Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સેક્સ એન્ડ રિલેશનશિપ > આર્ટિકલ્સ > આખો દિવસ બાળકો સાથે ન રહી શકતા હો તો ચિંતા ન કરો

આખો દિવસ બાળકો સાથે ન રહી શકતા હો તો ચિંતા ન કરો

Published : 11 June, 2026 02:24 PM | IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

આખો દિવસ બાળકો સાથે ન રહી શકતા હો તો ચિંતા ન કરો : આ ૧૦-૧૦-૧૦નો મૅજિકલ રૂલ અપનાવો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઑફિસની ડેડલાઇન્સ અને ઘરની જવાબદારીઓ વચ્ચે પિસાતા પેરન્ટ્સ હંમેશાં એક ગિલ્ટ સાથે જીવે છે કે તેઓ બાળકને સમય નથી આપી શકતા; પરંતુ બાળકને તમારા ૨૪ કલાક નથી જોઈતા, તમે તેને કોઈ પણ જાતના ડિસ્ટ્રેક્શન વગર રોજ ફક્ત ૩૦ મિનિટ પણ આપશો તો એ ઇમોશનલી સુપર સ્ટ્રૉન્ગ બની શકે છે

મુંબઈની અર્લી ચાઇલ્ડહુડ અસોસિએશનનાં પ્રેસિડન્ટ ડૉ. સ્વાતિ પોપટ વત્સે એક પોડકાસ્ટમાં પેરન્ટિંગના ૧૦ મિનિટ-રૂલને લઈને વાત કરતાં કહ્યું હતું, ‘૧૦ મિનિટ જ્યારે બાળક સવારે જાગે ત્યારે તેની સાથે વિતાવો, ૧૦ મિનિટ જ્યારે બાળક રાત્રે સૂવા જાય ત્યારે તેની સાથે વિતાવો અને દિવસ દરમ્યાન બીજી ૧૦ મિનિટ જ્યારે તે સ્કૂલેથી પાછું આવે અથવા તેને તમારી સૌથી વધુ જરૂર હોય ત્યારે તેની સાથે વિતાવો. જો તમે દિવસની આ ૩૦ મિનિટ માટે કોઈ પણ પ્રકારના ડિસ્ટ્રેક્શન વગર, બાળકની આંખોમાં આંખો પરોવીને અને તેની સાથે દિલથી કનેક્ટ થઈને વિતાવશો તો તમારું બાળક ભાવનાત્મક રીતે ખૂબ જ મજબૂત બનશે.’



આજની ફાસ્ટ અને બિઝી લાઇફસ્ટાઇલમાં બંને પેરન્ટ્સ વર્કિંગ હોય છે. એમને સંતાનો સાથે એટલો ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરવાનો સમય મળતો નથી. ઘણા પેરન્ટ્સને એને લઈને ગિલ્ટ પણ રહેતું હોય છે કે તેઓ તેમનાં સંતાનોને સમય આપી શકતા નથી. જોકે, ઘણી વાર કેટલો સમય આપો છો તેના કરતાં તમે જે સમય આપો એ ૧૦૦ પર્સન્ટ તેના માટે જ હોય એના પર ધ્યાન આપવું વધારે મહત્ત્વનું છે. બાળકો સાથે શૉર્ટ પણ ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કઈ રીતે થઈ શકે? એ સમયમાં તમારા અને બાળક વચ્ચે કોઈ ડિસ્ટ્રેક્શન ન હોય એનું ધ્યાન રાખવું કેમ જરૂરી છે? કઈ રીતે આ નાની એવી બાબત બાળકને ભાવનાત્મક રીતે મજબૂત બનાવવામાં મોટી ભૂમિકા ભજવે છે? આ વિશે આપણે ડૉ. સ્વાતિ પોપટ વત્સ પાસેથી જ જાણીએ.


કઈ રીતે અપ્લાય કરશો રૂલ?

તમારું બાળક સવારે ઊઠે ત્યારે તેને વહાલ કરો. એને ગાલ પર પપ્પી આપો, હગ કરો, પ્રેમથી માથામાં હાથ ફેરવો. પણ આપણે શું કરીએ? બાળક ઊઠે ત્યાંથી જ તેને બધી વસ્તુમાં જલદી જલદી કરાવીએ છીએ. ચાલ જલદીથી બ્રશ કરી લે, ફટાફટ બ્રેકફાસ્ટ કરી લે, બૅગ પૅક કરી લે, કપડાં ચેન્જ કરી લે. વધારે નખરાં નહીં કર. તારું કામ ફટાફટ પતાવ. સ્કૂલ બસ મિસ થઈ જશે. આમ કરીને પેરન્ટ્સ તેમના બાળકોના દિવસની શરૂઆત જ સ્ટ્રેસથી કરે છે. એના બદલે જો તમે દસ મિનિટ આપીને બાળકને વહાલ કરીને ઉઠાડશો તો તેનો આખો દિવસ સરસ જશે. એ સ્કૂલમાં પણ સારી રીતે ફોકસ કરી શકશે.


એવી જ રીતે રાત્રે સૂતાં પહેલાં બાળકોને દસ મિનિટ આપીને વાર્તા સંભળાવો અને તેની પણ વાતો સાંભળો. આપણે તો એવી પેઢી છીએ જે હાલરડું સાંભળીને મોટી થઈ છે, પણ હવે તો આપણે સીધું એલેક્સાને કહી દઈએ છીએ. આવું ન હોવું જોઈએ. બાળકને એ કૃત્રિમ અવાજ નથી સાંભળવો. તેને તમારા અવાજની હૂંફ જોઈએ છે. બાળકો સાથે વાત પણ એવી કરો જે તેને સારું ફીલ કરાવે. એવી બધી વાતો ન કરો કે આજે તેં આ કેમ ન કર્યું કે તે કેમ ન કર્યું. દિવસ પૂરો થઈ રહ્યો છે એટલે બાળકને શાંત કરો, જેથી તે ગાઢ નિદ્રામાં સૂઈ શકે. તમારે એનો સ્ટ્રેસ નથી વધારવાનો.

એ સિવાય દિવસ દરમ્યાનની એ ૧૦ મિનિટ ત્યારે આપો જ્યારે તમારું બાળક ઇમોશનલી એકલું કે અપસેટ અનુભવતું હોય. તમે ઑફિસના ગમે એટલા મહત્ત્વના કામમાં વ્યસ્ત હો, પણ જો બાળક મૂડમાં ન હોય તો બધું બાજુ પર મૂકીને તેને એ થોડો સમય આપો. ઘણા વર્કિંગ પેરન્ટ્સનાં બાળકો ડે-કૅરમાં મોટાં થતાં હોય છે. એવા સમયે ડે-કૅરના સંચાલકોને પહેલેથી જ સ્પષ્ટ ઇન્સ્ટ્રક્શન આપીને રાખો કે, જ્યારે પણ મારું બાળક રડે, અપસેટ થાય કે મૂડલેસ હોય, ત્યારે મને તરત જ ફોન કરો. તમારી ગમે તેવી બિઝી ઑફિસ-લાઇફ વચ્ચેથી કાઢેલી માત્ર પાંચ-દસ મિનિટની એ ફોન કૉલની વાત પણ બાળક માટે મૅજિકલ ટૉનિકનું કામ કરશે. તમારો અવાજ સાંભળતાં જ બાળકની બધી ચિંતા ગાયબ થઈ જશે અને બધું જ સરખું થઈ જશે.

આનો ફાયદો શું થાય?

જ્યારે પેરન્ટ તરીકે તમે બધું જ કામ બાજુ પર મૂકીને બાળકને પોતાનું પૂરું અટેન્શન આપો છો, ત્યારે એનાથી બાળકની સેલ્ફ-એસ્ટીમ વધે છે. તેને અંદરથી એવો અહેસાસ થાય છે કે, હું પણ મહત્ત્વનો છું, મારું પણ કોઈ અસ્તિત્વ છે અને મારા પેરન્ટ્સ મને ખૂબ પ્રેમ કરે છે. જ્યારે કોઈ તેમની સામે જુએ છે અને તેમની વાતને પૂરા આદર સાથે સાંભળે છે, ત્યારે બાળકના મગજમાં ડોપમાઇન નામનું હૅપી કેમિકલ રિલીઝ થાય છે, જે તેના માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ સારું છે. દુનિયાના કોઈ પણ બાળક માટે સૌથી મહત્ત્વની લાગણી એ છે કે ગમે તેવી પરિસ્થિતિ હશે, મારા પેરન્ટ્સ હંમેશાં મારા માટે હાજર છે. જ્યારે તમે તેને આવું અટેન્શન આપો છો, ત્યારે તમે તેને અંદરથી ઇમોશનલી સુપર સ્ટ્રૉન્ગ બનાવી રહ્યા હોવ છો. તેના મનમાં એવો પાકો ભરોસો બેસી જાય છે કે જ્યારે પણ મારું મન ઉદાસ હશે, હું અપસેટ હોઈશ, ત્યારે હું દોડીને મારા પેરન્ટ્સ પાસે જઈ શકીશ અને તેમને હગ કરી શકીશ. જ્યારે બાળકને ખબર હોય છે કે તેની પીઠ પાછળ તેની દરેક નાની-મોટી લાગણીઓને સાંભળનાર અને સ્વીકારનાર એક મજબૂત હાથ હાજર છે, ત્યારે તે બહારની દુનિયામાં પગ મૂકતાં ડરતું નથી. હોમવર્કના માર્ક્સ ઓછા આવે, કોઈ મિત્ર સાથે ઝઘડો થાય કે કોઈ નવી સ્પર્ધામાં હાર મળે એ વખતે તેની પાસે ઘરે એક સેફ સ્પેસ હોય તો તે માનસિક રીતે ભાંગી પડતું નથી. પેરન્ટ્સ સાથેનો આ એક જ મજબૂત સંબંધ તેને અંદરથી એટલો સક્ષમ બનાવે છે કે તે જિંદગીના દરેક પડકાર સામે હસતા મોઢે લડી શકે છે. પેરન્ટિંગ એ બાળકને માત્ર સુખ-સુવિધાઓ આપવી નથી, પણ તેને આ પ્રકારનું એક માનસિક સુરક્ષા કવચ પૂરું પાડવું છે.

બાળકની લાગણીઓ સમજો

જ્યારે બાળક નાનું હોય ત્યારે તે બોલીને પોતાની લાગણીઓ વ્યક્ત નથી કરી શકતું. તેને જ્યારે તમારા ભાવનાત્મક સાથ કે અટેન્શનની જરૂર હોય છે, ત્યારે તેના વર્તનમાં એક ખાસ પ્રકારનું ચિડચિડાપણું આવી જાય છે. તે કારણ વગર કિચકિચ કરશે, તમારી આજુબાજુ વીંટળાયા કરશે, તમને વળગી રહેશે અથવા તમે જ્યારે ઑફિસનું કે ઘરનું કોઈ બહુ મહત્ત્વનું કામ કરી રહ્યા હોવ ત્યારે વચ્ચે આવીને તમને ડિસ્ટર્બ કરશે, તમારા કામમાં ખલેલ પહોંચાડશે. આ કોઈ બાળકની તોફાન કરવાની આદત નથી, પણ એ સંકેતો છે કે બાળક તમારી સાથે દિલથી કનેક્ટ થવા ઇચ્છી રહ્યું છે. ઘણા વર્કિંગ પેરન્ટ્સ એવા ભ્રમમાં રહે છે કે બાળકના આવા વર્તન વખતે તેમણે પોતાનું અત્યંત જરૂરી કામ અધવચ્ચે છોડીને લાંબો સમય ઇન્વેસ્ટ કરવો પડશે, પણ વાસ્તવમાં એવું બિલકુલ નથી. એ નાજુક ક્ષણે બાળકને કલાકો નથી જોઈતા. ઘણી વાર માત્ર કામમાંથી એક સેકન્ડનો બ્રેક લઈને બાળકની આંખોમાં આંખો પરોવીને પ્રેમથી એટલું કહી દેવું પણ પૂરતું છે કે, હા બેટા, હું અહીં જ છું, તારા માટે જ છું.  બસ, તેમને આટલો જ સ્વીકાર જોઈતો હોય છે. બાળકો વાસ્તવમાં તેમના પેરન્ટ્સને એક બૅટરી ચાર્જર તરીકે જુએ છે. જ્યારે પણ રમતાં-રમતાં કે દિવસ દરમ્યાન તેમની ઇમોશનલ બૅટરી લો થવા લાગે છે, ત્યારે તેઓ દોડીને તમારી પાસે આવે છે, તમને ગળે વળગે છે અથવા કામની વચ્ચે આવીને હેરાન કરે છે, કારણ કે તેમને તમારા તરફથી એ એક જાદુઈ કનેક્શન અથવા એક નાનકડો ચાર્જ જોઈતો હોય છે. એ ચાર્જ એટલે તમારો એ અહેસાસ કે, હું તને બહુ પ્રેમ કરું છું અને હું તારી સાથે જ છું. આ અહેસાસ કરાવવા માટે કોઈ મોટી મહેનતની જરૂર નથી, કામ કરતાં કરતાં પણ તમે તેની સામે જોઈને આપેલું એક નાનકડું વહાલભર્યું સ્મિત અથવા એક પ્રેમભરી નજર પણ બાળકની ઇમોશનલ બૅટરીને ફુલ ચાર્જ કરવા માટે પૂરતી છે.

બાળક સાથે સંવાદ કરવો પણ એક કળા છે

મોટા ભાગે જ્યારે બાળક સ્કૂલેથી કે ડે-કૅરમાંથી પાછું આવે છે, ત્યારે પેરન્ટ્સ ઉત્સાહમાં આવીને તેના પર સવાલોનો મારો ચલાવે છે આજે સ્કૂલમાં શું થયું? કોણે શું કહ્યું? તેં નાસ્તો પૂરો કર્યો કે નહીં? પરિણામે થાકેલું બાળક કંટાળીને કાં તો કંઈ નહીં કહે અથવા તો મને યાદ નથી એમ કહીને વાત ટાળી દે છે. આપણે અજાણતાં જ આ ૧૦ મિનિટને એક સુંદર સંવાદ બનાવવાને બદલે ઇન્ટ્રોગેશનનો સમય બનાવી દઈએ છીએ. જો તમે ઇચ્છો છો કે બાળક તેની વાતો તમારી સાથે સામેથી શૅર કરે તો તેની ચાવી એ છે કે પહેલાં તમે તમારા દિવસની વાતોથી શરૂઆત કરો. બાળક સ્કૂલેથી આવે ત્યારે તેને સવાલ પૂછવાને બદલે પ્રેમથી કહો, ખબર છે બેટા, આજે મને ઑફિસ પહોંચવામાં બહુ ટ્રાફિક નડ્યો અને હું મોડો પહોંચ્યો, તને સ્કૂલ જતી વખતે ટ્રાફિક મળ્યો હતો? અથવા આજે લંચ-ટાઇમમાં મેં જ્યારે મારો ડબ્બો ખોલ્યો ને ત્યારે મને જરાય ખાવાનું મન નહોતું થતું. જ્યારે તમે આ રીતે તમારાં સુખ-દુઃખ કે દિવસના નાના-મોટા અનુભવો બાળકની સામે મૂકશો, ત્યારે બાળકને અંદરથી એક સહજ પ્રેરણા મળશે અને જોતજોતાંમાં તમારા બંને વચ્ચે એક સહજ વાતચીત શરૂ થઈ જશે જ્યાં તમારે એક પણ પ્રશ્ન પૂછવાની જરૂર નહીં પડે. આ ૧૦ મિનિટમાં હંમેશાં બોલવું જ જરૂરી નથી. ક્યારેક તમે પોતે પહેલાં ન બોલો. બસ બાળકની બાજુમાં શાંતિથી બેસો અને તે જે કહે તેમાં માત્ર હંમ.. કે હા કહીને પૉઝિટિવ રિસ્પૉન્સ આપો. જ્યારે બાળકને તમારી હાજરીમાં એ સેફ સ્પેસ મળશે ત્યારે તે પોતે જ એક બેસ્ટ ફ્રેન્ડની જેમ પોતાની બધી વાતો તમારી સામે ઠાલવી દેશે. જેમ આપણે બેસ્ટ ફ્રેન્ડને મળીએ ત્યારે પહેલાંથી કોઈ સવાલોનું લિસ્ટ તૈયાર નથી રાખતા, બસ એવી જ સહજતા અને કમ્ફર્ટ લેવલ તમારા અને બાળકના સંબંધમાં હોવું જોઈએ.

Whatsapp-channel Whatsapp-channel

11 June, 2026 02:24 PM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK