Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > વર્તમાન અને ભવિષ્ય બન્ને આપણા હાથમાં છે, નક્કી પણ આપણે જ કરવાનું છે

વર્તમાન અને ભવિષ્ય બન્ને આપણા હાથમાં છે, નક્કી પણ આપણે જ કરવાનું છે

Published : 02 September, 2026 12:30 PM | Modified : 02 September, 2026 03:38 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કબૂતર જીવતું છે કે મરેલું એનો નિર્ણય જ્યોતિષીએ નહીં, પરંતુ તેને હાથમાં પકડનાર વ્યક્તિએ કરવાનો હતો. આ પ્રેરણાદાયી વાર્તા સમજાવે છે કે જીવનની પ્રગતિ અને સંબંધોનું ભવિષ્ય પણ આપણા પોતાના નિર્ણયો પર આધારિત છે.

મોરારી બાપુ (સૌજન્ય : મિડ-ડે )

સત્સંગ

મોરારી બાપુ (સૌજન્ય : મિડ-ડે )


એક જૂની વાર્તા છે. કદાચ તમે સાંભળી હશે. 
કહેવાય છે કે એક મોટા જ્યોતિષી હતા. તેમની ભવિષ્યવાણી ક્યારેય ખોટી નહોતી પડતી. તે જે ભવિષ્યવાણી કરતા એ યોગ્ય સમયે સાચી જ ઠરતી. સમગ્ર સંસારમાં તે જાણીતા થઈ ગયા. સ્વાભાવિક છે કે કોઈ વધારે પ્રતિષ્ઠિત થાય તો ઘણા લોકો અકારણ ઈર્ષ્યા કરવા લાગે. તેમનું ક્ષેત્ર ન હોય તો પણ લોકો ઈર્ષ્યા કરે. આ તો વિશ્વવિખ્યાત જ્યોતિષી હતા. બે મિત્રોને થયું કે તેઓ એવું કંઈક કરે કે જ્યોતિષીની ભવિષ્યવાણી એક વાર પણ ખોટી પડે અને તેમની પ્રતિષ્ઠા ઘટી જાય, તેમની ખ્યાતિ ઘટે.
સફેદ કપડામાં એક નાનકડો કાળો ડાઘ લોકોની નજરમાં ચડવા પૂરતો છે. બન્ને મિત્રોએ બનાવી યોજના અને પછી તેઓ જ્યોતિષી પાસે પહોંચ્યા. 
શિયાળાના દિવસો હતા. બન્નેએ શાલ ઓઢી હતી. એક જીવતું કબૂતર પોતાની શાલમાં પકડ્યું હતું. બીજો મિત્ર સાથે ચાલતો હતો. તેમણે એવી યોજના કરી હતી કે જ્યોતિષીને પૂછવું કે તેમની પાસે જે કબૂતર છે એ જીવતું છે કે મરેલું? 
જો જ્યોતિષી કહે કે જીવતું છે તો ગળું ઘોંટીને મારી નાખવું અને બહાર કાઢીને બતાવવું કે જુઓ, મરી ગયું છે, તમારી ભવિષ્યવાણી ખોટી! જો જ્યોતિષી કહે કે મરી ગયું છે તો શાલમાંથી બહાર કાઢીને ઉડાડી દેવું અને કહેવું કે તમારી ભવિષ્યવાણી ખોટી છે.
બન્નેએ ખૂબ ચાલાકીભરી યોજના તૈયાર કરી હતી. જ્યોતિષી ખૂબ સરળ હતા. આવકાર આપ્યો અને બોલ્યા, ‘આવો, આવો... બેસો.’ 
પહેલો મિત્ર બોલ્યો, ‘અમે સાંભળ્યું છે કે આપ મોટા ભવિષ્યવેત્તા છો. આપની ભવિષ્યવાણી ક્યારેય ખોટી નથી પડતી એટલે અમે આવ્યા છીએ. તો કહો કે મારા મિત્રના હાથમાં જે કબૂતર છે એ જીવતું છે કે મરેલું?’
જ્યોતિષીએ બહુ અદ્ભુત જવાબ આવ્યો, ‘એ જીવતું છે કે મરેલું એ તો તમારા હાથમાં છે, કારણ કે તું મારવા ઇચ્છીશ તો એ મરી જશે, તું એને જીવતું રાખવા માગીશ તો જીવતું રહેશે કારણ કે તું કર્તા બનવા માગે છે.’
આ જે વાર્તા છે એ વાર્તા અનેક રીતે જીવનમાં લાગુ પડે છે. જીવનની પ્રગતિની ચાવી પણ આપણા હાથમાં હોય છે અને જીવનના સંબંધોની ચાવી પણ આપણા હાથમાં હોય છે. ગરદન મરડી તો સંબંધો ખતમ, ગરદન મૂકી દીધી તો સંબંધોનો જીવ બચી ગયો. બસ, નક્કી આપણે કરવાનું કે આયુષ્ય આપીને એ સંબંધને આગળ વધારવો છે અને સંબંધોમાં પ્રગતિ લાવવી છે કે પછી સંબંધોનું ‘રામ બોલો ભાઈ રામ કરી’ નાખવું છે.


Whatsapp-channel Whatsapp-channel

02 September, 2026 03:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK