના ઘરે તેની સાથે રોકાયેલો.

માઇનસ ૪૦ ડિગ્રીથી લઈને માઇનસ ૭૨ ડિગ્રી સુધીના ટેમ્પરેચરમાં રહેતા લોકોને આ ભાઈસાહેબ ભારતથી જઈને મળી આવ્યા છે. એ સફરની વાત કહેતાં શુભમ એક અજાયબ અનુભવ કહે છે ‘રોડ ઑફ બોન્સ’ વિશેની. કહે છે કે ૨૦૦૦ કિલોમીટરનો એ રસ્તો માણસોનાં હાડકાંથી બન્યો છે. અર્થાત્, રસ્તો બનાવવા માટે વપરાતા પથ્થરોની સાથે એ રોડ બનાવવાના કામમાં જે કેદીઓને લગાડ્યા હતા તેઓ અત્યંત ઠંડીને કારણે એક પછી એક મૃત્યુ પામવા માંડ્યા. હવે તેમની લાશોને ક્યાં લઈ જઈને દાટવી? અધૂરામાં પૂરું, આગળના રસ્તાના કામ માટે પથ્થરો શોધવા પણ ક્યાં જવું? તો લોકોએ એ મૃત્યુ પામેલા લોકોનાં હાડકાંનો જ પથ્થર તરીકે ઉપયોગ કરી લીધો અને રોડ બનાવવા માંડ્યા. આથી એ રોડનું નામ જ પડી ગયું રોડ ઑફ બોન્સ!

ટૂંકમાં, માણસ જેટલું વધુ ફરે છે જિંદગી એટલા વધુ નવા-નવા અનુભવો કરાવે છે એ શુભમની વાતો સાંભળો ત્યારે સમજાઈ જાય છે. ગમે તે હોય પણ આ છોકરાની કહાની એટલો ભ્રમ તો તોડે જ છે કે કોઈ એક ગામડામાં જન્મવું કે મોટા થવું એ જિંદગીમાં કોઈ રીતે બૅરિયર નથી. અંગ્રેજી આવડવું કે ન આવડવું એ પણ બૅરિયર નથી જ નથી. કેટલાક લોકો માટે શુભમ એક ટ્રાવેલ-વ્લૉગર છે તો કેટલાક માટે એવો નવરોધૂપ છોકરો જે કામધંધો કશું કરતો નથી અને ભટક્યા કરે છે. જોકે કેટલાક લોકો એવા પણ છે જેમના માટે શુભમ એ ઇન્સ્પિરેશન છે જે સમજાવે છે કે જિંદગી જીવવાની ખરી મજા ત્યારે છે જ્યારે તમે તમારા સપનાને અનુસરો, જ્યારે આઉટ ધ બૉક્સ વિચારો, એ માટે જોખમ લેવા તૈયાર હો અને આઉટ ઑફ ધ બૉક્સ ખરેખર જ જીવો.

Whatsapp-channel Whatsapp-channel

17 May, 2026 12:46 PM IST | Mumbai | Aashutosh Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK