Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ટ્રાવેલ > આર્ટિકલ્સ > કાલારામ છે રાઘવનું રૌદ્ર સ્વરૂપ

કાલારામ છે રાઘવનું રૌદ્ર સ્વરૂપ

Published : 28 December, 2023 08:49 AM | Modified : 28 December, 2023 09:57 AM | IST | Nashik
Alpa Nirmal

નાશિકના પંચવટી વિસ્તારનાે કણ-કણ આજે પણ પ્રભુનાં પગલાંથી પાવન થયેલી ભૂમિની સાક્ષી પુરાવે છે. એમાં પણ અહીંના કાલારામનું વિગ્રહ તો વિશ્વની અદ્વિતીય પ્રતિમાઓમાંનું એક છે

ના​શિકનું  પંચવટી કાલારામ મંદિર

તીર્થાટન

ના​શિકનું પંચવટી કાલારામ મંદિર


શ્રી રામ મર્યાદાપુરુષોત્તમ છે. વિનમ્ર, આત્મનિયંત્રિત તથા સદાચારી દશરથપુત્ર. તેઓ રાજકુમાર હોવા છતાં સૌમ્ય તેમ જ જગતના જીવમાત્ર પ્રત્યે દયા દાખવનાર રાજવી છે. રામનું સમગ્ર ચરિત્ર મનુષ્યધર્મ શું છે, માનવજીવનનાં કર્તવ્ય કયાં છે એની શીખ આપે છે. પિતાએ પત્ની કૈકેયીને આપેલું વચન પાળવા આ સદ્પુરુષે  રાજમહેલની ગાદી છોડી ૧૪ વર્ષ વનમાં જઈને કઠિન જીવન પાળ્યું છે. આવા સરળ અને સંયમી અયોધ્યાના રાજકુમારના રૌદ્ર સ્વરૂપની કલ્પના કરવી પણ આપણા માટે મુશ્કેલ છે. જોકે એક વેળા રામ ઋષિમુનિઓને રંજાડનાર અસુરો અને રાક્ષસો સામે રૌદ્ર રૂપ ધારણ કરીને  તેમનો વધ કરે છે ત્યારે નીલવર્ણ રામ ક્રોધથી શ્યામરંગી થઈ જાય છે અને એ જ સ્વરૂપની પ્રાચીન મૂર્તિ બિરાજમાન છે ના​શિકના પંચવટીના કાલારામ મંદિરમાં.

મહારાષ્ટ્રના ઉત્તર ભાગમાં વસેલું નાશિક ગુજરાતીઓની દરેક જનરેશનનું ફેવરિટ શહેર છે. અલબત્ત, દરેક પેઢીનું લાઇકિંગ ભિન્ન છે. જોકે નાશિકની આ વર્સેટા​લિટીને કારણે જ નગરની ઐતિહાસિકતા, પૌરાણિકતા ​વિસરાઈ રહી છે. જેવી રીતે એક સમયે સેંકડો ઋષિઓની સાધના ભૂમિ, વિષ્ણુનું નિવાસસ્થાન રહેલું હૃષીકેશ એની પવિત્રતા, ધાર્મિક મહત્ત્વને બદલે ઍડ્વેન્ચર અને ટૂરિસ્ટ ધામ તરીકે પ્રસિદ્ધ થઈ ગયું છે એ જ રીતે નાશિક પણ એનું સત્ત્વ ખોઈને વિન્યર્ડ્સ તેમ જ ગિરિમથક માટે ફેમસ થઈ રહ્યું છે. વેલ, અહીં આધુનિકતા અપનાવવી કે વિકાસનો વિરોધ બિલકુલ નથી, પરંતુ જે-તે સ્થાનની આધ્યાત્મિક વૅલ્યુની અવગણના કેમ?



ખેર જાગ્યા ત્યારથી સવાર માનીને હવે જ્યારે નાશિકની આજુબાજુ જાઓ ત્યારે પંચવટીમાં આવેલી સીતા ગુફા, રામકુંડ, કપાલેશ્વર મહાદેવાલય તેમ જ કાલારામ મંદિર જોવા જરૂર જજો. એ જ રીતે ત્યાંથી સાડાત્રણ કિલોમીટરના અંતરે આવેલા તપોવનના કપિલા ગોદાવરી સંગમમાં પણ આચમન અચૂક કરી આવજો. હવે ઝાઝો સમય વ્યર્થ કર્યા વગર આપણે ઊપડીએ કાલારામ મંદિર. ઈ. સ. ૧૭૭૮થી ૧૭૯૦ દરમિયાન નાશિકમાં પેશ્વાની સરકાર હતી ત્યારે પેશ્વા સરદાર રંગરાવ ઓઢેકરે અહીં કાળા પથ્થરમાંથી વિશાળ પરસાળ ધરાવતું શિખરબંધ મંદિર બનાવડાવ્યું. મરાઠા વંશીય રંગરાવ ઓઢેકરને એક રાત્રે સ્વપ્ન આવ્યું કે આ સ્થળની નજીક આવેલા જળાશયમાં રામની મૂર્તિ છે. સપનાની ખરાઈ કરવા તેમણે બાહોશ તરવૈયાઓને જળમાં ઉતાર્યા અને ખરેખર એ તળાવમાંથી રામની મૂર્તિ નીકળી. એક માન્યતા પ્રમાણે રામ સાથે લક્ષ્મણ અને સીતામાતા તેમ જ હનુમાનજીની પ્રતિમાઓ પણ એ જળાશયમાંથી જ સાંપડી હતી. જોકે અન્ય મત કહે છે, રંગરાવને રામ ભગવાનનું શ્યામરંગી વિગ્રહ સાંપડતાં તેમણે રામ પરિવારની અન્ય મૂર્તિઓ પણ શ્યામરંગ બનાવડાવી અહીં મંદિરમાં પ્રતિષ્ઠિત કરાવી.
જોકે સ્થાનિકો અને દેશભરના રામભક્તો માટે મૂર્તિ ક્યારની છે, કોણે બનાવડાવી છે કે સ્વયંભૂ છે એ ઈમ્પોર્ટન્ટ નથી. તેમના માટે મહત્ત્વ છે પોતાના શ્રદ્ધેય પ્રભુનું આ દુર્લભ સ્વરૂપ. રામજીની આ પ્રતિમા બે રીતે ભિન્ન છે. 


પુરાણોમાં ઉલ્લેખ પ્રમાણે રામ અને કૃષ્ણ બેઉ નીલવર્ણ. કાળો કાનુડો કામણગારો કહેવાયો અને તેની પ્રાચીન-અર્વાચીન પ્રતિમા શ્યામ જોવા મળે. પરંતુ સીતાના ભરથાર પણ નીલરંગી હોવા છતાં મંદિરમાં રામ મોસ્ટ્લી શુભ્ર વર્ણના હોય. હા, ઉત્તર ભારતમાં રામની મૂર્તિ ઉપર બ્લુ ઑઇલ પેઇન્ટનો લપેડો જોવા મળે ને ઍન્ટિક પટ્ટચિત્રોમાં ગ્રીન કે ભૂરા રંગના માધ્યમે પ્રભુને અન્ય પાત્રોથી અલગ દર્શાવવામાં આવે છે. પરંતુ કાળા આરસમાંથી નિર્મિત રામ તો અલભ્ય છે. 

બૅક ટુ કાલારામ. આપણે આ મૂર્તિની બે વિશેષતાની વાત કરી રહ્યા હતા. પહેલી એ કે આ રામ મૂર્તિ કાળી છે (આથી તેને કાલારામ કહે છે) બીજું, તેમની મુદ્રા યુનિક છે. જનરલી રામની મૂર્તિમાં તેમના હાથમાં તીરકામઠું હોય. પરંતુ અહીં રઘુકુલનો જમણો હાથ તેમની છાતી ઉપર રેસ્ટ છે. (જાણે કહેતા હોય ‘ઑલ ઇઝ વેલ’ ) અને ડાબી હથેળી નીચેની બાજુ ખુલ્લી છે. દેવી સીતાના બેઉ હસ્ત ખુલ્લા છે. તો ભ્રાતા લક્ષ્મણનો ડાબો હાથ નીચેની તરફ ખુલ્લો છે ને જમણો હાથ ઉપરની તરફ ઊઠેલો છે. મુખ્ય મંદિરની સામે ગર્ભગૃહમાં ભગવાન હનુમાન હાથ જોડી શ્રી રામ જય રામનો જાપ કરતા હોય એવી મુદ્રામાં છે. મારુતિનંદનની આંખો પ્રભુનાં ચરણો તરફ જોઈ રહી હોય એ રીતે નજર નીચી છે. બજરંગબલિના મંદિર પાસે સદીઓ પૂર્વેનું વૃક્ષ પણ છે જેની પાસે રાખેલા એક પથ્થર પર ભગવાન દત્તાત્રેયનાં પાદચિહ્ન અંકિત છે. કહેવાય છે કે તેઓ અહીં પધાર્યા હતા. એ ઉપરાંત ૧૩મી સદીમાં ચક્રધર સ્વામી, ૧૫મી સદીના અંતમાં સંત એકનાથ મહારાજ, શ્રી સમર્થ રામદાસ સ્વામી તેમ જ મહાન સંત શ્રી ગજાનન મહારાજ પણ પ્રભુનાં દર્શનાર્થે આવી ચૂક્યા છે અને મંદિરના ઇતિહાસ અનુસાર આ સંત મહાત્માઓને પ્રત્યક્ષ સ્વરૂપે અહીં શ્રીરામે દર્શન આપ્યાં હતાં.


આમ તો ચારે દિશામાં પ્રવેશદ્વાર તેમ જ અનેક સ્તંભો તેમ જ કમાનયુક્ત વિશાળ પરસાળ તથા બે રંગમંડપ ધરાવતું આ મંદિર પાંચસો વર્ષ પૂર્વે બનેલું છે પરંતુ અનેક સંતકથાઓમાં ઉલ્લેખ છે કે આ ટેમ્પલ પહેલાં પણ આ ભૂમિમાં મંદિર હતાં જે કાળક્રમે જીર્ણ કે ધ્વસ્ત થઈ ગયાં હશે. કહેવાય છે કે હાલમાં આ દેવાલય જ્યાં છે એ જ સ્થળે રામ વનવાસ દરમિયાન પર્ણકુટિ બાંધીને રહ્યા હતા.

રામ, જાનકી, લક્ષ્મણના આ ભૂમિ પર પધારવાની કથા આપણે થોડી વિસ્તારમાં જાણીએ તો ૧૪ વર્ષના વનવાસ માટે રામ અયોધ્યાથી નીકળી તમસા નદીના તટે આવ્યા, એ પાર કરી ભાગીરથીના કિનારે પધાર્યા. નાવમાં બેસીને તે સરિતા ક્રૉસ કરી તેઓ પ્રયાગના ત્રિવેણી સંગમ પર પહોંચ્યા. ત્યાંથી ભારદ્વાજ ઋષિના આશ્રમમાં જઈ ચિત્રકુટ તરફ ગયા અને ચિત્રકુટમાં પર્ણકુટી બનાવી રહેવા લાગ્યા. ભરત અને રામનું મિલન ચિત્રકુટમાં જ થયું હતું. જ્યાંથી ભરત વડીલ ભ્રાતાની પાદુકા લઈ ગયા અને અયોધ્યાની ગાદી ઉપર પતિષ્ઠિત કરી પોતે રાજ્યના કાર્યકારી બની રહ્યા. આ ચિત્રકુટના વનપ્રદેશમાં અન્ય બ્રાહ્મણો અને તપસ્વીઓ પણ વસવાટ કરી રહ્યા હતા. તેઓ પ્રભુ રામને મળ્યા અને આ પ્રદેશ છોડી જવાની વાત કરી, કારણ કે અહીં રાક્ષસોને ખૂબ આંતક હતો.

ચિત્રકુટથી કૌશલ્યાનંદન દંડકારણ્યમાં પ્રવેશ્યા અને અહીં નિવાસ કરતાં ઋષિ અત્રિ અને દેવી અનસૂયાના આશીર્વાદ લઈ વિરાધ નામે રાક્ષસને પરાસ્ત કર્યો. ત્યાર બાદ તેઓ અનેક સાધક ઋષિઓના આશ્રમોમાં રહ્યા. આમ વનવાસનો દશકો પૂર્ણ થયો. ત્યાર બાદ અગસ્તિ ઋષિના માર્ગદર્શનથી તેઓ પવિત્ર ગોદાવરીના તટે પંચવટીમાં આવ્યા અને અહીં રહેવા લાગ્યા. આ પંચવટીની ભૂમિએ પ્રભુ રામની અનેક લીલાઓ જોઈ છે. આ જ ધરતી પર રાવણની બહેન શૂર્પણખાનું નાક કાપવાની ઘટના બની છે. તો ખર, દૂષણ, ત્રિશિરા જેવા ૧૪,૦૦૦ રાક્ષસોને પણ રામે અહીં જ ખતમ કર્યા છે. મારીચ સાથેનું યુદ્ધ, સીતાના અપહરણનું પણ પંચવટી સાક્ષી રહ્યું છે.

સો, તીર્થાટન પ્રેમીઓ આમ નાશિક અને રામજીનું કનેક્શન બહુ ગાઢ છે. એક સમયે મૌર્ય, સાતવાહન, અભિરા, ત્રિકુટક, વિષ્ણુકુંડિ, કલચુરી, ચાલુક્ય, રાષ્ટ્રકુટ, યાદવ, મોગલ, મરાઠા, રાજવંશોને આધીન રહેલી આ ઐતિહાસિક નગરી રામાયણ કાળથી અસ્તિત્વમાં છે, જીવંત છે.

નાશિક કેવી રીતે જવું? ક્યા રહેવું? શું ખાવું? એ વિશે કહેવાને બદલે આપણે એ જાણીએ કે નાશિકે સ્વાતંત્ર્ય સંગ્રામ તેમ જ અસ્પૃશ્યતા નિવારણ સામે પણ ખૂબ મોટો જંગ લડ્યો છે. ૧૯૦૯માં ૧૭ વર્ષના લવર મૂછિયા યુવાન અનંત કાન્હેરેએ બ્રિટિશ કલેક્ટરની ગોળી મારી હત્યા કરી અને હસતાં-હસતાં ફાંસીના માંચડે ચડી ગયો. તો ભારતના બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરે ૧૯૩૦માં કાલારામ મંદિરમાં દલિતોના પ્રવેશ માટે સત્યાગ્રહ શરૂ કર્યો અને લાંબા વિરોધ-પ્રદર્શન બાદ દલિતોને દર્શનની અનુમતિ અપાવી. સવારે ૭થી રાત્રે ૧૦ વાગ્યા સુધી ખુલ્લા રહેતા આ મંદિરમાં ત્રણ આરતી તેમ જ કીર્તન, પૂજા અર્ચના થાય છે. તો રામ લલ્લાના જન્મદિવસ નિમિત્તે અહીં ચૈત્ર સુદ એકમથી પૂનમ સુધી વિવિધ ઉત્સવો મનાવાય છે જેમાં પાલખીયાત્રા તેમ જ ભંડારામાં હજારો ભક્તો સહભાગી થાય છે. ઉપરાંત દશેરા, શરદ પૂર્ણિમા, દિવાળી જેવા તહેવારોમાં પણ અહીં ભારે ધામધૂમ હોય છે.

અમદાવાદના કાલારામજીનાં દર્શન કર્યાં છે?
૭૦૦ વર્ષ પૂર્વે કર્ણાવતીના હાર્દ કાળુપુરની હાજા પટેલની પોળમાં આવેલું કાલારામ મંદિર અદ્વિતીય છે. હવે હેરિટેજ વૉકનો હિસ્સો બનેલા આ દેવળમાં કસોટીના પથ્થરમાંથી રામ-લક્ષ્મણની મૂર્તિ બની છે, જેમાં રામ બેઠેલી મુદ્રામાં છે અને તેમના જમણો હાથ લડ્ડુ ગોપાલ જેવી શૈલીમાં છે; જ્યારે લક્ષ્મણ વિઠોબા સ્વરૂપે બે હાથ કમર પર રાખીને ઊભા છે. ધવલ પથ્થરમાંથી નિર્મિત સીતા માતા પતિની ડાબી બાજુએ ઊભાં છે. પેશ્વા પિરિયડમાં નિર્મિત આ મંદિરમાં પુષ્ટિમાર્ગીય પરંપરા પ્રમાણે પૂજા-અર્ચના થાય છે. પાંચ આરતી, ભોગ સહિત અહીં પ્રભુ શ્યામ સુંદરની જેમ ચોપાટ પણ ખેલે છે. હવેલી જેવા મકાનમાં આવેલા આ મંદિરની પ્રતિમાઓ પણ સ્વયંભૂ હોવાનું કહેવાય છે.

Whatsapp-channel Whatsapp-channel

28 December, 2023 09:57 AM IST | Nashik | Alpa Nirmal

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK