Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ટ્રાવેલ > આર્ટિકલ્સ > ચાલો ફરવાઃ ‘વૅલી ઑફ ફ્લાવર્સ’નો સોલો ટ્રેક કરવો હોય તો જાણો કેવી રીતે કરવું પ્લાનિંગ - ભાગ 6

ચાલો ફરવાઃ ‘વૅલી ઑફ ફ્લાવર્સ’નો સોલો ટ્રેક કરવો હોય તો જાણો કેવી રીતે કરવું પ્લાનિંગ - ભાગ 6

05 August, 2022 11:52 AM IST | Mumbai
Dharmishtha Patel | gmddigital@mid-day.com

ટ્રેકર ધર્મિષ્ઠા પટેલે વૅલી ઑફ ફ્લાવર્સના ટ્રેકનો અનુભવ બાદ આજે છઠ્ઠી કડીમાં તેમણે વિગતો આપી છે કે વૅલી ઑફ ફ્લાવર્સ ટ્રેક કરવો હોય તો કઇ સિઝનમાં કરવો, કેટલા ખર્ચાની તૈયારી રાખવી, કઈ ચીજો સાથે રાખવી, તમે જોઇ શકશો ટ્રેકિંગ શૂઝના અદ્ભૂત વીડિયોઝ પણ

વૅલી ઑફ ફ્લાવર્સ - તસવીર - ધર્મિષ્ઠા પટેલ

Travelogue

વૅલી ઑફ ફ્લાવર્સ - તસવીર - ધર્મિષ્ઠા પટેલ


 ‘વૅલી ઑફ ફ્લાવર્સ’ ભારતનો બેસ્ટ મોનસૂન ટ્રેક છે. ચોમાસા દરમિયાન ઉત્તરાખંડમાં લેન્ડસ્લાઈડની ઘટનાઓ બનતી હોય છે  જો કે જ સિઝનમાં આ ટ્રેક થાય છે. વૅલીને 1982માં ‘નેશનલ પાર્ક ઑફ ઈન્ડિયા’ અને 2005માં ‘યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ’માં સ્થાન મળ્યું છે.  અત્યારે આ ટ્રેકની સિઝન ચાલુ છે. જો તમે આ ટ્રેક પર જવા માગતા હોવ, તો આ આર્ટિંકલ તમારા માટે છે. અહીં એ બધું જ જણાવામાં આવ્યું છે જે તમે જાણવા માંગો છો. જેમ કે ટ્રેકના ડિફિકલ્ટી લેવલ, ખર્ચ, સ્ટેથી માંડીને તમામ ટીપ્સ આપવામાં આવી છે. જેને વાંચી તમે સોલો ટ્રીપ પણ પ્લાન કરી શકશો.

1. વૅલી ઑફ ફ્લાવર્સ ક્યાં આવેલ છે ?
વૅલી ઑફ ફ્લાવર્સ ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં સ્થિત છે.  જેની હાઈટ 3658 મીટર(14,100 ft)છે. જેને પહેલા ભ્યૂંદર વૅલી કહેવામાં આવતી હતી. સ્થાનિકોની અહીંયા અવરજવર હતી. જો કે 1931 માં બ્રિટિશ માઉન્ટેનીયર ફ્રેન્ક એસ. સ્મિથ અને તેમના સાથીઓ માઉન્ટ કામેટથી પરત ફરતી વખતે ભૂલા પડ્યા અને અહીં પહોંચી ગયા હતા. જેમણે આ જગ્યાને વૅલીઓ ફ્લાવર્સનું નામ આપ્યું. આ બાદ વૅલી બહારની દુનિયાના ધ્યાન પર આવી. ‘વૅલી ઑફ ફ્લાવર્સ’ નંદાદેવી બાયોસ્ફિયર રિઝર્વનો ભાગ છે. આ વૅલી 3049 મીટર (10, 003 ફીટ) પર રહેલ ઘાંઘરીયાથી 5 કિમીના અંતર પર સ્થિત છે. અહીં પહોંચવા માટે ગોવિંદઘાટથી ટ્રેક શરુ કરવો પડે છે.

જુઓ તસવીરોઃ ચાલો ફરવાઃ આ ટ્રેક મારી જીંદગીનો યુ ટર્ન સાબિત થવાનો હતો- વૅલી ઑફ ફ્લાવર્સ ભાગ 1

2. કેવી રીતે પહોંચશો ?
આ ટ્રેક માટે તમારે ગોવિંદઘાટ પહોંચવાનું રહેશે. નજીકનું રેલવે સ્ટેશન ઋષિકેશ અને હરિદ્વાર છે. જ્યાંથી ગોવિંદઘાટ અંતર અંદાજીત 266 કિમી છે.  નજીકનું એરપોર્ટ દહેરાદૂન (જોલી ગ્રાન્ટ એરપોર્ટ) છે. એરપોર્ટ પરથી ગોવિંદઘાટની ટૅક્સી અવેલેબલ છે. એ સિવાય તમે ત્યાંથી ઋષિકેશ આવીને પોતાની જર્ની શરુ કરી શકો છો.  આ સિવાય ઉત્તરાખંડ રાજ્યની બસ તમને ઋષિકેશ, હરિદ્વાર, જોશીમઠ કે ચમોલીથી મળી જશે. તેમજ પ્રાઈવેટ અથવા શેરિંગ વાહનો પણ મળી જશે. તમે દેવપ્રયાગ, રુદ્રપ્રયાગ, શ્રીનગર, કર્ણપ્રયાગ અને જોશીમઠથી બસ, પ્રાઈવેટ ટેક્સી કે શેરિંગ વાહન ગોવિંદઘાટ  પહોંચી શકો છો. બધેથી વાહન મળે છે.  ઋષિકેશથી જોશીમઠ આવી અહીં રાત્રી રોકાણ કર્યા બાદ બીજા દિવસે સવારે ગોવિંદઘાટ પહોંચી ટ્રેક શરુ કરી શકાય છે. જોશીમઠથી ગોવિંદઘાટનું અંતર 20 કિમીનું છે. જે તમે 30થી 40મીનિટમાં કાપી શકાય છે.





3.  કેટલા દિવસનો અને કેટલા કિલો મીટરનો ટ્રેક છે?
ગોવિંદઘાટથી શરુ થતો આ ટ્રેક 3થી 4 દિવસનો છે.  આ ટ્રેક કુલ 38 કિમીનો છે. જો તમે હેમકુંડ સાહિબ પણ કરો છો તો આ ટ્રેક 50 કિમીનો થઈ જાય છે.
જેને આ રીતે પ્લાન કરી શકો છે. સૌથી પહેલા દિવસે સવારે 7 વાગે ગોવિંદઘાટથી ઘાંગરિયાનો 14 કિમી(6થી 7 કલાક)નો ટ્રેક શરુ કરી શકો. જો તમે ગોવિંદઘાટથી 4 કિમી પર સ્થિત પુલના સુધી વાહનમાં જાવ છો તો આ અંતર 14ની જગ્યાએ 10 કિમી(5 કલાક) થઈ જશે. ઘાંગરિયામાં તમે હોટેલ, ગેસ્ટ હાઉસ કે ગુરુદ્વારામાં રોકાઈ શકો છે. ઘાંઘરીયામાં 2 નાઈટનું રોકાણ બુક કરો. બીજા દિવસે 7 વાગે ઘાંગરિયાથી 5 કિમી(2થી 3 કલાક) પર રહેલ ‘વૅલી ઑફ ફ્લાવર્સ’નો ટ્રેક શરુ કરો. જ્યાંથી બપોરના 4 વાગ્યા પહેલા પાછા ઘાંગરિયા આવી જાવ. ત્રીજા દિવસે વહેલી સવારે 4 કે 5 વાગે 6 કિમી( 3 કલાક) પર સ્થિત હેમકુંડ સાહેબનો ટ્રેક કરો. જો તમે આ જ દિવસે ગોવિંદઘાટ આવવા માંગતા હોવ તો હેમકુંડથી ઘાંગરિયા બપોરના 12 કે 1 વાગ્યા સુધીમાં પરત પહોંચી જાવ એવી તૈયારી રાખજો. ઘાંગરિયામાં બપોરનું ભોજન લઈ સીધા ગોવિંદઘાટનો 14 કિમી(4થી 5 કલાક)નો ટ્રેક કરી શકો છો. રાત્રી રોકાણ ગોવિંદઘાટમાં કરો. હેમકુંડ 2 વાગે બંધ થઈ જાય છે. જેથી 10 વાગ્યા પછી ટ્રેક કરવાની ભૂલ ન કરતા. જો તમે હેમકુંડથી સીધા ગોવિંદઘાટ આવવા ન માંગતા તો તમે ઘાંગરિયા વધું એક રાત રોકાઈ શકો છો.


જુઓ તસવીરોઃ ચાલો ફરવાઃ અહીં જ્ઞાની કાગડાને જોઈ ગરુડજીનો અહંકાર ભંગ થયો - વૅલી ઑફ ફ્લાવર્સ ભાગ 2

4. ટ્રેકનું ડિફિકલ્ટી લેવલ કેટલું છે અને બેસ્ટ સિઝન કઈ છે?
ટ્રેક ઈઝી ટુ મોડરેટ છે.  પહેલી વાર ટ્રેક કરનારા પણ સરળતાથી કરી શકે છે. જો કે અગાઉથી થોડુંક ફિટનેશ પર ધ્યાન આપવું પણ જરુરી છે. યાદ રહે આ 14 હજારથી 15 હજાર ફીટની હાઈટ ધરાવતો ટ્રેક છે. આ ટ્રેક જૂથી ઓક્ટોબર મહિના દરમિયાન થાય છે. બાકીના મહિના બરફ વર્ષના કારણે વૅલીનો ટ્રેક બંધ હોય છે.  ટ્રેકની બેસ્ટ સિઝન મધ્ય જૂલાઈથી આખો ઓગસ્ટ મહિનો. કેમ કે આ મહિના દરમિયાન વૅલીના ફુલો સંપૂર્ણ ખીલી ગયા હોય છે.    




5.  આ ટ્રેક કેમ પ્રખ્યાત છે?
આ વૅલીનું મુખ્ય આકર્ષણ અહીં થતા 500થી પણ વધારે પ્રકારના અલ્પાઈન ફુલ અને છોડ છે. અહીં બ્રહ્મકમળ અને બ્લૂ પોપીને નીહાળી શકો છો. વિશ્વમાં અપ્રાપ્ય અષૌધીનો આ ભંડાર છે. અહીનું વેજીટેશન અદભૂત છે. આ ઉપરાંત આ લુપ્ત પ્રાય અને ભાગ્યે જોવા મળતા વન્યજીવોનું રહેઠાણ છે. અહીં લુપ્તપ્રાય પક્ષીઓને નિહાળવાનો લહાવો મળે છે. આની ગણના નેશનલ પાર્કમાં થાય છે. તેમજ આ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ પણ છે. અહીનો પેનોરમા વ્યૂ કલ્પના કરતાં વધારે સુંદર છે. બુગ્યાલના ફુલ, છોડ, ઉંચા પહાડો, ગ્લેશિયર, નદી અને તાજી હવા મેડિશનનું કામ કરે છે.  ફોટોગ્રાફર્સ માટે બેસ્ટ લૉકેશન છે. દુનિયાના સૌથી ઉંચા ગુરુદ્વારાના દર્શન કરી શકાય છે. આ સ્થળ બોટનિસ્ટ, બર્ડ વોચર્સ, ટ્રેકર્સ અને એનિમલ લવર્સ માટે બેસ્ટ પ્લેસ છે.

જુઓ તસવીરો - ચાલો ફરવાઃ આખા વિશ્વમાં અપ્રાપ્ય ઔષધી અને ફુલોનો ખજાનો છે આ વૅલીમાં- ભાગ 3


6. કેટલો ખર્ચ થાય છે?
આ ફેમિલી સાથે થઈ શકે તેવો ટ્રેક છે.  પહેલી વાર  સોલો કરવા માંગતા હોય તેમના માટે બેસ્ટ પ્લેસ છે. આના માટે કોઈ ટ્રેકિંગ એજન્સીની જરુર નહીં પડે. તેમ છતાં તમે જે તે ટ્રેક ઓર્ગેનાઈઝર કંપનીઓ પાસે આ ટ્રેક બુક કરાવી શકો છો. જે 8000થી 12000 ફી ચાર્જ કરતા હોય છે. જો સોલો કે ગ્રુપ સાથે જાતે ટ્રેક પ્લાન કરશો તો ખુબ ઓછા ખર્ચમાં તેને કરી શકાશે.

7. જો સોલો બજેટ ટ્રાવેલ કરવા માંગતા હોવ તો આ રીતે કરી શકો ?
સવાલ 2 અને 3 ના જવાબના આધારે તમે તમારું ડેસ્ટિનેશન પસંદ કરી શકો છો. દરેક જગ્યાએ રાજ્ય સરકારની બસની સુવિધા છે. તો તેનો ઉપયોગ કરો નહીંતર શેરિંગથી જાવ. ઋષિકેશ, જોશીમઠ, ગોવિંદઘાટમાં હોટેલ, ગેસ્ટ હાઉસ કે સ્ટે માટેની જગ્યા રુ. 500થી લઈ રુ. 1000માં સારી એવી મળી જશે. ઋષિકેશ, જોશીમઠ અને ગોવિંદઘાટમાં ગુરુદ્વારા છે. જ્યાં તમને રુ. 600થી માંડીને રુ. 2500 સુધીના રુમ મળશે. જેમાં ડોરમેટરી પણ છે. ગુરુદ્વારામાં ફ્રીમાં રોકાવાની સુવિધા પણ છે. ઘાંગરિયાની વાત કરીએ તો અહીં ગઢવાલ રિઝનનું ગેસ્ટ હાઉસ, હોટેલ તથા લીમિટેડ હોમ સ્ટે છે. અહીં ગુરુદ્વારા ફ્રીમાં રહેવાની સુવિધા આપે છે. તમામ જગ્યાએ જમવાની કોઈ તકલીફ નહીં પડે.

જુઓ તસવીરો - ચાલો ફરવાઃ દુનિયામાં સૌથી વધુ ઉંચાઇ પર ગુરુદ્વારા, બ્રહ્મકમળ અને આધ્યાત્મિકતા ભાગ 4


8. ટ્રેક પર જતા પહેલા શું તૈયારી કરશો?
આ ટ્રેક ચોમાસા દરમિયાન થાય છે. જેથી તમે ટ્રેક દરમિયાન રેઈનકોટ કે પોંચો અવશ્ય સાથે રાખો. તમારા રકસૅકનું રેઈન કવર પણ સાથે રાખો. રકસૅકની અંદરનો સામાન પણ પોલિથીનની અંદર પેક કરીને જ મુકો. તમારા ટ્રેકિંગ બૂટ વૉટરપ્રૂફ અને સારી ગ્રીપવાળા હોય તે ખૂબ જરુરી છે. સાથે વૉકિંગ સ્ટિક તમને જરૂર હોય તો રાખી શકો છો બાકી ન હોય તો પણ ચાલે. એક જોડી વૂલન કપડાં પણ રાખવા. જો તમે પહેલી વાર હાઈએલ્ટિટ્યૂડ પર જઈ રહ્યા છો. તમને હાઈએલ્ટિડ્યૂડનો અનુભવ નથી તો હેમકુંડ ટ્રેક દરમિયાન પોર્ટેબલ ઓક્સિજન બોટલ સાથે રાખી શકો છો. તમે રોજિંદા જીવન દરમિયાન કોઈ દવા લેતા હોવ તો તેને અચૂક સાથે રાખવી. થોડા ડ્રાયફ્રુટ અને ખજુર પણ રાખી શકો છો.



9. તમારા કામની કેટલીક મહત્વની માહિતી
ઘાંગરિયાથી વૅલી ઑફ ફ્લાવર્સના ટ્રેક માટે ઘાંઘરિયાથી વૅલીના માર્ગમાં આવતી આર્મી ચેક પોસ્ટ પર ટિકીટ ખરીદવી પડશે. ભારતીયો માટે આ ટીકિટ 150 રુપિયાની અને વિદેશીઓ માટે 600 રુપિયાની છે. આ ટિકીટ 3 દિવસ માટે માન્ય રહે છે.  ગોવિંદઘાટથી ઘાંગરિયાનો 14 કિમીનો ટ્રેક ન કરવો હોય તો તમે હેલિકોપ્ટરની સુવિધા લઈ શકો છો. જેનો એક તરફના રુટનો ખર્ચ 3000 છે. જે 4 મિનિટમાં ઘાંગરિયા પહોંચાડશે. આ ઉપરાંત અહીંથી ખચ્ચર કે ઘોડા પર તમે ઘાંઘરિયા પહોંચી શકો છો.  તમે ટ્રેક ચાલીને કરો અને તમારો સામાન ખચ્ચર કે ઘોડા પર લાદી શકો છો. ગોવિંદઘાટથી ઘાંગરિયાના ટ્રેક 14 કિમીનો છે, પણ પુલના (4 કીમી) સુધી શેરિંગ વાહન જાય છે. જેથી તમે પુલના સુધી શેરિંગમાં જઈ ત્યાંથી ટ્રેક કરો તો ટ્રેકનું અંતર 10 કિમીનું થઈ જશે. ગોવિંદઘાટ પર પાર્કિંગની વ્યવસ્થા છે. તમે પોતાની કાર કે બાઈક લઈને ગયા છો તો ત્યાના  પાર્કિંગમાં 600 રુપિયાના ચાર્જ  પર મુકી શકો છો. ગોવિંદઘાટ પરના ગુરુદ્વારા પર પોટેબલ ઓક્સિજન બોટલ મળે છે. જો તમને જરુર લાગતી હોય તો ત્યાં પૈસા ચૂકવી તેને લઈ શકો છો. અને જો તમને ઉપર ઓક્સિજનની બોટલ ખોલાવાની  જરુર ઉભી નથી થઈ તો તમે સીલ પેક બોટલ પરત કરશો તો તમને તેઓ પૈસા પાછા આપી દેશે. ઘાંગરિયામાં કોઈ મેડિકલ ઈમરજન્સી આવે તો ગભરાશો નહીં ત્યાના ગુરુદ્વારામાં ઓક્સિજન સહિતની મેડિકલ ફેસિલિટી છે. તેઓ મદદ કરે છે.  આખો ટ્રેક ફ્રી પ્લાસ્ટિક ઝોન છે. તો પ્રયત્ન કરજો કે તમે નેચરને સાચવવામાં સ્થાનિકોને મદદ કરી શકો.

જુઓ તસવીરો-  ચાલો ફરવાઃ આ ગુફામાં વેદ-પુરાણની રચના થઈ, અહીંથી છે સ્વર્ગનો રસ્તો- ભાગ 5

 

Whatsapp-channel Whatsapp-channel

05 August, 2022 11:52 AM IST | Mumbai | Dharmishtha Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK