Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ટ્રાવેલ > આર્ટિકલ્સ > ભાગવત કથા કહેવાની પરંપરા અહીંથી શરૂ થઈ

ભાગવત કથા કહેવાની પરંપરા અહીંથી શરૂ થઈ

20 April, 2023 05:10 PM IST | Mumbai
Alpa Nirmal

ચારધામની તળેટી કહી શકાય એવા હરિદ્વારથી જસ્ટ ૮૧ કિલોમીટરના અંતરે આવેલું શુક તીર્થ મહાભારતકાલીન સ્થળ છે જ્યાં અર્જુનના પ્રપૌત્રએ પહેલી વખત ભાગવત કથાનું શ્રવણ કર્યું હતું

શુક્રતાલ ગંગા ઘાટ તીર્થાટન

શુક્રતાલ ગંગા ઘાટ


મુઝફ્ફરનગર જિલ્લામાં શુકતીર્થ ઉપરાંત ભૈરો મંદિર પણ ખૂબ પ્રખ્યાત છે જ્યાં દર શિવરાત્રિએ મોટો મેળો ભરાય છે. તો વહેલના ગામે દિગંબર જૈનોનું પ્રાચીન મંદિર છે. અહીં મસ્જિદ, શિવમંદિર અને દેરાસર અડોઅડ એક જ દીવાલ શૅર કરે છે.

દરેક વૈષ્ણવ ધર્મના અનુયાયીઓને જીવનમાં એક વખત ભાગવત કથા કરાવવાની અભિલાષા હોય છે. જો ફાઇનૅન્શિયલ દૃષ્ટિએ સંપૂર્ણ આયોજન કરવાનું શક્ય ન હોય તો જ્યાં ભાગવત કથા થવાની હોય ત્યાં એક ભાગવત પોથીના યજમાન બની સૌભાગ્યશાળી બને છે. એ પણ પૉસિબલ ન હોય તો કથાકારના વચને શ્રીમદ ભાગવતનું શ્રવણ કરવાની ઇચ્છા રાખે છે. પણ શું તમને ખ્યાલ છે આ પવિત્ર ભાગવત કહેવાની, સાંભળવાની પરંપરા ક્યાંથી શરૂ થઈ, ક્યારે અને કયા સંજોગોમાં શરૂ થઈ? એ માટે ટાઇમ મશીન મારફત આપણે પહોંચીએ, સાડાપાંચ હજાર વર્ષ પૂર્વના કાળમાં. આજના ઉત્તર પ્રદેશ કહેવાતા પ્રદેશમાં ગંગાના તટે એક અરણ્યમાં શમીક ઋષિનો આશ્રમ આવેલો છે. શમીક ઋષિનો પુત્ર શૃંગી તેમ જ અન્ય ઋષિકુમારો અહીં રહી અધ્યયન કરી રહ્યા છે. એક દિવસ સર્વે વિદ્યાર્થીઓ જંગલમાં ગયા હતા અને શમીક ઋષિ આશ્રમમાં રહી ધ્યાનસાધના કરી રહ્યા હતા. ત્યાં પરીક્ષિત રાજા ક્ષુધાતુર થતાં આ આશ્રમમાં આવી ચડ્યા. તેમણે આશ્રમમાં તપાસ કરી કે ક્યાંકથી જળ મળી જાય તો તરસ બુઝાવું. પરંતુ શોધખોળ કરવા છતાં તેમને પાણી ન દેખાયું. આથી તેમણે ધ્યાનસ્થ ઋષિને પાણી આપવાની વિનંતી કરી. શમીક ઋષિને તો સમાધિ લાગી ગઈ હતી. રાજાની બે-ત્રણ વિનંતી તેમને સંભળાઈ નહીં. ને રાજા પરીક્ષિતને ક્રોધ ચડ્યો. ગુસ્સામાં હસ્તિનાપુરનરેશે એક મરેલો સાપ ધ્યાનમગ્ન ઋષિના કંઠમાં નાખી દીધો અને ત્યાંથી ચાલ્યા ગયા. એક ઋષિકુમારે રાજાને આશ્રમમાં આવતાં જોઈ લીધા હતા. આથી તે શૃંગી અને અન્ય કુમારોને કિંગના સ્વાગત માટે જંગલમાં બોલાવવા ગયા. વિદ્યાર્થીઓ સહિત ઋષિપુત્ર આશ્રમ પહોંચ્યા ત્યાં તો રાજા ચાલ્યા ગયા હતા. ને સમાધિમાં બેઠેલા પિતાના ગળામાં  મૃત સાપ જોયો. એ દૃશ્ય જોઈ શૃંગી ઋષિને પણ બહુ ક્રોધ ચડ્યો અને તેમણે શ્રાપ આપ્યો કે આ દુષ્કૃત્ય કરનારનું આજથી સાત દિવસ બાદ સર્પદંશથી મૃત્યુ થશે. શમીક ઋષિના કંઠમાંથી સાપ કાઢતાં-કાઢતાં તેમની સમાધિ તૂટી અને તેમણે ઘટના વિશે પૂછ્યું. પુત્રએ આખો બનાવ કહેતાં ઋષિપિતાએ કહ્યું, ‘પરીક્ષિત રાજાના આવા સામાન્ય અપરાધને લઈને તેં જે શ્રાપ આપ્યો છે એ ખોટું છે, અશોભનીય છે. આનો અર્થ થાય છે કે હજી તને સત્ય જ્ઞાન પ્રાપ્ત થયું નથી. તું ભગવાનના શરણમાં જઈ પશ્ચાત્તાપ કર, તપ કર અને પ્રાયશ્ચિત્ત માગ.’


આ બાજુ પરીક્ષિત રાજાને રાજભવન પહોંચતાં-પહોંચતાં પોતે કરેલો ક્રોધ અને ખરાબ આચરણ કર્યાનું સમજાયું અને ખૂબ દુઃખ થયું. તપસ્વી ઋષિની માફી કઈ રીતે માગવી એ વિચારતા જ હતા ત્યાં શમીક ઋષિના આશ્રમમાંથી એક શિષ્ય રાજા પાસે પહોંચ્યા અને આશ્રમમાં તેમનો યોગ્ય સત્કાર ન થયો એ બદલ ક્ષમા માગી, સાથે જ શૃંગીએ આપેલા શ્રાપની વાત કરી. પરીક્ષિત રાજાને થયું પોતે કરેલા દુષ્કૃત્યનો આ યોગ્ય દંડ છે. તેમણે વિચાર્યું કે આ શ્રાપ તો મારા માટે આશિષ સમાન છે. કોઈને ખબર નથી હોતી કે તેમનું આયુષ્ય કેટલું છે કે તેમનો અંત ક્યારે, કયા સંજોગોમાં થશે. પણ મને તો ખ્યાલ છે. હવે જ્યારે મારે સાત દિવસ જ જીવવાનું છે એવી જાણ થઈ ગઈ છે તો હું બચેલો સમય ઈશ્વરનું ચિંતન-મનન- ધ્યાન-આરાધના કરું. અને એ માટે તેઓ ભાગવત રચયિતા વેદવ્યાસના પુત્ર શુકદેવ મુનિ પાસે ગયા અને ભાગવત કથા સંભળાવવાની યાચના કરી. શુકદેવજીએ અર્જુન પૌત્ર અને માતાના ગર્ભમાં જ ચક્રવ્યૂહના ૬ કોઠા ભેદવાનું જ્ઞાન પામેલા અભિમન્યુના પુત્ર પરીક્ષિતને એક વડના વૃક્ષની નીચે ભાગવત કથા કહી અને ભાગવત સપ્તાહ કહેવા-સાંભળવાની પરંપરા શરૂ થઈ.


ચીર યૌવનનું વરદાન પામેલું અક્ષય વટ

‘ટિક... ટિક... ટિક... ટાઇમ મશીન ટેક મી બૅક ટુ 20 એપ્રિલ, 2023. શુકતાલ, શુક્રતાલ કે શુક્ર તીર્થ નામે જાણીતા આ તીર્થમાં આજે પણ એ વડ વૃક્ષ ઊભું છે જે પહેલા ભાગવત પઠનનું સાક્ષી બન્યું હતું. સાડાપાંચ હજાર વર્ષ પૂર્વેથી અડીખમ ઊભેલા આ વટવૃક્ષને ચીર યૌવનનું વરદાન છે. એટલે જ પાનખર ઋતુમાં પણ એનાં પાંદડાં ખરતાં નથી. તેમ જ અન્ય વડની જેમ એને વડવાઈ નથી. અસંખ્ય શાખા, પ્રશાખાયુક્ત વિશાળ ઘેરાવો ધરાવતા આ તરુવરની છાયામાં જવા, બેસવા માત્રથી એક અલૌકિક અનુભૂતિ થાય છે. વૃક્ષના સંકુલમાં જ શુકદેવ અને રાજા પરીક્ષિતની મૂર્તિ ધરાવતું નાનું ચરણદાસ મંદિર છે. તો એ કૉમ્પ્લેક્સમાં જ વિઠ્ઠલ મંદિર, યજ્ઞશાળા, ગૌશાળા અને સંસ્કૃત વિદ્યાલય સહિત અનેક પ્રાચીન-અર્વાચીન દેવાલયો છે. જોકે હજારો વર્ષ પૂર્વેના આ સ્થળે નાનાં મંદિરો, દેવાલયો, દેરીઓ બન્યાં, ધ્વસ્ત થયાં, પુનઃ નિર્માણ પામ્યાં. પરંતુ હાલ જે ગુલાબી મંદિર ઊભું છે એ લગભગ ૧૩૦-૧૩૫ વર્ષ પહેલાં બનેલું છે. ૧૫૦ ફીટની ઊંચી ટેકરી પર આવેલું અક્ષય વટ વૃક્ષના આ કૉમ્પ્લેક્સમાં જ અનેક કથા હૉલ પણ છે જ્યાં ભક્તો દ્વારા બારે મહિના ભાગવત સપ્તાહ કરાવાતી રહે છે. વર્ષના ખાસ દિવસોમાં તો અહીં એકસાથે ત્રણ-ચાર કથા ચાલતી હોય એવું પણ બને છે. સ્થાનિકો અને મુઝફ્ફરપુર જિલ્લાના રહેવાસી શ્રદ્ધાળુઓનું તો અહીં આવાગમન રહે જ છે. એ સાથે મહારાષ્ટ્ર, કર્ણાટક, તામિલનાડુ તેમ જ ઉત્તર પ્રદેશના વૈષ્ણવ પરંપરાના ભક્તો પણ જીવનમાં એક વખત શુકતીર્થનાં દર્શનાર્થે આવવાનું પ્રયોજન કરે છે.

૬૮ તીર્થોમાં સર્વેશ્રેષ્ઠ મોક્ષદાયક તીર્થ ગણાતી આ પાવન ભૂમિની નજીકમાં જ ગંગા નદી વહે છે જે શુક્રતાલ તરીકે જાણીતી છે. તીર્થ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના અંતર્ગત અહીં સરસ પાકો ઘાટ બનાવાયો છે, જે નદી સ્નાન કરવા માટે તો સેફ છે જ સાથે મા ગંગાના સાંનિધ્યમાં થોડો સમય શાંતિથી વ્યતીત કરવા માટેની પણ પર્ફેક્ટ પ્લેસ છે. અને હા, અહીં નૌકાવિહાર પણ કરી શકાય છે. શુક્રતાલ તરીકે જાણીતી આ મંદિરોની નગરીમાં નીલકંઠ મહાદેવનાં પણ બેસણાં છે તો દુર્ગાધામમાં શાકમ્બરી દેવી બિરાજમાન છે. ગંગા મંદિર, અર્વાચીન રવિદાસ મંદિર પણ દર્શનીય. જોકે આ વિસ્તારમાં પ્રવેશતાં જ ૭૨ ફીટના હનુમાન દાદા દરેક ભક્તને જાણે હેલો કહેતા હોય એવી ફ્રેન્ડ્લી મુદ્રામાં છે. રામ-જાનકી-હનુમાનનું નાનું પૂજનીય મંદિર પણ અહીં  છે. બાલ બ્રહ્મચારી રામ સેવકની સાથે આ જ વિસ્તારમાં દુંદાળા દેવ ગણપતિનું પણ ગણેશધામ છે. અક્ષય વટવૃક્ષની નજીક વસવાટ કરતા ગજાનન અહીં ૩૫ ફીટ ઊંચા છે. ઉપરાંત નક્ષત્ર વાટિકા, કારગિલ મેમોરિયલ જેવાં ઍટ્રૅક્શન પણ અહીં છે.

હનુમંત ધામ ગૅલરી

મોસ્ટ્લી, વન ડે તીર્થધામ તરીકે પ્રખ્યાત આ આધ્યાત્મિક ભૂમિમાં રહેવા માટે જૂના-નવા આશ્રમો સિવાય અન્ય વિકલ્પ નથી. હા, જમવામાં દાળ, રોટી, સબ્જી મળી જાય. શુકતાલ યોગીની નગરી ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાં આવેલું છે. જિલ્લા મથક મુઝફ્ફરનગરથી શુક્રતાલ ફક્ત ૨૮ કિલોમીટર છે અને પાંડવોની રાજધાની હસ્તિનાપુરથી ૫૮ કિલોમીટર છે. પાટનગર દિલ્હીથી અહીં ડાયરેક્ટ ટ્રેન જાય છે અને મુઝફ્ફરનગરથી શુકતાલ પહોંચવા લોકલ બસ-ટૅક્સી મળી રહે છે. અને જો દિલવાલી દિલ્હીથી બાય રોડ જાઓ તો એક ઑપ્શન બુઢાણા હાઇવેનો છે જે સીધો મુઝફ્ફરનગર પહોંચાડશે અને  બીજો બ્યુટિફુલ ઑપ્શન ઇઝ અપર ગંગા કનૅલ રોડ, એક બાજુ શેરડીનાં ખેતરો અને બીજી બાજુ ગંગા નદીની વચ્ચે બનેલા રોડ પર ૧૬૦ કિલોમીટર ડ્રાઇવ કરો એટલે ઝટ આવે મુઝફ્ફરનગર. 

પૉઇન્ટ બ્લૅન્ક 

કહે છે કે શુકદેવજી જ્યારે ધર્મ ચક્રવર્તી સમ્રાટ પરીક્ષિત મહારાજાને ભાગવત કથા સુણાવી રહ્યા હતા ત્યારે એના રચયિતા વેદવ્યાસ સહિત વિશ્વામિત્ર, વશિષ્ઠ ઋષિ ઉપરાંત અન્ય ૮૮ હજાર તપસ્વી, વિદ્વાન ઋષિમુનિઓ પણ હાજર હતા. એ સર્વેની ચરણરજથી પવિત્ર થયેલી આ પુણ્યભૂમિ જ્ઞાનગંગા અને ભાગીરથી ગંગાનું મિલન સ્થળ છે. એ સાથે જ પુરાણોમાં ઉલ્લેખ છે કે સમુદ્રમંથન બાદ અમૃત ભરેલા ઘડાને દેવતાઓ આ ભાગવત પીઠમાં લઈ આવ્યા હતા.

Whatsapp-channel Whatsapp-channel

20 April, 2023 05:10 PM IST | Mumbai | Alpa Nirmal

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK